પેશન, કમ્પેશન અને પ્રોફેશનઃ 20 ઉદ્યોગસાહસિક મહિલાઓ કે જેઓ સમાજ માટે છે પ્રેરણાદાયક!

0

ઈ-કોમર્સથી માંડીને ક્રિએટિવ ફિલ્મ, લાઈબ્રેરી નેટવર્કથી શરૂ કરીને ઓનલાઈન સપોર્ટ એજન્સી, મહિલા ઉદ્યોગસાહસિકો હાલ ભારતમાં ઝડપથી વિકસી રહી છે. ઉદ્યોગસાહસિક અને લેખક પ્રાચી ગર્ગ તેમના સુપરવિમેનઃ ઈન્સ્પાયરિંગ સ્ટોરીઝ ઓફ 20 વિમેન એન્ટરપ્રિન્યોર નામના પુસ્તકમાં 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત કરે છે.

પ્રાચી ગર્ગ એક ઉદ્યોગસાહસિક અને લેખક છે. તે ઉપરાંત તેઓ 'ઘુમોફિરો ડૉટ કૉમ' (કોર્રોપોરેટ ટૂર) તથા 'અનમોલ ઉપહાર' (ગિફ્ટ આધારિત કરન્સી નોટ્સ)ના સ્થાપક છે. કમ્પ્યૂટર સાયન્સનું બેકગ્રાઉન્ડ ધરાવતા તેમણે મિરાન્ડા હાઉસ અને ગ્રેટ લેક્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતેથી અભ્યાસ કર્યો હતો.

197 પાનાનું આ પુસ્તક કે જેમાં 20 સ્ટાર્ટટઅપ શરૂ કરનારી મહિલાઓની વાતો છે. અહીંયા તેમના પુસ્તકમાંથી કેટલીક બાબતો રજૂ કરી છે. તેઓ બીજી સ્ટાર્ટઅપ સિક્વલ પર પણ કામ કરી રહ્યા છે.

માધવી ગાંધીએ પારંપરિક હસ્તકળા જાળવવા અને ગ્રામ્ય કલાકારોની સશક્ત કરવા હેપ્પી હેન્ડ્સની સ્થાપના કરી. તેઓ 22 વર્ષની ઉંમરથી કળા ક્ષેત્રના લોકોને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે છે. તેઓ કમલા દેવી ચટ્ટોપાધ્યાય જેવી મહિલાથી પ્રોત્સાહિત હતા. તેમને પોતાના પરિવાર અને મિત્રો દ્વારા ખૂબ જ સારા સાથ અને સહકાર મળ્યા જેના કારણે તેમણે સમય અને શક્તિ ફાળવીને આ કલાકારોની ક્ષમતા વધારવા વર્કશોપ કર્યા. તેમનો મુખ્ય આશય એ હતો કે આવા કલાકારોના બાળકોને ક્યારેય એમ ન લાગે કે તેમના માતા-પિતા કેવા કામ કરે છે. તેમના મનમાં એવી લાગણી આવવી જોઈએ કે તેમના માતા-પિતા ભારતના સમૃદ્ધ વારસાને સાચવીને જીવન પસાર કરે છે.

રીઆ શર્માએ એસિડ એટેકનો ભોગ બનેલા લોકો માટે 'મેક લવ નોટ સ્કાર' નામનું એનજીઓ શરૂ કર્યું છે. તેમણે યુકેમાંથી ફેશન અંગે અભ્યાસ કર્યો હોવા છતાં તેમને સામાજિક ન્યાય પ્રત્યે અત્યંત વધારે ખેંચાણ હતું અને તેઓ એસિડ એટેકનો ભોગ બનેલા લોકો માટે કંઈક કરવા માગતા હતા. તેમનું એનજીઓ સામાજિક, આર્થિક, કાયદાકિય અને દાક્તરી સેવાઓમાં લોકોને મદદ પૂરી પાડે છે. આ કામગીરી દરમિયાન તેમને મળેલી વિવિધ તક અને આત્મવિકાસ અંગે તેઓ જણાવે છે કે, મને લાગે છે કે હું તેમને બચાવી શકીશ. સમયાંતરે એમ પણ લાગ્યા કરે છે કે આ લોકો મને બચાવી રહ્યા છે.

રિચા સિંહે માનસિક રીતે પડી ભાંગેલા અને નિરાશામાં જતા રહેલા લોકોને મદદ કરવા માટે ઓનલાઈન કાઉન્સેલિંગ કરતા 'યોર દોસ્ત'ની સ્થાપના કરી છે. આઈઆઈટી ગુવાહાટીમાંથી સ્નાતક થયેલા તેમને ત્યારે આઘાત લાગ્યો જ્યારે તેમની મિત્રએ નિરાશામાં ધકેલાઈને આત્મહત્યા કરી લીધી. તેમણે એવી પણ નોંધ લીધી હતી કે ભારતમાં સાઈકોલોજિકલ મદદ લેવા અંગે વિચિત્ર માન્યતા છે. તેના કારણે જ આવા લોકોને મદદ કરવા માટે ઓનલાઈન સાઈટ બનાવવાનું વિચાર્યું. તેમનો પરિવાર આ પહેલ અંગે ઉત્સાહિત નહોતો છતાં તેમની દ્રઢતા જોઈને તેમના પરિવારે તેમને મદદ કરી. આ સાઈટને મિલાપ તરફથી ભંડોળ મળ્યું અને લોકો દ્વારા ઓનલાઈન સપોર્ટ પણ આપવામાં આવે છે.

માસુમ મિનાવાલાએ 'સ્ટાઈલફિએસ્ટા' શરૂ કર્યું જે ફેશન જ્વેલરી અને એસેસરીઝ માટેનું ઓનલાઈન ડેસ્ટિનેશન ગણાય છે. બાળપણમાં ટોમબોય જેવી પ્રતિભા ધરાવતા માસુમનો ફેશન બ્લોગ સફળ થયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સરળતાથી જોડાઈ શકે છે. લંડનમાં ફેશન અંગે અભ્યાસ કર્યો અને 2012માં પોતાના સાહસની શરૂઆત કરી. ભારતના નાના શહેરોમાં ઓનલાઈન સાઈટ શરૂ કરી. તે પોતાના કામ અને ક્રિયટિવિટી વિશે મજાકમાં જણાવે છે કે, મહિલાઓ ફેશન પ્રત્યે આકર્ષાયેલી હોય છે અને તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે ખરેખર મૂર્ખતા ગણાય.

રિચા કરે 'ઝિવામે ડૉટ કૉમ'ની સ્થાપના કરીને ભારતીય મહિલાઓને ઓનલાઈન લોન્જરી ખરીદવાનું બજાર પૂરું પાડ્યું. તેમણે પોતાના અનુભવ, તક અને આયોજનના આધારે આ સાહસ કર્યું જે દર મિનિટે એક બ્રા વેચે છે. એન્જિનિયરિંગ અને બિઝનેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા તેમને ગ્લોબલ રિટેલર્સ સાથે કન્સલટન્ટ તરીકેનો અનુભવ પણ હતો જેના કારણે તેઓ ઈ-કોમર્સ દ્વારા ભારતમાં સૌથી વધુ સંકુચિત ગણાતી લોન્જરી ઈન્ડસ્ટ્રીમાં આવ્યા. એજ્યુકેશનલ કન્ટેન્ટ, સારું પેકેજિંગ અને બેંગલુરુ ખાતે ફિટિંગ લોન્જ હોવાના કારણે ઝિવામીએ આ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું હતું. રિચા જણાવે છે કે, શરૂઆતમાં તેમના માતાને જ તેમના આ સાહસથી આઘાત લાગ્યો હતો, તથા આ ક્ષેત્રમાં રહેલા પડકારોના કારણે આ ક્ષેત્રની સફર અને સફળતા સહેલી બાબત નહોતી.

સ્નેહા રાયસોનીએ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં વિચિત્ર અને અનોખી ભારતીય વસ્તુઓ વેચવા માટે ટપુ કી દુકાન નામની શોપ ખોલી છે. તેમણે બેંકિંગ ઈન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હોવા છતાં તેમણે પોતાના શોખ માટે થઈને લોકોના સ્વપ્નોને સાકાર કરવાનો રસ્તો શોધ્યો હતો. તે વિવિધ ક્રિએટિવ કંપનીઓમાંથી અને અન્ય સ્થળેથી વસ્તુઓ ભેગી કરતા અને તેનો વિકાસ કરીને તેને વેચવા માટે મૂકતા.

સુનિતા જાજુ અને સ્વાતિ મહેશ્વરીએ ઈકો-ફ્રેન્ડલી બોડી કેર પ્રોડક્ટ વેચતા પોર્ટલ રસ્ટિક આર્ટની શરૂઆત કરી હતી. નૈનિતાલ અને મૈસુર ખાતે જન્મેલા અને ઉછરેલા બંને લોકો પર્યાવરણ પ્રત્યે અત્યંત પ્રેમ હતો અને તેમણે આ પ્રેમને ધ્યાનમાં રાખીને જ પોતાનું સાહસ શરૂ કર્યું. પેટ કેર તરફ આગળ વધી રહેલા બંને ભાગીદારો જણાવે છે કે, જો અમે ધગશ સાથે આ ક્ષેત્રમાં ન ઝંપલાવ્યું હોત તો કશું જ ન કરી શક્યા હોત.

