ગુજરાતી યુવાનના પતંગ-દોરાના પેચ લડે છે પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં!! Patangdori.comના દિવાના બન્યાં પાડોશી દેશના પતંગરસિયાઓ!

ગુજરાતી યુવાનના પતંગ-દોરાના પેચ લડે છે પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં!! Patangdori.comના દિવાના બન્યાં પાડોશી દેશના પતંગરસિયાઓ!

Wednesday January 13, 2016,

4 min Read

હાલ ભલે પાડોશી દેશ પાકિસ્તાન સાથે રાજનૈતિક સંબંધોમાં કડવાશ હોય પરંતુ ઉત્સવો અને આનંદની બાબતોને આવા કોઈ સીમાડા રોકી શકતા નથી. આવો જ એક કિસ્સો છે અમદાવાદના એક ગુજરાતી યુવાનનો. જેણે આવી બધી બાબતોથી પર જઈને પાડોશી દેશોમાં પોતાનો ધંધો એવી રીતે વિકસાવ્યો કે ત્યાના લોકોએ પણ તેને આનંદપૂર્વક વધાવ્યો.

ગ્લોબલ ઇન્ડિયામાં તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં નવરાત્રી અને ઉત્તરાયણના તહેવારનો ખૂબ ક્રેઝ રહેલો છે. એમ કહેવાય છે કે ઉત્તરાયણની શરૂઆત મોગલ સામ્રાજ્યના સમય 16-17મી સદીથી થઇ હોય, તેની ચાડી ખાતા કેટલાક ઐતિહાસિક ચિત્રો આજે પણ જોવા મળે છે અને મ્યુઝિયમમાં રહેલા છે. 

image


ઉત્તરાયણના તહેવારમાં લોકો વહેલી સવારથી જ પતંગ ચગાવવા ચડી જતા હોય છે અને જાણે બે દિવસ ધાબુ જ નિવાસસ્થાન બની ગયું હોય તેમ ધાબે જ રહીને તહેવારની મોજ માણતા હોય છે. તેમાં પણ ઉત્તરાયણની ખરીદી જાણે ઉત્સવ હોય તેમ લોકો 13મી જાન્યુઆરીની રાતે પૂરા પરિવાર અને દોસ્તારો સાથે પતંગ દોરીની ખરીદી કરવા નીકળતા હોય છે. પણ જમાનો 21મી સદીના ઇન્ટરનેટ યુગમાં પહોંચ્યો છે. જેમાં કપડાથી માંડીને અનાજની ખરીદી ઓનલાઇન થતી હોય છે, ત્યારે હવે પતંગ-દોરીની ઓનલાઇન ખરીદી અને વેચાણ જોવા મળ્યું છે. જો વાત ઓનલાઇન પતંગ દોરીના વેચાણ ખરીદીની હોય તો તેનું માર્કેટ પણ ગ્લોબલ બની જતું હોય છે. જેની શરૂઆત અમદાવાદના એક યુવાને કરી છે.

image


વાત એવી છે કે..અમદાવાદમાં રહેતા ગુજરાતી યુવાન હેમંત દવે પ્રોફેશને ઇલેક્ટ્રીકલ કન્સલટન્ટ છે અને તેમણે ઉત્તરાયણનો સખત શોખ છે, પરંતુ વર્ષ 2008માં દોરી ખરાબ આવતા તેની આખી ઉત્તરાયણ બગડી હતી. જેના પરિણામે તેણે પોતે આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં તો નફો નહીં, પરંતુ પોતાના જેવા પતંગરસિયાઓને સારા પતંગ અને દોરી મળી રહે તે માટે વર્ષ 2009માં ઓનલાઇન તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું. જેને માટે તેને ‘પતંગદોરી.કૉમ’ નામની વેબસાઇટ બનાવી ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો. 

image


આ બિઝનેસ માત્રને માત્ર શોખ ખાતર છેલ્લા 6થી વધુ વર્ષથી ચલાવવામાં આવે છે. જેમાં તે શરૂઆતમાં સુરતની સારી દોરી બનાવતી કંંપની સાથે ટાઇઅપ કરીને ગ્રાહકોને દોરી આપતા. સમય જતાં તેના ભાવ ગ્રાહકોને ન પોસાતા તેને ખાસ માણસો ભોપાલથી બોલાવી દોરી રંગાવવાનું શરૂ કરી ગ્રાહકોની ઇચ્છા મુજબ દોરી બનાવી તેમના સુધી પહોંચાડાતી હતી. પણ એમ કહેવાય છેને કે ગુજરાતી એકના બે શોધે તેમ દરેક ગુજરાતી વ્યક્તિ પતંગ દોરીની ખરીદી જાતે જઇને ચકાસીને કરવામાં માનતો હોય છે, તેમ હેમંત દવેના કહેવા મુજબ તેમને ગુજરાતમાંથી સૌથી ઓછી પતંગ દોરીની માગ આવે છે. પણ તેને આફ્રિકા, પાકિસ્તાન, અમેરિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી વધુ પતંગ દોરીની માગ વધુ રહે છે. આ બિઝનેસ માત્ર ડિસેમ્બર-જાન્યુઆરી સુધી પૂરતો નથી રહેતો, તે આખુ વર્ષ ચાલુ રહે છે અને વિદેશમાંંથી તો ગમે ત્યારે ઓર્ડર આવતા રહેતા હોય છે. ખાસ કરીને ડિલિવરી ચાર્જીસને ધ્યાનમાં લેતા ગુજરાતીઓ ઓછી માગ રાખતા હોય છે પણ ભારતના બીજા રાજ્યો જેવા કે કોલકાતા, બિહાર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાંથી તેની માગ રહેતી હોય છે. અને તેમાં પણ ગ્રાહકોની માગ પ્રમાણે ખાસ વેરાઈટી પતંગ બનાવી અપાતા હોય છે.

image


આંતરરાષ્ટ્રીય માર્કેટ અને આંતરરાષ્ટ્રીય ઉજવણી

સામાન્ય રીતે પહેલા અમેરિકા અને અફઘાનિસ્તાનના ગ્ર્રાહકો દ્વારા પતંગ મગાવવામાં આવતા હતા, ત્યારબાદ તે જ ગ્રાહક હેમંતભાઇ સાથે પાર્ટનરશિપ કરીને ત્યાં વિદેશમાં ભારતના પતંગ દોરીનો બિઝનેસ કરતા થઇ ગયા છે. જેના કારણે બિઝનેસ વધ્યો છે અને લોકોને આ વેબસાઇટથી જાણકાર થયા છે, જેના પ્રતાપે સ્થાનિક કારીગરોને પણ આવક મળી રહે છે.

દરેક દેશમાં પતંગોત્સવ મનાવવાની રીત અને સમય અલગ હોય છે.. જેમ કે પાકિસ્તાનમાં પણ ભારતની જેમ ઉત્તરાયણ મનાવવામાં આવે છે, તે લોકો માર્ચ મહિનાની આસપાસ આવનારા બસંતના તહેવારમાં પતંગ ચગાવતા હોય છે. અને તે લોકોમાં ખાસ કરીને આ તહેવાર 'રીચ પીપલ'નો હોય તેમ કહેવાય છે. તે લોકોના પતંગ પણ ભારત કરતા અલગ જ હોય છે. તેમની ખાસ માગને આધારે બનાવી આપવામાં આવે છે, જે પતંગને ભારતમાં ધાજ, ઢાલ કહેવામાં આવે છે તે પતંગ પાકિસ્તાનમાં નાનો પતંગ કહેવામાં આવે છે જેને સામાન્ય સાઇઝ કહેવામાં આવે છે. તે લોકો ખૂબ મોટા પતંગ ચગાવવાના શોખીન છે, તેમની દોરી પણ અલગ જાડી હોય છે.જે પતંગની એક કિંમત 200ની આસપાસ હોય છે. જે પતંગ લુધિયાનાના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. તેવી જ રીતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પોતપોતાના કાઇટ ફેસ્ટિવલ પ્રમાણે પતંગની માગ કરતા હોય છે. તેમાં પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પતંગબાજો ડિઝાઇનિંગ પતંગોની માગ વધુ કરતા હોય છે.

image


હોલિવૂડ દ્વારા પણ આવી પતંગની માગ

આ વખતે હોલિવૂડની બની રહેલી ફિલ્મ 'જંગલ બુક' માટે ખાસ પ્રકારના પતંગની માગ આવી છે. જેમાં તે લોકોએ ઇ.સ.1850 સમયમાં જે પ્રકારના પતંગ ચગતા હતા તેવા પતંગ બનાવી આપવાની માગ છે. જેને થોડા સમયમાં બનાવી આપવામાં આવશે.

ભારતમાં જુદા-જુદા રાજ્યોમાં પતંગની ઉજવણી

ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ સમયે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં 14-15 જાન્યુઆરી મકરસંક્રાતિએ પતંગ ઉડાવાય છે, જ્યારે બિહાર-રાજસ્થાનમાં હોળીના સમયે પતંગ ચગાવાય છે. કોલકાતામાં નવરાત્રી દશેરાએ પતંગ ચગાવાય છે. તમિલનાડુમાં ઉનાળામાં પતંગની સિઝન હોય છે. તેમ દરેકના તહેવાર પ્રમાણે પતંગની માગ આવતી રહે છે.

Website- PatangDori.com

FB Page