દરેક સ્ટાર્ટઅપ ફાઉન્ડરે ધ્યાનમાં રાખવા જેવા શિસ્તપાલનના 10 નિયમો!

દરેક સ્ટાર્ટઅપ ફાઉન્ડરે ધ્યાનમાં રાખવા જેવા શિસ્તપાલનના 10 નિયમો!

Saturday October 15, 2016,

5 min Read

હું આ લેખ મારા અનુભવોને આધારે લખી રહી છું, એવા અનુભવો જે મારા માટે આંખ ઉઘાડનારા સાબિત થયા. હું ઘણાં સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરી ચૂકી છું અને કેટલાક સ્ટાર્ટઅપની સ્થાપના હું પોતે પણ કરી ચૂકી છું. સીધા અને સરળ શબ્દોમાં કહું તો મને આ બધા સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. પોતાની જાતને વિવિધ ભૂમિકાઓમાં જોવું બધાને ગમે. પરિણામે આપણા મનમાં સતત શીખતા રહેવાની જીજ્ઞાસા વધતી રહે છે. અને નવા પ્રયોગો કરવા માટે ભારતમાં બેંગલુરુ કરતાં વધુ સારી બીજી કઇ જગ્યા હોઇ શકે.

image


મારો છેલ્લો અનુભવ હકીકતમાં ખૂબ જ ચોંકાવનારો રહ્યો. મારો પ્રથમ દિવસ અત્યંત સકારાત્મક રહ્યો, કંપનીના ટેક્નિકલ પાર્ટનરને આપવા માટે મારી પાસે ઘણા બધા ઇનપુટ્સ હતા. પણ આવનારા દિવસો મારા માટે ખૂબ જ ત્રાસદાયક રહ્યાં. 

ઓફિસમાં મૂકેલું રેફ્રિજરેટર બીયરની બોટલ્સથી ઉભરાઇ રહ્યું હતું. ત્યાંના સીઇઓ સાથેની મારી પ્રથમ મુલાકાત પણ વિચિત્ર રહી, એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે એ સ્થિતિને સ્વિકૃતિ આપવી મારા માટે શક્ય નહતું. એ મારી ખુરશીની સામે બેઠાં હતાં અને મારી એક મહિલા સહકર્મચારી તેલ લઇને સીઇઓના માથાની માલીશ કરી રહી હતી. મને એટલું વિચિત્ર લાગી રહ્યું હતું કે હું કામ અંગે ચર્ચા જ ન કરી શકી. સ્ટાર્ટઅપ એક કઠોર સંરચના છે અને પોતાની ટીમ અનુસાશનમાં રહીને નિયમોનું પાલન કરે એ જોવાની જવાબદરી એક સંસ્થાપકની જ હોય છે.

નિયમ#1

મિત્ર, મિત્ર હોય છે અને સહયોગી ફક્ત સહયોગી!

કોઇ પણ સ્ટાર્ટઅપના સંસ્થાપક માટે ધ્યાનમાં રાખવા જેવી આ સૌથી પ્રથમ બાબત છે. બની શકે કે તમારા કેટલાક મિત્રો ઉદ્યોગસાહસિકતાના તમારી સફરમાં જોડાવા માગતા હોય પણ તેમણે પણ ટીમના અન્ય સભ્યોની જેમ પોતાની પ્રેફેશનલ ક્ષમતાઓ સાબિત કરવી પડશે અને પરિણામ લાવીને બતાવવા પડશે.

નિયમ#2 

કાયદાકીય ઔપચારિકતાઓથી ન ડરો

આપણે આ વાત સારી રીતે જાણીએ છીએ કે, સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ફરજિયાત એવી તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવું જરૂરી હોય છે, ક્યારેય પણ પેપર વર્કથી દૂર ન ભાગો. ખાસ કરીને કર્મચારીઓની નિમણૂંક વખતે પેપર વર્કની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરો, તમારા મિત્રો તમારી સાથે જોડાયા હોય તો તેમની સાથે પણ ઓફર લેટર જેવી ફોર્માલિટીઝ નિઃસંકોચપણે પૂર્ણ કરો. 

નિયમ#3

કર્મચારીઓનું સમ્માન કરો, તમે કોઇ કારણસર તેમને પસંદ કર્યા છે તે યાદ રાખો 

તમારા કર્મચારીઓને તેમની આવડતને રજૂ કરવાનો મોકો આપો. ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરો. સામાન્ય રીતે મોટા ભાગના લોકોને ઓફિસના વાતાવરણ સાથે પોતાનો તાલમેળ બેસાડવામાં થોડો સમય લાગતો હોય છે. તમે તમારા કર્મચારીઓ પર વિશ્વાસ રાખતા શીખો અને એમને કામ કરવા માટે જરૂરી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડતા રહો.

નિયમ#4

એવી કાર્યપદ્ધતિનું નિર્માણ કરો જે મનોરંજક હોય પણ વિચિત્ર ન હોય

કોઇ પણ ઓફિસમાં તમને માથાની માલીશ કરવાની પરવાનગી નહીં મળે. આજે વધુ પડતા સ્ટ્રેસના સમયમાં થોડી મજાક મસ્તી, હસી મજાક અને મનોરંજનની જરૂરીયાત છે જેથી કરીને ઓફીસનો માહોલ હળવો બન્યો રહે પરંતુ સાથે સાથે અનુશાસન પણ એટલું જ જરૂરી છે. એ ખૂબ જરૂરી છે કે સંસ્થાપક કર્મચારી સાથે વ્યક્તિગત સંબંધ બનાવે પરંતુ કર્મચારીઓ સાથે વધુ પડતા ફ્રેન્ડલી થવાની પણ જરૂર નથી. તમારે સંબંધોમાં બેલેન્સ રાખી દાખલા બેસાડવા પડશે.

