એક જમાનામાં રૂ. 60ના પગારમાં ઘર ચલાવનારા આજે છે કરોડોપતિ!

0

"મારી પાસે કશું નથી, કશું જ નહીં, બસ હું એક સારો માણસ છું." – રાજકુમાર ગુપ્તા

200 ચો. ફૂ.ના ભાડાના રૂમમાં રહેતા અને રૂ. 60ના પગારમાં ગુજરાન ચલાવનારા રાજકુમાર ગુપ્તા આજે મોટા રિયલ એસ્ટેટ ટાયકુન તેમજ પ્રખ્યાત વેપારી છે. તેમની રંકમાંથી રાજા બનવાની કથા કોઈને પણ પ્રેરણા આપનારી છે. પરંતુ તેમની આ સાફલ્યગાથા તન-મનથી મહેનત કરવાની માગણી કરે છે. પોતાની ઓછી કમાણીના દિવસોમાં પણ ગુપ્તા ઊંચા વિચારો રાખતા હતા. એક નાના રૂમમાં પોતાના વધતા જતા પરિવાર સાથે પણ તેઓ બીજા માટે હંમેશા સારા રહ્યા હતા. જો તમે કર્મના સિદ્ધાંતમાં ન માનતા હો તો આ વાત સાંભળ્યા બાદ તમે તેના ઉપર વિશ્વાસ કરતા થઈ જશો.

રાજકુમાર ગુપ્તા મુક્તિ ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ છે. વર્ષ 1984માં તેમણે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પહેલા નિવાસી એપાર્ટમેન્ટને બનાવવાનું શરૂ કર્યું હતું. પોતાની આધુનિક વાસ્તુ સેન્સના કારણે રાજકુમાર ગુપ્તા કોલકાતામાં હુગલી બેલ્ટ ઉપર બહુમાળી રહેણાક ઇમારતોનો વિચાર લઈને પણ આવ્યા હતા. ત્યારથી મુક્તિ ગ્રૂપ બંગાળમાં એન્ટરટેઇનમેન્ટ હબમાં મલ્ટિપ્લેક્સ, ઇન્ટરનેશનલ હોટલ, લાઉન્જ, ફાઇન ડાઇન રેસ્ટોરાં સાથે એક મોટા ખેલાડી તરીકે બહાર આવ્યું છે. પરંતુ રાજકુમાર ગુપ્તાનું નામ આજે પણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ અન્ય નામોની જેમ સરળતાથી નથી મળતું.

સાધારણ તેમજ નમ્ર વ્યક્તિત્વ ધરાવતા ગુપ્તાનું ધ્યાન મોટાભાગે બિઝનેસ ઉપર અને ચેરિટી કામો ઉપર કેન્દ્રિત હોય છે. તમારી જીવનકથની ઉપરથી લોકોને પ્રેરણા મળશે તેવી બે વખત રજૂઆત કરી ત્યારે તો તેઓ ઇન્ટરવ્યૂ આપવા માટે રાજી થયા. સફળતાના આટલા મોટા શિખરે પહોંચ્યા પછી પણ તેઓ ખૂબ જ વિનમ્ર થઈને વાતચીતમાં સામેલ થયા.

શરૂઆત

હું પંજાબના ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો હતો. ત્યાં હું મારા ભણતર માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ત્યારબાદ હું કોલકાતા આવ્યો અને મારું ભણતર પૂરૂં કર્યું. 1978માં મેં જ્યારે એક ખાનગી કંપનીમાં પહેલી નોકરી શરૂ કરી તો તે વખતે મને માસિક પગાર પેટે રૂ. 60 મળતા હતા. થોડો સમય વીત્યા બાદ હિન્દુસ્તાન મોટર્સમાં આવ્યો. ત્યાં થોડો પગાર વધ્યો હતો. આ નોકરીમાં મેં 5-6 વર્ષ વીતાવ્યાં. અહીં હું વેપારના મંત્રો શીખ્યો. ત્યારબાદ મેં મારો પોતાનો વેપાર અને સપ્લાયનો બિઝનેસ શરૂ કરી દીધો.

પરોપકાર થકી સફળતાનો રસ્તો કેવી રીતે કંડાર્યો?

હું 200 ચો. ફૂ.ના રૂમમાં પરિવાર સાથે રહેતો હતો. આજે હું આઝાદીથી જીવી રહ્યો છું. તેના માટે હું મારી જિંદગીનો આભાર માનવા માગું છું. અને એ લોકો માટે કંઇક કરવા માગું છું કે જે લોકો મારા જેટલા નસીબદાર નથી. જ્યારે મેં મારા મિત્રોને આ અંગે વાત કરી તો તેમણે મને જણાવ્યું કે તારું પોતાનું ગુજરાન પણ માંડ માંડ ચાલી રહ્યું છે ત્યાં આવું કેવી રીતે શક્ય બનશે? ત્યારે મેં તેમને જણાવ્યું કે આપણે પણ તેવી સ્થિતિમાં હોઈ શકત. આપણે આવી રીતે જીવી રહ્યા છીએ તો નસીબદાર છીએ. તેથી જ આપણે જરૂરીયાતવાળા લોકોને મદદ કરવી જોઇએ. ચેરિટી કરવા માટે તેનું કદ મોટું હોવું જોઇએ તે જરૂરી નથી. તમે સારા આશય સાથે નાની-નાની મદદ કરી શકો છો. સ્ટેશન ઉપર જરૂરીયાતવાળા લોકોને શુદ્ધ પાણી નથી મળતું. તેવામાં આપણે એક માણસને માટલું લઈને ત્યાં બેસાડી દઈએ છીએ તે લોકોને પાણી આપ્યા કરે છે. તેમાં વધારે ખર્ચો પણ નથી થતો અને મારા મિત્રો તેમાં મદદ કરે છે. ત્યારબાદ અમે ગરીબો માટે મફત દવાખાનું શરૂ કર્યું. તેના કારણે અમને આર્થિક નુકસાન થયું પરંતુ તે વધારે પ્રમાણમાં નહોતું. અમે લોકો પાસેથી જૂનું ફર્નિચર એકત્રિત કર્યું અને થોડો સમય કાઢીને તેને રિપેર પણ કરાવ્યું. અમે દવાખાનાંની શરૂઆત કરી અને તેનું ઉદઘાટન હિન્દુસ્તાન મોટર્સના અધ્યક્ષ એન. કે. બિરલાએ કર્યું.

આમ, સમાજસેવામાં મારું કદ વધ્યું અને હું સારા, ઇમાનદાર લોકોના સંપર્કમાં આવ્યો. તેમાંના ઘણા લોકો મારા વિચારોને સાર્થક કરવા માટે ઇચ્છુક દેખાયા. મેં હોસ્પિટલ, એપાર્ટમેન્ટ, કોમ્પ્લેક્સના રૂપે મારા પ્રોજેક્ટ્સ તેમની સામે રજૂ કર્યા અને આવી રીતે મારી સમાજસેવાએ મારા નસીબને મદદ કરી.

મુક્તિ એરવેઝ – એક તૂટેલું સપનું

હું મારા જીવનમાં પ્રસિદ્ધિ અને ઉપલબ્ધિ નથી ઇચ્છતો. જ્યારે મને રિયલ એસ્ટેટનાં ક્ષેત્રે આકર્ષક દરખાસ્તો મળતી હતી તો મને કંઈક મોટું કરવાની ઇચ્છા થતી હતી. એ સમયે એશિયામાં એરલાઇન ક્ષેત્રની શરૂઆત થઈ રહી હતી. મને તેનો ભાગ બનવાની ઇચ્છા થઈ તેથી મેં પોતાની એરલાઇન્સ શરૂ કરવાની યોજના બનાવી.

નિર્ણય લેવાનું સરળ હતું પરંતુ હું એરોપ્લેન વિશે કશું જ જાણતો નહોતો. મને ખબર પડી કે વિમાનો એરપોર્ટ ઉપરથી ઉડે છે અને મારે ત્યાં જવું જોએ. હું ત્યાં ઓફિસે ગયો અને જણાવ્યું કે હું એરલાઇન્સ શરૂ કરવા માગું છું. આ સાંભળીને બધા ઊભા થઈ ગયા. વર્ષ 1994માં બંગાળમાં શરૂઆત કરવી ખોટો નિર્ણય હતો. પરંતુ હું જીદ પકડીને બેઠો હતો. ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી અધિકારીઓ હતા અને તેમણે અમને શીખવાડ્યું. ત્યારે અમે એન્જિનિયરો અને ટેકનિકલ વિશેષજ્ઞોની એક નાની ટીમને પણ એકઠી કરી.

મારો પ્રોજેક્ટ રિપોર્ટ 1 જાન્યુઆરી, 1995ના રોજ રજૂ કરવામાં આવ્યો. તાતા-સિંગાપોર એરલાઇન્સનો રિપોર્ટ પણ તે જ દિવસે જમા થયો. મારા રિપોર્ટને ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી. તેમનો રિપોર્ટ નામંજૂર કરાયો.

મારું લાઇસન્સ લેતાં પહેલાં હું દિલ્હી ગયો. ત્યાં હું પટાવાળાથી માંડીને ઉડ્ડયન પ્રધાન ગુલામ અલી ઐય્યરને મળ્યો. જ્યારે મેં સંયુક્ત સચિવ મિશ્રા સાથે મુલાકાત કરી તો તેમણે જણાવ્યું કે મારી દરખાસ્ત કેટલી કઠિન છે. તેમણે જણાવ્યું કે તેઓ એવી કોઈ વ્યક્તિને લાઇસન્સ નહીં આપે કે જેમની પાસે ટેકનિકલ શિક્ષણ અને અન્ય માપદંડો ન હોય. મેં તેમને જણાવ્યું કે મારી પાસે આમાનું કશું જ નથી પરંતુ હું એક સારો ઉદ્યોગસાહસિક છું. હું તેના માટે બીજા માણસોને રાખી શકું છું તેમજ નાણાકીય વ્યવસ્થા કરી શકું છું. મારી આ ઇમાનદારીથી પ્રભાવિત થઈને તેમણે મને લાઇસન્સ આપી દીધું.

અમે આ માટેની આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વાતચીત જે રીતે શરૂ કરી તે દેશનો એક અનોખો જ કિસ્સો હતો. શરૂઆતમાં અમારે ભારતીયો વિશે યુરોપિયનોમાં રહેલા પૂર્વગ્રહોનાં પરિણામો સહન કરવા પડ્યાં. તેમણે અમને ગંભીરતાથી ન લીધા. પરંતુ એક વખત જ્યારે તેઓ બિઝનેસને સમજ્યા તો બધી વસ્તુઓ સરળ બની ગઈ. જ્યારે અમે એરલાઇન્સ શરૂ કરવાના હતા તેવામાં હર્ષદ મહેતા કૌભાંડે દેશને હચમચાવી મૂક્યો હતો. નવી ઉદારીકરણની નીતિના કારણે દેશમાં ચહલપહલ થવા લાગી. રોકાણકારોએ આવાં એક જોખમ ભરેલા વ્યવસાયને સ્પર્શવાની ના પાડી દીધી. અને મુક્તિ એરવેઝ ઉડ્ડયન કરે તે પહેલાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.

નિષ્ફળતા અને નિરાશા

એરલાઇન્સ નિષ્ફળ જતાં હું ભાંગી પડ્યો. મેં તેને ઊભી કરવા માટે મારાં જીવનનાં અગત્યનાં વર્ષો ખર્ચી નાખ્યા હતાં અને તે મારાથી દૂર થઈ રહી હતી. જ્યારે તે તૂટી ગઈ ત્યારે આંચકો લાગ્યો. ક્યારેક હું વિચારું છું કે આ વર્ષો જો મેં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પાછળ વીતાવ્યા હોત તો અમે આ ક્ષેત્રે દેશની ટોચની કંપની બની ગયાં હોત.

પરંતુ પાછળ વળીને જોતાં મને લાગ્યું કે સફળતાથી આપણને આનંદ તો થાય છે પરંતુ જ્યારે નિષ્ફળતા મળે તે આપણને શીખવાડે છે. હું ક્યારેક મુક્તિ એરવેઝને હકીકતમાં બદલીશ પણ ત્યાં સુધી મેં જે મેળવ્યું છે તેનાથી હું ખુશ છું.

જીવનમાં કંઇક મોટું કરનારાઓને સંદેશ

સફળ થવું તે પ્રશંસનીય છે પરંતુ તમે માત્ર પોતાના વિશે વિચારીને, જીવનમાં ક્યારેય આગળ ન વધી શકો. મોટી તસવીરના એક ભાગરૂપે તમારી જાતને જુઓ. જે અગત્યનું છે તે કામ કરો અને દિલથી કરો. પછી જુઓ કે જિંદગી તમને ક્યાં લઈ જાય છે.

લેખક – રાખી ચક્રવર્તી

Related Stories