મહેસાણાના નવદંપતીને આશીર્વાદ આપવા લગ્નમાં 18 હજાર વિધવાઓને આમંત્રણ!

0

આજે પણ કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાં કોઈ શુભ પ્રસંગમાં વિધવાની હાજરીનો વિરોધ થતો હોય છે. કહી શકાય કે આજે પણ કેટલાંક ગામડાંઓમાં વિધવાની કોઈ શુભ પ્રસંગમાં હાજરીને 'ટેબૂ' (જેના પર નિષેધ હોય તે, અસામાન્ય) ગણવામાં આવે છે પરંતુ મહેસાણાના એક બિઝનેસમેને આ જૂનવાણી અને ધ્રુણા ઉપજાવે તેવા વિચારનો પ્રતિકાર કરી સમાજમાં એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગયા અઠવાડિયે, મહેસાણાના જીતેન્દ્રભાઈ પટેલે તેમના દીકરાના લગ્નમાં હાજરી આપવા ૧૮ હજાર વિધવાઓને નિમંત્રણ પાઠવ્યું. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાંથી આ મહિલાઓ લગ્નમાં હાજરી આપવા ખાસ હાજર રહી અને NRI રવિ-મોનાલી, નવદંપતીને આશીર્વાદ આપ્યા.

આ અંગે જીતેન્દ્રભાઈ કહે છે,

"આ મારી દિલની ઈચ્છા હતી કે મારો દીકરો અને વહુને વિધવાઓના આશીર્વાદ મળવા જોઈએ, કે જેમને સમાજ દ્વારા ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે. શુભ પ્રસંગોમાં તેમની હાજરીને અશુભ માનવામાં આવે છે પણ આ માત્ર એક અંધશ્રદ્ધા છે તે વાત મારે સાબિત કરવી હતી."

આટલું જ નહીં, પરંતુ લગ્નમાં હાજર રહેલી દરેક વિધવા મહિલાને પહેરામણી તરીકે એક-એક બ્લેન્કેટ આપવામાં આવ્યું અને સાથે જ તે દરેક મહિલા તેમના ઘરઆંગણે એક છોડ વાવશે તેનું વચન લેવામાં આવ્યું.

આશરે 500 જેટલી વિધવા મહિલાઓ, કે જે ગરીબ પરિવારમાંથી હતી તેમણે દૂધ આપતી ગાય ભેટ સ્વરૂપે આપવામાં આવી જેથી તેઓ પોતાનું ગુજરાન જાતે ચલાવી શકે.

આ પ્રસંગે ૫૫ વર્ષીય હંસાબહેન કહે છે,

"મારી પાસે હવે ગાય છે અને એટલે મને આશા છે કે હું સારી રીતે મારું ગુજરાન ચલાવી શકીશ. મારા પતિના મોત બાદ પણ મને આટલું મહત્ત્વ અપાશે તેવી મને આશા નહોતી."

ખરેખર, જીતેન્દ્રભાઈની આ પહેલે, ગ્રામ્ય વિસ્તારોમાં એક સામાજિક ક્રાંતિની પહેલ કરી છે જે સરાહનીય છે.


Source- Times of India

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories