ડૉ. ત્રસી વધારશે તમારી સુંદરતા!!

0

આજકાલ લોકો વધુમાં વધુ સુંદર દેખાવા માટે સતર્ક રહેવા લાગ્યા છે. સુંદર દેખાવા માટે બજારમાં અનેક પ્રકારના વિકલ્પો મળે છે. સર્જિકલ મારફતે દેખાવમાં સુધારો ભલે બધા લોકોની પહોંચમાં ન હોય તેમ છતાં લોકો પાસે આ સારો વિકલ્પ છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ એમ વિચારે છે કે તેમની પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. મોહમયી મુંબઈ નગરીમાં આવા અનેક વિશેષજ્ઞો મળી જશે કે જેઓ પોતાને ત્યાં આવનારા દરેક લોકોને સુંદર દેખાવામાં મદદ કરે છે.

ડૉ. શ્રીલતા સુરેશ ત્રસી મુંબઈનાં જાણીતાં ચર્મરોગ નિષ્ણાત છે. તેઓ છેલ્લાં 25 વર્ષથી ઘણી હસ્તિઓ, રાજનેતાઓ અને જાણીતા લોકોને સુંદર બનાવવાનું કામ કરી રહ્યાં છે. તેમ છતાં પણ લોકો તેમની ઉદ્યોગસાહસિકતાની ભાવનાથી પરિચિત નથી. ડો. શ્રીલતા ત્રસી મુંબઈની વિવિધ કોલેજો જેમ કે નાયર હોસ્પિટલ અને રાજાડી હોસ્પિટલમાં પ્રોફેસર પણ રહી ચૂક્યાં છે. પરંતુ 23 વર્ષની ઉંમરે એક ડેન્ટિસ્ટ સાથે લગ્ન થયાં બાદ તેમનાં જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે.

ડો. ત્રસીના સસરા માનનીય ચર્મરોગ નિષ્ણાત હતા. અને તેઓ જાણીતી હસ્તિઓને સલાહ આપવાનું કામ કરતા હતા. આ એ જમાનાની વાત છે કે જ્યારે પ્લાસ્ટિક સર્જરી અને બોટોક્સ વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી હતી. લગ્ન બાદ ડૉ. ત્રસી અવાર-નવાર પોતાનાં સસરાનાં ક્લિનિકમાં જતાં હતાં અને એક ઇન્ટર્ન તરીકે ત્યાં કામ કરતાં હતાં. ત્યારબાદ એક કડી પછી બીજી કડી જોડાતી ગઈ અને ડૉ. ત્રસીએ અનુભવ્યું કે રોજબરોજ તેમનો ચામડીના રોગો અંગેનો રસ વધી રહ્યો છે. ડૉ. ત્રસીનું કહેવું છે કે કોલેજના દિવસોમાં સિદ્ધાંતો અને પાયાની વાતો સારી રીતે યાદ રહે છે. પરંતુ ત્યારે પ્રાયોગિક અનુભવ ઓછો હોય છે. તેઓ આ પ્રેક્ટિકલ અનુભવ જેમ બને તેમ ઝડપથી મેળવવા માગતા હતા. તે દરમિયાન તેમને આ જ ક્ષેત્ર સાથે સંકળાયેલું પોતાનું નવું કંઇક કરવાનો વિચાર આવ્યો.

ડૉ. ત્રસીએ પોતાની ઇન્ટર્નશિપ દરમિયાન 1982માં પેનિસિલ્વિયાની મુલાકાત લીધી. ત્યાં જઈને તેમણે સૌંદર્ય અને તેની સાથે સંકળાયેલી વસ્તુઓનો અભ્યાસ કર્યો. જ્યારે તેઓ પરત આવ્યાં તો નાયર હોસ્પિટલમાં સર્જરીનું કામ શરૂ કરી દીધું. તેમનો દાવો છે કે દેશમાં સૌથી પહેલી વખત બોટોક્સ ટેકનિકનો ઉપયોગ તેમણે કર્યો હતો. અત્યાર સુધી પોતાનાં સસરા સાથે કામ કરી રહેલાં ડો. ત્રસીએ વર્ષ 1988માં એકલાં જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે વિવિધ પ્રકારની સર્જરી અને ખીલથી છૂટકારો મેળવવાની ટેકનિકનો ઉપયોગ પોતાનાં ક્લિનિકમાં શરૂ કર્યો.