એલિસિયા સૌઝા સ્વતંત્ર ઈલ્સ્ટ્રેટર અને કોમ્યુનિકેશન ડિઝાઈનર તરીકે કામ કરે છે. તેમણે ગૂગુલ, યાહુ, પેંગ્વિન, કેડબરી અને એઓએલ સાથે કામ કર્યું છે. તેમણે જીવનના ઘણા વર્ષો મધ્યપૂર્વના દેશોમાં પસાર કર્યા છે અને વૈયક્તિક ડિઝાઈન તરફ તેઓ વધારે આકર્ષિત છે. તેઓ જણાવે છે કે, શરૂઆતના દિવસોમાં તેઓ સતત પોતાની જાત સાથે ચર્ચા કરતા અને આસપાસની તમામ વસ્તુઓમાં પ્રેરણા મેળવતા હતા. તેઓ પોતાના માતા-પિતાના સૂચનો અને આયોજનોમાંથી બહાર આવ્યા અને સાબિત કર્યું કે તે યોગ્ય રસ્તે છે. એલિસિયા જણાવે છે કે, સાચું શિક્ષણ વાસ્તવિક જગતમાં કામ કરવાના અનુભવથી જ મળે છે.

અનિશા સિંહે પોતાના શરૂઆતના ઈ-લર્નિંગ સાહસ 'કિનિસ સોલ્યુશન' બાદ 'માયડાલા ડૉટ કૉમ'ની શરૂઆત કરી. તેઓ દિલ્હીમાં સંયુક્ત પરિવારમાં જન્મ્યા હતા અને પોતાના અમેરિકા વસવાટ દરમિયાન તેમણે વિમેન એન્ટરપ્રિન્યોરશિપ પર અભ્યાસ કર્યો હતો. ચાઈનિઝ ઈ-કોમર્સના બિઝનેસ મોડલથી પ્રભાવિત થઈને તેમણે ભારત આવ્યા બાદ માયડાલાની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં તેમણે એક ડેન્ટિસ્ટ સાથે ઓફિસ શેર કરીને વ્યવસાય ચલાવ્યો હતો આજે તેમની કંપનીમાં 400 કર્મચારીઓ છે.

ચર્નિતા અરોરાએ યોગ્ય લેન્ગવેજ સ્કિલ શિખવવા અને યુવા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પરફેક્ટ લાઈફ સ્પોટની શરૂઆત કરી હતી. તેઓ ઈમેશનલ ઈન્ટેલિજન્સને સહાયક તાલિમ આપતા હતા. હવે તેમની કંપની વિવિધ કોર્પોરેટ કંપનીઓને તાલિમ આપે છે.

ફલક રેન્ડિરિયને બાળકોમાં વાંચવાની આદત વિકસે તે માટે ધ રિડિંગ રૂમ લાઈબ્રેરી સાથે માય લિટલ ચેટરબોક્સની શરૂઆત કરી હતી. તેમણે પોતાના બાળકો અને પુસ્તકોના આકર્ષણના કારણે જ 30 વર્ષની વયે આ સાહસની શરૂઆત કરી હતી. તે જણાવે છે કે, મેં ક્રિટિસિઝમને જ શિખવાનો સૌથી મોટો સ્ત્રોત બનાવી દીધો.

પંખુડી શ્રીવાસ્તવે લોકોના મકાનની શોધને સરળ બનાવવા ગ્રેબહાઉસની શરૂઆત કરી હતી. તેમાં નોંધણી કરાવવી મફત છે પણ પછી બાકીની સેવાઓ જેવી કે માલ-સામાન ખસેડવો વગેરેનો ચાર્જ વસુલવામાં આવે છે. કમ્પ્યૂટર સાયન્સમાં ભોપાલથી બીઈ થયા બાદ તેણે 23 વર્ષે પોતાના આ સાહસની શરૂઆત કરી હતી. તે જણાવે છે કે, જ્યારે તમે થર્ડ પાર્ટી સાથે ડિલિંગ કરતા હોવ તો ઘણી વખત તમે માનસિક કાબૂ ગુમાવી દો છો. દરેક નવા યૂઝર કે ફંડ આપનારા તમારા સાહસને વધારે વિસ્તાર કરવાનો માર્ગ આપે છે.

