મુંબઈની આ ડૉક્ટર જોડી લાવે છે તમારી માનસિક સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન!

ડૉક્ટર્સ જોડીનો આશય આ ક્ષેત્રના કર્મચારીઓની સમસ્યાઓનું સમાધાન અને કાર્યક્ષમતા સુધારવા માટેનો છે તથા સમાજના લોકોને માનસિક સમસ્યા વિશે જાગૃત કરવાનો છે!

મુંબઈની આ ડૉક્ટર જોડી લાવે છે તમારી માનસિક સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન!

Tuesday May 17, 2016,

4 min Read

યુવાનો, ખાસ કરીને 25થી 35 વર્ષ વચ્ચેની વયજૂથના લોકો ઘણી વખત ચિંતા અને અનિશ્ચિતતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા ડિજિટલ માધ્યમો પર સલાહ મેળવે છે. એસોચેમનો એક રિપોર્ટ એપ્રિલ, 2015માં પ્રકાશિત થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે ભારતમાં ખાનગી ક્ષેત્રના 42.5 ટકા કર્મચારીઓ નિરાશા, હતાશા કે ચિંતાની સમસ્યાથી પીડિત છે.

કંપનીઓ દર વર્ષે કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરતી હોય છે. શું તમને આ મૂલ્યાંકન પ્રક્રિયાનો ડર લાગે છે અને તમને તેની ચિંતા સતાવે છે? તમારી ચિંતા દૂર કરવા ફેબ્રુઆરી, 2016માં અજય ફડકે અને એલ્વિન આલ્વાએ એક પ્લેટફોર્મ બનાવ્યું છે. મુંબઈના આ બંને ડૉક્ટર તેમના ડિજિટલ પ્લેટફોર્મ ટાઇપ એ થોટ (માઇન્ડ યોર માઇન્ડ) પર લાગણી અને ભાવના સાથે સંબંધિત ચિંતાઓ પર સમાધાન પ્રસ્તુત કરે છે. તેઓ ચિંતા ઘટાડવાથી લઈને કાર્યદક્ષતા વધારવા માટે માર્ગદર્શન આપે છે.

શરૂઆત

ડૉ. ફડકેએ દર્દીઓ સાથે આદાનપ્રદાન કરતી વખતે જોયું કે, મોટા ભાગના દર્દીઓ માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓથી પીડાય છે તથા તેમને ક્યાંથી મદદ મેળવવી તેનો ખ્યાલ નથી. તેઓ જાણતા હતા કે હતાશા-નિરાશાનો ભોગ બનેલ દરેક વ્યક્તિને માર્ગદર્શન આપવું જોઈએ. સેઠ જી એસ મેડિકલ કોલેજ અને કેઇએમ હોસ્પિટલમાંથી પેથોલોજિસ્ટ થયેલા ડૉ. ફડકે (ઉં. વ. 31) અને ડૉ. આલ્વા (ઉં.વ. 31)એ અજયના કાકા અને પ્રસિદ્ધ સાયકોલોજિસ્ટ કિશોર ફડકેનું માર્ગદર્શન મેળવ્યું. કેટલાંક મહિનાની ચર્ચાવિચારણા પછી બંનેએ ટાઇપ એ થોટની શરૂઆત કરી, જેમાં કિશોર ફડકે મુખ્ય સલાહકાર અને સ્ટાર્ટઅપના માર્ગદર્શક છે.

પેથોલોજીથી ઉદ્યોગસાહસિકતાની સફર

સ્થાપકોએ રૂ. 70 લાખના રોકાણ સાથે ટાઇપ એ થોટની શરૂઆત કરી હતી. કોઈ પણ ટેકનોલોજીકલ પૃષ્ઠભૂમિ વિના યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ બનાવવી બંને ડૉક્ટર માટે સૌથી મોટો પડકાર હતો. પણ જિજ્ઞાસુ ડૉ. ફડકેએ છેલ્લાં એક વર્ષમાં જાવાસ્ક્રિપ્ટ, એચટીએમએલ, સીએસએસ અને એન્ડ્રોઇડ ડેવલપમેન્ટના મૂળભૂત ફંડા વિશે સારી એવી જાણકારી મેળવી છે. અત્યારે તેઓ સ્ટાર્ટઅપ તેની આઇટી જરૂરિયાતોનું આઉટસોર્સિંગ કરે છે.

તેઓ કહે છે,

"અમે ઘણા પ્રયોગો કર્યા હતા અને અમારી કામગીરીને યુઝર માટે અતિ સરળ અને ઉપયોગી બનાવી છે. હજુ લેન્ડિંગ પેજથી લઈને યુઝર પાસેથી પેમેન્ટ અનુભવ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઊભું કરવાનું બાકી છે."

ટાઇપ એ થોટ કેવી રીતે કામ કરે છે?

કોઈ પણ વ્યક્તિએ www.typeathought.com પર લોગ ઓન, સાઇન અપ કરવાનું હોય છે. તેઓ તેમની પસંદગીનું નામ નાંખી પોતાની સાચી ઓળખ છુપાવી શકે છે. પછી તેઓ ઇન-હાઉસ સાયકોલોજિસ્ટ સાથે તેમની સમસ્યાઓની ફ્રીમાં ચર્ચા કરી શકે છે.

