આખરે કેમ તન્ના દંપતીએ સમાજસેવાને બનાવી લીધી તીરથ, જરૂર વાંચો

આખરે કેમ તન્ના દંપતીએ સમાજસેવાને બનાવી લીધી તીરથ, જરૂર વાંચો

Tuesday May 10, 2016,

5 min Read

ઈશ્વરની સાચી ભક્તિ તેની પૂજામાં નહીં, પરંતુ માનવતાનો ધર્મ નિભાવવામાં છે. 2011માં મુંબઈમાં એક દુર્ઘટનામાં એકમાત્ર દીકરાને ખોઈ દીધા બાદ જ્યારે દમયંતી તન્ના અને પ્રદીપ તન્નાએ ઈશ્વરના શરણમાં જવા માટેનો નિર્ણય કર્યો, તો ખૂબ ઝડપથી તેમને સમજમાં આવી ગયું કે મંદિરો-શિવાલયોમાં ભટકવાથી નહીં, પરંતુ મનની શાંતિ બીજાની સાચી સેવા કરવામાં મળે છે. આ વિચારને તેમણે જીવનનો સાર બનાવી લીધો, અને સમાજનો એવો કોઈ વર્ગ નથી જે આજે તેમની સેવાથી અળગો હોય. દીકરાની યાદમાં તેમણે 26 જાન્યુઆરી 2013એ નિમેશ તન્ના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, અને આજે તેના દ્વારા બાળકો, વડીલો અને અન્ય જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે છે. દમયંતી આજે પણ તે દિવસને યાદ કરે છે, જેના બાદ તેમનું જીવન અને જીવવાનો હેતુ પૂરી રીતે બદલાઈ ગયા.

image


યોર સ્ટોરી સાથેની વાતચીતમાં દમયંતીએ જણાવ્યું,

"નિમેશ 23 વર્ષનો હતો જ્યારે તેને પહેલો પોર્ટફોલિયો શૂટનું કામ મળ્યું, તેને ફોટોગ્રાફીનો શોખ હતો. તે દિવસે તે ખૂબ ખુશ હતો અને મિત્રોની સાથે તેનો ડીનરનો પ્લાન હતો. રાત્રે તેણે લોકલ ટ્રેન પકડી અને ભીડના કારણે તે દરવાજાની પાસે ઊભો રહી ગયો. ટ્રેકની ખૂબ નજીક લાગેલા એક થાંભલાને તે જોઈ ન શક્યો અને તેનું માથું તેનાથી અફડાયું. મોડી રાત સુધી જ્યારે તે પાછો ન ફર્યો તો અમને ચિંતા થવા લાગી, મિત્રોને પૂછવા છતાં પણ અમને નિમેશનો કોઈ પત્તો ન લાગ્યો, સવારે પોલીસ દ્વારા અમને ઘટના અંગેની જાણ થઈ."

દુર્ઘટના બાદ તન્ના દંપતીનું જીવન જાણે કે થંભી ગયું. તેમનું એક-એક સેકન્ડ કાઢવું મુશ્કેલ થઈ રહ્યું હતું. એવામાં શુભચિંતકોએ તેમને ચારધામની યાત્રા પર જવાની શિખામણ આપી. આશકે દોઢ વર્ષ સુધી તે મંદિરો-શિવાલયોમાં મનની શાંતિ શોધતાં રહ્યાં, પરંતુ લાખ પ્રયત્ન છતાં નિમેશના જવાનું દર્દ તેમના મનને ડંખતું રહ્યું અને શાંતિ ક્યાંય ન મળી.

image


તેમણે યોર સ્ટોરી સાથે વાતચીતમાં કહ્યું,

"સહુની સલાહ માનીને અમે ચારધામની યાત્રા પર નીકળી ગયા, પરંતુ જેવા ઘરે પરત ફર્યાં ફરીથી તે એકલતા અને ખાલીપો હતાં. અમને સમજમાં નહોતું આવતું કે એવું તો શું કરીએ જેનાથી મનને શાંતિ મળે. પછી એક દિવસ એમ જ બેઠાંબેઠાં અમને વિચાર આવ્યો કે અમારા જેવા બીજા પણ લોકો હશે, જેમની પાસે કોઈ પોતાનું નહીં હોય અને તેમને મદદ કરવાની જરૂર હશે. બસ આ જ વિચારને અમે જીવવાનો ધ્યેય બનાવી લીધો."
image


સૌથી પહેલાં તન્ના દંપતીએ આ વિચાર અંગે પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે ચર્ચા કરી. આ સારા કામ અંગે સાંભળીને સૌએ આગળ વધવાનો વિશ્વાસ આપ્યો, પછી તેમણે તેમની આસપાસ જ એવા જરૂરિયાતમંદ લોકોની શોધ શરૂ કરી. આશરે દોઢથી બે મહિના સુધી તે ઘરેઘરે જઈને એવા લોકોને શોધતા રહ્યા. એવા 27 વડીલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું, જેઓ બીમાર હતા અને મદદની જરૂર હતી. પોતાની સેવાનો વ્યાપ વધારવા માટે તેમણે મંદિર અને સ્ટેશનની બહાર પણ પોસ્ટર્સ લગાવ્યાં. ધીરેધીરે જરૂરિયાતમંદ લોકોની સંખ્યા વધતી ગઈ. ભગવાનનું આપેલું ઘણું હતું જેથી તેમને શરૂઆતમાં નાણાંની જરૂર નહોતી. જેમજેમ લોકોને આ અંગે જાણ થઈ તેમતેમ અનુદાન આપનારાઓની સંખ્યા પણ વધતી ગઈ. શરૂશરૂમાં તેઓ ખુદ જ તેમના સંબંધીઓની મદદથી ટિફિન્સની ડિલિવરી કરતા હતા, પરંતુ બાદમાં મુશ્કેલી સર્જાતાં તેમણે તે કામ મુંબઈના ડબાવાળાઓને સોંપી દીધું. ટ્રસ્ટની તરફથી રોજ 102 વડીલોને ફ્રી લંચની ડિલિવરી આપવામાં આવે છે. જ્યાં સામાન્ય રીતે ડબાવાળા એક ડિલિવરીના રૂ.650 મહિનાના લે છે, ત્યાં જ નિમેશ તન્ના ચેરિટેબલ ટ્રસ્ટના ટિફિનની ડિલિવરીના રૂ.450 લે છે.

