એવી મહિલાઓ... જે દિવસ-રાત વિચારે છે તમારા સ્વસ્થ આરોગ્ય માટે!

એવી મહિલાઓ... જે દિવસ-રાત વિચારે છે તમારા સ્વસ્થ આરોગ્ય માટે!

Monday October 12, 2015,

9 min Read

કિરણ મજુમદાર શૉ, સીએમડી, બાયોકોન લિમિટેડ

વૈશ્વિક પરિસ્થિતિઓનાં એક સફળ જાણકાર કિરણ મજુમદાર શૉ ભારતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની બાયોકોનનાં વડાં છે. તેઓ ઉદ્યોગજગતની એક અગ્રણી હસ્તી છે. ટાઇમ મેગેઝિને તેમને વિશ્વની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવ્યાં છે. ઇકોનોમિક ટાઇમ્સે તેમને વર્ષ 2012માં ભારતનાં ટોચનાં 10 મહિલા સીઈઓની યાદીમાં સ્થાન આપ્યું છે. બાયોટેકનોલોજી ક્ષેત્રમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન અને આગવા પ્રયાસોને કારણે જ બાયોકોન અને ઉદ્યોગ બંનેને વૈશ્વિક સ્તરે માન મળ્યું છે.

શૉ કર્ણાટકના વિઝન ગ્રૂપ ઓફ બાયોટેકનોલોજીનાં અધ્યક્ષ હોવા ઉપરાંત આયર્લેન્ડના બોર્ડ ઓફ સાયન્સ ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલાં હતાં. તેઓ સરકારનાં બાયો ટેકનોલોજી વિભાગની સલાહકાર સમિતિનાં સભ્ય પણ છે. જેમાં તેમણે ભારતમાં બાયોટેકનોલોજીનાં ક્ષેત્રે એક સ્પષ્ટ તેમજ પ્રગતિશીલ રૂપરેખા તૈયાર કરવા માટે સરકારી વિભાગો, વિવિધ ઔદ્યોગિક જૂથો અને શિક્ષણ સંસ્થાઓને એક મંચ ઉપર લાવવા માટે અગત્યની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેઓ ભારતમાં ઉદ્યોગ અને વેપાર માટે બનેલી વડાપ્રધાનની પરિષદ તેમજ ઇન્ડો-અમેરિકન સીઈઓ ફોરમનો પણ એક ભાગ છે. શૉ ભારત સરકારના એક સ્વાયત્ત એકમ ‘ભારતીય ફાર્મોકોપિયા પંચ’ના સંચાલક મંડળ તેમજ સામાન્ય એકમનાં પણ એક સભ્ય છે. સાથે જ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા ભારતની નિકાસ નીતિમાં વધારો કરવા માટે બનાવવામાં આવેલી સમિતિનાં સભ્ય ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય કોર્પોરેટ પ્રશાસન નીતિની સમિતિનાં પણ સભ્ય છે. તેઓ ભારતીય પ્રતિસ્પર્ધા પંચ, નવી દિલ્હીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં જૂથનાં એક સભ્ય પણ છે.

image


તેઓ ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમસેલ બાયોલોજી એન્ડ રીજનરેટીવ મેડિસિન’ની રચના માટે તૈયાર કરવામાં આવેલી સમિતિનાં સ્થાપક સભ્ય પણ છે. શૉને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવતાં વિદેશ વેપાર મહાનિર્દેશાલયના વેપાર મંડળના સભ્ય તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ વૈશ્વિક સલાહકાર સમિતિની એક પહેલ મહિલાઓ અને ગ્રીન અર્થતંત્ર અભિયાન સાથે પણ જોડાયેલાં છે. તેનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે ગ્રીન અર્થતંત્ર વિકસાવવા માટે મહિલા વ્યાપાર, સરકાર અને વિવિધ બિનસરકારી સંગઠનોને એક મંચ પર લાવવાનો છે.

