પોતાનું એક ટંકનું ભોજન ‘અર્પણ’ કરીને ‘સ્કિપ અ મીલ’ થકી હજારો ભૂખ્યાનું પેટ ભરવાનો પ્રયાસ

0

અર્પણ રૉયનાં માતા-પિતાનો પહેલેથી જ એવો પ્રયાસ રહ્યો છે કે તે પોતાનો જન્મ દિવસ ગરીબ અને વંચિત વર્ગનાં બાળકો સાથે મનાવે. આવું કરવા પાછળનો તેમનો એક સીધો અને સ્પષ્ટ ઉદ્દેશ એ હતો કે તેમનો દીકરો એ વાસ્તવિકતાથી રૂબરૂ થઈ શકે કે જિંદગી કેટલી કઠોર હોઈ શકે છે અને પોતાના જીવનમાં અર્પણને ક્યારેય વંચિતો માટે કશું કરવાની તક મળે તો તે તેમના માટે કંઈક સકારાત્મક કરવામાં સફળ થાય. અર્પણનો બાળપણનો થોડો સમય ઓડિશાના ગ્રામીણ વિસ્તારમાં પણ પસાર થયો,જ્યાં ભૂખમરાથી ત્રસ્ત કાલાહાંડી જેવા વિસ્તારોના લોકોના જીવનને બહુ નજીકથી જોયું, જે ઘણી વાર તો માત્ર કેરીની ગોટલીઓ પર જ પોતાનું જીવન ગુજારે છે.

વર્ષ 2012માં મહારાષ્ટ્રના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીસ (ટીઆઈએસએસ)ના તુલજાપુર કેમ્પસમાં અભ્યાસ દરમિયાન અર્પણનું ધ્યાન રોજે રોજ ભોજનના મેસમાં બરબાદ થઈ રહેલા ભોજનના મોટા પ્રમાણ પર ગયું. અર્પણ કહે છે, 

"હું અખબારોમાં વારંવાર વાંચતો હતો કે મહારાષ્ટ્રમાં જ દર વર્ષે 3થી 4 હજાર બાળકો ભૂખમરા અને કુપોષણનો ભોગ બનીને મરણને શરણ થઈ જાય છે અને આપણી કૉલેજમાં આપણી નજર સામે આટલું બધું ભોજન બરબાદ થઈ જાય છે, આ વાત મને અંદરથી કોરી ખાવા માંડી. અમે પ્રયાસ શરૂ કર્યો અને ભોજન બરબાદ કરનારા વિદ્યાર્થીઓ પર લગામ કસવા માટે કેટલાક વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે તૈનાત કર્યા."

જોકે, તેમના તમામ પ્રયાસો નકામા ગયા અને આટલું બધું કરવા છતાં પણ ભોજનની થતી બરબાદીમાં કોઈ ઘટાડો ન થયો અને આ જોઈને અર્પણ બહુ નિરાશ થયેલા. જોકે, તેમના દિમાગમાં એક વિચાર સ્ફૂર્યો. 'Skip A Meal', એક ટંકનું ભોજન છોડો.

તેમનાં માતા-પિતાએ તેમને બાળપણથી જ એક શીખ આપી હતી કે તમારી પાસે જે કંઈ પણ હોય તેમાંથી થોડું ઘણું એ લોકોને જરૂર આપવું, જેમને તેની જરૂર તમારા કરતાં પણ વધારે હોય અને આ શીખથી તેમના મનમાં આ વિચાર આવ્યો. અર્પણ અને કેટલાક સ્વયંસેવક સાથીઓએ તે વખતે નિર્ણય કર્યો કે તેઓ એક ટંકનું ભોજન છોડશે અને તેને કૉલેજ અને આજુબાજુના વિસ્તારોમાં રહેનારા ભૂખ્યા લોકો વચ્ચે વહેંચશે. તેમણે કયા લોકો સુધી પહોંચવાનું છે એ નક્કી કરવા માટે તેઓ સર્વે-સંશોધન કરી રહ્યા હતા ત્યારે જ ‘સ્કિપ અ મીલ’ ટીમની સામે એક એવી વાસ્તવિકતા આવી કે આગળ વધવા માટેનો તેમનો જુસ્સો વધી ગયો. અર્પણ જણાવે છે, 

“અમારા સર્વેક્ષણ દરમિયાન અમને એક અનાથાલયની મુલાકાત કરવાની તક મળી અને અમે ત્યાં બાળકોને પીરસાતાં ભોજન જોઈને દંગ રહી ગયા. ત્યાં રહેનારાં બાળકોને ભોજનમાં સૂકી રોટલીની સાથે થોડું પાણી મેળવીને બનાવેલી મરચાની પેસ્ટ પીરસાતી હતી અને આવું ભોજન જ બાળકો આખું વર્ષ ખાતાં હતાં!”

