આપણા બાળકો જ્યારે ખભે દફ્તર અને હાથમાં પાણીને બોટલ લઈને સ્કૂલ જતા હોય છે ત્યારે સમાજમાં કેટલાક એવા બાળકો પણ હોય છે જે કચરો વિણવા માટે ઘરેથી નિકળતા હોય છે. જીવનની વિડંબણાઓ અને ગરીબી સામે લડવા માટે આ બાળકોએ કચરાને આધાર બનાવ્યો છે. કચરાના ઢગલામાં જ તેઓ જિંદગીના પાઠ ભણે છે. જીવનનો દ્રષ્ટિકોણ પણ ત્યાં જ શીખતા હોય છે. વારાણસીમાં રહેતા આવા બાળકોની જિંદગીમાંથી નીરક્ષરતાની ગંદકી દૂર કરવાનું કામ હાથમાં લીધું છે રાજીવ શ્રીવાસ્તવે. શહેરના લલ્લાપુરા વિસ્તારમાં રહેતા રાજીવ બીએચયુમાં ઈતિહાસના સહાયક પ્રોફેસર છે. તેમને કચરો ઉપાડનારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. રાજીવ આ બાળકોને શિક્ષિત કરવા માગે છે. તાલિમ અને શિક્ષણની મદદથી રાજીવ આ બાળકોનું નસીબ બદલવા માગે છે જેથી તેઓ આત્મનિર્ભર થઈ શકે. આ રીતે તેઓ સમાજના મુખ્ય પ્રવાહ સાથે પણ જોડાઈ શકે. લક્ષ્ય મોટું અને મુશ્કેલ છે છતાં રાજીવે તેને હાંસલ કરી બતાવ્યું છે. વર્ષ 1988માં રાજીવે કેટલાક લોકોની મદદથી 'વિશાળ ભારત' નામની એક સંસ્થા બનાવી હતી અને પછી પોતાના મિશન પાછળ જોડાઈ ગયા. રાજીવ માટે આ કામ સરળ નહોતું. પોતાના કામ માટે ધૂની ગણાતા રાજીવે તે સાબિત કરી બતાવ્યું. રાજીવ દરરોજ સવારે લલ્લાપુરા ખાતે પોતાની સંસ્થામાં કચરો ઉપાડનારા બાળકોને ભણાવે છે.
રાજીવનો કચરો વીણનારા બાળકો સાથે જોડાણનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. રાજીવ યોરસ્ટોરીને જણાવે છે,
"વર્ષ 1988માં એપ્રિલ મહિનો હતો. બપોરના સમયે ગરમ લૂ વચ્ચે હું ઈન્ટરમીડિયેટની પરીક્ષા આપીને પાછો આવતો હતો. પરીક્ષા સેન્ટર થોડી દૂર હોવાથી હું મારા મિત્રો સાથે મીઠાઈની એક દુકાને ઉભો રહ્યો. આ દરમિયાન દુકાન પાસેના હેન્ડપમ્પ પાસે મેલા કપડાંમાં એક બાળક આવ્યું. તેના ખભે બોરો લટકતો હતો અને કેટલોક સામાન ભરેલો હતો. જેઠ મહિનાના ધોમધખતા તાપમાં તે બાળક હેન્ડપમ્પમાંથી પાણી પીવા આવ્યું હતું. તે પાણી પીતું હતું ત્યાં જ દુકાનદાર લાકડી લઈને તેને મારવા ધસ્યો અને બાળક પાણી પીધા વગર જ ત્યાંથી જતો રહ્યો. આ ઘટના બાદ દુકાનદાર સાથે વાતચીત દરમિયાન તેણે જે જવાબ આપ્યો તે ખૂબ જ આશ્ચર્યજનક હતો. દુકાનદારે જણાવ્યું કે, આવા બાળકો અહીંયા પાણી પીવા આવે તો તેની દુકાને મીઠાઈ લેનારા લોકો ન આવે. તેના આ વાક્યએ મારી આત્માને ઝંઝોળી નાખી અને તે દિવસથી મેં ગરીબ બાળકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું."
ખરેખર તે ઘટનાએ રાજીવનું સમગ્ર જીવન બદલી નાખ્યું. તે રાત્રે રાજીવના મનમાં એક જ ઘમસાણ ચાલતું હતું કે, આ બાળકોનો શું વાંક છે. શું આ બાળકોને ગરીબ હોવાની સજા મળી રહી છે. માત્ર ગરીબ હોવાના કારણે તેમની પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેવાયો છે. શું દેશમાં ગરીબોને શિક્ષિત થવાનો કોઈ અધિકાર નથી. આ ઘટનાથી આઘાત પામેલા રાજીવે કચરો ઉપાડનારા બાળકોને શિક્ષિત કરવાનું મિશન બનાવ્યું અને બીજા જ દિવસથી તેના પર કામે લાગી ગયા. રાજીવ તે સમયે મુગલસરાય વિસ્તારમાં રહેતા હતા. તેમણે મુગલસરાય રેલવે સ્ટેશન પર કચરો ઉપાડનારા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ કામ એટલું સરળ નહોતું. રાજીવ જણાવે છે કે, શરૂઆતમાં તેમને ખૂબ જ મુશ્કેલી નડી. કચરો વિણનારા બાળકો તેમની સાથે જોડાવા તૈયાર નહોતા. આ બાળકો માટે રોજીરોટી પ્રાથમિકતા હતી. આ બાળકો શિક્ષણને મહત્વ નહોતા આપતા. રાજીવે પણ પરાજય ન સ્વીકાર્યો. તે ક્યારેક સમગ્ર શહેરમાં ફરતા તો ક્યારેક કચરાના ઢગલાઓ પાસે આખો-આખો દિવસ બેસી રહેતા. રાજીવ આ ગરીબ બાળકોને મળતા. તેમને અભ્યાસ પ્રત્યે જાગ્રત કરવા મથતા. આ રીતે દિવસો વિત્યા, અઠવાડિયાઓ અને મહિનાઓ પસાર થતા ગયા. મહિનાઓ બાદ રાજીવની મહેનત રંગ લાવી. ઘણી મહેનત બાદ ગરીબ બાળકોનું એક જૂથ તેમની પાસે અભ્યાસ માટે તૈયાર થયું. રાજીવને માત્ર બાળકો શોધવામાં જ મુશ્કેલી નડી તેવું નથી. તેમને આ બાળકોના પરિવારજનો અને મહોલ્લાના લોકોના મેહણા-ટોણા પણ સાંભળવા મળતા હતા.
