કાલ સુધી બ્રેડ અને ઈંડાં વેચીને જીવન ચલાવતાં આજે એન્જિનિયર બની બાળકોને IAS બનવામાં મદદ કરે છે!

કાલ સુધી બ્રેડ અને ઈંડાં વેચીને જીવન ચલાવતાં આજે એન્જિનિયર બની બાળકોને IAS બનવામાં મદદ કરે છે!

Thursday May 26, 2016,

4 min Read

તે બાળક ક્યારેક ગરીબીને કારણે બ્રેડ વેચીને તો ક્યારેક વાહનોનાં ટાયર બદલીને પોતાનું જીવન ગુજારતો હતો. આજે તે પોતે મિકેનિકલ એન્જિનિયર છે. પોતાની મા ઘરનો ચૂલો સળગાવી શકે તે માટે ક્યારેક તેઓ શેરીઓમાં કોલસા વીણતા હતા. પરંતુ આજે પોતાના જેવા ગરીબ બાળકોએ આવા દિવસો ન જોવા પડે તે માટે તેઓ તેમને આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બનવામાં મદદ કરી રહ્યા છે. અમોલ સાઇનવાર. દુનિયા ભલે અમોલ સાઇનવારને ન ઓળખતી હોય પણ જેઓ જાણે છે તેમના માટે તેઓ ખૂબ મોટી વ્યક્તિ છે. અમોલ પોતાનાં સંગઠન 'હેલ્પ ઓવર પિપલ ફોર એજ્યુકેશન' એટલે કે 'હોપ' મારફતે ગરીબ બાળકોની આશાઓને પૂરી કરી રહ્યા છે. તેઓ શિવપ્રભા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે ગ્રામીણ, વિકાસ, આરોગ્ય અને યોગનાં વિકાસ ક્ષેત્રે કામ કરી રહ્યા છે.

image


અમોલ જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેથી તેમણે પોતાનો ઇન્ટર સુધીનો અભ્યાસ બ્રેડ-ઈંડાં વેચીને અને અન્ય બાળકોને ભણાવીને પૂરો કર્યો હતો. ઇન્ટર સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ પોતાનું ભણતર ચાલુ રાખી શકે. તેવામાં તેમના મિત્રો તેમની મદદ માટે આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ રાજીવ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ, ચંદ્રપુર, નાગપુરમાંથી પૂરો કર્યો. બી.ટેક કર્યા બાદ તેમણે એમ.ટેક કરવાનું વિચાર્યું તે વખતે પણ પૈસાની સમસ્યા સામે આવી. તેઓ જ્યારે તેમની કોલેજમાં પ્રથમ આવ્યા તો તેમને રૂ. 13,500નું ઇનામ મળ્યું કે જે તેમણે સ્કૂલની લાયબ્રેરીમાં પુસ્તકો ખરીદવા માટે દાનમાં આપી દીધાં જેથી તેવા બાળકો પણ એન્જિનિયરિંગના પુસ્તકો વાંચી શકે કે જેઓ પૈસાના અભાવે પુસ્તકો નથી ખરીદી શકતા.

વર્ષ 2006માં અમોલ સિપ્લા કંપનીમાં કામ કરતા હતા. તે વખતે તેઓ કંપનીનાં કામથી યુગાન્ડા ગયા. ત્યાંની ગરીબી અને કુપોષણને જોઇને તેમણે નક્કી કર્યું કે પોતાનાં સ્તરે તેઓ જે શિક્ષણનું કામ કરી રહ્યા છે તેને વધારે વિસ્તારવાની જરૂર છે. મિત્રો સાથે વાતચીત કર્યા બાદ 2007માં તેમણે હેલ્પ ઓવર પિપલ ફોર એજ્યુકેશન નામની સંસ્થા બનાવી. તેના મારફતે વર્ષ 2012 સુધી લગભગ 400 વિદ્યાર્થીઓને રૂ. 2.75 લાખની સ્કોલરશિપ આપી છે.

શિક્ષણનાં ક્ષેત્રે કામ કર્યા બાદ વર્ષ 2012માં જ રૂરલ ડેવલપમેન્ટ અંતર્ગત તેમણે 6 ગામોને દત્તક લીધાં. આ અંતર્ગત અમોલે વિદ્યાદીપ કાર્યક્રમ ચલાવ્યો. જેમાં એવા વિસ્તારમાં રહેતા બાળકોને સોલાર લેમ્પ આપવામાં આવ્યા કે જેમના વિસ્તારોમાં વીજળી નહોતી. વર્ષ 2012થી 2015 સુધી અમોલે 400 બાળકોને સોલાર લેમ્પ પહોંચાડ્યા છે. તેમની કોશિશોના કારણે જ વર્ષ 2014માં મહારાષ્ટ્રના લોનવારી ગામમાં વીજળી આવી ગઈ અને રસ્તો પણ બની ગયો છે. આ ગામની સ્કૂલને પણ તેમણે ડિજિટલ બનાવી છે. ઉપરાંત સોલાર પમ્પની મદદથી અહીં પાણી પણ પહોંચાડ્યું છે.

