જૂના-ફાટેલા કપડાંઓમાંથી બ્લેન્કેટ, સોફા કવર, ચાદર બનાવે છે આ વડોદરાવાસી! 

2

ઔદ્યોગિક ક્રાંતિ આવી તે પહેલાં તો ફાટેલા કે જૂના કપડાંને સાંધીને કે પછી તેને કોઈ નવું સ્વરૂપ આપીને પણ વાપરવામાં આવતા. નહીં તો તેના વપરાશના બીજા વિકલ્પો શોધી નખાતા. ખાસ કરીને આપણા દેશમાં તો સાંધી-જોડીને પણ વસ્તુ વાપરવાનું ચલણ ખાસ્સું છે. અને આજે પણ ઘણાં ગ્રામીણ વિસ્તારોમાં વસ્તુ જૂની થઇ જાય પછી તેનો અન્ય રીતે ઉપયોગ કરવાનું ખાસ્સું ચલણ છે. તેવામાં વડોદરામાં રહેતા યાકુબ અલી પણ સદીઓથી ચાલી આવતી આ પ્રથાને ખૂબ સુંદર રીતે જીવિત રાખી રહ્યાં છે. 

ઉત્તર પ્રદેશના સાગરપુરના યાકુબ અલી છેલ્લા 4 વર્ષોથી વડોદરામાં રહે છે. તેમણે એક હેન્ડલૂમ મશીન વસાવ્યું છે જેની મદદથી તમારા કોઈ પણ જૂના કે ફાટેલા કપડાંને એક નવી જ વસ્તુમાં ફેરવી શકાય છે. જોતજોતામાં જ યાકુબ તમારા જૂના ફાટેલા કપડાંમાંથી બ્લેન્કેટ, ડૉરમેટ, સોફા કવર કે ચાદર બનાવી દે છે. આ અંગે યાકુબ કહે છે,

"છેલ્લા કેટલાંયે દાયકાઓથી મારા ગામમાં આ પ્રથા ચાલતી આવે છે. મારા ગામના મોટા ભાગના ઘરોમાં આ મશીન વસાવેલું છે."

આજે પણ ઘણી સંસ્કૃતિમાં રિસાઇકલિંગને પ્રાધાન્ય આપવામાં આવે છે. નાનપણથી જ લોકો આ કળાને શીખે છે. ત્યારે યાકુબ પણ બાળપણથી જ આ કળા જોઈ રહ્યાં હતાં અને ત્યારે જ તેમણે આ કળામાં માસ્ટરી મેળવી લીધી. આજે શહેરોમાં પણ આ કળા પ્રત્યેનો લગાવ વધી રહ્યો છે. તે અંગે યાકુબ જણાવે છે,

"ઘણાં પૂછપરછ કરવા આવે છે પણ હું દિવસના ત્રણથી ચાર ઓર્ડર્સ જ લઉં છું."

જૂના કપડામાંથી જે વસ્તુ બનાવવાની હોય અને જૂના કપડાની જે હાલત હોય તે પરથી કિંમત નક્કી કરવામાં આવે છે.

યાકુબ આ મશીન ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો જેની કિંમત આશરે 5 હજાર રૂપિયાની આસપાસ થાય છે. યાકુબ પહેલાં પણ કેટલાંક લોકો આ કામ લઈને વડોદરા આવ્યા અને તેમણે સફળતા મેળવી, તે જોઇને યાકુબે પણ આ કામની અહીં શરૂઆત કરી. યાકુબનું આ અંગે કહેવું છે,

"જેમ જેમ વધુ ને વધુ લોકોને આ કળા વિશે માલૂમ પડે છે તેમ તેમ આ વસ્તુઓની માગ વધી રહી છે. ભવિષ્યમાં પણ હું આ જ કામ પણ આગળ વધારવા માગું છું."

શહેરી વિસ્તારોમાં, અપસાઈકલિંગ એ નવો ટ્રેન્ડ છે. ધીરે ધીરે લોકોને આ પ્રત્યેનો ઝુકાવ વધી રહ્યો છે. ખરેખર, અમુક દાયકાઓ પહેલાં જે રીતે કુદરતી અને સરળ ઉપાયોથી જીવન જીવાતું હતું, તેમાંના જો કેટલાંક ઉપાયો પણ આપણે અપનાવીએ તો ચોક્કસપણે ખૂબ સરળતાથી આપણે એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ... 

Related Stories