૮ ધોરણ ભણેલી શીલા બંજારા સમાજની મહિલાઓને બનાવી રહી છે આત્મનિર્ભર!

શીલા 80 હજારના ટર્નઓવર દ્વારા 25 મહિલાઓને આપી રહી છે રોજગારી!

0

આ સ્ટોરી પછાત વર્ગમાંથી આવેલી એક એવી છોકરીની છે જે ઇચ્છા હોવા છતાં પણ વધારે ભણી શકી નહીં. પરંતુ તેણે જિંદગીથી ક્યારેય પણ હાર ના માની. સતત સંઘર્ષ કરતી રહી અને જેના પરિણામ રૂપે આજે તે પોતે તો પગભર થઇ છે સાથે સાથે શહેરમાંથી પોતાના ગામડામાં પાછા ફરીને ત્યાંની સ્ત્રીઓને પણ પગભર બનાવવાની કોશિષ કરી રહી છે. તેણે એક નવી શરૂઆત કરી જેની ચર્ચા અને રોશની આજુબાજુના બીજા ગામડાઓ સુધી પહોંચી ગઇ છે.

ઇન્દોરથી 40 કિલોમીટર દૂર ખંડવા રોડ પર આવેલ છે, ‘ગ્વાલૂ’ નામનું ગામ. 1200ની વસ્તી ધરાવતા આ ગામમાં શીલા રાઠોર નામની એક સ્ત્રી રહેતી હતી. જેને શરૂઆતથી જ ભણવાનો ખૂબ જ શોખ હતો, પરંતુ 8માં ધોરણ પછી તે સ્કૂલ જઇ શકી ના હતી. કારણકે ગામડામાં આઠમા ધોરણ પછી સ્કૂલ ના હતી. સમાજના નિતી નિયમોને કારણે તે બીજા શહેરમાં જઇને ભણી શકી નહીં. 19 વર્ષની ઉંમરે શીલાના લગ્ન ઇન્દોરના મુકેશ રાઠોર સાથે થઇ ગયા. શીલા પોતાના પતિ પાસે ઇન્દોર જતી રહી, પરંતુ તેના મગજમાં પોતે કંઇ નથી કરતી તે ચિંતા સતત સતાવતી હતી. શીલાના પતિ એક ફેક્ટરીમાં નોકરી કરતા હતાં. જેનાથી ઘર ખર્ચ સરળતાથી ચાલતો હતો. શીલાએ પોતાના બાળકને સારું શિક્ષણ મળી રહે તે માટે પોતે પણ કામ કરવાની શરૂઆત કરી. તેણે સિલાઇ મશીન પર કામ કરવાની શરૂઆત કરી. શીલા શરૂઆતમાં એક રેડીમેડ કપડાની ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી. જેમાંથી પૈસા ભેગા કરીને તેણે પોતાનું એક સિલાઇ મશીન ખરીદી લીધું. હવે તે માર્કેટમાંથી સીધા ઓર્ડર લેવા લાગી.

શીલા જ્યારે પોતાના પિયર જતી ત્યારે તેને ગામડાની સ્ત્રીઓના જીવન પર હંમેશાં વિચાર આવતો કે આ સ્ત્રીઓ આજે પણ ઘુંઘટ તાણીને ઘરના રસોડા પૂરતી જ મર્યાદિત છે. આ માટે શીલાએ પોતાના ગામમાં જ રહીને કંઇક નવું કરવાનો નિર્ણય લીધો. આ કાર્ય માટે તેને પોતાના પરિવારનો પણ સહયોગ મળી રહ્યો.

શીલા પોતાનું સિલાઇ મશીન લઇને પોતાના ગામમાં આવીને રહેવા લાગી. ગામમાં તેણે ઘરે ઘરે જઇને સ્ત્રીઓને કામ કરવા માટે જાગૃત કરી. બંજારા સમાજમાં સ્ત્રીઓને ઘરની બહાર નીકળીને કામ કરવાની પરવાનગી મળતી નથી. જેના માટે શીલાએ સમાજના મુખિયા સાથે વાતચીત કરીને અને તેમને સમજાવ્યા. ગામડાની ઘણી મહિલાઓ પાસે સિલાઇ મશીન હતા. જેનાથી તેઓ પોતાના અને પરિવારના કપડાં સિવતી હતી. જેથી શીલાનું કામ સરળ થઇ ગયું. શીલાએ 10 મહિલાઓને ઘરની બહાર કામ કરવા માટે જાગરૂક કર્યા.

પોતાના પિતાના ઘરમાં એક રૂમથી શરૂ થયો ઉદ્યોગ

શીલાએ પોતાના નવા ઉદ્યોગની શરૂઆત પોતાના પિતાના ઘરના એક નાનકડા રૂમથી કરી. બે મહિના સુધી સ્ત્રીઓને ટ્રેઈનિંગ આપ્યા બાદ ઓગસ્ટ 2015થી નવા ઉદ્યોગની શરૂઆત કરી. જેમાં શર્ટની કોલર બનાવવાનું કામ લેવામાં આવ્યું. પોતાના કામની નિપૂર્ણતાને કારણે થોડા સમય બાદ નવેમ્બરથી શીલાને શર્ટ બનાવવાના પણ ઓર્ડર મળવા લાગ્યા. જે સ્ત્રીઓ ક્યારે પણ ઘરની બહાર નીકળતી ના હતી, તે મહિલાઓ આજે દિવસના 2થી 3 કલાક કામ કરીને મહિનાના 1500થી 2500 રૂપિયા કમાઇ લે છે.

