'લાગણીઓનો વીમો': વેદિકા ગોએલના સ્ટાર્ટઅપ ‘With You’ સાથે...

0

‘With You’ સ્ટાર્ટઅપ તમારા મૃત્યુ બાદ પરિજનો સુધી તમારા વિડીયો, સંદેશ તથા તમારી અંતિમ ઈચ્છાઓ પહોંચાડવામાં મદદ કરે છે!

ઉદ્યોગહસાહસિક વેદિકા ગોએલ પૂછે છે, 

"આપણે પોતાને દરેક પ્રકારના સંકટથી, સ્વાસ્થ્ય તથા મૅડિકલ ઈન્શ્યોરૅન્સ, લાઈફ ઈન્શ્યોરૅન્સ, વાહન ઈન્શ્યોરૅન્સ તથા આપણાં શારીરિક અંગોનાં પણ ઈન્શ્યોરૅન્સ દ્વારા સુરક્ષાની તૈયારી કરી લેતા હોય છીએ. તો જેમને આપણે પાછળ છોડીને જવાનાં છીએ, તેમનાં ‘ઈમોશન્સ-લાગણીઓ’ વિશે કેમ વિચાર ન કરીએ?"

વેદિકા કહે છે કે જ્યારે લોકોને ખબર પડે છે કે તેમનો અંત નજીક છે, તો તેમની પ્રાથમિક ચિંતા તેમના પરિજનો વિશે હોય છે કે તેઓ તેમની મૃત્યુનાં દુ:ખમાંથી કેવી રીતે બહાર આવશે. વેદિકાનું વેન્ચર With You, પોતાનાં પરિજનોને ખોઈ બેસેલા લોકોનાં હૃદયમાં, સકારાત્મક ભાવ જગાવે છે. પોતાના પ્રિયજનનાં અચાનક મૃત્યુ બાદ, વેદિકાએ પોતાનાં અનુભવોથી આ વેન્ચરની શરૂઆત કરી છે.

With You, લોકોને તેમના મૃત્યુ બાદ, પરિજનો સુધી તેમના વિડીયો, સંદેશ અને તેમની અંતિમ ઈચ્છાઓ પહોંચાડવામાં મદદ કરે છે. વેદિકા જણાવે છે, 

“તમે જીવો ત્યાં સુધી, તેમારા સંદેશો સુરક્ષિક રીતે સ્ટોર કરવામાં આવે છે, અને તમારા મૃત્યુ બાદ, તમારા પ્રિયજનોને તમારા વિડીયો તથા સંદેશો આપવામાં આવે છે."

With You હંમેશા...

વેદિકા દાવો કરે છે કે, તેઓ લોકોમાં તે દુ:ખને સંબોધિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, જેનાં વિશે લોકો વાત કરતાં ખચકાય છે. અમે એવા સ્ટાર્ટઅપ્સ વિશે જાણીએ છીએ, જેઓ લોકોને તેમની ઑનલાઈન વસિયત છોડી જવાની સગવડ કરી આપે છે, અને આ ઑનલાઈન વસિયતોની લોકપ્રિયતા વધતી જ જાય છે.

પણ આ બાબત માત્ર વસિયત વિશે નથી. તેમના વોઈસ નોટ્સ, પિક્ચર્સ, મૅસેજીસ અને પત્રો વિશે છે. લોકો મૃત્યુને નકારાત્મકતા સાથે જોડી દે છે. પણ મૃત્યુ તો જીવનનો ભાગ છે, એક કુદરતી પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિએ કોઈક સમયે તેનો સામનો કરવો જ પડશે. વેદિકા ભારપૂર્વક જણાવે છે કે, “મારી સર્વિસ દ્વારા, પ્રિયજનને ખોઈ દેવાનાં દુ:ખને હું ઓછું દુ:ખદ બનાવવા માંગુ છું. આ નકારાત્મક બાબત નથી, પણ તમે પાછળ છોડી જશો, તેવા તમારા પ્રિયજન માટે, તમારી લાગણીઓને સુરક્ષિત રાખવાની વાત છે”.

