કંઈ પણ ભાડે આપો કે લઈ જાઓ ‘રેન્ટ 2 કેશ’ પાસેથી

કંઈ પણ ભાડે આપો કે લઈ જાઓ ‘રેન્ટ 2 કેશ’ પાસેથી

Friday November 06, 2015,

3 min Read

વર્ષ 2015માં શરૂ થઈ 'રેન્ટ 2 કેશ' વેબસાઈટ

'રેન્ટ 2 કેશ'ની ટીમમાં 24 સભ્યો છે

ભાડે મળે છે 80 પ્રકારના ઉત્પાદનો અને સેવાઓ

આ એક એવી વેબસાઈટ છે જ્યાં તમે પોતાની આવડતથી માંડીને મકાન સુધીની તમામ વસ્તુઓ ભાડે આપી શકો છો અથવા તો લઈ શકો છો, અને આ વેબસાઈટનું નામ છે 'રેન્ટ ટુ કેશ'. વર્ષ 2015માં શરૂ થયેલી આ વેબસાઈટના સ્થાપક છે બાંકે બિહારી અને અનુજ ઝા. તેમણે આ વેબસાઈટ છત્તીસગઢની રાજધાની રાયપુરથી તેની શરૂઆત કરી હતી. આજે વેબસાઈટ દ્વારા લોકો ગમે તે વસ્તુ ભાડે લઈ શકે છે અને આપી પણ શકે છે.

image


રેન્ટ ટુ કેશના સહ સ્થાપક બાંકે બિહારી જણાવે છે,

"હું ઓડિશાનો રહેવાસી છું પણ કેટલાક સમયથી વ્યવસાય માટે પરિવાર સાથે રાયપુર આવી ગયો છું. અહીં આવીને મેં રહેવા માટે ઘરની તપાસ કરી તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મેં જોયું કે મકાન અપાવનારા દલાલો એક મહિનાના ભાડા જેટલી દલાલી લેતા હોય છે. મકાન આપનાર પણ પંદર દિવસનું કમિશન ખાતા હતા."

બાંકે બિહારી વધુમાં જણાવે છે, "ઘણી વખત જે લોકો પોતાનું ઘર ભાડે આપવા માગતા હોય તે તેને મોટાભાગે ખાલી રાખતા પણ બ્રોકરો સાથેની લડાઈમાં તે કોઈને યોગ્ય રીતે ઘર બતાવી શકતા જ નહોતા. તેમણે જોયું કે સમગ્ર બજાર દલાલોના જ હાથમાં છે. ભાડે મકાન લેવાની સાથે સાથે જરૂર પડ્યે ઈલેક્ટ્રિશિયન, પ્લંબર જેવા કારીગરો શોધવામાં પણ સમસ્યા થતી હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે, તેમના જેવા ઘણા લોકો હશે જેમને આવી સમસ્યાનો સામનો કરવો પડતો હશે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે રેન્ટલ વેબસાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું."

image


બાંકે બિહારી રેન્ટલ વેબસાઈટ શરૂ કરવા માગતા હતા પણ તેઓ એ નહોતા જાણતા કે વેબસાઈટ કેવી રીતે શરૂ કરવી. તે સમયે તેમની મુલાકાત અનુજ ઝા સાથે થઈ. તે રેન્ટ ટુ કેશના સહસ્થાપક અને સોશિયલ માર્કેટિંગના જાણકાર છે. આ કામ શરૂ કરતા પહેલાં તેમણે પણ પોતાના કામ માટે દિલ્હી, ગાઝિયાબાદ, પુણે વગેરે શહેરોમાં રહેવું પડ્યું હતું જ્યાં તેમણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે બંનેએ નક્કી કર્યું કે, કંઈક નવું કરવું છે. ત્યારપછી બંનેએ ભેગા મળી રેન્ટ ટુ કેશ શરૂ કરી. આજે આ વેબસાઈટ પર મકાનથી માંડીને મોટરસાઈકલ, સાઈકલ, ટીવી, ફ્રીજ, એસી, ફર્નિચર, વોશિગ મશીન ઉપરાંત ડ્રાઈવર પણ ભાડે મળે છે. એટલું જ નહીં મેહંદી આર્ટિસ્ટ, કૂક, સિંગર, ડાન્સર બધું જ રેન્ટ ટુ કેશ વેબસાઈટ પર મળી જાય છે. રેન્ટ ટુ કેશના સહસ્થાપક અનુજ ઝા જણાવે છે, "આ વેબસાઈટ હેઠળ 80 વસ્તુઓ અને સેવાઓને ભાડે આપી શકાય છે કે મેળવી શકાય છે. ખાસ વાત એ છે કે આ વેબસાઈટ મફતમાં ક્લાસિફાઈડ જાહેરાત લે છે. આ પ્રક્રિયામાં કોઈ એજન્ટની કોઈ જ ભૂમિકા નથી હોતી."

image


રેન્ટ ટુ કેશ વેબસાઈટની શરૂઆત 2015માં 6 લોકોની નાનકડી ટીમ સાથે થઈ હતી. આજે આ ટીમમાં 24 સભ્યો છે. રેન્ટ ટુ કેશના સહસ્થાપક અનુજ ઝા જણાવે છે કે, દરરોજ આ વેબસાઈટની 500 લોકો મુલાકાત લે છે અને અમે સંખ્યામાં વધારો કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેના માટે અમે ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ. તેમનું કહેવું છે કે, હાલમાં તેમનું ધ્યાન વધુ રોકાણ પર નથી છતાં આવક વધશે તો સુવિધા વધારવા રોકાણ કરશે. તે ઉપરાંત, તેઓ પોતાનું વધારે ધ્યાન ટાયર-1 અને ટાયર-2 શહેરો જેવા દિલ્હી એનસીઆર, લખનઉ, પટના, ભોપાલ, બેંગલુરુ જેવા શહેરો પર કરવા માગે છે. તેમનું કહેવું છે કે, હાલમાં તેમની આવક દર મહિને 30 થી 40 ટકા વધી રહી છે અને તે માત્ર જાહેરાતનું પરિણામ છે. અનુજના જણાવ્યા મુજબ આ દેશની પહેલી રેન્ટલ વેબસાઈટ છે જ્યાં સેવાઓ આપનાર અને લેનાર પાસેથી કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. હાલમાં કંપની પોતાના એન્ડ્રોઈડ વર્ઝનની એપ પર કામ કરી રહી છે જ્યારે આઈઓએસ વર્ઝન આગામી છ મહિનાની અંદર બજારમાં આવશે.