વિશેષ: અમદાવાદમાં પ્રથમ વાર વિકલાંગોની ટેક્સી સર્વિસની થશે શરૂઆત!

0

એક પણ શાળા-કોલેજમાં ગયા વગર 18 ડિગ્રી મેળવીને ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મેળવનાર દર્શિતા ભટ્ટ પોતે વિકલાંગ હોવા છતાં પણ અમદાવાદના વિકલાંગ ભાઈ–બહેનોને રોજગારી આપવા માટે ટેક્સી સર્વિસ શરૂ કરવા જઇ રહ્યાં છે. ‘એબિલીટી ઓન વ્હિલ્સ’ નામની ડ્રાઇવિંગ સ્કૂલમાં 9 વિકલાંગ ભાઈ બહેનોને ડ્રાઇવિંગની ખાસ ટ્રેઈનિંગ આપવામાં આવી છે. બસ હવે રાહ જોવાઈ છે તેમના પાક્કા લાઇસન્સની અને ત્યારબાદ શરૂ થશે ભારતમાં પ્રથમ વાર વિકલાંગોની ટેક્સી સર્વિસ અમદાવાદ ખાતે!

આઠ મિહનાની નાની ઉંમરે 100 ટકા પોલિયોગ્રસ્ત બનેલ દર્શિતાની જિંદગીમાં શું થશે તે અંગે કોઇ જાણતું ન હતું. પરંતુ 49 વર્ષની દર્શિતા આજે પોતાના ‘દર્શુ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા અનેક લોકોને રોજગારી આપવાના પ્રયાસો કરી રહ્યાં છે. વિકલાંગો પોતાના પગભર થઇ શકે તે માટે દર્શિતાબહેન અને તેમના સાથી મિત્રો વિકલાંગોની ટેક્સી સર્વિસ શરૂ કરવા જઇ રહ્યાં છે. આ પ્રયાસ હેઠળ ‘એબિલીટી ઓન વ્હિલ્સ’ નામની ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા અત્યાર સુધી 8 વિકલાંગ ભાઈઓને ડ્રાઇવિંગની ટ્રેઈનિંગ આપવામાં આવી છે. જેના બેઇઝ પર દર્શિતાબહેન આ વિકલાંગોની ટેક્સી સર્વિસ અમદાવાદ ખાતે શરૂ કરવાના છે.

દર્શિતાની સંઘર્ષગાથા

આપણાં જીવનમાં એક ધક્કો વાગે અથવા આપણું ધાર્યુ ના થાય તો પણ આપણે નાસીપાસ થઇ જતા હોય છે. જિંદગીથી હાર માનીને બેસી જઇએ છીએ. જ્યારે માત્ર આઠ મહિનાની નાની ઉંમરે 100 ટકા પોલિયોગ્રસ્ત દર્શિતાએ જીવનની આ કડવી હકીકતને પણ નાનપણમાં જ સ્વીકારી લીધી હતી. પોતે નિરાધાર છે તેવું વિચાર્યા વગર તે કેવી રીતે લોકોનો સહારો બને તે જ દિશામાં હંમેશાં દર્શિતાએ કામ કર્યું છે. આ અંગે દર્શિતા કહે છે, 

“હું મારા માતા પિતાની ત્રીજી સંતાન છું. આઠ મહિનાની હતી ત્યારે મને પોલિયોની અસર થઇ અને મારું આખું શરીર જ પોલિયોગ્રસ્ત થઇ ગયું. મારા પેરેન્ટસે મને પોલિયોમાંથી બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તેમને સફળતા ના મળી. અંતે કસરત દ્વારા હું હલન ચલન કરતા શીખી. જેના માટે મારે શરૂઆતના દિવસોમાં લગભગ 7થી 8 કલાક કસરત કરવી પડતી. હું થાકી પણ જતી પરંતુ પરિવારજનોના સહારાથી થાક્યા કે હાર્યા વગર હું કસરત કરતી રહેતી. જેના કારણે હું આજે 49 વર્ષની ઉંમરે વ્હિલચેર અને ઘોડીના સહારે મારું બધું કાર્ય મારી જાતે કરી શકું છું.”

100 ટકા વિકલાંગતા હોવાના કારણે દર્શિતાને સ્કૂલ અને કોલેજ શું હોય તે ક્યારેય જોવા કે સમજવા મળ્યા જ નથી. પરંતુ ભણવાની લગન એટલી હદ સુધીની હતી કે તેઓએ ઘરે બેસીને કોરોસપોન્ડન્સ દ્વારા 18 ડિગ્રી મેળવી છે. જેના માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. દર્શિતાએ અનેક પ્રકારના કાવ્યસંગ્રહ પણ તૈયાર કર્યા છે.