શરૂઆત

વેન્ચરનો આ આઈડિયા, વેદિકાને તેમની સ્કૂલમાં, ઉદ્યોગસાહસિકતા પરનાં એક નાના પ્રોજેક્ટનું સંચાલન કરતી વેળાએ આવ્યો હતો. તે અનુભવે તેમને શીખવાડ્યું કે, નાના નિર્ણયો કેવું મહત્વ ધરાવે છે, અને જવાબદારીનો શું અર્થ છે. વેદિકાએ આ વિચાર મનમાં સેવી રાખ્યો હતો, પણ તેના પર તેમણે તેમના ગ્રેજ્યૂએશન બાદ, ગયા ઑક્ટોબરમાં કામ કરવાની શરૂઆત કરી.

ગ્રાઉન્ડ વર્ક ગયાં વર્ષે થયું પણ સર્વિસની શરૂઆત આ વર્ષે જ શરૂ થઈ હતી.

તેમની ટાર્ગેટ ઑડિયન્સ, 25 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ છે. આ સર્વિસ, મારા મતે, એવા લોકોને મદદ કરી શકે છે, જેઓ તબીબી કારણોસર, તેમના જીવનનાં અનિશ્ચિત પડાવ પર છે, અને જેઓ કાલે જીવશે કે કેમ તેની કોઈ ખાતરી ન હોય. તેઓ જણાવે છે કે, “મને લાગે છે કે, આ પ્લેટફોર્મ દ્વારા, મૃત્યુ બાદ, લોકો તેમના પ્રિયજનોનાં દુ:ખને ઓછું કરી શકશે."

ઉદ્યોગસાહસિકનો જન્મ

વેદિકા કોલકાતાની વતની છે, અને તેમનો જન્મ એક સંયુક્ત કુટુંબમાં થયો છે જેમાં, તેમના માતા-પિતા, દાદા-દાદી અને ભાઈ-બહેનો, એકબીજાનાં અત્યંત નજીક હતાં.

તેમણે કોલકોતામાં જ અભ્યાસ કર્યો અને જે.ડી. બિડલા ઈન્સ્ટીટ્યૂટમાંથી કૉમર્સમાં ગ્રેજ્યૂએશન કર્યું. તેમની બૅચલર્સ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ, તેમણે ચાર્ટર્ડ અકાઉન્ટૅન્સી કર્યું અને એક ઑડિટ તથા કન્સલટૅન્સી ફર્મમાં નોકરી કરી. તેઓ જણાવે છે, “આ અનુભવે મને પ્રથમ વાર ઉંડાણપૂર્વક શીખ આપી કે, વિવિધ વ્યવસાયો કેવી રીતે કામ કરે છે, તેમના મહત્વપૂર્ણ પાસાઓ તથા તેમની મુશ્કેલીઓ શું છે."

કૉલેજ દરમિયાન, તેમણે ઉદ્યોગસાહસિકતા પર કેટલીક પુસ્તકો વાંચી હતી અને તેથી તેઓ રૉબિન શર્માની પુસ્તકો સુધી પહોંચ્યા. તેઓ કહે છે, "મને કુદરતી રીતે સકારાત્મક બનાવવામાં તેમની પુસ્તકોનું યોગદાન છે."

તેઓ ફૂલ-ટાઈમ કામ કરે છે, તેઓ તેમના સ્ટાર્ટઅપનું પણ સંચાલન કરી રહ્યાં છે, તથા ચાર્ટર્ડ અકાઉન્ટૅન્સીની તેમની અંતિમ પરિક્ષાની પણ તૈયારી કરી રહ્યાં હતાં, જે આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાવાની હતી.

મૃત્યુ બાદ પણ...

વેદિકા અનુસાર, With Youને મળનારો પ્રતિસાદ સકારાત્મક રહ્યો છે. તેઓ કહે છે, "અમને ઘણાં લોકો પાસેથી ઢગલો સવાલ પૂછવામાં આવે છે. તેઓ જાણવા માગે છે કે આ કેવી રીતે કામ કરે છે, અને જણાવે છે કે, તેમણે આ વિશે ક્યારેય વિચાર નહોતો કર્યો." 

વેદિકાએ એક રસપ્રદ વાત નોંધી છે કે મોટાભાગનાં લોકો એવા હતાં, કે જેઓ પોતાના પ્રિયજનો માટે કંઈક મૂકી જવાના બદલે, કંઈક ‘મેળવવા’ માગતા હતાં જે તેમના પ્રિયજન તેમની માટે મૂકી ગયાં હોય.

એક અનન્ય વિચાર હોવાનાં લીધે, લોકો એવું વિચારતા થયાં છે કે, વેદિકા કંઈક રસપ્રદ વસ્તુ લઈને આવી છે, અને આમાંની કેટલીક વાત તો વેદિકાએ પણ વિચારી નહોતી. તેઓ ખુલાસો કરતા જણાવે છે, “કોઈકે મને પૂછ્યું કે શું એ ઠીક રહેશે કે તેઓ તેમના દાદા-દાદી તરફથી અકાઉન્ટ બનાવે અને તેમના માતા-પિતા તથા અન્ય પરિજનો માટે કંઈક અપલોડ કરે. આ વાત, સર્વિસનો ઉપયોગ કરવા વિશે, એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે."

ટૅક્નૉલૉજી અને સુરક્ષા

વેદિકાએ, પોતાની વૅબસાઈટ બનાવીને તેને યોગ્ય રીતે ચલાવવા માટે, વૅબ ડૅવલૉપર્સ સાથે ખાસ્સો સમય વિતાવ્યો છે. ગ્રાહકોને લગતી તમામ માહિતી, ફોટો અને વિડીયો, વગેરે તેમની સર્વિસનો મુખ્ય ભાગ હોવાથી, એક સુરક્ષિત સિસ્ટમ બનાવવી, એ તેમની પ્રાથમિકતા હતી.

વેદિકાને કન્સલ્ટિંગ વકીલો તથા સી.એ.ની એક ટીમ પાસેથી ટેકો મળ્યો છે, જેમણે સમગ્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન, તેમની આંતરસૂઝ તથા બાંહેધરીની સેવાઓ આપી છે.

તેમને દીપક મહેતા નામના એક મેન્ટર પણ મળી ગયાં, જેઓ BITS પિલાની તથા IIM-A ગ્રેજ્યૂએટ છે.

માર્ગમાં આવનારા પડકારો

યુવાન વયે તેમનો પ્રાથમિક પડકાર છે કે, મલ્ટી-ટાસ્ક કરીને, તેમની નોકરી તથા તેમના સ્ટાર્ટઅપને મેનેજ કરવું. તેમની ફૂલ-ટાઈમ નોકરી અને તેમાંથી મળતો પગાર જ તેમના માટે રોકાણનું મોટો સ્ત્રોત છે.

"હું એકલી કામ કરી રહી હતી અને મારી પાસે અન્ય કોઈ એવી વ્યક્તિ નહોતી જેને હું કામ સોંપી શકું. એક મોટો પડકાર હોવાથી, એક સાથે ઘણી બધી વસ્તુઓનું સંચાલન કરવું પડી રહ્યું હતું, તેથી એ જરૂરી હતું કે, પ્રોસેસ દરમિયાન હું કોઈ ભૂલ ન કરી બેસું, અથવા કોઈ ઉણપ ન રહી જાય. મેં બધી વસ્તુ પહેલેથી જ પ્લાન કરી લીધી હતી અને તેનાથી મને વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં મદદ મળી."

"શરૂઆતની મુશ્કેલી તથા અડચણો સિવાય, અન્ય એક મોટો પડકાર જેનો તેમણે સામનો કર્યો તે હતો, કે લૉન્ચ પહેલાં, પેમેન્ટ ગેટવે પ્રોવાઈડરને શોધવો. મારો આઈડિયા તેમને સમજાવવામાં ઘણી તકલીફ પડી. મને ક્ષેત્રમાં કેટલાક જાણીતાં પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર્સ પાસેથી અસ્વીકારનો સામનો કરવો પડ્યો, અને કેટલાક પાસેથી એવો જવાબ મળ્યો કે, ‘આ કામ નહીં કરે’ અથવા ‘પહેલાં કોઈ મોટી કંપનીને સર્વિસ શરૂ કરવા દો’. થોડા સમય બાદ, મને EBS પાસેથી મારા પેમેન્ટ ગેટવે કંપની તરીકે સ્વીકૃતિ મળી, અને જલ્દી જ અન્ય કંપનીઓએ પણ સામે ચાલીને મને ગેટવે પ્રોવાઈડ કરવાની ઑફર આપી." તેઓ સ્મિત સાથે જણાવે છે.

સુખની ઝંખના

નવી વસ્તુ સ્વીકારવા તથા બદલાવ લાવવામાં ખચકાટનાં લીધે, વેદિકાને પોતાનો અનન્ય આઈડિયા તથા કોન્સૅપ્ટ, લોકો સુધી પહોંચાડવામાં ઘણો પરિશ્રમ કરવો પડ્યો. એક હૉલિવૂડ ફિલ્મ, ‘ધ પરસ્યૂટ ઑફ હૅપ્પીનેસ’ ની કેટલીક લાઈનો દ્વારા, વેદિકાને આગળ વધવાનું બળ મળ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈને કહેવા ન દેશો કે તમે કોઈ કામ નહીં કરી શકો. તમારી પાસે સપનું છે, તમારે તેની રક્ષા કરવી પડશે. તમારે કંઈ જોઈએ છે, તો જાઓ, જઈને લઈ લો!”

વેદિકાના ભાઈ અને ભાભીએ તેમને હંમેશા હિંમત આપી છે, અને ખાસ કરીને સંકટનાં સમયમાં તેમનું માર્ગદર્શન કર્યું છે. તેમના જીવનમાં મદદરૂપ રહેનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં, વેદિકા જણાવે છે, "પોતે પણ વ્યવસાયનું સંચાલન કરતાં હોવાથી, મારા ભાઈ-ભાભીએ ડગલે ને પગલે, મને મૂલ્યવાન સલાહ-સૂચનો આપ્યાં છે, જેના લીધે મારામાં આત્મવિશ્વાસ આવ્યો છે. હું જે કહું તેમાં તેઓ જાકારો નથી આપી દેતાં, પણ આલોચકની જેમ મને સવાલો કરે છે. તેમના સંદેહ અને સવાલો લાલ ઝંડાની માફક હોય છે, અને હું તેમાં સુધારો કરી શકુ છું. દરેક માતા-પિતાની જેમ, મારા માતા-પિતાએ પણ મારી સેવાને ઘણો સહકાર આપ્યો છે. છેવટે, મારો મિત્ર આકાશ, જે મારી મોટી સપોર્ટ સિસ્ટમ રહી છે અને તે ક્યારેય મને હાર માનવા નહોતી દેતી."

સારી વસ્તુઓનું આગમન

તેમની ઑડિયન્સ પાસેથી સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ, વેદિકા, IIM-A માસ્ટર પ્લાન 2015નાં, ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી ગયાં હતાં. આ એક એવી સ્પર્ધા છે જે ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ્સ માટે યોજવામાં આવે છે.

સોશિયલ મીડિયા, કોલકાતામાં પેમ્ફ્લેટ્સનું વિતરણ, પબ્લિક ઈવેન્ટ્સમાં વર્ડ-ઑફ-માઉથ, વેન્ચર વિશે ચર્ચા શરૂ કરવાનાં પ્રાથમિક સ્ત્રોત રહ્યાં છે. “હુંમારી ટીમનો વિસ્તાર કરવા વિશે વિચારી રહી છું, જેમાં ઈન-હાઉસ ડેવેલોપર્સ તથા એવા લોકો શોધી રહી છું, જેઓ આ સ્ટાર્ટઅપ પર ઉત્સાહ સાથે કામ કરી શકે. આગળ જતાં, હું ઈચ્છું છું કે, With You એક એવી બ્રાન્ડ બને, જે સૌથી ઉત્તમ ડિઝાઈન, સુરક્ષિત અને સર્વિસનું અપીલિંગ પૅકેજ આપે, જેમાં મૃત્યુ પહેલાં તથા બાદની સેવાઓ સામેલ હોય. આ વૈવિધ્યપૂર્ણ અભિગમ, મને આફટર લાઈફ સ્પેસમાં આવનારી કોઈ પણ સ્પર્ધાનો સામનો કરવામાં મદદ કરશે.”


લેખક: તન્વી દૂબે

અનુવાદક: નિશિતા ચૌધરી

Related Stories