એક કૉલ કરો અને તમારા ઘર-ઓફિસની સફાઈની જવાબદારી સ્વીકારશે ‘બ્રૂમબર્ગ’

0

ગત અઠવાડિયે જ મારો એક મિત્ર લગ્ન કરીને બીજા શહેરમાં રહેવા ગયો. તેણે પોતાની બિમાર માતાને સહાય કરે તેવી કોઈ વ્યક્તિ શોધવા કહ્યું. તેના માટે ઘણો સમય પણ લાગ્યો. વ્હોટ્સએપ દ્વારા ઘરના કામ કરનારાની માહિતી મળી. આ દરમિયાન વિચાર આવ્યો કે કોઈ પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઈડર હોય તો આ કામ વધારે સરળ થઈ જાય. માત્ર એક કૉલ કરો અને મદદ કરનાર આવી જાય.

આવી જ રીતે એક ઘરમાં કટોકટી દરમિયાન 'બ્રૂમબર્ગ'(Broomberg)ની સ્થાપના થઈ. 'બ્રૂમબર્ગ' એક સફાઈ સેવા પૂરી પાડતી કંપની છે. જે તમારા ઘર અને ઓફિસને સાફ રાખવામાં મદદ કરે છે. હરસ્ટોરીએ બ્રૂમબર્ગના સ્થાપક સાથે તેમના આ સ્ટાર્ટઅપ અંગે વાત કરી.

આ કેવી રીતે શરૂ થયું?

સમ્રાટ ગોયલ અને ઈશાન બૈસોયાએ વર્ષ 2013માં બ્રૂમબર્ગની શરૂઆત કરી હતી. તેમની પાસે પ્રશિક્ષિત અને પ્રોફેશનલ્સની એક ટીમ છે જે ઘર અને ઓફિસીસમાં સફાઈનું કામ કરે છે. આ સેવા હેલ્પલાઈન નંબર ડાયલ કરીને અથવા તો ઓનલાઈન બૂકિંગ કરીને મેળવી શકાય છે.

આ વિચાર મુંબઈમાં રહેતા સમ્રાટના ભાઈના ઘરે આગ લાગ્યા પછી આવ્યો. તેમણે ફાયરબ્રિગેડને ફોન કર્યો અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં બધું જ વેરવિખેર અને ફ્લોર પર ચારેતરફ પાણી હતું. આવા મકાનને ફરીથી સાફ કરવું અને રહેવાલાયક બનાવવું ખૂબ જ કપરું હતું. તેમણે ઘણી સફાઈ કંપનીઓને ફોન કર્યા પણ મોટાભાગનાઓએ ના પાડી દીધી. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર દિવાળી દરમિયાન જ આવી સેવા આપે છે. અંતે તેમને એક કંપની મળી. તેમણે બે મજૂર મોકલ્યા પણ તેઓ પ્રોફેશનલ નહોતા અને તેમની પાસે પૂરતા સાધનો પણ નહોતા.

આ ઘટના બાદ સમ્રાટને પ્રોફેશનલ અને કુશળ કર્મચારીઓ દ્વારા સફાઈ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો. તેના લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સહાધ્યાયીએ અમેરિકામાં ઓન કૉલ હેન્ડિમેન સર્વિસિસનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ બાબત તેના માટે પ્રેરણા સમાન હતી અને ઘણા સંશોધન બાદ લોજિસ્ટિક્સને સમજ્યા પછી સમ્રાટ અને ઈશાને આ વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો.

'બ્રૂમબર્ગ'ની શરૂઆત સપ્ટેમ્બર, 2013માં શરૂઆત થઈ અને ડિસેમ્બર, 2013માં અભિયાન શરૂ કરાયા. તેમણે પોતાની અંગત બચત અને પરિવારની મદદથી કુલ 10 લાખના રોકાણ દ્વારા આ સેવા શરૂ કરી.

અવસર

ઈશાનના જણાવ્યા પ્રમાણે તેઓ ઘર અને ઓફિસમાં સાફસફાઈ માટે ભારતીય માઈન્ડસેટને કામે લગાડે છે. તે જણાવે છે, 

"સમયની સાથે સાથે પ્રોફેશનલ સેવાની માગ વધી રહી છે. અમારું મોટાભાગનું બજાર મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગની આવક ધરાવતા પરિવારો, રેસ્ટોરાં તથા મોટા શહેરોમાં આવેલી નાની કચેરીઓ છે."

ડિસેમ્બર 2013માં શરૂઆત કર્યા પછીથી તેમણે 300થી વધુ મકાનો, ઓફિસ, રેસ્ટોરાં અને શોરૂમ્સની સફાઈ કરી છે અને સમ્રાટ જણાવે છે, "લોકોની પ્રતિક્રિયા ઉત્સાહજનક છે. અનેક સંતુષ્ટ ગ્રાહકોએ કંપની સાથે એમએમસી સાઈન કર્યા છે જેમાં હાલ મહિને 20 ટકાનો વધારો થઈ રહ્યો છે."