‘તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો’

અમદાવાદના અપંગ માનવમંડળ, અંધજન મંડળ, અંધ કન્યા પ્રકાશ ગૃહ, લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર, વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ ટ્રસ્ટ, સાબરકાંઠા હેન્ડિકેપ્ડ મંડળ, સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડિકેપ્ડ જેવી અનેક સમાજસેવી સંસ્થાઓ સાથે દર્શિતાબહેન સંકળાયેલા છે. જેઓ લોકોને મદદ કરવા માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ કર્યા કરે છે. પોતે વિકલાંગ હોવા છતાં પણ લોકો માટે સતત કાર્યરત રહેતા દર્શિતા હસતાં હસતાં કહે છે કે, 

“તુમ બેસહારા હો તો કિસીકા સહારા તો બનો....’ આ પંક્તિ મને મારું બધું જ દુઃખ ભૂલાવી દે છે. મારા જીવનનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે વિકલાંગોને પોતાની રોજગારી મળી રહે. કારણ કે મોટા ભાગના વિકલાંગો ગરિબ પરિવારમાંથી આવતા હોય છે. જો તેઓ પોતાનો સહારો બની જાય તો તેમને જીવનમાં ઘણું બધું મળી જાય છે. આ માટે તેમને સહારો આપવા માટે હું તેમનો સહારો બનવા માંગું છું.”

હાલમાં અપંગ માનવ મંડળમાં ઓનરરી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે ફરજ બજાવતા દર્શિતાબહેન પોતાનું ‘દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ’ પણ ચલાવે છે. પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ તેઓ ડિસેબલ અને વિકલાંગો માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે. વિકલાંગો માટે સમાજમાં એક સ્થાન ઊભું કરવાના પ્રયાસથી દર્શિતા અને તેમના સાથી મિત્રો આવનાર ટૂક સમયમાં વિકલાંગ ટેક્સી સર્વિસ શરૂ કરવા જઇ રહ્યાં છે.

ટેક્સી સર્વિસ દ્વારા વિકલાંગ ભાઈ બહેનોને મળશે રોજગારી

2013માં વિકલાંગ જન સશક્તિકરણ રાષ્ટ્રિય એવોર્ડથી સન્માનિત થેયલા દર્શિતાબહેન આજે વિકલાંગો માટે એક રોલ મોડેલનું કાર્ય કરી રહ્યાં છે. વિકલાંગોને સમાજમાં એક સ્થાન અપાવવા માટે તેઓ નિરમા, એનઆઇડી, સેપ્ટ તથા ટાઇમ મેનેજમેન્ટ સ્કૂલ સાથે મેળીને જુદા જુદા પ્રોજેકટ્સ પર વિકલાંગો માટે ખાસ કામગીરી કરી રહ્યાં છે. જ્યારે હાલમાં તેઓ વિકલાંગોને ડ્રાઇવિંગનું પાકું લાયસન્સ મળી જાય તે માટે સંર્ઘષ કરી રહ્યાં છે. વિકલાંગ ટેક્સી સર્વિસ અંગે વાત કરતા દર્શિતાબહેન કહે છે, “4 મહિના પહેલા અપંગ માનવ મંડળના ટ્રસ્ટી મહેરબેન મેરોરાએ મને જણાવ્યું કે હરિયાણાથી એક હરિશભાઈ અમદાવાદ આવ્યા છે, જેઓ ખાસ મને મળવા માંગે છે. મેં તેમની સાથે મુલાકાત કરી ત્યારે હરિશભાઇએ જણાવ્યું કે તેઓ અમદાવાદમાં વિકલાંગો માટે કાર ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવા માંગે છે. જ્યારે હું ઘણાં સમયથી આ અંગે વિચારતી જ હતી અને અચાનક જ જાણે મારી સામે એ વાત આવી ગઇ. તેઓએ મને જણાવ્યું કે તમે વિકલાંગો સાથે કામ કરો છો તો તેમને રાજી કરો ડ્રાઇવિંગ શીખવા માટે.” પોતાની ઇચ્છાને એક નવી દિશા આપવા માટે દર્શિતાએ 18 વર્ષથી ઉપરની 8 વ્યક્તિઓને ડ્રાઇવિંગ શીખવા માટે રાજી કર્યા. દર્શિતા વધૂમાં કહે છે, 

“વિકલાંગોને લર્નિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગ શીખવા મળતું નથી. આ ઉપરાંત પાકું લાયસન્સ પણ ત્યારે જ મળે છે જ્યારે વિકલાંગ પાસે તેમની પોતાની ગાડી હોય. હરિશભાઈએ પોતાની ‘એબિલિટી ઓન વ્હિલ્સ’ નામની ડ્રાઇવિંગ સ્કૂલ માટે બે ગિયરલેસ ગાડી ખરીદી. જેમાં એક્સિલેટર અને બ્રેક હાથમાં હોય તેવી રીતે આ ગાડી તૈયાર કરવામં આવે છે. 8 વિકલાંગ ભાઈઓ સાથે મેં પણ લર્નિંગ લાયસન્સ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. અમને જે તારીખ આપવામાં આવી હતી તે દિવસે અમે 9 લોકો આરટીઓ ગયા. જ્યાં અમે કોમ્પ્યૂટર એક્ઝામ આપી. અમે બધાં તેમાં પાસ પણ થયાં, છતાં પણ અમને લર્નિંગ લાયસન્સ આપવાની ના પાડી દેવામાં આવી. તે સમયે હરિશભાઈએ અમારા નવે નવ લાયસન્સમાં તેમની ગાડીના રજીસ્ટ્રેશન નંબર લખાવ્યા, ત્યારબાદ અમને લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા.”