સૌમ્યા વર્ધાને ધાર્મિક અને જ્યોતિષિય માહિતી અને સેવા પૂરી પાડવા માટે 'શુભપુજા' નામની ઓનલાઈન સેવા શરૂ કરી. તે કેપીએમજી અને ઈવાય સાથે કામ કરતી હતી પણ તેની અંગત મિત્રનું મોત થતાં તથા તેના પરિવારજનોને તેની અંતિમવિધિ કરવામાં પડેલી મુશ્કેલીઓ જોયા બાદ તેણે નોકરીઓના વિચાર માંડી વાળ્યા. તેણે આ ક્ષેત્રમાં તક દેખાઈ જેના દ્વારા લોકોને પારદર્શક, સાચી માહિતી અને સેવાઓ મળે તથા ખોટી કામગીરીને અટકાવી શકાય. તેણે વેદિક એસ્ટ્રોલોજીનો કોર્સ કર્યો અને બાદમાં પંડિતોની એક આખી ટીમ ઓનલાઈન કન્સલ્ટેશન માટે તૈયાર કરી દીધી. ટીવી ચેનલ સાથેની પાર્ટનરશીપ દ્વારા પણ તેમને ખૂબ જ મોટું માર્કેટ મળ્યું.

ડો. સુરભી મહાજને કોસ્મેટિક પ્રોડક્ટ અને સ્કિન કેર માટે ડર્મેટોકેર મનું ઓનાલાઈન પોર્ટલ શરૂ કર્યું. તેમણે એક બ્લોગ લખવાથી શરૂઆત કરી હતી અને તેની પ્રસિદ્ધિ વધતા તેમણે 2012માં આ સાહસની શરૂઆત કરી. તેઓ પોતાના કામને ટૂંકાગાળાની પ્રસિદ્ધિ તરીકે ઓળખાવે છે.

ટિના ગર્ગે ક્રિએટિવ કોમ્યુનિકેશન એજન્સી પિંક લેમોનેડની શરૂઆત કરી હતી. તેમણે કમ્પ્યૂટર સાયન્સમાં ડિગ્રી મેળવી હોવા છતાં લેખન, કોમ્યુનિકેશન અને ડિઝાઈન પર તેમની પકડ મજબૂત હતી. તે મજાક કરતા જણાવે છે કે, ક્રિએટિવ ફિલ્ડમાં દરેક દિવસ બાળકને જન્મ આપવા જેવો હોય છે. પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા તેમણે થોડી વધારે મહેનત કરવી પડી હતી. તેમની કંપની ફન ફ્રાઈડે અને પિંક હોલિડે મંથલી ડ્રો દ્વારા કર્મચારીઓને ફ્રી રજાઓ માણવા જવા દેવાની ઓફર દ્વારા આ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

વિદુલા કાન્તિકર કોઠારે માર્કેટિંગ, એડર્વટાઈઝિંગ અને બ્રાન્ડિંગ તથા ઈવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરવા થિંક ક્રિએટિવ એડ સોલ્યુશનની શરૂઆત કરી. તેમણે શીખવાની દરેક તક ઝડપી છે અને અવસરોને સીમાચિહ્ન બનાવીને આગળ વધ્યા છે. તે મહિલા તરીકે મલ્ટિ ટાસ્કિંગ જિનિયસની તાકાતને માણે છે.

આ પુસ્તકમાં અન્ય એન્ટરપ્રિન્યોર તરીકે રચના નાગરાની (હેન્ડિક્રાફ્ટ બેગ અને એસેસરિઝ બનાવતી પિટારાના સ્થાપક), ગીતિકા ચઢ્ઢા (ઈમેજ કન્સલટન્સી ઈમેજાઈનના સ્થાપક), રાશિ નારંગ (પેટ માટેનો સ્ટોર હેડ્સ અપ ફોર ટેઈલ્સના સ્થાપક), સ્નેહ શર્મા (માત્ર મહિલાઓની ડિજિટલ મીડિયા એજન્સી ઈત્તિસાના સ્થાપક) વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અંતિમ પ્રકરણમાં એન્ટરપ્રિન્યોરશિપ અંગે થોડી માહિતી આપવામાં આવી હોત તો વધારે રોચક સાબિત થાત અને લોકોને મદદ મળી રહેત.

લેખકનું આગામી પુસ્તક પતિ-પત્ની દ્વારા શરૂ કરાયેલા સંયુક્ત સાહસ જેવા કે ગ્રીનએનગુડ, આર્ટઝોલો તથા બોરિંગ બ્રાન્ડ જેવા પર છે. આ દ્વારા આપણને વધુ સારી માહિતી અને પ્રેરણા મળી રહેશે તેવી આશા છે.

લેખક- મદનમોહન રાવ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

મહિલા ઉદ્યોગસાહસિકોને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ઉદ્યોગપતિઓની 6 દીકરીઓ જે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે!

એક સામાન્ય ઇવેન્ટમાંથી પેદા થયું ઝનૂન, હવે છે લગ્નસરાની ફોટોગ્રાફીમાં મોટું નામ!

27 વર્ષની ડેન્ટલ સર્જન કેવી રીતે બની ફેશન એન્ટરપ્રેન્યોર?


Related Stories