2 વખત નિષ્ફળ થયા બાદ વિકાસનો ત્રીજો પ્રયત્ન રહ્યો સફળ, 'એગ્રોમેન' દ્વારા ખેડૂતો માટે ઓનલાઈન એગ્રો પ્લેટફોર્મ ઉભું કર્યું!

4

બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયા પછી વિકાસ ગોયલે સફળ બિઝનેસ ચલાવવા માટે વિવિધ ઈ-કોમર્સ મોડેલ અજમાવી જોયા. 1999માં તેમણે એક મિત્ર સાથે જોડાઈને કિરાણાબઝાર નામનો ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો. 2007માં તેમણે વિવિધ ડીલ અને ડિસ્કાઉન્ટ માટે ડીલપેડીલ ડૉટ કૉમ નામનો ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો. તેમનું આ સાહસ અટવાઈ ગયું અને વ્યવસાય વધ્યો નહીં.

વર્ષો પછી પોતાના મિત્ર સાથે પોતાના બિઝનેસને ખેતી પર રાખવા પડતા આધાર તથા ખેતીને ચોમાસા અને સરકારી સહાય પર રાખવા પડતા આધાર ચર્ચા કરવા દરમિયાન 38 વર્ષીય વિકાસને ખેડૂતોના જીવનની અન્ય અવ્યવસ્થાઓ અંગે વિચાર આવ્યો.

તેમણે આ ક્ષેત્રમાં થોડું સંશોધન કર્યું અને જાણ્યું કે ખૂબ જ ઓછા સ્ટાર્ટઅપ છે જે ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે છે. ટેક્નોલોજી આપણા જીવનને બદલી રહી છે પણ ખેડૂતોને હજી ટેક્નોલોજીનો કોઈ અનુભવ નથી તેથી જ તેઓ પારંપરિક પ્રથાઓ પર જ આધારિત છે. કેટલાક સધ્ધર ખેડૂતો દ્વારા ટેક્નોલોજી અપનાવવામાં આવી છે અને તેમનું ઉત્પાદન પણ વધ્યું છે છતાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ કારણે વિકાસે એગ્રોમેનની શરૂઆત કરી. એક એવું ઓનલાઈન માધ્યમ જે ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં લોન્ચ થયેલી એગ્રોમેન ખેડૂતોને ખેતીની સેવાઓ પૂરી પાડવાની સાથે સાથે ઉત્પાદનો અને તેના ભાવની પણ માહિતી આપતું માધ્યમ છે. વિકાસ જણાવે છે,

"અમે લોકો ટ્રેક્ટર, ખેતીના સાધનો, બિયારણ, ખાતર વગેરે અંગે ખેડૂતોને માહિતી આપીએ છીએ તથા તેમને જરૂરિયાત પ્રમાણેની અનૂકુળ અને શ્રેષ્ઠ વસ્તુઓ ખરીદવામાં મદદ પણ કરીએ છીએ. અમે ઓનલાઈન મંડી સેવા આપીએ છીએ જેના દ્વારા ખેડૂતો ખેતપેદાશો અને સાધનોને ખરીદી શકે, વેચી શકે અને ભાડે પણ આપી કે લઈ શકે. અમે સરકારી યોજનાઓ, સબસિડી, તજજ્ઞોની સેવાઓ, ખેતીને લગતા સમાચારો તથા આધુનિક માહિતી બધું જ પૂરું પાડીએ છીએ. અમારું ઓફલાઈન મોડલ પણ બજાર વિસ્તારવા અને માગને પહોંચી વળવા વિકસાવાઈ રહ્યું છે."

વિકાસ પાસે ઝી, એસ્સાર અને એરટેલ જેવી કંપનીઓમાં કામ કરવાનો અને સ્ટેટ્રેજી તથા પ્લાનિંગનો 15 વર્ષથી વધુનો અનુભવ છે.

પોતાની અંગત બચતથી શરૂ કરીને, વિકાસે પોતાની પ્રોડક્ટ અને પ્લેટફોર્મના વિકાસ માટે રોકાણ કર્યું હતું. હાલમાં તેમની આવક સબસ્ક્રિપ્શન અને જાહેરાતના આધારે થાય છે. દેશની 70 ટકા વસતી જે ખેતી પર આધારીત છે તેને કંપની ટાર્ગેટ કરવા માગે છે જેથી ગ્રામ્ય વસતીને લાભ થાય અને ખેતીમાં આધુનિકતા આવે.

સ્થાપકના જણાવ્યા પ્રમાણે તેમની સાઈટને દરરોજ 10,000 પેજ વ્યૂ મળે છે. તે ટૂંક સમયમાં હિન્દી અને પંજાબીમાં પણ માહિતી પૂરી પાડવાની તૈયારીમાં છે.

પડકારોઃ પહેલા અને પછી

ખેડૂતો માટે એક માધ્યમ તૈયાર કરવું સરળ કામ નથી. આ કામમાં સૌથી મોટી મહેનત ત્યારે થાય જ્યારે અલગ અલગ વિચાર ધરાવતા લોકોને એક જ વસ્તુ તેમના ફાયદા માટે કેવી રીતે છે તે સમજાવવું પડે. ખેતીની બાબતમાં તે અશક્ય કહી શકાય તેવી વાત છે. તેઓ જણાવે છે કે, તેમણે એક પ્રોડક્ટ સાથે શરૂઆત કરી છે અને આગામી સમયમાં તે પોતાનું ક્ષેત્ર અને સેવાઓનો વિસ્તાર કરશે.

વિકાસના મતે લોકોની માનસિકતામાં ફેરફાર કરવો તે સૌથી મોટો પડકાર છે. આ ક્ષેત્ર અયોગ્ય રીતે ગોઠવાયેલું છે અને તેમાં કોઈ માપદંડો કે સિમાચિન્હો નથી. ભારતીય ખેડૂતો વિકાસના પથે કે ટેક્નોલોજીની બાબતમાં જાણકાર અને આધુનિક નથી. મોટાભાગના લોકો વર્ષો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે અને સરકારી યોજનાઓ પર આધાર રાખીને બેઠા હોય છે. આ કારણે જ આ ક્ષેત્રમાં આટલી અવ્યવસ્થા અને અણઆવડત છે. બિઝનેસ જગત ખેડૂતોને અભણ અને પછાત માને છે, જ્યારે ખરેખર તો તેમને સર્જનાત્મકતાની જરૂર છે. ખેડૂતો માહિતીના અભાવે વસ્તુઓ ખરીદતા અને અપનાવતા ખચકાય છે. આ બાબતો જ ભારતીય ખેતીની ક્ષમતાને અસર કરે છે.

વિકાસ જણાવે છે,

"આ સમસ્યાને ટૂંક સમયમાં નિવારી શકાશે પણ એગ્રોમેનને ત્યારે સફળતા મળશે જ્યારે ખેડૂતોની આવકમાં અને બચતમાં વધારો થશે."

ખેડૂત સમુદાય પાસે ઈન્ટરનેટનો અભાવ વિકાસ માટે બીજો મોટો પડકાર છે. હાલમાં એગ્રોમેન ‘ફિલ્ડ મેન’ જેવા લોકોની મદદથી માહિતી પૂરી પાડવાનું કામ કરી રહી છે. આ ફિલ્ડ મેન એટલે કે તેમના તજજ્ઞો ખેડૂતો પાસે જાય છે અને તેમને આ માધ્યમ અંગે સમજાવે છે. તે જણાવે છે કે, અમે માનીએ છીએ કે એક વખત વ્યક્તિને ટેક્નોલોજીના લાભની જાણ થઈ જાય પછી તે તેને ખરેખર અપનાવે છે. હાલમાં ગામડાંના લોકો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. તો પછી તેમણે એવી સેવાઓ પણ લેવી જોઈએ જેના દ્વારા તેમને ફાયદો થાય.

પ્રોડક્ટ રોડમેપ

હાલના સમયમાં એગ્રોમેન ટ્રેક્ટર, એગ્રો-મશિન, બિયારણ, ખાતરો, જંતુનાશકો માટે ઓનલાઈન મંડીની સેવા પૂરી પાડે છે તો બીજી તરફ સરકારી સેવાઓ અને ક્રોપ મેનેજમેન્ટ અંગે પણ ઓફલાઈન સેવાઓ આપે છે.

બીજા તબક્કામાં વિકાસ જણાવે છે કે, તે આ ઉદ્યોગ સાથે સંકળાઈને ઉત્પાદોનું ઓનલાઈન વેચાણ કરવા અંગે, એક્સપર્ટની સેવાઓ આપવા, ટીમના સભ્યોની કામગીરી લંબાવવા તથા જમીનનું સ્વાસ્થ્ય અને પાણીની સ્વચ્છતા અંગે કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. આ સેવાઓ ઈન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી મળશે.

બજારનું વિહંગાવલોક

ભારતમાં વસતીના 70 ટકા લોકો ખેતી પર આધારીત છે જ્યારે આ ક્ષેત્ર દેશના જીડીપીમાં 17 ટકા યોગદાન આપે છે. તેમ છતાં ખેડૂતો હાલમાં પણ સરકારી યોજના અને સબસીડી તથા મફત સેવાઓ પર જ આધારિત છે અને તેના કારણે જ તેઓ સ્વાવલંબી બની શકતા નથી.

વર્તમાન સમયમાં કેટલાક સ્ટાર્ટઅપ દ્વારા આ ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ નવી ટેક્નોલોજી લાવવા મથી રહ્યા છે જેથી ખેડૂતોને લાભ થાય તથા ઈકોસિસ્ટમમાં ખેડૂતો આધુનિક રીતે ગોઠવાઈ જાય.

સ્પર્ધા અંગે વિકાસ કહે છે, "ખેતી ખૂબ જ મોટો ઉદ્યોગ છે અને તેમાં ઘણા લોકો સમાઈ જાય તેમ છે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ આવી રહ્યા છે અને તેના કારણે જ ભારતીય ખેડૂતોની સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો છે."

તે માને છે કે આવા સ્ટાર્ટઅપ સાથે કામ કરવાની તેમની પાસે તક છે અને તેના દ્વારા જ આ ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવી શકાશે.

આ ઉપરાંત ઘણા એનજીઓ પણ છે જે ખેડૂતોની સ્થિતિ સુધારવા કામ કરે છે પણ મોટાભાગના માત્ર સામાજિક તબક્કે જ કામ કરે છે જ્યારે ખેતીના વ્યવસાયને ખૂબ જ ઓછા લોકો સ્પર્શે છે. આ કારણે જ ખેતીની એક સ્પર્ધાત્મક વ્યવસાય તરીકે વિકસાવવાની અને ખેડૂતોની ક્ષમતામાં વધારો કરવાની ખૂબ જ જરૂરિયાત છે.

લેખક- તૌસિફ આલમ

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories