'ચલો જુગ્નુ સે'ની ગુજરાતમાં અનોખી પહેલ, ગ્રામ્ય વિસ્તારોમાં એક મોબાઈલ ક્લિક પર જ રિક્ષા થશે હાજર!

આવનારા સમયમાં ગાંધીનગર અને રાજકોટમાં પણ કરશે શરૂઆત!

'ચલો જુગ્નુ સે'ની ગુજરાતમાં અનોખી પહેલ, ગ્રામ્ય વિસ્તારોમાં એક મોબાઈલ ક્લિક પર જ રિક્ષા થશે હાજર!

Monday March 07, 2016,

4 min Read

સમય બદલાયા, સંજોગો બદવલાયા, પરિસ્થિતિના વહેણ બદલાયા..જે કમ્પ્યુટર એક સમયે એક રૂમ જેટલા બનતા હતા તે કમ્પ્યુટરના ફિચર હવે મોબાઇલમાં આવી ગયા અને જે મોબાઇલ એક સમયે લોકોનું સપનું હતું તે હવે દરેક વ્યક્તિના હાથમાં આવી ગયો! આ તો સમયની બલિહારી છે કે જગત એટલું આગળ વધી ગયું છે કે જે એક સમયે જ્યાં લોકોને ટેક્સી માટે રસ્તા પર કલાકો રાહ જોવી પડતી હતી. તે આંગળીના ટેળવે મોબાઇલથી રજિસ્ટ્રેશન કરતા જ્યારે મુસાફરને જરૂર હોય ત્યારે..તે સમયે અને તે સ્થ‌ળે પહોંચી જાય છે. આ વાત કેબ સુધી હતી ત્યાં સુધી તો લોકોને પણ સમજાઇ.. પણ ક્યારેય કોઇએ વિચાર્યું હતું જે રિક્ષા માટે લોકોને સ્થળથી દૂર સુધી ચાલતા જવું પડતું હતું અથવા તો કોઇ સગાને રિક્ષા બોલાવવા માટે મોકલવા પડતા હતા, હવે તે રિક્ષા પણ હવે તમે ઓનલાઇન બુક કરી મંંગાવી શકશો. આ ખાસ સેવાની શરૂઆત ‘ચલો જુગ્નુ સે’ના નામે કરવામાં આવી છે.

image


‘ચલો જુગ્નુ સે’ સેવાની શરૂઆત નવેમ્બર 2014માં ચંદીગઢથી કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકલ મુસાફરી માટે સ્થાનિક દ્વારા રિક્ષાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, અને રિક્ષા શોધવા માટે લોકોને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે, જેથી આ મુશ્કેલી દૂર કરવા અને હાથવેંત મોબાઇલ ક્લિક દ્વારા જ રિક્ષા ઘર અથવા મુસાફરના સ્થ‌ળ સુધી મળી રહે તે વિચાર સાથે સમર સીંગલા અને ચિન્મય અગ્રવાલ દ્વારા ‘ચલો જુગ્નુ સે’ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાની શરૂઆત સૌ પ્રથમ પંજાબ અને ત્યારબાદ બીજા રાજ્યોમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં આ સેવાની શરૂઆત અમદાવાદ, બરોડા, સુરતમાં સપ્ટેમ્બર 2015માં કરવામાં આવી હતી. આ છેલ્લા છ મહિના દરમિયાન ઘણા સારા-નરવા અનુભવ થયા હતા. અને નવા સુધારા કરવાની તક કંપનીને મળી હતી.

આવનારા સમયમાં ગુજરાતમાં નવી શરૂઆત

‘ચલો જુગ્નુ સે’ સેવા કંપની આવનારા થોડાક સમયમાં ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરમાં કરવા જઇ રહ્યાં છે. કંપની આ સેવા ઉત્તર ભારતના ગામડામાં શરૂ કરવા જઇ રહી છે, જેની પહેલ તે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારથી કરી રહ્યા છે. જેના અનુભવ બાદ આ સેવા બીજા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવશે.

image


‘ચલો જુગ્નુ સે’ રિક્ષાને કેવી રીતે બોલાવવી?

ચલો જુગ્નુ સે રિક્ષાને તમારે બુક કરવા માટે તેની એપ ડાઉનલોડ કરવી પડશે. જ્યાર બાદ આ એપમાં નામ અને વિસ્તાર રજિસ્ટર કરતા તે વિસ્તારમાં જે નજીક રિક્ષા ડ્રાઇવર હશે તે તમારો સંપર્ક સાધશે, અને તમારા જરૂરિયાતના કહેલા એડ્રેસ પર નક્કી કરેલા સમયે પહોંચી જશે. 

ફરિયાદ અને ઇમરજન્સી સેવાની સુવિધા

તમે જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે જો કોઇ રિક્ષા ડ્રાઇવર દ્વારા ખરાબ વર્તણૂક કરવામાં આવે અથવા તો મીટર કરતા વધારે પૈસાની માગ કરવામાં આવે તો તમે એપમાં દર્શાવેલા હેલ્પલાઇન નંબર અથવા ઇમેઇલ આઇડી પર ફરિયાદ નોંધાવી શકો છો. કંપની તરફથી તમને ગણતરીની મિનિટમાં પ્રતિક્રિયા આપવામાં આવશે. અથવા તો મુસાફરી દરમિયાન તમે અનસેફ ફીલ કરતા હોય અથવા કોઇ ઇમરજન્સી આવી જાય તો તમે એપમાં દર્શાવેલા ઇમરજન્સી SMS બટન પર ક્લીક કરતા તે એલાર્મ એલર્ટ કંપની સુધી પહોંચશે અને કંપની તમારૂ લોકેશન શોધી નાખશે ’ને ફોનથી પણ કોન્ટેક્ટ કરશે.

image


‘ચલો જુગ્નુ સે’ સેવા સમગ્ર ભારતના 22 શહેરોમાં કાર્યરત છે, તેમની સાથે 8000 જેટલા રિક્ષા ડ્રાઇવર જોડાયેલા છે. કંપની દિવસ દરમિયાન 30 હજાર જેટલા ટ્રાન્સેક્શન કરે છે. એટલે કે એક રિક્ષા ડ્રાઇવરને ચલો જુગ્નુ સે દ્વારા દિવસની 3થી 4 સવારી તો મળી જ જાય છે. ગુજરાતમાં આ સેવા સાથે 800 રિક્ષા ડ્રાઇવર જોડાયેલા છે અને દિવસના 4 હજાર ટ્રાન્સેક્શન ગુજરાતના ત્રણ શહેરમાં થાય છે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમિયાન આ સેવા સાથે 2 મિલિયન જેટલા લોકો જોડાઇ ચૂક્યા છે.

ફાયદો : રિક્ષા ડ્રાઇવર - કંપની - મુસાફર

આ સેવામાંથી થતી આવકના 90 ટકા રૂપિયા રિક્ષા ડ્રાઇવરને આપવામાં આવે છે, અને 10 ટકા રૂપિયા ‘ચલો જુગ્નુ સે’ કંપની દ્વારા લેવામાં આવે છે. આ સેવામાં જરૂરી નથી કે ડ્રાઇવર કંપનીની જ સવારી લે, પણ જો તેને રસ્તામાં બીજી કોઇ સવારી મળી જાય તો તે લઇ શકે તેવી પરવાનગી કંપની દ્વારા આપવામાં આવી છે. આ સાથે ગ્રાહકને એ ફાયદો થાય છે કે જ્યારે મોડી રાત્રે બહારગામથી શહેરમાં આવતો હોય તો તેને રિક્ષા શોધવાની જરૂર નથી પડતી માત્ર રજિસ્ટ્રેશન કરાવી પોતાના જરૂરિયાતના સમયે નક્કી કરેલા સ્થળે બોલાવી શકે છે.