પહ્મિની પ્રકાશઃ ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર

0

એક સમયે પરિવારથી તરછોડાયેલા અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર અત્યારે દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર તરીકે દક્ષિણ ભારતની એક ચેનલનો જાણીતો ચહેરો બની ગયા છે!

કોઇમ્બતૂરમાં લોટસ ન્યૂઝ ચેનલ ચાલે છે. તેમાં 32 વર્ષીય ન્યૂઝ એન્કરે આજકાલ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમનું નામ પહ્મિની પ્રકાશ છે અને તેઓ ટ્રાન્સજેન્ડર છે. પહ્મિની ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સીમાચિહ્નરૂપ ચુકાદામાં ટ્રાન્સજેન્ડરને ત્રીજી જાતિ તરીકે માન્યતા આપ્યા પછી તેઓ ચેનલમાં ન્યૂઝ એન્કર તરીકે જોડાયા હતા. આ રીતે તેઓ ઉપેક્ષિત સમુદાય માટેનો અગ્રણી અવાજ બની ગયા છે.

ભારતમાં મોટા ભાગના ટ્રાન્સજેન્ડરની જેમ પહ્મિનીને બાળપણથી સંઘર્ષ કરવો પડ્યો છે. ફક્ત 13 વર્ષની વયે તેમના કુટુંબે તેમનો ત્યાગ કર્યો હતો. પછી તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના મુશ્કેલ સમયગાળાને વાગોળતા કહ્યું, 

"મેં ઘણો પ્રવાસ કર્યો છે. મેં ડિસ્ટન્સ એજ્યુકેશન મારફતે કોમર્સમાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ મને નાણાંકીય સમસ્યા નડી હતી એટલે બે વર્ષ પછી મેં અભ્યાસ છોડી દીધો હતો. હું ભરતનાટ્યમ શીખી હતી અને ટ્રાન્સજેન્ડર બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા બની હતી. પછી મેં એક ટેલીવિઝન સીરિયલમાં અભિનય પણ કર્યો હતો." 

ત્યારબાદથી પહ્મિની ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે અગ્રણી કાર્યકર્તા તરીકે કામ કરે છે અને ભારતમાં આ સમુદાય સાથે ભેદભાવ સામે લડત લડે છે.

તેમના માટે ન્યૂઝ એન્કર બનવું સરળ નહોતું. આ અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને પહ્મિનીએ જણાવ્યું, 

"હું બહુ ચિંતિત હતી, કારણ કે મારે સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા અને દર્શકો મને સમજી શકે તેટલી ઝડપથી સ્પષ્ટ ઉચ્ચારણો કરવાના હતા.” 

અત્યારે લોટસ ન્યૂઝમાં તેના સીનિયર્સ અને સાથી કર્મચારીઓને પહ્મિની પર ગર્વ છે, કારણ કે તેઓ ચેનલ માટે સાંજના 7 વાગ્યાના સમાચારનો જાણીતો ચહેરો બની ગયા છે.

અમે પહ્મિનીને તેમની સિદ્ધિ માટે અભિનંદન આપીએ છીએ અને આશા છે કે તેમની સફળતા ભારતમાં ટ્રાન્સજેન્ડરના ઉપેક્ષિત સમુદાય માટે પ્રેરણારૂપ બનશે.

લેખક- YS ટીમ

અનુવાદકઃ કેયૂર કોટક

Related Stories