ઉદ્યોગજગતમાં ઉલ્લેખનીય કામ ઉપરાંત સામાજિક જવાબદારીઓનાં સફળ પ્રયાસો માટે શૉને વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. તેમને ક્ષેત્રીય વિકાસ માટે નિક્કેઈ એશિયા પુરસ્કાર 2009, ડાયનામિક ઉદ્યોગપતિ તરીકે 2009નો એક્સપ્રેસ ફાર્માસ્યુટિકલ લીડરશિપ સમિટ એવોર્ડ, ઇકોનોમિક ટાઇમ્સનો વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ઉદ્યોગ સંચાલિકા, લાઇફ સાયન્સિઝ અને હેલ્થકેર માટે વર્ષનો અર્નેસ્ટ અને યુવા ઉદ્યોગપતિ પુરસ્કાર, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ટેકનિકલ પોસનિયર તરીકે માન્યતા તેમજ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળી ચૂક્યો છે. બાયોટેકનોલોજી ક્ષેત્રમાં તેમનાં આગવા પ્રયાસો માટે તેમને ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 1989માં પદ્મશ્રી અને વર્ષ 2005માં પદ્મભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

શૉએ વર્ષ 1973માં બેંગલુરુ યુનિવર્સિટીમાંથી ઝૂલોજીમાં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1975માં તેમણે ઓસ્ટ્રેલિયાની બેલરેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર બ્રુયર તરીકે પણ સફળતા મેળવી હતી. વર્ષ 2004માં શૉને તેની માતૃસંસ્થા બેલરેટ યુનિવર્સિટીએ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ વિજ્ઞાનમાં ડૉક્ટરેટની માનદ પદવી આપી. ઉપરાંત, તેમને 2007 અને 2008માં બ્રિટનની ત્રણ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી હતી. તાજેતરમાં જ આર્થિક જીવનમાં તેમનાં યોગદાનની નોંધ લઈને આયર્લેન્ડની નેશનલ યુનિવર્સિટીએ તેમને વિજ્ઞાનમાં માનદ ડૉક્ટરેટની પદવી આપી છે. ઉપરાંત ડબ્લિનની ટ્રિનિટી કોલેજે પણ તેમને ડૉક્ટરેટની માનદ પદવી આપી છે.

વર્ષ 1978માં ઔદ્યોગિક એન્ઝાઇમ બનાવવાના આશયથી શરૂ કરવામાં આવેલી આ કંપની હાલમાં મોટી બાયોફાર્માસ્યુટિકલ કંપની બની ગઈ તે શૉનાં જ નેતૃત્વને આભારી છે. ઉપરાંત હાલમાં આ કંપની ડાયાબિટિસ અને કેન્સર ટેકનોલોજી (ઓન્કોલોજી) સહિત અનેક ક્ષેત્રોમાં સંશૉધનનું કામ કરી રહી છે. સફળતાના આ સમયગાળામાં બાયોકોને અન્ય બે સહાયક કંપનીઓ સ્થાપવામાં સફળતા મેળવી છે. વર્ષ 1994માં Syngeneની સ્થાપના સંશૉધનનાં ક્ષેત્રમાં સેવા આપવા માટે કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2000માં Clinigeneની સ્થાપના ક્લિનિકલ વિકાસનાં ક્ષેત્રમાં સેવા કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.

એક અગ્રગણ્ય અમેરિકી વ્યાપાર પ્રકાશન મેડ એડ ન્યૂઝે વર્ષ 2007-08માં પોતાની યાદીમાં બાયોકોનને વિશ્વની ટોચની 20 બાયોટેકનોલોજી કંપનીમાં સ્થાન આપવા ઉપરાંત દુનિયાની સાતમી સૌથી મોટી બાયો ટેક કંપની તરીકેની માન્યતા આપી હતી. ઉપરાંત બાયોકોન વર્ષ 2009માં સિંગાપોર એશિયા પેસિફિક બાયોટેકનોલોજી એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર પણ જીતી લાવી હતી.

ડૉ. પ્રિથા રેડ્ડી, મેનેજિંગ ડિરેક્ટર, અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિ.

ભારતમાં આરોગ્ય સેવાના વ્યાપારીકરણના પ્રણેતા અને પોતાનાં પિતા ડૉ.પ્રતાપ.સી.રેડ્ડી પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લઈને પ્રિથા વર્ષ 1989માં ઔપચારિક રૂપે જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે અપોલો હોસ્પિટલ સાથે જોડાયાં અને પાંચ વર્ષનાં ઓછા સમયગાળામાં અપોલોનાં મેનેજિંગ ડિરેક્ટર બની ગયાં. સમગ્ર એશિયા તેમજ વિશ્વમાં તમામ પ્રકારની આરોગ્ય સેવા આપવા માટે પ્રખ્યાત અપોલો હોસ્પિટલ આરોગ્ય સેવા વિતરણ પ્રણાલીના પ્રત્યેક ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ બનાવવામાં સફળ રહી છે. આ જૂથની હાજરી શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. તદુપરાંત તે પ્રાથમિક આરોગ્ય સંભાળ, ફાર્મસી, આરોગ્ય શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં પણ પોતાનો પગદંડૉ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. 1983માં સ્થાપના બાદ અપોલો 30 લાખ કરતાં વધારે દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે.

image


ભારતમાં મોબાઇલના વધી રહેલા ઉપયોગને ધ્યાનમાં રાખીને પ્રિથાએ વિવિધ મોબાઇલ સર્વિસ, પ્રોવાઇડર્સ સાથે હાથ મિલાવીને અપોલો હોસ્પિટલની એક એમ-આરોગ્ય સેવા શરૂ કરી છે. તેમને આશા છે કે આ મોબાઇલ આરોગ્ય સેવા દેશની આરોગ્ય સેવામાં ધરમૂળથી પરિવર્તન લાવવામાં સફળ થશે. અને અપોલો હોસ્પિટલ એક અબજ લોકો સુધી પહોંચવાનું તેનું સપનું સાકાર કરી શકશે.

તેઓ આરોગ્ય અંગેના અગત્યના મુદ્દાઓ ઉપર અગત્યના નિર્ણયો લેવા માટે બનેલા ઔદ્યોગિક એકમો તેમજ ભારત સરકાર સાથે મળીને કામ કરે છે. વર્ષ 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે તેમને ભારતીય અમેરિકી અને ભારતીય મલેશિયાઈ સીઈઓનાં ફોરમમાં સામેલ થવામાટે આમંત્રણ આપ્યું હતું.

ડૉ. પ્રિથા રેડ્ડીને ફોર્ચ્યુન દ્વારા 2010 અને 2011માં જાહેર કરવામાં આવેલી વિશ્વની ટોચની 50 શક્તિશાળી મહિલા ઉદ્યોગ સંચાલિકાની આંતરરાષ્ટ્રીય યાદીમાં સ્થાન મળ્યું હતું. ઉપરાંત તેઓ વર્ષ 2011માં ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા સંચાલિત વેપારજગતની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યાં હતાં. ઉપરાંત તેઓ વર્ષ 2006થી સતત બિઝનેસ ટુડેની શક્તિશાળી મહિલા ઉદ્યોગ સંચાલિકાઓની યાદીમાં સ્થાન પામતાં આવ્યાં છે.

પ્રિથા ભારતની હોસ્પિટલ માટે ગુણવત્તાનાં લઘુત્તમ ધારાધોરણો નક્કી કરતી સંસ્થા રાષ્ટ્રીય ગુણવત્તા પરિષદનાં સ્થાપક સભ્ય પણ છે. તેઓ અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ બોર્ડનાં કાર્યકારી સભ્ય હોવા ઉપરાંત વિપ્રો બિઝનેસ લીડરશિપ કાઉન્સિલ અને એક્સએલઆરઆઈ જમશેદપુરના સંચાલક મંડળનાં પણ સભ્ય છે.

પ્રિથા રેડ્ડીને લોયોલા ફોરમ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ દ્વારા સામાજિક વિજ્ઞાનનાં ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ લાઇફ ટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો છે.

ડૉ. પ્રિથા રેડ્ડી સમાજના વંચિત રહી ગયેલા લોકો માટે કામ કરવામાં પણ અગ્રેસર રહ્યાં છે. તેઓ જન્મજાત હૃદયની બીમારીથી પીડાતા ગરીબ બાળકો માટે એક એનજીઓ ‘સાચી’ પણ ચલાવે છે. ‘સાચી’ના સહયોગથી અત્યાર સુધી હૃદયની વિવિધ બીમારીઓ ધરાવતા 5 હજાર કરતાં વધારે બાળકોની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. તેમજ ગરીબ વર્ગના 50 હજાર કરતાં વધારે બાળકોની હૃદયની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત તેમણે ઘણી કુદરતી આપત્તિમાં તબીબી સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ડૉ. પ્રિથા રેડ્ડી અપોલોના એક મુખ્ય સ્તંભ ટીએલસી મંત્રની પ્રેણાસ્રોત તેમજ મુખ્ય વાસ્તુકાર પણ છે.

ડૉ. પ્રિથા રેડ્ડીએ ચેન્નાઈ સ્ટેલા મેરિસ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી છે. ત્યારબાદ તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં અનુસ્નાતક કર્યું છે. ઉપરાંત તેમણે ચેન્નાઈના કલાક્ષેત્રમાંથી લલિત કલાનું ઔપચારિક શિક્ષણ લીધું હતું. જેમાં આગળ જતાં તેમને ભારતીય કલા અને સંસ્કૃતિને આત્મસાત કરવામાં મદદ મળી હતી. આરોગ્ય સેવા ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમને ચેન્નાઈની એમજીઆર મેડિકલ યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવી આપી છે. ડૉ. પ્રિથા પરિણિત છે અને તેમને બે દીકરા છે.

ડૉ.સ્વાતિ.એ.પિરામલ, વાઇસ ચેરમેન, પિરામલ એન્ટરપ્રાઇઝિસ

ડૉ. સ્વાતિ પિરામલ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓમાંનાં એક છે. તેઓ આરોગ્ય સેવા ક્ષેત્રે પણ સક્રિય છે. નવી દવાઓ અને જાહેર આરોગ્ય સેવાનાં ક્ષેત્રે તેમનું યોગદાન ઉલ્લેખનીય છે અને અત્યાર સુધી તેઓ હજારો લોકોનું જીવન બચાવવામાં સફળ રહ્યાં છે. 28 માર્ચ, 1956ના રોજ જન્મેલાં સ્વાતિ પિરામલે વર્ષ 1980માં મુંબઈમાંથી એમબીબીએસ કર્યું હતું. તેઓ હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે. વર્ષ 1992માં જાહેર આરોગ્યનાં ક્ષેત્રે અભ્યાસ કર્યા બાદ તેઓ દુનિયાભરના લોકોને જાહેર આરોગ્ય સેવા આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

image


ડૉ. પિરામલ કેન્સર, ડાયાબિટિસ, સોજા, તેમજ ચેપી રોગ અંગે સંશૉધન કરી રહેલી એક ટીમનું સંચાલન કરી રહ્યાં છે. તેમનાં નામે 200 આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સ અને 14 નવી દવાઓ છે. પિરામલ એન્ટરપ્રાઇઝ એક બહુરાષ્ટ્રીય કંપની છે. જે પોતાના વૈશ્વિક ઉત્પાદન સાથે 100 કરતાં પણ વધારે દેશૉમાં દવાઓ પૂરી પાડે છે. તેમણે લગભગ છેલ્લા બે દાયકામાં ડાયાબિટિસ, ગઠિયો વા તેમજ હૃદયરોગ જેવી જૂની બીમારીઓ અટકાવવા માટે ખૂબ જ કામ કર્યું છે. તેઓ મુંબઈ સ્થિત ગોપીકૃષ્ણ પિરામલ હોસ્પિટલનાં સંચાલિકા છે. તેમણે હાડકાંની નબળાઈ, મેલેરિયા, ટીબી, વાઇ, અને પોલિયો જેવી બીમારી સામે જાહેર આરોગ્ય અભિયાનની શરૂઆત કરી છે. તેમની હોસ્પિટલમાં સ્થાપવામાં આવેલું ખેલ ચિકિત્સા કેન્દ્ર એકદમ અનોખું છે. તેમાં વિકલાંગ બાળકો, વૃદ્ધો, અને રમતી વખતે ખેલાડીઓને ઇજા થાય તેનો ઇલાજ કરવામાં આવે છે. ઉપરાંત તેમણે ‘ઓસ્ટોપ ઇન્ડિયા’નો પણ પાયો નાખ્યો છે. જે ભારતમાં ભયંકર રોગોને રોકવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવે છે.

સ્વયં શિસ્ત અને ક્ષેત્ર આધારિત શિક્ષણ પર કામ કરનારાં પિરામલ ફાઉન્ડેશનનાં ડિરેક્ટર તરીકે ગ્રામીણ ભારતમાં આરોગ્ય સેવાને પ્રોત્સાહન આપવા માટે એચએમઆરઆઈ સાથે મળીને તેઓ કામ કરી રહ્યાં છે. આ એક મોબાઇલ આરોગ્ય સેવા હોવા ઉપરાંત મહિલા સશક્તિકરણની યોજનાઓ અને સમૂહ શિક્ષણનાં ક્ષેત્રે કરવામાં આવેલી પહેલ છે. ઉપરાંત તેઓ શુદ્ધ પાણી માટે સ્થાપવામાં આવેલાં સર્વજલ ફાઉન્ડેશનનાં ડિરેક્ટર છે. ભારતનું સર્વોચ્ચ વેપારી સંગઠન એસોચેમના 90 વર્ષના ઇતિહાસમાં ચેરમેનનાં પદે બિરાજનારાં તેઓ પ્રથમ મહિલા છે. આ હોદ્દા ઉપર રહીને તેમણે અનેક અગત્યની જાહેર નીતિઓ તેમજ શાસનોને પ્રભાવિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

હાલમાં તેઓ હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ તેમજ હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ બંનેમાં ડીન સલાહકાર મંડળનાં સક્રિય સભ્ય છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, નાણાંકીય સેવાઓ, નિર્માણ તેમજ સેવા આપનારી ઘણી કંપનીઓનાં બોર્ડમાં એક સભ્ય તરીકે જોડાયેલાં છે. તેઓ આઈઆઈટી મુંબઈ અને હાર્વર્ડ યુનિવર્સિટી સહિત ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓનાં બોર્ડમાં પણ સામેલ છે. ઉપરાંત તેમણે યુપીઇન્નના સલાહકાર મંડળમાં પણ કામ કર્યું છે. વર્ષ 1992માં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં તેઓ પ્રારંભિક વક્તા પણ રહી ચૂક્યાં છે.

એપ્રિલ 2012માં ડૉ. પિરામલને આરોગ્ય સેવા ક્ષેત્રે તેમના ઉલ્લેખનીય યોગદાન બદલ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે તેમને હાર્વર્ડ બોર્ડ ઓફ ઓવરસિઝના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત ડૉ. સ્વાતિને સપ્ટેમ્બર 2012માં હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘એલ્યુમની મેરિટ એવોર્ડ’ પણ આપવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2012માં નેતૃત્વ તેમજ પરોપકાર માટે તેમને ‘ચિલ્ડ્રન્સ હોપ ઇન્ડિયા’ તરફથી ન્યૂયોર્કમાં લોટસ એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 2007માં રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા ડૉ. પિરામલને સર્વશ્રેષ્ઠ મહિલા એચિવરનો રાજીવ ગાંધી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

ઉપરાંત વર્ષ 2008માં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉપર તેમને ‘ડિસ્ટિંગ્વિશ્ડ સાયન્ટિસ્ટ ઓરેશન’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિનિતા ગુપ્તા, સીઈઓ, લ્યુપિન ફાર્માસ્યુટિકલ્સ

યુનિવર્સિટી ઓફ મુંબઈથી ફાર્મસીમાં સ્નાતક અને જે. એલ. કેલોગ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ થયેલાં વિનિતા ગુપ્તાએ લ્યુપિનને બજારમાં ટોચના શિખરે પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેઓ કંપનીનાં અમેરિકા અને યુરોપનાં બજારો પ્રમુખ તરીકે સંભાળી રહ્યાં છે.તેમનાં કુશળ નેતૃત્વમાં જ લ્યુપિન જેનરિક દવાઓનાં બજારમાં એક વૈશ્વિક ખેલાડી તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને અમેરિકામાં બાળ ચિકિત્સાના બ્રાન્ડેડ બજારમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવવામાં કંપની સફળ રહી છે. ઉપરાંત વિનિતા લ્યુપિનનાં બોર્ડમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પણ કામ કરે છે.

image


આ મહિલાઓ ભારતીય દવા અને આરોગ્યના ઉદ્યોગમાં સફળતાનાં નવા આયામો જ નથી સ્થાપી રહી પરંતુ વિશ્વસ્તરે નેતૃત્વમાં નવા સીમાચિન્હો પણ સ્થાપિત કરી રહી છે. આશા છે કે આગામી વર્ષોમાં આપણે આ ક્ષેત્રમાં વધુ મહિલાઓનું આગમન થતાં અને તેમને સફળ થતાં જોઇશું.