૩ અભણ મહિલાઓએ બનાવી કરોડોની કંપની, આજે 8 હજાર મહિલાઓ છે શેરધારક!

૩ અભણ મહિલાઓએ બનાવી કરોડોની કંપની, આજે 8 હજાર મહિલાઓ છે શેરધારક!

Wednesday March 30, 2016,

4 min Read

સખત મહેનત સાથે મનમાં કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય તો મોટામાં મોટા પડકારો પણ સરળતાથી પાર પડી જાય છે. આ વાતને સાબિત કરે છે રાજસ્થાનના ધૌલપુરની ૩ અભણ મહિલાઓ. સાહૂકારોને વ્યાજ ચૂકવવા માટે પરેશાન રહેતી ત્રણેય મહિલાઓએ દૂધ વેચીને આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની ઊભી કરી છે. તેમની સફળતાની વાતો શીખવા માટે મેનેજમેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે છે.

image


આ રસપ્રદ વાતની શરૂઆત 11 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે ધૌલપુરના કરીમપુર ગામમાં લગ્ન કરીને ત્રણ મહિલાઓ અનિતા, હરિપ્યારી અને વિજય શર્મા આવી હતી. ત્રણેયના પતિ કંઈ જ કરતા નહોતી તેથી ઘરની આર્થિક સ્થિતિ કફોડી હતી. પરિસ્થિતિએ ત્રણેયને મિત્ર બનાવ્યા હતા. તેમણે પોતાના પરિવાર માટે જાતે જ કંઈક કરવાનું નક્કી કરીને સાહૂકાર પાસેથી 6-6 હજાર વ્યાજે લઈને ભેંસો ખરીદી. તેમને કોઈએ કહ્યું હતું કે, તમે ભેંસ પાળો પછી દૂધિયો (દૂધ વેચનાર વેપારી) આવીને દૂધ ખરીદી જશે. તેમની ધારણા કરતા બધું જ ઉંધું થવા લાગ્યું. તેઓ દેવાના ખપ્પરમાં ફસાવા લાગી. દૂધિયા રોજ રોજ કોઈને કોઈ કારણ આપીને દૂધ લેવાની ના પાડી દેતો અને પછી બ્લેકમેલ કરીને પોતાના ભાવે દૂધ ખરીદતો. ક્યારેક કહેતો કે દૂધમાં ફેટ ઓછું છે તો ક્યારેક કહેતો કે દૂધમાં પાણી છે, ડેરીવાળા પૈસા નહીં આપે. સ્થિતિ બગડી તો ત્રણેય જાતે જ દૂધ લઈને ડેરીએ વેચવા જવા લાગી. ત્યાં જઈને તેમને ખબર પડી દે દૂધિયો તેમને અડધા જ પૈસા આપે છે.

image


તે દિવસથી ત્રણેયે જાતે જ ડેરીમાં દૂધ આપવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે એક જીપ ભાડે કરીને આસપાસના ગામડાંમાંથી દૂધ ભેગું કરી ડેરીમાં આપવા લાગી. તેમની આવક વધવા લાગી.

અનિતા યોરસ્ટોરીને જણાવે છે કે,

"અમે દિવસરાત કામ કરવાનું શરૂ કરી દીધું. સવારે ત્રણ વાગ્યાથી દૂધ ભેગું કરવાનું શરૂ કરતા અને 1,000 લિટર દૂધ ભેગું કરતા. મહિલાઓને દૂધિયાના બદલે સારા ભાવ મળવા લાગ્યા તો તેઓ અમને જ દૂધ વેચતા."

બસ અહીંયાથી તેમને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો. દૂધ યોગ્ય સમયે લઈ જતા અને ડેરીમાં આપી પણ દેતા, તે ઉપરાંત પેમેન્ટ પણ સમયસર કરી દેતા હતા. ધીમે ધીમે તેમની પાસે જાતે જ દૂધ ખરીદવાની ઓફર આવવા લાગી. ત્યારે તેમણે પોતાનું જ કલેક્શન સેન્ટર શરૂ કરી દીધું. હવે વિવિધ સ્થળેથી મહિલાઓ આવીને તેમના સેન્ટર પર દૂધ વેચી જતી. હરિપ્યારી જણાવે છે,

"જ્યારે દૂધનો સ્ટોક વધવા લાગ્યો ત્યારે અમે સરકાર અને એનજીઓનો સંપર્ક સાધ્યો કે કેવી રીતે પોતાના વ્યવસાયને વિસ્તારવો. અમે સરકારની મદદથી એક સ્વસહાયક જૂથની રચના કરી. અમારી મહેનત જોઈને ઘણા લોકો અમારી વહારે આવ્યા."