પહેલું ફ્રી સેશન પૂર્ણ થયા પછી વ્યક્તિને એ જ કાઉન્સેલર સાથે ચેટ કરવા કે અન્ય કોઈ કાઉન્સેલર્સ સાથે એપોઇન્ટમેન્ટ બુક કરાવવા ચુકવણી કરવી પડે છે. કાઉન્સલેર્સની પ્રોફાઇલ, લાયકાત, સ્પેશ્યલાઇઝેશન અને અનુભવ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટાઇપ એ થોટના બોર્ડ પર આ પ્રકારના નિષ્ણાતો સામેલ છેઃ સાયકોલોજિસ્ટ, લાઇફ કોચ, સેક્સોલોજિસ્ટ, સોશિયલ વર્કર્સ, સ્પીચ એન્ડ ઓક્યુપેશનલ થેરપિસ્ટ, મેરેજ અને ફેમિલી થેરપિસ્ટ તથા સાઇકિયાટ્રિસ્ટ. કમ્યુનિકેશનના માધ્યમો ઇમેઇલ, ટેક્સ્ટ, ફોન અને વીડિયો ચેટ છે.

ટીમની રચના

ટાઇપ એ થોટ અત્યારે 10 કર્મચારીઓ અને 50 વેરિફાઇડ એક્સપર્ટ ધરાવે છે, જેમાંથી 45 એક્સપર્ટ એડવાન્સ બુકિંગ માટે અને પાંચ ઇન-હાઉસ કાઉન્સેલર્સ ઇન્સ્ટન્ટ ચેટ માટે છે.

પેનલમાં સામેલ કર્યા અગાઉ વ્યાવસાયિકોને ઓનલાઇન એક્સપર્ટ રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની જરૂર છે અને સમીક્ષા માટે તેમના ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. એક પ્રાયોગિક સેશન મારફતે તમામ વ્યાવસાયિકોની લાયકાત, તેમના અનુભવ અને સમસ્યાની સમજણ અંગે ચકાસણી થશે.

નાણાકીય વ્યવહારો અને યુઝર્સની સંખ્યા

ટાઇપ એ થોટ 2,000 રજિસ્ટર્ડ એક્ટિવ યુઝર્સ ધરાવે છે. સ્ટાર્ટઅપે છ મહિનામાં યુઝર્સની સંખ્યા 10,000 કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ફ્રી ટૂ પેઇડ યુઝર્સનો હાલનો કન્વર્ઝન રેશિયો પાંચ ટકા છે, જે જુલાઈ, 2016 સુધીમાં આઠ ટકા થવાની શક્યતા છે તેવું ડૉ. ફડકેએ જણાવ્યું હતું.

તેમણે ઉમર્યું,

"અમારા યુઝર્સ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, હૈદરાબાદ અને કેરળમાં પણ ફેલાયેલા છે.” 

અગાઉ લોકો પોતાની માનસિક સમસ્યા જણાવતાં શરમસંકોચ અનુભવતા હતા. અત્યારે ભારતમાં ePsyClinic.com, હેલ્થમાઇન્ડ્સ, હોપનેટવર્ક વગેરે જેવી ઇ-કાઉન્સેલિંગ સેવાઓ થકી પોતાની ઓળખ છુપી રાખીને કાઉન્સેલિંગ મેળવવાનું સરળ બની ગયું છે.

ePsyClinic.com નિરાશા-હતાશા, ચિંતા, સંબંધ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓ પર સારવાર ઓફર કરે છે. બેંગલુરુ સ્થિત હેલ્થમાઇન્ડ વ્યક્તિગત અને વ્યાવસાયિક એમ બંને સ્તરે માર્ગદર્શન અને માનસિક સ્વાસ્થ્ય સારવાર આપે છે, ત્યારે hopenetwork.in ભારત અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારના તબીબો સાથે ઓનલાઇન કાઉન્સેલિંગ ઓફર કરે છે.

કન્સલ્ટન્ટ સાઇકોલોજિસ્ટ સદાફ વિધા કહે છે,

"ઇ-કાઉન્સેલિંગ પ્લેટફોર્મ પર મને બે મહિનામાં વધારે ગ્રાહકો મળ્યાં છે. હકીકતમાં પોતાની ઓળખ જાહેર ન થવાની ખાતરી મળવાથી લોકો પોતાની માનસિક સમસ્યા રજૂ કરવાની હિંમત દાખવી રહ્યાં છે. મોટા ભાગના લોકો ટેક્સ્ટ, ફોન કે વીડિયો ચેટનો ઉપયોગ કરી શકતાં હોવાથી તે અનુકૂળ પણ છે."

બે મહિનાના જૂનું ટાઇપ-એ-થોટ અત્યારે દરરોજ 30થી 40 સાઇન-અપ ધરાવે છે, જેમાં 30 ટકા પુનરાવર્તિત ગ્રાહકો છે. ચુકવણીની વ્યવસ્થા નિષ્ણાતો સાથે બુક થયેલી દરેક એપોઇન્ટમેન્ટ પર આધારિત છે અને દરેક એપોઇન્ટમેન્ટ ફી પર કમિશન પેટે આવક થાય છે. સ્ટાર્ટઅપે આ મહિને તેની મોબાઇલ એપ લોંચ કરીને આગામી થોડા મહિનામાં દરરોજ 150 ચેટ સેશન હાથ ધરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આગળ જતાં તે બ્રિટન અને ઉત્તર અમેરિકાના બજારોમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.

લેખિકા- અપરાજિતા ચૌધરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અજય ફડકે અને એલ્વિન આલ્વા

અજય ફડકે અને એલ્વિન આલ્વા


image


વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

નવા ઉદ્યોગસાહસિકોને, સલાહ-સૂચનો મેળવવા માટે ઉપયોગી છે ‘Karma Circles App’

આપની સફરને વધુ રોમાંચક અને સુગમ બનાવશે ‘ફ્રોપકોર્ન’

દરેકને કામ અપાવે છે ‘kaam24.com’