image


યોર સ્ટોરી સાથે વાત કરતાં દમયંતીએ કહ્યું,

"મુલંડમાં અમારી બે દુકાનો છે અને ભગવાનનું આપેલું ઘણું બધું છે અમારી પાસે. અમે પોતાના પૈસાથી જ આની શરૂઆત કરી. પરંતુ જેમજેમ લોકોને ખબર પડી તેમ દાન આપનારાઓની કમી ન રહી. અમારી પાસે હાલમાં કુલ 8 મહિલાઓનો સ્ટાફ છે, જે સવારથી જ લંચ બનાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. રોજ અહીં 110 લોકોનું જમવાનું બને છે. સ્વાદ અને વડીલોનું સ્વાસ્થ્ય બંનેને ધ્યાનમાં રાખીને લંચ તૈયાર કરવામાં આવે છે. અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે તેમને પોષણયુક્ત આહાર મળે, ભોજનનું પ્રમાણ પણ એટલું હોય છે કે એક ટિફિનમાંથી બે લોકો આરામથી જમી શકે."
image


તન્ના દંપતીએ તેમની સેવાને માત્ર વડીલો પૂરતી સીમિત નથી રાખી, પરંતુ સમાજના કોઈ પણ વર્ગ તેમની સેવાથી દૂર નથી. ભાંડુપના આદિવાસી વિસ્તારમાં એવા 50 પરિવાર છે, જેને ટ્રસ્ટ તરફથી દર મહિનાના પ્રથમ રવિવારે 15-16 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. તેમને કરિયાણાની બાકીની વસ્તુ, જેમ કે તેલ, ખાંડ અને બાકીનો જરૂરિયાતનો સામાન પણ આપવામાં આવે છે. નિમેશના જન્મદિવસ 5 ઓગસ્ટ 2013થી શરૂ થયેલી આ સેવાથી એવા ઘણા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારને રોટલો પૂરો પડે છે, જેમના માટે બે સમયનું જમવાનું મેળવવાનું પણ મુશ્કેલ હતું. બાળકો પણ તેમની સેવાથી દૂર નથી. એક વાર એમ જ પોતાના મિત્રોની સાથે મુંબઈની પાસે આવેલી દહાનુની સરકારી સ્કૂલોમાં જઈને જોયું કે બાળકોના પગમાં ચપ્પલ પણ નહોતાં, અને ઠંડીથી બચવાનું કોઈ સાધન પણ નહોતું. તેમણે તે જ સમયે બાળકોની મદદ કરવાનું નક્કી કરી લીધું.

image


યોરસ્ટોરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યાકે જોયું કે બાળકોના પગમાં ચપ્પલ પણ નહોતાં, ઠંડીથી બચવા માટે ચાદર નહોતી. સંસ્થાએ 9 સ્કૂલનાં 1100 બાળકોને ચાદર, ચપ્પલ અને ફરસાણનાં પેકેટ વહેંચ્યા. દમયંતી જણાવે છે કે તેમના ચહેરા પરનો આનંદ જોવાલાયક હતો, અને આ જ તેમના જીવન માટે સૌથી મોટી ભેટ હતી. ત્યારબાદ તેમણે એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે, જ્યાં આસપાસના ગરીબ પરિવારનાં બાળકોના જન્મદિવસ ઊજવવાની યોજના બનાવવામાં આવે છે. આ લોકોએ એવા કેટલાક પરિવારનાં નામ ટ્રસ્ટમાં રજિસ્ટર કરાવ્યાં છે પછી તેમની સાથે જઈને તેમના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. સંસ્થાની તરફથી સામાન ખરીદીને બાળકોમાં વહેંચીએ છીએ.

નિમેશના જવાનું દુઃખ તો હંમેશાં રહેશે, પરંતુ સાચી સેવાને જ પોતાની પૂજા માનીને દિવસ-રાત અન્ય લોકોની સેવામાં લાગેલાં તન્ના દંપતીએ બતાવી દીધું છે કે કેવી રીતે બીજા માટે જીવવામાં આવે છે. પોતાનું દુઃખ ભૂલીને બીજાના ચહેરા પર હાસ્ય વિખેરવામાં જ ઈશ્વરની સાચી ભક્તિ છે અને મનની શાંતિ છે. આનાથી વધીને દુનિયામાં બીજી કોઈ ખુશી નથી.

લેખક- શિખા ચૌહાણ

અનુવાદક- બાદલ લખલાણી

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

વેકેશનમાં મિત્રો સાથે ગપ્પા મારવાના બદલે વડોદરાનાં યુવાને પકડી હઠ! 'ચેન્જ વડોદરા' થકી લાવ્યો કેટલાંયે લોકોના જીવનમાં બદલાવ !

દીકરાનાં મૃત્યુ બાદ અભિયાન ચલાવ્યું કે જેથી કોઈ બીજાએ માર્ગ અકસ્માતમાં જીવ ન ગુમાવવો પડે!

જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સુવિધાઓ પૂરી પાડવા આ યુવાનો ચલાવે છે IIM-A રોડ પર 'ફૂડ કોર્ટ'