વિવિધ ટેકનિક અને તેમનાં કામનાં વખાણ ઝડપથી શહેરમાં ચર્ચાવા લાગ્યા. તેના કારણે જ મુંબઈ જેવાં શહેરમાં આજે તેમનાં ત્રણ ક્લિનિક ચાલી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ રામકૃષ્ણ મિશન હોસ્પિટલ અને આશા પારેખ હોસ્પિટલમાં નિયમિત રીતે જાય છે. ડૉ.ત્રસી ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં છે. આજકાલ સુંદરતાનો વેપાર ખૂબ જ આકર્ષક બની ગયો છે. તેના કારણે જ ઘણા લોકો આ ક્ષેત્રમાં પ્રવેશવા અંગે વિચારી રહ્યા છે કે જેથી કરીને વધુમાં વધુ નાણાં કમાઈ શકાય. ડૉ. ત્રસીનું કહેવું છે કે ઘણા બધા લોકો કોઈ પણ જાતની લાયકાત વિના પોતાની જાતને ચર્મરોગ નિષ્ણાત ગણાવે છે. એવામાં જ્યારે કોઈ દર્દી ડૉ. ત્રસીને એમ કહે છે કે તેમની સેવાઓ ખૂબ જ મોંઘી છે તો તેમનો જવાબ હોય છે કે તેઓ બીજા ડોક્ટર પાસે જઈ શકે છે અને કંઈ ગરબડ થાય તો પાછા તેમની પાસે આવી શકે છે. ડૉ.ત્રસીનું કહેવું છે કે તેમના માટે સૌથી મોટો પડકાર આ જ છે બીજા ઊંટવૈદ્યો દ્વારા દર્દીઓમાં ઊભી કરવામાં આવેલી સમસ્યાઓ તેમણે દૂર કરવી પડે છે.

હાલમાં ડૉ. ત્રસીની મદદ તેમની દીકરી ડૉ. શેફાલી નેરુરકર કરી રહી છે. તેણે ચર્મરોગનાં સ્પેશિયાલાઇઝેશન સાથે એમ.ડી.નો અભ્યાસ કર્યો છે. ડૉ.શેફાલી પોતાનાં પરિવારની ત્રીજી પેઢીની ચર્મરોગ નિષ્ણાત છે. જોકે, ડૉ. શેફાલી સ્ત્રીરોગ નિષ્ણાત અને દંત ચિકિત્સક પણ બની શકત પરંતુ આ ક્ષેત્રમાં તેના પરિવારના સભ્યોએ નિપુણતા મેળવી હોવાને કારણે તેણે ચર્મરોગ નિષ્ણાત બનવાનું પસંદ કર્યું. શેફાલીનું માનવું છે કે આ એક પડકારજનક કામ છે. આ ક્ષેત્રમાં સતત નવી ટેકનિક આવી રહી છે. તેના કારણે આ ક્ષેત્ર વધારે મજેદાર બની રહ્યું છે. ડૉ.ત્રસીને પોતાની દીકરી ઉપર ગર્વ છે કારણ કે તેણે અન્ય ક્ષેત્રોને બદલે ત્વચાતનાં ક્ષેત્રને પસંદ કર્યું છે. તેમનું કહેવું છે કે શેફાલી નાનપણથી જ આજ્ઞાંકિત છોકરી રહી છે.

પોતાનાં નાનપણની વાતો વાગોળતા ડૉ. શેફાલી કહે છે કે તે પોતાની માતાને દર વખતે કામમાં વ્યસ્ત રહેતી જોતી હતી. ઘણી વખત શેફાલીને મમ્મીની ગેરહાજરી સાલતી હતી. ખાસ કરીને શાળાનાં વાર્ષિકોત્સવ દરમિયાન પરંતુ તે પોતાનાં મનને મનાવી લેતી હતી કે મમ્મી ખૂબ જ અગત્યનું કામ કરી રહી છે. ડૉ.શેફાલી ડૉ.ત્રસીને એક કોર્પોરેટ બ્રાન્ડ બનાવવા માગે છે. તેનું માનવું છે કે આમ કરીને તે વધુમાં વધુ દર્દીઓની સેવા કરી શકે છે.

એક બાબત એવી છે કે જેનાથી મા-દીકરી કાયમ દૂર રહે છે અને તે છે કોસ્મેટિક કે બ્યુટી બ્રાન્ડ્ઝ સાથેની સાંઠગાંઠ. ડૉ.ત્રસીનું માનવું છે કે એક ડૉક્ટરે આવું કરવું યોગ્ય નથી કે તે કોઈ એક જ પ્રોડક્ટને સારી ગણાવે. બજારમાં અનેક પ્રકારના કોસ્મેટિકનો સામાન મળે છે કે જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવાની પણ પોતાના દર્દીને સલાહ આપી શકાય છે. પરંતુ તે ક્યારેય એવું નથી કહેતાં કે એક પ્રોડક્ટ અન્ય પ્રોડક્ટ કરતાં સારી છે. ડૉ.ત્રસીનું માનવું છે કે નૈતિકતા અને સિદ્ધાંત કોઈ પણ વ્યવસાયમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તેના કારણે જ ડૉ.ત્રસી અને તેમની દીકરી ડૉ.શેફાલી આ બાબતોનું દર વખતે પાલન કરે છે.

Related Stories