રાજીવ જણાવે છે,
"જ્યારે કચરો વિણનારા બાળકોને અભ્યાસ પ્રત્યે જાગરૂક કરતો ત્યારે આસપાસના લોકો આ જોઈને મારા પર હસતા. મારી હાંસી ઉડાવતા. મને આ વાતોની કોઈ જ ચિંતા નહોતી. લોકોનું હાસ્ય ભારા ઝનૂનને વધારે જોમ પૂરું પાડતું હતું. હું મારા રસ્તે મજબૂતી સાથે આગળ વધતો હતો."
રાજીવે ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું જે સ્વપ્ન જોયું હતું તેને તે ગમે તે સંજોગે હાંસલ કરવા માગતા હતા. તેવું બન્યું પણ ખરું. સમય પસાર થવાની સાથે સાથે રાજીવનું સ્વપ્ન પણ સાકાર થવા લાગ્યું. રાજીવે પોતાની સંસ્થામાં કચરો વિણનારા બાળકોને પણ ભણાવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં બાળકોની સંખ્યા મર્યાદિત હતી પણ સમય પસાર થવાની સાથે વધુમાં વધુ બાળકો તેમની સાથે જોડાવા લાગ્યા અને આ ક્રમ આજે પણ જળવાયેલો છે. દરરોજ સવારે લલ્લાપુરા વિસ્તારમાં વિશાળ ભારત સંસ્થામાં કચરો વિણનારા બાળકોના વર્ગો શરૂ થાય છે. આ બાળકોને અભ્યાસની સાથે સાથે નૈતિકતાના બોધપાઠ પણ આપવામાં આવે છે. તેમની મહેનતના પરિણામે જ 467 બાળકો શિક્ષિત થઈ ગયા છે. તેમાંથી કેટલાકે તો રાજીવની પાઠશાળામાંથી બહાર જઈને પીએચડી સુધીના અભ્યાસ કર્યા છે.
રાજીવ દરેક સમયે આ બાળકો સાથે મજબૂતીથી ઉભા હોય છે. ખુશી હોય કે દુઃખ, રાજીવ હંમેશા આ બાળકોની પડખે હોય છે. જન્મથી જ અનાથ થયેલા બાળકો રાજીવને જ પોતાના પિતા સમજે છે. તેઓ ફોર્મ ભરે ત્યાં પણ પિતાની કોલમમાં રાજીવનું જ નામ લખે છે. રાજીવની પાઠશાળામાં આવતા બાળકો બહુર્મુખી પ્રતિભા પણ ધરાવે છે. જે કામ આપણા નેતાઓ નથી કરી શકતા તે આ બાળકો કરી રહ્યા છે. તેમણે સામાજિક સમસ્યાઓ અંગે એક બાળ સંસદ બનાવી છે. આ સંસદમાં વિવિધ મુદ્દા રજૂ થાય છે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું તેની ચર્ચા થાય છે. ગરીબ બાળકોને કેવી રીતે મદદ કરવી. તેમના પ્રશ્નોને સમાજ સામે કેવી રીતે લાવવા. બાળ મજૂરી કેવી રીતે રોકી શકાય. વગેરે મુદ્દા સંસદમાં ચર્ચામાં લેવામાં આવે છે. સંસદમાં આ મુદ્દે જોરશોરથી ચર્ચા થાય છે પણ તફાવત એટલો છે કે આપણી સંસદ અને નેતાઓની જેમ અહીંયા ખોટા શોરબકોર કે હોબાળા થતા નથી. અહીંયા શાલિનતા હોય છે, બાળસહજ લાગણી હોય છે. આ બાળકોએ બાળ સંસદ ઉપરાંત ચિલ્ડ્રન બેંક પણ બનાવી છે. તેમાં બાળકો પોતાના પૈસા જમા કરાવે છે. તેના દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવામાં આવે છે.
રાજીવની આ પહેલે તેમને સન્માન પણ અપાવ્યું છે. અભ્યાસના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ સંયુક્ત રાષ્ટ્રો ઉપરાંત તુર્કી અને ઝામ્બિયા દેશ દ્વારા તેમને વિશેષ સન્માન મળ્યું છે. સરકારે તો માત્ર સૂત્ર આપ્યું કે, સબ પઢે સબ બઢે પણ સમાજમાં રાજીવ જેવા કેટલાક લોકો છે જે આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરે છે. ખરેખર રાજીવના એક નાનકડા પ્રયાસે હજારો બાળકોના ચહેરા પર સ્મિત લાવી દીધું અને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
લેખક- આશુતોષ સિંહ
અનુવાદક- એકતા રવિ ભટ્ટ
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati