મહિલાયાત્રીઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવાતી, બજેટને અનુકૂળ હોટેલ્સ

મહિલાયાત્રીઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવાતી, બજેટને અનુકૂળ હોટેલ્સ

Tuesday January 05, 2016,

4 min Read

મહિલાયાત્રીઓ, ખાસ કરીને મહિલાયાત્રી જ્યારે એકલી મુસાફરી કરતી હોય ત્યારે સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહીં, સફરમાં વોશરૂમની સગવડ, ભરોસાપાત્ર ટ્રાન્સપોર્ટેશન અને રહેવા માટેના આરામદાયક તથા સ્વચ્છ સ્થળ માટેની પણ ચિંતા હોય છે.

image


મહિલા મુસાફરો અને તેમાંય એકલી મુસાફરી કરનારી મહિલાઓની સંખ્યામાં છેલ્લા થોડાં વર્ષોમાં ઘણો વધારો થયો છે. અને તેને પગલે ટ્રાવેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને મહિલાઓ સંબંધિત મુદ્દાઓ પ્રત્યે લક્ષ્ય આપવાની ફરજ પડી છે. જેમ કે, મહિલાઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી કેવી રીતે કરી શકે? મુસાફરી દરમિયાન મહિલાઓ કેવી રીતે આનંદ મેળવી શકે અને સુરક્ષિત સ્થળે રહી શકે? અને આ તમામ સુવિધા પાછળનો ખર્ચ પણ તેના ખિસ્સાંને પરવડી શકે તેવું ક્યારે બની શકે?

OYO WE

આ મહિલાઓની સુરક્ષા માટેની એપ્લિકેશન છે. નજીકના અંતરે શૌચાલય (દા.ત., પી પ્રોવાઇડર), અને માત્ર મહિલાઓ માટે બનાવાયેલી હોટેલ્સ પણ આ એપ્લિકેશન પર મળી આવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આવી હોટેલ્સ અને આવી પહેલમાં પણ વધારો જોવા મળ્યો છે.

image


આવી જ એક પહેલ છે, OYO Roomsની OYO WE (વિમેન એક્સક્લુઝિવ). આ એક બજેટ હોટેલ ચેઇન છે જેને તાજેતરમાં જ સોફ્ટ બેંક ગ્રુપ દ્વારા 100 મિલિયન ડૉલરનું ફંડ મળ્યું છે. OYO WE એ મહિલાઓ માટેની હોટેલની ચેઇન છે, જેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ થાય છે. કર્મચારીઓ અને મહેમાનો, તમામ સ્ત્રીઓ છે.

માત્ર મહિલાઓ માટેની જ હોટેલ હોવી એ કોઈ નવો કન્સેપ્ટ નથી. આવી સૌપ્રથમ હોટેલ 1903માં (ન્યૂયોર્કમાં માર્થા વોશિંગ્ટન હોટેલ) શરૂ થઈ હતી, જ્યાં માત્ર પહેલા માળે જ પુરુષ મહેમાનોને પ્રવેશ અપાતો હતો. યુએસ અને યુરોપ જ નહીં, ભારતમાં પણ મોટા ભાગની ફાઇવ સ્ટાર હોટેલ્સમાં એક ફ્લોર માત્ર મહિલાઓ માટે અલાયદો રાખવામાં આવે છે.

જોકે, બજેટના પાસાને ધ્યાનમાં રાખીએ તો મહિલા પ્રવાસીઓ માટે બહુ ઓછા વિકલ્પ હોય છે. આ એક એવું પાસું છે, જેમાં મહિલા પ્રવાસીઓના મોટા ભાગના બજેટનો સમાવેશ થતો હોય છે. OYO વિમેન એક્સક્લુઝિવનાં કેટેગરી હેડ દીપિકા ગુપ્તા આ અંગે જણાવે છે,

“માત્ર મહિલાઓ માટેની હોટેલ વિશે અમારા ગ્રાહકો તરફથી અમને ઘણી પૃચ્છા કરાતી હતી અને તેના થકી જ અમને આ પ્રકારની સુવિધા આપવા અંગે વિચારવાની પ્રેરણા આપી હતી. આ રીતે અમે OYO WEની શરૂઆત કરી.”

OYO WEની પ્રાયોગિક શરૂઆત જાન્યુઆરી, 2015માં ગુડગાંવમાં કરવામાં આવી હતી, અને આ બિઝનેસ મોડેલ સફળ રહ્યું. તેને પગલે નવી દિલ્હી અને નોઈડામાં પણ OYO WEનું પદાર્પણ થયું.

image


અનુકૂળતા અને સુવિધા

છેલ્લાં થોડાં વર્ષોમાં એકાકી મહિલા પ્રવાસીઓની સંખ્યામાં દેખીતો વધારો જોવા મળ્યો છે, જેનાથી માત્ર મહિલાઓ માટેની હોટેલ્સને શ્રેષ્ઠ પ્રતિભાવ મળ્યો છે. OYO Roomsના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર અનુજ તેજપાલનું કહેવું છે,

“પીઆર અને ઇવેન્ટ કંપનીઝમાં કામ કરતી, ફ્રીલાન્સર્સ, બ્લોગર્સ મહિલાઓ અમારી મહેમાન છે, પરંતુ કોઈ પણ ક્ષેત્રની પ્રવાસી મહિલાઓ સફર દરમિયાન રોકાણ માટે, કામ માટે, મુસાફરી માટે કે રજાઓ ગાળવા માટે OYO WE પર સૌ પહેલી પસંદગી ઉતારે તેવી અમારી મહત્ત્વાકાંક્ષા છે.”

મહિલા પ્રવાસીઓને સુખસુવિધા, અનુકૂળતા અને સગવડ પૂરી પાડતી હોટેલ્સ હવે એક ફેશન બની રહી છે. પ્રવાસી મહિલાઓ પોતાના અનુભવના આધારે ઘણી વાર આ સુવિધાઓને વખાણતી હોય છે. સારી ગુણવત્તાનાં શૌચાલયો, હેર ડ્રાયર, નજીકના અંતરે આવેલાં સલૂન કે સ્પાની સવલતો ઘણી આવકારદાયક છે.

સંભાળ અને સુવિધાના મુદ્દે કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, તે અંગે દીપિકાએ કહ્યું હતું,

“રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની સાથે રૂમમાં પૂર્ણ કદનાં મિરર, હેર ડ્રાયર્સ, બાથરોબ્સ અને સ્લિપર્સ પણ રાખવામાં આવે છે. હોટેલમાં રહેતી મહિલાઓને બ્યુટી પાર્લર સર્વિસ, ડૉક્ટર્સ અને એક જ કૉલથી કેબની સગવડ પણ આપવામાં આવે છે. વધુમાં, દરેક સ્થળે પુસ્તકોનું નાનું એવું કલેક્શન પણ રાખવામાં આવે છે તથા મહિલાઓ ઘરે બનાવેલું ભોજન પણ મગાવી શકે છે. અમે પણ ખાસ NyKaa પાઉચ આપીએ છીએ, જેમાં મહિલા પ્રવાસીઓને જરૂર પડે તેવી શેમ્પૂ, કન્ડિશનર, શાવર જેલ, મોઇશ્ચરાઇઝર, લિપ બામ અને સેનેટરી નેપ્કિન જેવી વસ્તુઓ હોય છે.”

બિઝનેસ મોડેલ અને આ કન્સેપ્ટને બહોળો પ્રતિસાદ મળતાં OYO WE હવે નજીકના ભવિષ્યમાં બેંગલુરુ, પૂણે અને હૈદરાબાદ જેવાં મેટ્રો શહેરોમાં પણ હોટેલ શરૂ કરવાનું પણ વિચારી રહ્યાં છે.

સુરક્ષા - સૌથી પહેલાં

મહિલાઓ દ્વારા ચાલતી, મહિલાઓની હોટેલ હોવાથી કર્મચારીઓ અને મહેમાનો માટેની સુરક્ષા એ સૌથી વધુ પ્રાથમિકતા હોય છે. હોટેલમાં 365 દિવસ સિક્યોરિટી ગાર્ડ્સ હાજર હોય છે અને એ જ રીતે સીસીટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. દીપિકા વર્ણવે છે,

“અમારી હોટેલના મેઇન ગેટ પર ઓટોમેટિક લોક હોય છે, જે માત્ર અંદરથી જ ખૂલે છે. OYO WEની હોટેલ શહેરની મધ્યમાં હોય છે, અને તેથી સરળતાથી મળી શકે છે. હોટેલના દરેક રૂમ અંદરથી લોક થઈ શકે છે.”

હાલમાં બજેટની અનુકૂળતા સાથે મુસાફરી કરતી મહિલાઓ કેન્દ્રસ્થાને છે, પરંતુ સમગ્ર દેશમાં લાંબા ગાળા માટે સફર કરતી બિઝનેસવિમેંન પણ OYO WEની હોટેલમાં રોકાણ કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

મહિલા પ્રવાસીઓ માટેની જ હોટેલનો કન્સેપ્ટ ભારતમાં ભલે નવો હોય, પરંતુ તે ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને પૂરતો વેગ આપશે અને મહિલાઓની ખાસ કરીને, એકાકી મહિલા પ્રવાસીઓની સુરક્ષાના મુદ્દે ભારતનો સુસ્ત રેન્ક ઊંચો લાવી શકશે.


લેખક- તન્વી દુબે

અનુવાદક- YS ટીમ ગુજરાતી