ગ્વાલૂ ગામમાં આવેલા આ બદલાવથી બાજુના ગામ ચોરલમાં પણ આ કાર્યની ચર્ચા થવા લાગી. ચોરલની મહિલાઓ પણ શીલાની ફેક્ટરી જોવા અને તેની પાસે કામ શીખવા માટે આવવા લાગી. પરંતુ રોજ ચોરલથી ગ્વાલૂ સૂધી આવવું તેમના માટે મુશ્કેલ હતું. ચોરલ ગામની 15 મહિલાઓનો ઉત્સાહ જોઇને ત્યાંની એક સંસ્થાએ તેમને ઉદ્યોગ કરવા માટે જગ્યા ફાળવી. શીલાએ મુદ્રા યોજના અંતર્ગત 20 હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધો અને તેનાથી થોડા પગ મશીન ખરીદી ચોરલમાં પણ પોતાના ઉદ્યોગની સ્થાપના કરી. આજે બંને ગામોની 25 જેટલી મહિલાઓ પોતાના ઘર કામ ઉપરાંત સિલાઇ મશીનનું કામ પણ દિવસમાં 2થી 4 કલાક કામ કરે છે. શીલા ઇન્દોર જઇને ઓર્ડર લઇ આવે છે, કાચો માલ શીલા લઇને આવે છે અને બે દિવસમાં શીલા શર્ટ તૈયાર કરીને પાછા મોકલી પણ દે છે. 6 મહિનાની મહેનત બાદ આજે તેમનું ટર્ન ઓવર 80 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. હાલમાં મોટા ભાગની મહિલાઓને મહિને લગભગ 2000 જેટલા રૂપિયા મળી જાય છે. જ્યારે શીલા પોતે લગભગ મહિનાના 10 હજાર રૂપિયા કમાઇ લે છે.

શીલાએ યોરસ્ટોરીને જણાવ્યું,

"પહેલા હું જ્યારે શર્ટ સીવતી હતી ત્યારે પૂરેપૂરા પૈસા મને મળતા હતાં. ત્યારે મને વિચાર આવ્યો કે આ કળા ગામડાની મહિલાઓને પણ શીખવાડવી જોઇએ. જેથી તેઓ થોડા પૈસા કમાઇ શકે. હવે અમે શર્ટની કટિંગથી લઇને તેની સિલાઇ કરવાનું દરેક કામ અમારી ફેક્ટરીમાં જ કરીશું."

શીલા થોડા સમયમાં જ ઇન્ટરલોક, પિકોની સાથે આધુનિક મશીનો પણ લાવવાની છે. જેથી શર્ટની સંપૂર્ણ રીતે પોતાની ફેકટરીમાં જ તૈયાર કરી શકાય. શીલાના ઉદ્યોગમાં મદદ કરનાર સંસ્થાના સુરેશભાઈ જણાવે છે,

"અન્ય મહિલાઓને પણ વોટરશેડ દ્વારા 4 હજાર રૂપિયાની લોન અપાવવાની કોશિશ ચાલી રહી છે. જેથી તેઓ પોતાનું સિલાઇ મશીન ખરીદી શકે. આ સાથે શીલાના ઉદ્યોગને આદિવાસી વિભાગના ધુમક્કડ જાતિની યોજના અંતર્ગત એક લાખ રૂપિયા લોન પણ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આધુનિક મશીનો લાવીને પોતાના કામને આગળ વધારી શકે.”

ઇન્દોર કલેક્ટર પી. નરહરી યોરસ્ટોરીને જણાવે છે કે,

“શીલાએ અમારા જિલ્લામાં એક નવી મિશાલ કાયમ કરી છે. જે સ્ત્રીઓ આગળ વધવા માગે છે તેવી સ્ત્રીઓ માટે જિલ્લા પ્રશાસન હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય છે. શીલાનો ઉત્સાહ જોઇને અમે તેને તાત્કાલિક મુદ્રા યોજનાના અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવી હતી. અમે તેમના ઉત્પાદને સારા ભાવમાં માર્કેટમાં વેચાય તે માટે માર્કેટિંગ અને પ્રોડ્કશન વધારવાનું પ્લાનિંગ પણ અમે કરીએ છીએ.”

એક નાનકડી શરૂઆત દ્વારા આઠ મહિનામાં જ શીલા અને તેમની સાથી મહિલાઓએ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી દીધી છે. આજે આ મહિલાઓનો બિઝનેસ ભલે નાનો હોય પરંતુ તેમની મહેનત અને કામ કરવાની લગન જોઇને તેઓ ટૂંક સમયમાં જ ઘણી પ્રગતિ કરી લેશે. આ મહિલાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે જાણતી નથી, પરંતુ તેમનો વિકાસ બંજારા સમાજનો વિકાસ છે. જે મહિલા સશક્તિકરણની દિશામાં એક સારું યોગદાન રહેશે.

લેખક- સચિન શર્મા

અનુવાદક- શેફાલી. કે. કલેર

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook Page લાઈક કરો

Related Stories