ડભોઇના શિક્ષકે બનાવ્યો કાગળમાંથી ભૌમિતિક કંપાસબોક્સ!

ડભોઇના શિક્ષકે બનાવ્યો કાગળમાંથી ભૌમિતિક કંપાસબોક્સ!

Saturday February 20, 2016,

2 min Read

અભ્યાસકાર્યમાં ઉપયોગમાં લેવાતું ભૌમિતિક કંપાસબોકસ સામાન્ય રીતે પતરાંનું બનેલું હોય છે. પરીકર કે કોણમાપક સહિતના સાધનો પણ પતરાંના જ બનેલા હોય છે. આ સાધનોનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સાધનો વાગી જવાનો ભય પણ સતતપણે સતાવતો હોય છે.

વડોદરા જિલ્લાના ડભોઇમાં રહેતા ચિત્ર શિક્ષકે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય અને સુરક્ષિત પણ રહી શકે તે હેતુસર ભારે જહેમત બાદ કંપાસ માટેના સાધનો બનાવ્યા છે જે કોઈ પતરા કે ધાતુથી નહીં પરંતુ કાગળમાંથી બન્યાં છે!

આ અનોખા કંપાસની ખૂબી એ છે કે તે લોખંડ કે એલ્યુમિનિયમના બદલે કાગળમાંથી બન્યા છે અને વજનમાં હલકા છે.

ડભોઇની આંબેડકર સોસાયટીમાં રહેતા ચિત્ર શિક્ષક વિનોદ પરમારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ પોસાય અને તે પણ આસાનીથી ખરીદી શકે તે હેતુસર કાગળનો કંપાસ તૈયાર કર્યો છે.

આ કંપાસ બનાવવા માટે વિવિધ પ્રકારનું સંશોધન કર્યા પછી લગભગ 10 મહિનાઓ અગાઉ તેમણે આ કાગળનો કંપાસ તૈયાર કર્યો હતો.

700 જીએસએમની જાડાઇ ધરાવતા બે કાગળને ચીપકાવીને ભેગા કરતા તેની જાડાઇ પૂંઠા કે કાર્ડ સમકક્ષ થઇ જાય છે અને આ કાગળ તૈયાર કરી તેના દ્વારા તેમણે કંપાસમાં ઉપયોગમાં લેવાતા ભૌમિતિક સાધનો બનાવ્યા છે.

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં જે સાધનોનો રોજબરોજ ઉપયોગ કરે છે તે ફુટપટ્ટી, કોણમાપક, ત્રિકોણ જેવા સાધનો તેમણે આ જાડા કાગળમાંથી બનાવ્યા છે. આ સાધનો મૂકવા માટે પણ આ જ જાડા કાગળનો કંપાસ તૈયાર કર્યો છે. સામાન્ય રીતે લોખંડ કે એલ્યુમિનિયમના કંપાસના સાધનો વિદ્યાર્થીઓને વાગી જવાનો ભય રહે છે પણ આ કાગળના સાધનોથી વિદ્યાર્થી સુરક્ષિત રહે છે તેમ વિનોદ પરમારનું કહેવું છે. આ કંપાસ અન્ય કંપાસ કરતાં સસ્તો પણ છે.

જ્યાં બજારમાં 60થી 200રુપિયાના ભાવના કંપાસ મળે છે જેની સામે આ કંપાસ માત્ર 20 રુપિયામાં તૈયાર થયો છે.

કંપાસ બનાવનાર વિનોદ પરમાર જણાવે છે, 

"વિદ્યાર્થીઓ વર્તૂળ દોરવા માટે પરીકર નામના સાધનનો ઉપયોગ કરે છે. આ સાધન એકછેડે અણિયાળું હોય છે જેનાથી વાગી જવાનો ભય સતાવે છે. તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ કાગળની જ ફૂટપટ્ટી બનાવી છે જે પરીકરનું પણ કામ કરે છે. ફૂટપટ્ટીમાં બનાવાયેલા કાણાં દ્વારા આસાનીથી વર્તુળ દોરી શકાય છે. લોખંડ કે એલ્યુમિનિયમના અણિયાળા પરીકરથી 7 ઇંચથી વધુ લાંબુ વર્તુળ દોરવું હોય તો તકલીફ પડે છે અને પેન્સિલ ત્રાંસી થઇ જતી હોય છે જયારે આ કાગળની ફૂટપટ્ટીથી આસાનીથી 13 ઇંચ સુધીનું વર્તુળ દોરી શકાય છે."
image