નિયમ#5

પોતાનું વર્તન એવું રાખો જેથી કર્મચારીઓ તમારી સાથે લાંબા સમય માટે ટકી રહે

જેમજેમ કંપનીનો વિકાસ થાય છે તેમ તેમ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે જેના કારણે કેટલીક ખાસ પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી બની જાય છે. કામ સૌથી વધુ મહત્વપૂર્ણ છે એ બરાબર, પણ કામ અને જીવન વચ્ચે સંતુલન સ્થાપિત કરવું પણ એટલું જ જરૂરી છે. પોતાના કર્મચારીઓને એક ફેમિલી અને ઘર જેવું વાતાવરણ પૂરું પાડો જેથી તમારી સાથે છેડો ફાડતા પહેલાં તેમને બે વાર વિચાર કરવો પડે. 

નિયમ#6

પક્ષપાતને ભૂલથી પણ પ્રોત્સાહન ન આપો

દરેક કર્મચારીમાં એક અગલ પ્રતિભા હોય છે, જુદી જુદી વ્યક્તિઓની ક્ષમતા એકસમાન નથી હોતી. જુદી જુદી વ્યક્તિઓની ક્ષમતાઓને ઓળખી કંપનીના વિકાસમાં તેનો ઉપયોગ કરવો તે કોઈ સરળ કામ નથી. જો કોઇ સંસ્થાપક દરેક વ્યક્તિમાં રહેલી સારી-ખરાબ બાબતને ઓળખી ન શકે તો એ સંસ્થાપકની ખામી છે.

નિયમ#7

હર હંમેશ વિનમ્ર રહો

તમારી કંપનીને વધુ પ્રમાણમાં મૂડી રોકાણ મળી રહ્યું હોય અને કંપનીનો સરપલ્સ ખૂબ વધુ હોય ત્યારે આ બાબતનો ગુમાન ન કરો. ક્યારેય પણ પોતાના કર્મચારીઓ સમક્ષ આ વાતનું પ્રદર્શન ન કરો. એક વાત હંમેશા યાદ રાખો કે થોડા વર્ષ પહેલા તમારી પાસે કશું જ નહતું અને આજે તમારી કંપની જે મુકામ પર પહોંચી છે એમાં તમારા કર્મચારીઓનો પણ મોટો ફાળો છે. તેથી સફળતામાં કર્મચારીઓએ આપેલા યોગદાનને હંમેશા યાદ રાખો.

નિયમ#8

તમારા મજબૂત પાસાઓ પર ધ્યાન આપો અને તેને વધુ મજબૂત બનાવો 

એક સ્ટાર્ટઅપના સીઇઓ હોવાનો એ અર્થ પણ થાય છે કે તમારે ગમે ત્યારે કોઇ પણ કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. બની શકે કે ધંધાની કેટલીક બાબતો એવી પણ હોય જેના વિશે તમેં કશું જ જાણતા ન હોવ, પણ આવી નવી બાબતો અંગે સમજ કેળવવા માટે તમારે હંમેશા તૈયાર રહેવું જોઇએ. તમે બધું જાણતા હશો તો એનો ફાયદો તમને જ મળવાનો છે. કર્મચારીઓ તમારી પાસેથી સારા ઉદાહરણની આશા રાખતા હોય છે. જ્યારે તેઓ તમને સફળતા તરફ આગળ વધતા જોવે ત્યારે તેઓ પણ કઇંક નવું અને વધુ સારું કરવા પ્રેરિત થતાં હોય છે. 

નિયમ#9

સંવાદ કરવાની તમારી રીત અંગે હંમેશા સતર્ક રહો!

કોઇ પણ ઓફિસનું વાતાવરણ, ત્યાં કામ કરતા લોકોની વાણી-વર્તન પર આધાર રાખે છે. પોતાની ટીમ સામે ક્યારેય સમ ન ખાઓ, બુમો પાડીને અન્યને ઉતારી ન પાડો. આ પ્રકારના વર્તનથી દૂર રહો જે તમને તમારા કર્મચારીઓથી દૂર લઇ જાય. કારણ કે આ બધા કારણોની સીધી અસર તમારી પ્રોડક્ટ પર પડે છે અને કર્મચારીઓ એકલા પડી જાય છે. તેઓ પોતાના મત રજૂ કરવામાં સંકોચ અનુભવશે અને કંપનીના મિશનમાં સહયોગ નહીં આપી શકે.

નિયમ#10

લાગણીઓનું આદાન પ્રદાન અત્યંત આવશ્યક છે!

સંસ્થાપકે તમામ કર્મચારીઓ સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ અને તેમને મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ. કોઇને નોકરીમાંથી કાઢવાની જરૂર પડે તો એ કાર્ય પણ સમ્માનપૂર્વક કરો.

ભારતમાં ખૂબ જ ઝડપથી અવનવા સ્ટાર્ટઅપ્સ સામે આવી રહ્યાં છે અને મોટા ભાગના સંસ્થાપકો પોતાના આસપાસના લોકો સાથે ખૂબ સારી રીતે વર્તે છે. કેટલીક વખત અચાનક હાથમાં આવેલી સત્તા કે વધુ પડતી સફળતાને કારણે સંસ્થાપકો મૂળભૂત માનવતા ભૂલી જતા હોય છે જે સ્ટાર્ટઅપ માટે જોખમી છે.

લેખિકા- સૂચી અગરવાલ

(અહીં દર્શાવેલ વિચારો લેખકના અંગત વિચારો છે.)

અનુવાદક- YS ટીમ ગુજરાતી