અમોલ સાઇનવારે યોરસ્ટોરી સાથેની વાતચીતમાં જણાવ્યું,

"રૂરલ ડેવલપમેન્ટમાં અમે બીજું કામ મહિલા સશક્તિકરણનાં ક્ષેત્રે કરી રહ્યા છીએ. તેની પાછળનો ઉદ્દેશ મહિલાઓને મજબૂત બનાવવાનો છે. છેલ્લાં બે વર્ષમાં નિશ્ચિત આવક ન હોવાને કારણે જ્યારે ખેડૂતોનો પાક દુષ્કાળ કે વધારે પડતા વરસાદને કારણે નાશ પામતો હતો તો તેઓ આત્મહત્યા કરી લેતા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને વર્ષ 2014માં અમે શિવપ્રભા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું. જે અંતર્ગત પ્રભા મહિલા ગ્રોથ મારફતે ખેડૂતોની પત્નીઓ અને વિધવાઓને સિવણની તાલિમ આપીને તેમને સિલાઈ મશિનો આપ્યા છે. કેટલીક મહિલાઓને ભેંસ, બકરી આપી છે તો કેટલીક મહિલાઓને કેન્ટિન તૈયાર કરી આપી છે કે તેઓ એક બેઠી આવક મેળવી શકે."

જેથી કરીને આગામી દિવસોમાં ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટે. અત્યાર સુધી તેઓ લગભગ 70 મહિલાઓની આ પ્રકારે મદદ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ આરોગ્યનાં ક્ષેત્રે એવા લોકોની મદદ કરે છે કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે. અમોલ આ તમામ કામો શિવપ્રભા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે કરે છે. જેમની પોતાની એક ટીમ પણ છે.

આ લોકો કુલ ફંડિંગના 20 ટકા આરોગ્યમાં, 40 ટકા રૂરલ ડેવલપમેન્ટમાં, 30 ટકા શિક્ષણમાં અને 10 ટકા યોગ તેમજ આધ્યાત્મ પાછળ ખર્ચ કરે છે. સાથે જ તેમણે ખેડૂતોની મદદ કરવા માટે બહિ રાજા ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ખેડૂતોને ઉત્તમ કક્ષાની ખેતીનું જ્ઞાન વિશેષજ્ઞો મારફતે આપવામાં આવે છે.

પોતાના ફંડિંગ વિશે અમોલ સાઇનવારનું કહેવું છે,

"થોડું ફંડિંગ ક્રાઉડ ફંડિંગ મારફતે મેળવીએ છીએ. સાથે જ અમારા સાથીઓ પોતાની આવકના 10 ટકા ટ્રસ્ટમાં આપે છે. કોઈ બાળકને સ્કોલરશિપ આપવાની હોય તો અમે ફેસબુકના માધ્યમથી પણ નાણાં મેળવી લઈએ છીએ. જ્યારે અમે ઉચ્ચ શિક્ષણ માટે કોઈ વિદ્યાર્થીને સ્કોલરશિપ આપીએ છીએ તો તેને નોકરી મળ્યા બાદ અમે તેને કહીએ છીએ કે તેને જેટલી સ્કોલરશિપ મળતી હતી તેટલી જ તે અન્ય કોઈ વિદ્યાર્થીને આપી દે. જેથી બીજાં બાળકો પણ પ્રગતિ સાધી શકે."

ભવિષ્યની યોજનાઓ અંગે અમોલ સાઇનવારનું કહેવું છે કે વર્ષ 2016-17માં તેમણે 100 મહિલાઓનું સશક્તિકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથેજ 100 બાળકોનો વિકાસ અને 5 સ્કૂલ્સને ડિજિટલ કરવાનું તેમનું લક્ષ્યાંક છે. અમોલની કેટલાક વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. જેના થકી તેઓ કૃષિ ક્ષેત્રે રોકાણ કરશે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- મનીષા જોશી

આવી જ કેટલીક પ્રેરણાત્મક અને સમાજસેવાને લાગી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પર્યાવરણની સાથે સાથે હિમાલયની તળેટીમાં રહેલા ગામને પણ સાચવે છે આ દેવદૂત

વ્હીલચેર પર હોવા છતા સેનાના અધિકારી પોતાના ખભા પર ૫૦૦ બાળકોના ભવિષ્યને ઉપાડી રહ્યા છે!

દુષ્કાળની સ્થિતિને નિવારવા 1-1 રૂપિયો દાન ઉઘરાવીને બનાવ્યા ડેમ્સ!