અર્પણ આગળ કહે છે, 

“કેન્સર, એઇડ્સ અને ટીબી જેવી બીમારીઓથી કુલ મળીને એટલા લોકો નથી મરતા, જેટલા ભૂખમરાને કારણે મરે છે. માત્ર ભારતમાં જ દર વર્ષે 25 હજારથી વધારે લોકો ભૂખમરાનો ભોગ બને છે અને દરરોજ આશરે 53 મિલિયન લોકો ભૂખ્યાપેટે સૂવા મજબૂર હોય છે.”

18 જૂન, 2012ના રોજ પહેલી વાર ‘સ્કિપ અ મીલ’ અંતર્ગત ભોજન છોડ્યું અને તેને ભોજન માટે તડપતા લોકોની વચ્ચે વિતરિત કર્યું. હાલમાં ટીઆઈએસએસ તુલજાપુરના 300 વિદ્યાર્થીઓ શનિવારે પોતાનું ભોજન છોડે છે અને તેને જરૂરિયાતમંદોની વચ્ચે વહેંચી દે છે.

કાર્યને વેગ મળ્યો

અર્પણ કહે છે કે તેઓ ક્યારેય પણ ‘સ્કિપ અ મીલ’ને એક બિન સરકારી સંસ્થા (એનજીઓ) તરીકે નોંધાવવા માગતા નથી. તેઓ તેને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત પહેલ તરીકે જ સ્થાપિત થતી જોવા માગે છે, જે અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બને. તેઓ કહે છે કે “અમે આ કૉન્સેપ્ટને વેગ આપીને એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે ફેલાતું જોવા માગીએ છીએ, કારણ કે અમને વિશ્વાસ છે કે યુવાનો પાસે ક્ષમતાની કોઈ કમી નથી. આ ઉપરાંત મારું માનવું છે કે યુવાનોને નાણાં વગેરે સ્વરૂપે મદદ કરવા માટે પ્રેરિત કરવાને બદલે અન્યો સાથે ભોજન વહેંચવા માટે પ્રેરિત કરવા વધારે સારું રહેશે.”

હાલમાં ચેન્નાઇની મદ્રાસ મેડિકલ કૉલેજ અને દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કૉલેજના વિદ્યાર્થીઓએ તેમની આ પહેલમાં તેમનો સાથ આપીને પોતાના વિસ્તારમાં રહેનારા બેઘર અને ભૂખ્યા લોકોને આ રીતે ભોજન કરાવવાનું શરૂ કર્યું છે. અર્પણ કહે છે, “ભારતની તમામ બોર્ડિંગ કૉલેજ ‘એક કૉલેજ-એક વિસ્તાર’ના આધારે આ કોન્સેપ્ટ અપનાવે તો બહુ ટૂંકા ગાળામાં વિદ્યાર્થીઓ ભૂખમરો નાબૂદ કરવાની સરકારી યોજનાઓને પાછળ રાખવામાં સફળ થઈ શકે છે, કારણ કે આપણા દેશમાં કૉલેજ અને પ્રદેશોનું પ્રમાણ બહુ સારું છે.

માત્ર વિરોધની વાત કરનારા અંગે અર્પણ કહે છે, 

“બની શકે કે ટીકાકારોને અઠવાડિયામાં એક વખત ભોજન ખવડાવવાનું યોગ્ય ન લાગતું હોય, પરંતુ માર્ગ પર ભૂખ્યા રહેનારા માટે તો સ્વચ્છ પાણીનું એક ટીપું પણ અને માત્ર એક ટંકનું ભોજન કોઈ મિજબાનીથી કમ નથી. કંઈ ન હોય તેના કરતાં કંઈક હંમેશાં વધારે સારું હોય છે. મેં હંમેશાં જોયું છે કે માત્ર કૉલેજીસમાં નહીં, બલકે હોટેલ્સ અને એટલે સુધી કે લગ્નપ્રસંગોમાં બચેલું ભોજન મોટા પ્રમાણમાં ફેંકી દેવાતું હોય છે. અમારા જેવી માનસિકતાવાળા લોકો આગળ આવે તો તેઓ આજુબાજુના વિસ્તારમાં રહેનારા લોકોને ભોજન વહેંચીને ભૂખ અને ભોજનની બરબાદીની આ રીતે બેગણી બદીને મીટાવવામાં પોતાનો સહયોગ આપી શકે છે.”

