ચંબલનો આ ડાકુ અત્યારે સત્ય અને અહિંસાનો સંદેશ ફેલાવે છે!

100થી વધારે લોકોની હત્યા કરનાર પંચમસિંહ દેશમાં ગાંધીજીના વિચારોને ફેલાવી રહ્યાં છે!

0

તેઓ 90 વર્ષના દાદા છે. 1970ના દાયકામાં તેમણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ નહીં, દસ નહીં, પણ 100થી વધારે લોકોની હત્યા કરી હતી. તમને થશે કે આટલા લોકોની હત્યા કર્યા પછી પણ આ માણસનું કાયદો કશું બગાડી શક્યો નહીં?! આ દાદા 50 વર્ષ અગાઉ ચંબલમાં ડાકુ હતા અને તેમણે 550 ડાકુઓ સાથે સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એટલે કોર્ટે તેમને મૃત્યુદંડની સજા કરવાને બદલે જનમટીપની સજા કરી હતી. હિંસાનો માર્ગ છોડ્યો અને જીવને યુ-ટર્ન લીધો. પછી તો તેમને ગાંધીવિચારની એવી લગની લાગી કે શાંતિ અને અહિંસાના પથ પર ચાલી પડ્યાં. અત્યારે તેઓ કોલેજના વિદ્યાર્થીઓ અને જેલના કેદીઓ વચ્ચે અતિ લોકપ્રિય છે. આ દાદાનું નામ છે પંચમ સિંહ.

તેઓ પોતાની કિશોરાવસ્થા અને યુવાની વિશે કહે છે,

"14 વર્ષની વયે મારા લગ્ન થઈ ગયા હતા અને મારી પત્ની અને માતાપિતા સાથે મધ્યપ્રદેશના ગામડામાં શાંતિથી જીવન પસાર કરતો હતો. તે સમયે ગામમાં પંચાયતની ચૂંટણી થઈ. ચૂંટણીમાં બે જૂથ થઈ ગયા અને હું એક જૂથ સાથે જોડાયેલો હોવાનું માનીએ વિરોધી જૂથે મને ઢોરમાર માર્યો. હકીકતમાં મને તો કંઈ ખબર જ નહોતી. પોલીસે ફરિયાદ નોંધી નહીં અને મારી સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી. 20 દિવસ પછી ફરી હું ગામમાં આવ્યો તો ફરી મને મારવામાં આવ્યો. પછી રહેવાયું નહી. 12 મિત્રોને લઈને ચંબલની વાટ પકડી અને ડાકુ બની ગયો થોડા દિવસ પછી પરત ફર્યો અને એક જ દિવસમાં મને મારનાર છ લોકોના ઢીમ ઢાળી દીધા. બદલાની આગમાં હું આંધળો થઈ ગયો હતો."

પછી તો પંચમમાં હિંમત આવી ગઈ અને 550 ડાકુઓની પોતાની ગેંગ બનાવી. ત્યારબાદ એક દાયકામાં પંચમ અને તેના સાથીદારોએ સેંકડો લોકોના જીવ લીધા અને સરકારે તેના પર રૂ. 2 કરોડનું ઇનામ જાહેર કર્યું હતું. જ્યાં સુધી ગાંધીવાદી નેતા જયપ્રકાશ નારાયણ ચંબલ આવ્યા નહીં અને પંચમને શસ્ત્રોનો ત્યાગ કરવા સમજાવ્યાં નહીં ત્યાં સુધી તેઓ બંદૂક જ તેમનું જીવન હતું. જયપ્રકાશ નારાયણની સલાહ માનીને પંચમે 550 ડાકુઓ સાથે ઇન્દિરા ગાંધીની સરકાર સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું અને જેલમાં જનમટીપની સજા ભોગવી હતી. જેલમાં તેમને ગાંધીવિચારનો રંગ લાગ્યો અને જેલમાંથી બહાર નવા જ પંચમ બહાર આવ્યા હતા.

ત્યારબાદ તેઓ વિદ્યાર્થીઓ અને જેલના સાથીદારો સાથે સમય પસાર કરે છે, શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવે છે, લોકોને પોતાની ભૂલોમાંથી સમજાવવા કહે છે. પંચમ સ્વીકારે છે,

"હું ક્યારેય રાજકારણમાં જોડાવા ઇચ્છતો નહોતો. તે દિવસોમાં આત્મસમર્પણ કરનાર મોટા ભાગના ડાકુઓ સરકારે આપેલી 30 વીઘા જમીન પર ખેતીવાડી કરીને શાંતિથી દિવસો પસાર કરતા હતા. જ્યારે હું ડાકુ હતો ત્યારે જંગલોમાં ચાર કલાક પૂજાપાઠ કરતો હતો. જીવનમાં કોઈ ઇચ્છા નથી. બસ, શાંતિથી ગાંધીવિચારોનો સંદેશ જ ફેલાવવો છે."

લેખક- થિંક ચેન્જ ઇન્ડિયા

થિન્ક ચેન્જ ઇન્ડિયા સમગ્ર દેશમાં ઓનલાઇન પબ્લિકેશનમાંથી પોઝિટિવ ન્યૂઝ અને સ્ટોરીઝનું કલેક્શન કરે છે. તેનો આશય દરરોજ આપણી વચ્ચે ફેલાતી નકારાત્મકતા વચ્ચે આશા અને ઉત્સાહનો દીપ પ્રકટાવવાનો છે.

અનુવાદક- કેયૂર કોટક