પૈસાની આવશ્યકતાની પૂર્તિ માટે તેમણે ધીરધાર સંસ્થાની મદદથી મહિલાઓ માટે સ્વસહાયતા જૂથની રચના કરી અને લોન લીધી. તેમણે પહેલી ઓક્ટોબર 2013ના રોજ એક લાખના રોકાણ સાથે પોતાની 'સહેલી પ્રોડ્યૂસર' નામની દૂધ ઉત્પાદક કંપની બનાવી દીધી. મંજલી ફાઉન્ડેશનની ટેક્નિકલ મદદથી કરિમપુરમાં દૂધનો પ્લાન્ટ નાખવામાં આવ્યો અને તેના માટે નાબાર્ડ પાસેથી ચાર લાખની લોન લેવામાં આવી. પોતાની કંપનીના શેર ગ્રામ્ય મહિલાઓને વેચવાની શરૂ કર્યા. હાલમાં 8,000 મહિલાઓ કંપનીની શેરધારક છે જે કંપનીને દૂધ પણ આપે છે. કંપનીના બોર્ડમાં હાલમાં કુલ 11 મહિલાઓ છે જેમની માસિક આવક 12,000 રૂપિયા છે. કંપનીને રાજ્યસરકારે પાંચ લાખ પ્રોત્સાહક મદદ તરીકે આપ્યા છે. તેમણે આ રકમ જરૂરિયાતમંદ મહિલાઓને આપીને તેમને દૂધિયાની ચુંગાલમાંથી છોડીવી અને પોતાની કંપનીમાં દૂધ વેચવા માટે પ્રેરિત કરી. વિજય શર્મા જણાવે છે,

"પહેલાં આ લોકો ઘરેથી બહાર પણ જઈ શકતા નહોતા. હવે તેઓ જયપુર, દિલ્હી પણ જાય છે અને મુક્ત મને રહી શકે છે અને પોતાનો રોજગાર મેળવવા સાથે અન્યને પણ અપાવે છે. આજે પૈસા માટે કોઈની સામે હાથ નથી લંબાવવો પડતો. આજે અમારો પરિવાર આદર્શ પરિવાર બની ગયો છે."
image


આવી રીતે મળે છે મહિલાઓને લાભ

ગામમાં દૂધિયા 20-22 રૂપિયા પ્રતિ લિટરે મહિલાઓ પાસેથી દૂધ ખરીદતા હતા, જ્યારે તેમની કંપની 30-32 રૂપિયે ખરીદે છે. તેના કારણે દૂધ વેચનારી મહિલાઓને દર મહિને 1,500 જેટલી આવક થઈ જાય છે. તે ઉપરાંત શેરના આધારે કંપનીના ચોખ્ખા નફામાં પણ ભાગ મળે છે. કંપનીને દૂધ વેચનાર કુસુમ દેવી જણાવે છે,

"કંપની સાથે જોડાઈને તેમનો દૂધનો વ્યવસાય ચારગણો વધી ગયો છે. કંપની પાસેથી એડવાન્સ મેળવીને મારી દીકરીનું બારમા ધોરણમાં એડમિશન પણ કરાવી દીધું છે. હું તેને જયપુર મોકલીને ઉચ્ચ અભ્યાસ કરાવા માગું છું. આ બધું કંપની સાથે જોડાવાના કારણે જ શક્ય બન્યું છે."

આ રીતે કામ કરે છે મહિલાઓ

લગભગ 18 ગામમાં કંપનીની શેરધારક મહિલાઓ છે. દરેક ગામમાં એક મહિલાના ઘરે દૂધ કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં મહિલાઓ જાતે જ આવે છે અને દૂધ આપી જાય છે. ગામને ત્રણ વિભાગમાં વહેંચી કઢાયું છે જ્યાંથી અલગ અલગ ગાડીઓ દૂધ લઈ જાય છે અને કરિમપુર પ્લાન્ટ સુધી પહોંચાડે છે. પ્લાન્ટ પર 20,000 રૂપિયા પ્રતિ મહિનાના પગારે ઉચ્ચ શિક્ષિત વ્રજરાજસિંહને મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહિલાઓની કંપનીમાં કામ કરનારા વ્રજરાજસિંહ જણાવે છે,

"આ ત્રણેય મહિલાઓના કારણે પુરુષોની પણ માનસિકતા બદલાઈ છે. પહેલાં ઉંચી જાતિના પુરુષો પોતાની પત્નીઓને ઘરની બહાર પણ નહોતા જવા દેતા હવે તેઓ જાતે જ તેમને અહીંયા લાવે છે."

કહેવાય છે કે શરૂઆત ક્યાંક ને ક્યાંકથી થતી જ હોય છે. ત્રણેય બહેનપણીઓની સમસ્યાએ એવું સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેના જ કારણે આજે તેમની જિંદગી બદલાઈ ગઈ. તે ઘટનાએ આ ત્રણની જ નહીં આસપાસના 18 ગામડાંની મહિલાઓની જિંદગી બદલી નાખી. એક વાત નક્કી છે કે જ્યારે ઘરમાં મહિલાઓ ખુશ છે, આત્મનિર્ભર છે તો સમગ્ર પરિવાર સુખી છે.

લેખક- રિમ્પિ કુમારી

અનુવાદક- એકતા રવિ ભટ્ટ