'બ્રૂમબર્ગ' અનેક પ્રકારની સેવાઓ આપે છે. તેમની સેવામાં 4500 રૂપિયામાં 1 બેડરૂમ હોલ કિચન ધરાવતા ફ્લેટની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. બ્રૂમબર્ગની સેવા હાલમાં દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં છે અને તેઓ હવે આ સેવા અન્ય શહેરોમાં વિસ્તારવાનું વિચારી રહ્યા છે. ઈશાન જણાવે છે કે તેમના ગ્રાહકોમાં કોલેજ સ્ટૂડન્ટ, હાઉસવાઈફ અને પ્રોફેશનલ તમામનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉચ્ચમધ્યમવર્ગ કે જેમની માસિક આવક એક લાખ કરતા વધારે છે તેઓ આવી સેવા લે છે. કેટલાક લોકો જરૂરિયાત પ્રમાણે તેમને બોલાવે છે.

ભવિષ્યની યોજનાઓ

આ ક્ષેત્રમાં નવા અને જૂના સર્વિસ પ્રોવાઈડર કરતા વધારે સારી સેવા આપવા 'બ્રૂમબર્ગ' ઉચ્ચ ગુણવત્તાની સેવા, વ્યવસાયિકતા, પ્રશિક્ષણ અને બ્રાન્ડ નિર્માણની યોજના બનાવી રહ્યા છે. બ્રૂમબર્ગ હાલમાં ગૂગલ અને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન જાહેરાત કરે છે. તે ઓફલાઈન જાહેરાતનો પણ પ્રયોગ કરી રહ્યા છે.

પડકારો અંગે વાત કરતા ઈશાન જણાવે છે, "સફાઈ કર્મચારીનું આયોજન કરવું જ સૌથી મોટો પડકાર છે. અમે આ પડકારનો ઉપાય લાવવા અંગે વિચાર કરી રહ્યા છીએ. અમે કર્મચારીઓ અધવચ્ચેથી છોડીને જતા રહે અથવા રજાઓ રાખે તેવી સ્થિતિનો પણ સામનો કર્યો છે. બીજો પડકાર ગુણવત્તા જાળવી રાખવાનો છે." તેમણે આ માટે ઘણા પ્રબંધકો અને સંરક્ષકોની મદદ લીધી છે જે આ પ્રક્રિયાના માધ્યમથી માર્ગદર્શન આપે છે.

સમ્રાટ જણાવે છે કે લોકોનો પોતાનો વ્યવસાય હોવાના કારણે બ્રૂમબર્ગને સફાઈ ટીમમાં નવા લોકોને જોડવા માટે કર્મચારી રેફરલ પર આધાર રાખવો પડે છે. વર્તમાન સમયમાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ આ ટીમમાં તેમના મિત્રો, પરિવારજનો અને પરિચિતોને લાવી શકે. બ્રૂમબર્ગમાં કર્મચારીઓની સરેરાશ ઉંમર 23 વર્ષ છે અને તેમાંથી 80 ટકા લોકોને આવી કંપનીઓમાં કામ કરવાનો અનુભવ છે.

સ્થાપકો પોતે એક સારા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. સમ્રાટે પહેલાં કેપીએમજી અને પછી બીસીજી સાથે કામ કર્યું છે તથા ફાઈનાન્સમાં એસએસઈમાં માસ્ટર્સ કર્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ઈશાન રિઅલ એસ્ટેટનું બેરગ્રાઉન્ડ ધરાવે છે તથા એમબીએ, બી.કોમ કરેલું છે. તે હાલમાં એલએલબી કરી રહ્યો છે. બ્રૂમબર્ગની મેનેજમેન્ટ ટીમમાં મિત્રો અને તેમના મિત્રોને જોડાયેલા છે જે અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે.

'બ્રૂમબર્ગ' દિલ્હીમાં વધુ બે ઓફિસ ખોલવાનું આયોજન કરી રહી છે અને 2017 સુધીમાં દેશના પાંચ મોટા શહેરોમાં આ સેવા શરૂ કરવાની યોજના છે. ફ્રોસ્ટ એન્ડ સુલિવનના જણાવ્યા પ્રમાણે ભારતમાં સુવિધા પ્રબંધન ક્ષેત્ર વર્ષ 2011માં 3,795 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું જે વિકસિત દેશોની સરખાણમીમાં ઘણું ઓછું છે. રિપોર્ટ પ્રમાણે તે 11.6 ટકાની CAGRથી વધી રહી છે તથા બ્રૂમબર્ગ પોતાની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરવામાં સફળ થતા તેમનો પણ સારો વિકાસ થયો છે. તે બદલ અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

વેબસાઈટ

લેખક – Preethi Chamikutty

અનુવાદક – મેઘા નિલય શાહ

Related Stories