લાયસન્સ મેળવ્યા બાદ શરૂ થઇ ડ્રાઇવિંગની સફર

લાયસન્સ મેળવ્યા બાદ આ નવે નવ લોકોએ એક મહિનામાં ગાડી ચલાવવાનું શીખી લીધું. પરંતુ હવે આગળ શું? આ બધાની એક મહિનાની મહેનતને સાચા અર્થમાં સફળતા મળી રહે તે માટે દર્શિતાબહેને પોતાના ‘દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ‘વિકલાંગ ટેક્સી સર્વિસ’ શરૂ કરવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. આ અંગે દર્શિતા શાહ કહે છે, “વિકલાંગ પાસે જ્યાં સુધી પોતાની ગાડી ના હોય ત્યાં સુધી તેને પાકું લાયસન્સ મળતું નથી. પરંતુ આ વિકલાંગ ભાઈ બહેનો જે પરિવારમાંથી આવે છે તેઓ પાસે ગાડી ખરીદવા માટે એટલા રૂપિયા હોતા જ નથી. આ માટે મેં નક્કી કર્યું કે શરૂઆતમાં મારા ચેરિટેબલ ટ્રસ્ટના નામથી અમે બેથી ત્રણ ગાડીઓ ખરીદીશું અને તેના બેઇઝ પર અમે આ વિકલાંગોને પાકું લાયસન્સ મળી જાય તેવા પ્રયાસ કરીશું. જેથી કરીને અમે અમદાવાદ શહેરમાં વિકલાંગ ટેક્સી સર્વિસ શરૂ કરી શકીએ. હરિશભાઈનો પણ ધ્યેય હતો કે તેઓ વિકલાંગોને આ રીતે રોજગારી આપે આ માટે અમે સાથે મળીને 3જી ડિસેમ્બરે ‘વર્લ્ડ ડિસેબલ ડે’ના દિવસે ગુજરાતના ટ્રાન્સપોર્ટ કમિશનરને બોલાવી એક પ્રોગ્રામ કરી રહ્યાં છીએ. જ્યાં અમે તેમને વિકલાંગોને પાકું લાયસન્સ મળી રહે તે અંગેની રજૂઆત કરાવના છીએ. ભારતમાં આ પ્રથમ વિકલાંગ ટેક્સી સર્વિસ હશે જે અમદાવાદ ખાતે શરૂ થવા જઇ રહી છે.” દર્શિતાબહેન તેમના ટ્રસ્ટ દ્વારા ગાડી અને ઓટોરિક્શા બંને શરૂ કરવાના છે. આ ઉપરાંત વિકલાંગ મહિલાઓને પણ રોજગારી મળી રહે તે માટે તેમને પણ ડ્રાઇવિંગ શીખવાડવામાં આવી રહ્યું છે. દર્શિતાબહેન કહે છે, “હાલમાં ત્રણ વિકલાંગ બહેનો ગાડી ચલાવતાં શીખી રહી છે.”

પોતાનું જીવન લોકો માટે સમર્પિત કરી ચૂકેલા દર્શિતાનો ધ્યેય માત્ર વિકલાંગ માટે જ કામ કરવાનો નથી પરંતુ તે સમગ્ર માનવજાત માટે કામગીરી કરવા માગે છે. તેઓ એક વાત ખાસ જણાવે છે કે, પોતાનું બાળક વિકલાંગ હોય તો તેની શારીરિક ઉણપને એકબાજુ રાખીને તેનો ઉછેર અન્ય બાળકની જેમ જ કરવો જોઇએ. તેમનું મનોબળ મક્કમ બનાવવા માટેના પ્રયાસો કરવા જોઇએ.

3 ડીસેમ્બરના દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ પિપલ વિથ ડીસેબિલીટી’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેને ‘ડીસેબિલીટી ડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના ડિસેબલ (વિકલાંગ) લોકોને લગતા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી, વિવિધ આયોજનો કરી તેમના જીવનને વધુ સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ‘YourStory ગુજરાતી’ પણ આજના દિવસે ગુજરાતના એવા લોકોના જીવનની સંઘર્ષગાથા તમારા સુધી લાવી રહ્યું છે જેઓ સૌ કોઈથી એકદમ અલગ રીતે જ કાર્યક્ષમ છે અને ભલભલાને શરમાવી દે તેવો જુસ્સો અને કલા-કારીગીરી ધરાવે છે. આ છે ‘The story of Differently abled’.

Related Stories