શિક્ષણ અને સશક્તિકરણ

અર્પણ કહે છે કે જે અનાથાલયમાં ‘સ્કિપ અ મીલ’ની ટીમ જાય છે ત્યાં બાળકો આતુરતાથી તેમની રાહ જુએ છે. આ ઉપરાંત એ ટીમે બાળકોને ભણાવવામાં પણ પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું છે. અર્પણે જણાવ્યું કે “અમને એ વાતનો અહેસાસ છે કે આ બાળકોને માત્ર શિક્ષણથી વિશેષ કંઈક જોઈએ અને તેમને એક ઉમદા ભાવિ માટે સખત મહેનત કરવાની જરૂર છે. અમે શરૂઆતમાં અંગ્રેજીના શિક્ષણને પ્રોત્સાહન આપવાના કાર્યમાં સંકળાયેલી એક સંસ્થા સાથે મળીને શિક્ષણ અને પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં ડગ માંડ્યાં છે.અમે પણ કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ અમને ટૂંકા ગાળામાં સમજાઈ ગયું કે આ બાળકોનું કામ માત્ર અંગ્રેજીથી નહીં ચાલે. અમે સાથે સાથે ચિત્રકારી, ક્રાફ્ટ, હસ્તશિલ્પ વગેરે જેવી પ્રવૃત્તિઓને પણ આમાં સામેલ કરી છે.”

અર્પણ અને તેમની ટીમે જોયું કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં બાળકોને તેમના અભ્યાસક્રમ સાથે સામંજસ્ય સ્થાપિત કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામવો કરવો પડતો હતો, કારણ કે એ અભ્યાસક્રમ ગ્રામીણ બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો નહોતો. તે કહે છે, “અભ્યાસક્રમ મોટા ભાગે શહેરી વિસ્તારનાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો છે. હવે અમે ગ્રામીણ વિસ્તારમાં રહેતાં બાળકો માટે એક વૈકલ્પિક અભ્યાસક્રમ ઘડવા જઈ રહ્યા છીએ.”

માત્ર આટલું જ પૂરતું નથી. આ ટીમ બાળકોના સંપૂર્ણ વિકાસ અને બેઘરો માટે નવી તકો શોધવાના, એમ બે મુદ્દાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અર્પણ કહે છે, “અમે આ બેઘર લોકો માટે કૌશલ્ય તાલીમ કાર્યક્રમ આયોજિત કરવા ઉપરાંત તેમના માટે રોજગારીની તક પેદા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે અમારું ધ્યાન માત્ર ભોજન પૂરતું મર્યાદિત નથી, બલકે અમારું ધ્યેય તેમને સશક્ત કરવાનું છે.”

મક્કમપણે આગળ વધવું

અર્પણ હવે પોતાનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ નિરંતર આગળ વધી રહી છે. તે કહે છે કે સમાન માનસિકતાવાળા લોકો સાથે જોડાવાને કારણે આવનાર દરેક વર્ષ સાથે તેમની આ પહેલ વધુ ને વધુ સફળ થતી જાય છે. તેમનું કહેવું છે કે તેઓ કાયમ પોતાની સાથે વધુ ને વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરતા રહે છે અને બની શકે કે ક્યારેક નાણાંની ખોટ તેમની સામે પડકાર રજૂ કરે, પરંતુ તેમને એ વાતનો પૂર્ણ વિશ્વાસ છે કે તેમનું આ અભિયાન આગળ વધવામાં સફળ થશે.

હવે બીજી અન્ય કૉલજ પણ આ અભિયાનનો હિસ્સો બની ગઈ છે ત્યારે ‘સ્કિપ અ મીલ’ દર અઠવાડિયે 1300 લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. વર્ષ 2012માં પહેલી વાર આવું કર્યા પછી અત્યાર સુધી આ અભિયાન દેશના ત્રણ પ્રદેશોમાં 53 હજારથી વધારે લોકોનું પેટ ભરવામાં સફળ રહ્યું છે. અર્પણ કહે છે, “અમારું લક્ષ્ય મિલેનિયમ પેઢી છે. એક તરફ જ્યારે આખી દુનિયા વૃદ્ધ થતી જાય છે ભારતમાં સરેરાશ વય માત્ર 28 વર્ષ છે. આવનાર સમયમાં આપણે દુનિયાને કામગાર ઉપલબ્ધ કરાવી રહ્યા હોઈશું. અને અમને એ વાતનો વિશ્વાસ છે કે આ વયજૂથ નવા વિચારો સાથે સામે આવીને પોતાના વિસ્તારની આજુબાજુની મોટા ભાગની સમસ્યાઓને ઉકેલવામાં સફળ થશે.”

અર્પણ વધુમાં કહે છે, “મને મોટાં સપના જોવા ગમે છે અને હું વૃદ્ધો, વિકલાંગો, બેઘર અને અનાથ બાળકો માટે એક કેન્દ્ર ઊભું કરવા માગું છું. બિલકુલ એક સમાજ જેવું. મારું સપનું છે કે દેશના દરેક વર્ગનાં બાળકોને ભારત ઉપરાંત અન્ય દેશોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં ભણવાની તક મળે.”


લેખક - સ્નિગ્ધા સિંહા

અનુવાદક - સપના બારૈયા વ્યાસ

Freelance Journalist

Related Stories