એક એવા શિક્ષક જેણે વિદ્યાર્થીઓના સારા ભણતર માટે પોતાના ઘરેણાં વેચી દીધા!

0

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે બાળકોના ભણતર માટે માતાએ પોતાના ઘરેણાં વેચી દીધા પરંતુ ભાગ્યે જ એવા કોઈ શિક્ષક વિષે સાંભળ્યું હશે કે જે પોતાના વિદ્યાર્થીઓના સારા ભણતર માટે પોતાના ઘરેણાં વેચી દે! આવો, આપણે મળીએ, તમિલનાડુના વિલ્લુપુરમના એક શિક્ષકને કે જેમના સપના તેમની જરૂરિયાતો કરતા પણ મોટા છે. તેમનું સપનું છે વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપવાનું, સપનું વિદ્યાર્થીઓના એક સુંદર અને શિક્ષિત ભવિષ્યનું...

તામિલનાડુના વિલ્લુપુરમની સરકારી સ્કૂલ એક એવા શિક્ષકથી રૂબરૂ કરાવે છે જેમણે વિદ્યાર્થીઓના ગુણવત્તાસભર શિક્ષણ માટે પોતાની તમામ કમાણી સમર્પિત કરી દીધી અને પોતાના ઘરેણાં વેચીને એક સરકારી સ્કૂલને એક અનોખી સ્કૂલમાં ફેરવી દીધી. દુનિયાભરના તમામ શિક્ષકો સમક્ષ તેમણે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

રંગીન અને આકર્ષક ફર્નિચર, ઈન્ટરેક્ટિવ સ્માર્ટબોર્ડ અને ઘણાં બધાં રોમાંચક પુસ્તકોની સાથે એ વિશ્વાસ કરવો મુશ્કેલ બને કે આ એક સરકારી સ્કૂલ છે. કોઈ પણ ગ્રામીણ કક્ષાની સ્કૂલ્સની સફળતાઓને ધ્યાનમાં રાખીને, તામિલનાડુના શિક્ષક અન્નપૂર્ણા મોહને સ્કૂલમાં રહેલી ઉણપ અને ખામીઓની નક્કામી ચર્ચાઓ કર્યા વગર સ્કૂલને સુધારવામાં સક્રિય યોગદાન આપવાનું નક્કી કર્યું. ટીએનએમના એક રિપોર્ટમાં તેમણે કહ્યું,

"મેં મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવા માટે એક સુંદર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણાં વિદ્યાર્થીઓ સમજી નહતા શકતા પરંતુ સમયની સાથે તેમણે જવાબ આપવાની શરૂ કરી દીધું." 

અન્નપૂર્ણા પંચાયત સંઘ પ્રાથમિક સ્કૂલ (PUPS)માં એક ઇંગ્લિશ ટીચર છે. સ્કૂલની ભલાઈ અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અન્નપૂર્ણા મોહને સૌપ્રથમ બાળકોના ઉચ્ચારણ, વ્યાકરણ અને ભાષા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓ આ અંગે કહે છે,

"તામિલનાડુમાં આ પદ્ધતિનો ઉપયોગ નથી કરાતો અને બાળકોને માત્ર પોપટને જેમ ગોખીને અંગ્રેજી શીખવવામાં આવે છે. અંગ્રેજી વિષયનો પાયો મજબૂત નથી કરાતો જેના કારણે વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો ડર ઉભો થાય છે. ફોનેટિક આધારના માધ્યમથી મેં તેમને અવાજ દ્વારા અંગ્રેજી શીખવ્યું જેથી તેમને અંગ્રેજીના જટિલ શબ્દો શીખવામાં સરળતા રહે." 

અન્નપૂર્ણા ફેસબુક પર પોતાના અને અન્ય વિદ્યાર્થીઓના અંગ્રેજી બોલતા વિડીયો અપલોડ કરતા રહે છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ સારું પ્રદર્શન કરાતા અને વિદ્યાર્થીઓના જીવનમાં સુખદ બદલાવ લાવવા પ્રત્યેની રૂચિના કારણે તેઓ ખાસ્સી ચર્ચામાં આવી ગયા છે. આ સકારાત્મક પરિણામ તેમજ પ્રયાસ અંગે વાત કરતા અન્નપૂર્ણા કહે છે,

"હું કોઈના પર બોજો નાખવા નહતી માગતી અને એટલે મેં જાતે જ આ નિર્ણય કર્યો. મારા વિચાર અને નિર્ણયને જાતે જ અમલમાં મૂકવાના કારણે હું ખૂબ સારી રીતે આ કામ પાર પાડી શકી. હું જાતે જ આ કામ કરવા ઈચ્છતી હતી, જો કોઈ અન્ય પર નિર્ભર રહેતી તો ક્યારેય કરી ન શકતી."

વિલ્લુપુરમ જિલ્લાના વિદ્યાલયો અને વિદ્યાર્થીઓમાં આ શિક્ષક ખૂબ જ લોકપ્રિય છે. આ શિક્ષકના વિચારો અને યોગદાનની વાતો મીડિયામાં આવતા હવે ફંડ પણ આવવા લાગ્યું છે. વધુમાં અન્નપૂર્ણા કહે છે,

"સરકારી સ્કૂલ્સમાં શિક્ષણનું સ્તર ખાનગી સ્કૂલ્સ જેટલું સારું નથી હોતું. ખાનગી સ્કૂલ્સમાં માતા-પિતા તેમના બાળકોના શિક્ષણ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે જે વાસ્તવિકપણે તેમના બાળકોને મફતમાં મળવું જોઈએ. થોડા પ્રયાસોથી સરકારી સ્કૂલ પણ તેવા પરિવારો અને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે છે જેઓ ખાનગી સ્કૂલ્સની ફી નથી આપી શકતા."

Live Mintના એક રિપોર્ટ અનુસાર, માધ્યમિક વિદ્યાલયોની તુલનામાં ખાનગી શાળાઓની સંખ્યા પાંચ ગણી છે. રાજ્ય સ્તર પર આ વિસંગતતા વધુ કઠોર બની જાય છે. આ સંદર્ભે સૌથી વધુ વિસંગતતા (13.3:1) રેશિયોની સાથે બિહારમાં જોવા મળે છે જ્યારે કે સૌથી વધુ સંતુલન (1.2:1) ચંડીગઢમાં જોવા મળે છે. 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories