બાળકનાં ઉછેરની ચિંતા હોય તો, Babychakra.com કરશે તમારી મદદ

0

નૈયા સગ્ગી 'બેબીચક્ર'ની સ્થાપક છે. 'બેબીચક્ર' એક એવું પ્લેટફોર્મ છે કે જે માતા-પિતાને બાળકોનાં ઉછેર માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવા પૂરી પાડે છે તેના કારણે બાળઉછેર જેવું થકવી દેનારું કામ રસપ્રદ અને રોમાંચક બની જાય છે.

જ્યારે તેનાં અનેક મિત્રો માતા-પિતા બન્યાં ત્યારે તેમને આ કામ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ ઉપરાંત, તેની નજર એવા ફેસબુક ગ્રૂપ ઉપર પણ પડી કે જે બાળકોની ચિકિત્સાથી માંડીને તેમનાં પાલનપોષણ અંગેના સવાલોથી ભરેલાં હતાં. જગવિખ્યાત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી અને નેશનલ લૉ સ્કૂલમાંથી કાયદાની સ્નાતક થયેલી નૈયાએ 20 અબજ ડૉલરના માતૃત્વ અને બાળઉછેરનાં બજારમાં ઝંપલાવવાનું નક્કી કરી લીધું. યોરસ્ટોરીએ બેબીચક્ર વિશે જાણવા માટે નૈયા સાથે થોડો સમય વીતાવ્યો.

યોરસ્ટોરી – બેબીચક્ર શરૂ કરવા પાછળ તમારી ઇચ્છા શું હતી?

નૈયા – ટેકનોલોજીએ આપણાં ભોજન, રહેણાક અને પરિવહનને લગતી સુવિધામાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે. અમે વિચાર્યું કે બાળકોનાં ભરણપોષણને લગતી બાબતોમાં પણ ટેકનોલોજીનો લાભ લેવો જોઇએ. તેના કારણે જ બેબીચક્ર અસ્તિત્વમાં આવ્યું.

હાલમાં 20 અબજ ડૉલરના માતૃત્વ અને બાળઉછેરનાં બજાર ઉપર મીટ માંડીને બેઠેલું બેબીચક્ર 3 કરોડ માતા-પિતાઓને બાળઉછેર સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે અમારી ઓનલાઇન મદદ લે છે. બેબીચક્ર માતા-પિતાને બાળકો માટે ડૉક્ટર્સ, હોસ્પિટલ્સ, ગર્ભનાળ અને બ્લડ બેન્કસ, શાળાઓ, પ્રવૃત્તિ, ઘટનાઓ, ઉત્પાદનો ઉપરાંત અનેક સેવાઓ અંગેની માહિતી અને મદદ ઓનલાઇન આપે છે. મજબૂત સોશિયલ મીડિયા અને વિકસી રહેલી ટેકનોલોજી ઉપરાંત સમીક્ષાઓ ઉપર ધ્યાન આપવાની પ્રકૃતિ માતા-પિતાઓ માટે કોઈ પણ નિર્ણય લેવાનું સરળ બનાવી દે છે.

પોતાની પાસે રહેલી બે લાખ કરતાં પણ વધારે સેવાઓ સાથે બેબીચક્ર એક એવું અનોખું પ્લેટફોર્મ છે કે જે આ સેવાઓને એકસાથે જોડીને એક ચોક્કસ વર્ગ સુધી તેને પહોંચાડે છે.

અમે જૂન 2014માં મુંબઈ ખાતે બેબીચક્ર બિટાનો શુભારંભ કર્યો હતો. ત્યાં સુધી કે અમારા બજારમાં આવ્યા પહેલાં જ મોટાભાગના માતા-પિતા અને અમને સેવા આપનારા લોકો અમારા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા.

અત્યાર સુધી અમને 10 હજાર આગંતુકો ઉપરાંત 45 હજાર જેટલા પેજ વ્યૂ મળી ચૂક્યા છે. અમારી યાદીમાં 800 કરતાં વધારે સેવાઓ પ્રાપ્ય છે. આ ઉપરાંત અમારી પાસે વિશેષજ્ઞો અને યોગદાન આપનારાઓની એક વિશાળ પેનલ છે કે જે બેબીચક્ર માટે લેખો લખ્યા કરે છે. અમારી પાસે ભારતીય મા-બાપ માટે 250 કરતાં વધારે મૂળલેખ પણ ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને તેઓ પોતાનાં બાળકોનો સારી રીતે ઉછેર કરી શકે છે.

યોરસ્ટોરી – આ શરૂ કરવા પાછળ કોઈ અંગત અનુભવ તો નહોતો રહ્યો?

નૈયા – અમે બે પ્રકારની પ્રવૃત્તિનું અવલોકન કર્યું.

અમારા ઘણા સાથીઓ અને મિત્રો માતા-પિતા બનવા જઈ રહ્યાં હતાં. તેમનાં માટે બાળકોનો ઉછેર કરવો તે એકદમ અજાણી દુનિયામાં પ્રવેશ કરવા બરાબર હતું. એક એવી દુનિયા કે જેના વિશે તેમને કંઈ જ ખ્યાલ નહોતો. તે લોકો આ અનુભવ માટે બિલકુલ તૈયાર નહોતાં કારણ કે મોટા ભાગના યુવાન યુગલો વિભક્ત કુટુંબમાં રહેતાં હતાં. અને કામનાં કારણે એક જ સ્થળે ટકીને નહોતાં રહી શકતાં.

આ ઉપરાંત તેમનાં અનેક સવાલો રહેતાં હતાં અને અમારું ફેસબુક પેજ મુખ્યત્વે ઉછેર તેમજ પાલનપોષણ સંબંધિત સવાલોથી ભરેલું રહેતું હોય છે. ઉદાહરણ તરીકે માતા-પિતાઓ અમને સારા બાળરોગ નિષ્ણાત, પ્લેસ્કૂલ, ડે કેર, ઇવેન્ટ મેનેજર ઉપરાંત સ્તનપાન સલાહકારો, વિશેષ ચિકિત્સકો વગેરે વિશેની માહિતી માગતા હતા.

ઊંડાણમાં જવાથી અમે અનુભવ્યું કે ફેસબુક ઉપર બાળકોનાં પાલનપોષણ સંબંધિત સમર્પિત એક ગ્રૂપ તરીકે બની ગયાં છીએ. બાળકોનાં પાલનપોષણને લગતી સેવાઓ શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે તે જોઇને મને સહેજ પણ નવાઈ નહોતી લાગી. આ કઠિન કામે મને બેબીચક્ર શરૂ કરવાની પ્રેરણા આપી. અમે પહેલેથી જ એક બહુમુખી પ્લેટફોર્મ છીએ કે જે માતૃત્વ અને બાળકોની સારસંભાળ સંબંધિત સેવાઓ અને ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવે છે.

યોરસ્ટોરી - બેબીચક્રની મૂળ દરખાસ્ત વિશે સવિસ્તાર માહિતી આપો

નૈયા – માતૃત્વ અને બાળકો સંબંધિત બજાર 20 અબજ ડૉલરનું છે. આ બજાર વહેંચાયેલું અને અસંગઠિત છે. અમારા ઉચ્ચ સ્તરના સામાજિક એકીકરણનો ઉપયોગ કરીને યુવાન માતા-પિતા પોતાની જરૂરીયાતની સેવાઓ જેમ કે ડૉક્ટર, પ્લે સ્કૂલ, ડે કેર વગેરે વિશેની માહિતી મેળવે છે. ઘણી વખત પોતાની આસપાસ રહેલાં પોષણ વિશેષજ્ઞો, ફોટોગ્રાફર્સ, રમકડાંની દુકાનો, વગેરે જેવી સેવાઓની જાણકારી લઈને પણ તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત માતા-પિતા સમીક્ષા વાંચવાની સાથે અમારા પ્લેટફોર્મના વિશેષજ્ઞોની પેનલ સાથે પણ જોડાઈ શકે છે.

સેવા આપનારા લોકો અમારા મંચ મારફતે માતા-પિતાની બદલાઈ રહેલી જરૂરીયાતોને પૂરી કરીને તેમને પોતાની સેવાઓ વેચે છે. બાળકોનાં વિકાસની સાથેસાથે માતા-પિતાની જરૂરીયાતો પણ બદલાઈ જાય છે. સેવા આપનારા લોકો માટે નિરંતર આગળ વધીને તેમને સતત સેવાઓ આપ્યા કરવી તે મોંઘો વેપાર છે. વિશ્વાસ ઉપર આધારિત ડૉક્ટર્સ, પ્લે સ્કુલ્સ, ડે કેરની સેવાઓ તો મૌખિક પ્રચારથી જ ચાલે છે. બેબીચક્ર એક એવો મંચ છે કે જે માતા-પિતાને તેમની જરૂરીયાત અનુસારની સ્થાનિક સેવાઓ ઉપલબ્ધ કરાવી આપે છે.

યોરસ્ટોરી – તમે બેબીચક્ર જેવા એક સમાધાનના માધ્યમને કેટલી માન્યતા આપો છો? તમે તમારા દ્વારા કરવામાં આવેલાં સંશોધનો વિશે પણ જણાવો.

નૈયા – બેબીચક્રની શરૂઆત કરતાં પહેલાં અમારા સહસ્થાપક અને મેં 600 કરતાં વધારે માતાઓ અને 200 કરતાં વધારે સેવાઓ આપનારા લોકોની તેમની જરૂરીયાત જાણવા માટે મુલાકાત કરી હતી. હાલમાં અમારું ઉત્પાદન બિટા છે. અને એક એમવીપી છે. બજારમાં ઉતર્યાના થોડા સમયમાં જ અમે લોકોમાં અમારા પ્રત્યે એક અવિશ્વસનીય આકર્ષણ જોયું છે. આ ઉપરાંત અમે કેટલીક મોટી બ્રાન્ડ્ઝ, સેવાઓ અને રિટેલ વેચાણકારો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં સફળતા મેળવી છે. જે અમારાં ઉત્પાદન પ્રત્યે લોકોનો વધી રહેલો વિશ્વાસ દર્શાવે છે.

આ ઉપરાંત, હું તમારી સામે અન્ય ઉદાહરણો રજૂ કરવા માગું છું. બજારમાં ઉતર્યાં તેના ત્રણ દિવસ પહેલાં અમે માત્ર હોસ્ટ સર્વર ઉપર જ આવ્યાં હતાં ત્યારથી અમારી સાઇટ ઉપર 90 લોકો જોડાઈ ચૂક્યા હતા. તે એ વાતનો સંકેત આપે છે કે માતા-પિતા અમારા યુઆરએલ ઉપર ખૂબ જ બારીકાઈથી નજર માંડીને બેઠા છે. અને અમારાં ઉત્પાદનની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ ઉપરાંત વધુ એક ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અમે માતા અને બાળકોનાં પાલનપોષણ વિશે ધ્યાન આપનારાં લોકો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતાં હોવા છતાં પણ પુરુષો પણ સ્ત્રીઓ જેટલાં જ પ્રમાણમાં અમારી વેબસાઇટની મુલાકાત લે છે.

યોરસ્ટોરી- શું બજારમાં આવું કામ કરનારા અન્ય સ્પર્ધકો છે? શું તમે આવા કોઈ વિચારથી પ્રેરિત થાવ છો?

નૈયા – અમેરિકામાં આ પ્રકારનું કામ કરનારા સ્પર્ધકો છે. જેમાં અર્બન સિટર, વિસ્પ્રિંગ અને રેડ ટ્રાયસિકલ મુખ્ય છે. ભારતમાં કેટલીક વેબસાઇટ છે પરંતુ તે મોટાં બાળકો માટેની અડધીપડધી જ માહિતી આપે છે. તેથી બેબીચક્ર તેમનાથી અલગ પડે છે. કારણ કે તે સામાજિક રૂપે ખૂબ જ એકીકૃત છે. અને પાલનપોષણની માહિતી આપતું એક શાનદાર પ્લેટફોર્મ છે. આ માત્ર એક લિસ્ટિંગ વેબસાઇટ જ નથી અમે લોકો તેને અલગ પ્રકારે જ આગળ વધારી રહ્યા છીએ. જેનાં પરિણામો તમને આગામી દિવસોમાં જોવા મળશે.

યોરસ્ટોરી – વિસ્તરણ અંગે તમારી શું યોજના છે?

નૈયા – અમારું પ્રાથમિક લક્ષ્ય હાલમાં મુંબઈ જ છે. અમે ખૂબ જ ઝડપથી અમારી પાંખો ફેલાવી રહ્યા છીએ. ઝડપથી અમે રાષ્ટ્રીય બની જઇશું તેની અમને આશા છે. અંતમાં અમારી યોજના આને એક વૈશ્વિક ઉત્પાદન તરીકે સ્થાપિત કરવાની છે.

અમને ઇકોનોમિક ટાઇમ્સ, રેડિયો મિર્ચી અને સ્ટાર્ટઅપ યુકેએ પોતાને ત્યાં સ્થાન અને સમય આપ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સે અમારા ઉપર એક બેઝ સ્ટડી પણ તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત અમે રમકડાંની દુનિયામાં એક મોટું નામ હેમ્લેજ અને એન. એમ. મેડિકલ સાથે કેટલાંક ઓફલાઇન કાર્યક્રમો યોજવા માટે હાથ પણ મિલાવ્યાં છે.

યોરસ્ટોરી – શું તમે રોકાણ મેળવવા માટેના પ્રયાસો કર્યા છે?

નૈયા – હાલમાં અમે ભારત અને અમેરિકાના રોકાણકારો સાથે વાતચીતના અંતિમ તબક્કામાં છીએ. અમે એવા રોકાણકારોની શોધમાં છીએ કે જેઓ આ ક્ષેત્રમાં ઉત્પાદનો અંગે અમારી દૃષ્ટિએ વિચારતા હોય. અમે એટલા નસીબદાર છીએ કે અમને આવા રોકાણકારો મળી રહ્યાં છે. આ ઉપરાંત અમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને રોયરસન યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમ ડિજિટલ ઇન્ડિયા ઝોનમાં પણ કામ કરવાનું સ્થાન મળ્યું છે.

યોરસ્ટોરી – અમને તમારા સહસ્થાપક અને ટીમ વિશે જણાવો

નૈયા – મિતેષ સાથે મારી ઓળખાણ ખૂબ જ જૂની છે. અમે દસમા ધોરણથી મિત્રો છીએ. મિતેષે આરસીસી સ્નાતક કર્યા બાદ દિલ્હીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડિઝમાંથી એમબીએ કર્યું છે. આ ઉપરાંત તેણે સિટી બેન્ક અને એચએસબીસી બેન્કની સાથે કામ કરતાં સાત વર્ષનો કોર્પોરેટ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ મેળવ્યો છે.

હું પોતે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની સ્નાતક (વર્ષ 2012માં એમબીએ) છું. હું ત્યાં ફુલ બ્રાઇટ હોવા ઉપરાંત જે. એન. તાતા સ્કોલર પણ છું. મેં ચાર વર્ષ સુધી મેકિન્ઝે તેમજ બોસ્ટનના બ્રિજસ્પેન ગ્રૂપ સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો છે. હું હંમેશા આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે કામ કરવા માગતી હતી.

પોતાનો સંપૂર્ણ સમય આ કંપનીમાં આપી રહેલા મારા સહસ્થાપક મિતેષ અને હું હાલમાં તો બેબીચક્ર સાથે જ જીવી રહ્યાં છીએ, શ્વાસ લઈ રહ્યાં છીએ અને વિચારી રહ્યાં છીએ. અમારી છ સભ્યોની ટીમ છે અને આ સાહસને આગળ વધારવા માટે અમે ટેકનિક શોધી રહ્યાં છીએ.

લેખક – નિશાંત ગોયેલ

અનુવાદ – મનીષા જોશી

Related Stories