આમના ‘બેન્કિંગ’ને દુનિયા સલામ કરે છે!

0

વર્ષ 2018 સુધીમાં બાયો-બેન્ક્સનું વૈશ્વિક બજાર 216 મિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે. ટાઇમ મેગેઝિને દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવનારા 10 આઇડિયાઝમાં બાયો-બેન્કિંગને સ્થાન આપ્યું છે. પરંતું આજે આ બજાર તબીબી પરીક્ષણ માટે ખૂબ જ અગત્યનું ગણાતું હોવા છતાં પણ સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાયુક્ત બાયોસ્પેસિમેનની ઉણપ સામે ઝઝૂમી રહ્યું છે.

ઉચ્ચ ગુણવત્તા અને ધારાધોરણો માટે બાયોસ્પેસિમેનની સંશોધન ક્ષેત્રે ખૂબ જ માગ છે. પરંતુ તેની ઉપલબ્ધતા ખૂબ જ મર્યાદિત છે. તેને ધ્યાનમાં રાખીને શ્રીકાંત અડિગાએ 2012માં OpenSpecimenની શરૂઆત કરી. આ એક ઓપન સોર્સ બાયો-બેન્કિંગ ઇન્ફર્મેટિક્સ પ્લેટફોર્મ છે કે જે ઉચ્ચ ગુણવત્તાના બાયોસ્પેસિમેન જેમ કે લોહી, લાળ, પ્લાઝમા, ડીએનએ અને આરએનએ સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવે છે.

OpenSpecimenનો મુદ્રાલેખ છે કે ઉચ્ચ ગુણવત્તા ન હોય તેવો બાયો સ્પેસિમેન ડેટા કોઈ કામનો નથી હોતો. આ ઓપન અને મફત બાયો બેન્ક મેનેજમેન્ટ ડેટાબેઝની કેટલીક અગત્યની વાતો કરીએ તો આ કોઈ વિશેષ બીમારી કે અભ્યાસની જરૂરીયાતના હિસાબે ઉચ્ચ ગુણવત્તાના ડેટાને એકત્રિત કરીને પ્રોસેસ કરે છે. અત્યારે 13 કરતાં વધારે દેશોના 30 કરતાં વધારે બાયો બેન્ક OpenSpecimenનો ઉપયોગ કરે છે.

શરૂઆતમાં OpenSpecimenને caTissue તરીકે 2004માં રજૂ કરવામાં આવ્યું હતું. તેના માટે અમેરિકાના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે ભંડોળ આપ્યું હતું અને તેને વોશિંગ્ટન યુનિવર્સિટી જેવા યુએસ એકેડમિક રિસર્ચ સેન્ટરનો સહયોગ પણ મળ્યો હતો. શ્રીકાંત આ પ્રોજેક્ટના પહેલા ડેવલપર્સ પૈકીનાં એક હતા. જ્યારે તેઓ તેમાં જોડાયા ત્યારે તેઓ પૂણેમાં પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સમાં કામ કરી રહ્યા હતા. વર્ષ 2011માં જ્યારે આ પ્રોજેક્ટમાંથી ભંડોળ પાછું ખેંચી લેવામાં આવ્યું તો કૃષાગ્નિ સોલ્યુશન્સે તેને ખરીદી લીધી. પરંતુ પ્રોજેક્ટના ઓપન સોર્સ નેચરને યથાવત્ રાખવામાં આવ્યો.

OpenSpecimenની LIMS એપ્લિકેશન મારફતે બાયો-બેન્ક્સ પોતાની જરૂરીયાત અનુસાર બાયો-સ્પેસિમેન ટ્રેક કરી શકે છે. OpenSpecimen ઉપર રહેલાં કલેક્શન, કન્સેન્ટ, ક્યૂસી, રિક્વેસ્ટ અને ડિસ્ટ્રિબ્યુશનથી કામને કસ્ટમાઇઝ કરી શકાય છે. કૃષાગ્નિ નવાં-નવાં વર્ઝન્સ ડેવલપ કરે છે તેમજ પ્રોફેશનલ સપોર્ટ આપે છે. કંપની પોતાનાં ઉત્પાદનનાં આંતરરાષ્ટ્રીયકરણ માટે કામ કરી રહી છે અને તેના માટે ચાઇનિઝ તેમજ સ્પેનિશ વર્ઝનને શરૂ કરવામાં આવ્યું છે.

ગયાં વર્ષે વાર્ષિક કમ્યુનિટી મિટિંગમાં દુનિયાભરના બાયો બેન્કર્સે કબૂલ્યું હતું કે OpenSpecimen બાયો બેન્કિંગ ઉદ્યોગની ઘણી કટોકટીની જરૂરીયાતો પૂરી કરે છે.

OpenSpecimenના બિઝનેસ મોડલ અંગે શ્રીકાંત કહે છે, “સૌથી મોટો લાભ એ છે કે ડેટાબેઝ એક ઓપન સોર્સ છે. અને સૌથી મોટો ફેર તેના લાઇસેન્સિંગ મોડલમાં છે. ઓપન સોર્સ હોવાને કારણે આ પ્લેટફોર્મ ફ્રી ટુ યુઝ છે. વપરાશકારોએ માત્ર સપોર્ટ જેવી કન્સલટન્સી સેવાઓ, ઇન્સ્ટોલેશન, ડેટા માઇગ્રેશન, કસ્ટમાઇઝેશન, ઇન્ટિગ્રેશન વગેરે માટે જ પૈસા ચૂકવવા પડે છે.”

શ્રીકાંત વધુમાં જણાવે છે, “એકેડમિક રિસર્ચ સેન્ટર્સને ઓપન સોર્સ ખૂબ જ ગમે છે. તેથી અમે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (અમેરિકા) દ્વારા ભંડોળ ખેંચી લેવામાં આવ્યાં છતાં પણ અમે એક લિબરલ ઓપન સોર્સ સ્ટ્રક્ચરને યથાવત્ રાખી શક્યા છીએ. અમારી પાસે લોકો છે, અનુભવ છે, નિષ્ણાતો છે અને અમારા ગ્રાહકોને યોગ્ય રસ્તો દર્શાવવા માટેનાં સ્રોતો છે.”

OpenSpecimenની ટીમ
OpenSpecimenની ટીમ

જવાબદારી અને પડકારો

OpenSpecimen પાસે સેલ્સ અને માર્કેટિંગ માટેની ટીમ નથી. તેમ છતાં પણ વપરાશકારોના પ્રતિભાવો ખૂબ જ સકારાત્મક છે. માઉથ પબ્લિસિટી કે વોઇસ ઓફ માઉથને કારણે તેના ગ્રાહકોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ અંગે શ્રીકાંત જણાવે છે, “ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અને વપરાશમાં સરળ એવી એક વિશ્વકક્ષાની સેવા બનાવવામાં અમારું તમામ રોકાણ ખર્ચાઈ ગયું છે. આ રણનીતિએ અમને ઉત્પાદનમાં ઝડપી સુધારો કરવા અને ખરા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સમર્થ બનાવ્યા છે. આ ઉપરાંત અમે ગ્રાહકોની જરૂરીયાત અનુસાર પ્રોડક્ટ ડેવલપ કરવાની રણનીતિ ઉપર ચાલીએ છીએ. અમારા ગ્રાહકો અમારી જરૂરીયાતોને મૂર્તિમંત કરવામાં અને તેને પૂરી કરવામાં અમને મદદ કરે છે.”

આમ છતાં પણ આ વેન્ચર સામે અનેક પડકારો પણ રહેલા છે. સૌથી મોટો પડકાર એ છે કે OpenSpecimen ભારત સ્થિત છે અને વેચાણ આંતરરાષ્ટ્રીય બજારમાં કરે છે.

શ્રીકાંત જણાવે છે, “સેલ્સમાં ફોલો અપ્સ, ફેસ ટુ ફેસ મિટિંગ્સ અને ડેમોઝની જરૂરીયાત રહે છે. અમારા કદની કંપનીમાં ફૂલ ટાઇમ સેલ્સ પ્રોફેશનલની ભરતી બુદ્ધિનું કામ નથી. તેથી અમે વિતરકો અને ભાગીદારો મારફતે કામ શરૂ કર્યું. કે જેમની પાસે બાયો-બેન્કનો અનુભવ હતો. જેમ કે કોઈ અન્ય બાયો-બેન્ક ફ્રીઝર્સ કે અન્ય સાધનો વેચતી હોય તો તે અમારા માટે એક શ્રેષ્ઠત્તમ ભાગીદાર સાબિત થઈ શકે છે.” OpenSpecimenએ તાજેતરમાં જ એક ઓસ્ટ્રેલિયન ભાગીદાર સાથે જોડાણ કર્યું છે અને અન્ય કેટલાક દેશોમાં સંભવિત ભાગીદારો સાથે વાટાઘાટો ચાલી રહી છે.

વિકાસની તક

શ્રીકાંતનું લક્ષ્ય આગામી એક વર્ષમાં 100 બાયો-બેન્ક સુધી પહોંચવાનું છે. તેઓ બાયો-બેન્ક્સને આકર્ષવા માટે SaaS આધારિત અને ક્લાઉડ આધારિત ઓફરિંગ્સની શક્યતાઓ પણ ચકાસી રહ્યા છે. તેઓ કહે છે, “અમે અમારા નેક્સ્ટ જનરેશન વર્ઝનને રજૂ કરવાના છીએ કે જે આધુનિક ટેકનોલોજી ઉપર આધારિત છે. અમને આશા છે કે તે વિશ્વસ્તરે અમારું વિસ્તરણ કરવામાં મોટી ભૂમિકા ભજવશે.” OpenSpecimenv2.0માં આધુનિક વેબ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. તે પહેલાં કરતાં વધારે યુઝર ફ્રેન્ડલી છે.

Related Stories