પ્રેમ અને હાસ્ય વહેંચતા મુંબઈના રિઅલ લાઈફ મુન્નાભાઈ

પ્રેમ અને હાસ્ય વહેંચતા મુંબઈના રિઅલ લાઈફ મુન્નાભાઈ

Wednesday March 09, 2016,

8 min Read

માણસમાત્રને તેના જીવનમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક વિપરિત સ્થિતિઓનો સામનો કરવાનો આવે છે. તેમાંય આપણામાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહો કે સ્વભાવ કહો પણ આવી સ્થિતિમાં હિંમત હારી જવાનું આપણું સામાન્ય રિએક્શન હોય છે. તેમ છતાં એવા કેટલાક માણસો છે જે વિપરિત સ્થિતિને માત આપીને સમાજને સંઘર્ષ માટે તૈયાર કરે છે. આવી જ એક વ્યક્તિ છે મુંબઈમાં જે ભય સામે લડતા શીખવે છે. વિનોદ રાવત એક એવી વ્યક્તિ છે જે તમારી અંદર રહેલા ફરિયાદીને કાઢી નાખવાની વાત કરે છે. તે જણાવે છે કે પહેલા તેને બહાર કાઢો, ચહેરા પર પ્રસન્નતા લાવો અને પછી તમે જે પામવાનું નક્કી કર્યું છે તેના માટે મહેનત શરૂ કરો. તે પોતાની જ વાત દ્વારા આ સમજાવે છે.

‘હું છ વર્ષનો હતો ત્યારે ટ્રક નીચે આવી ગયો હતો. મને છ મહિના સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો જ્યાં મારા પર અનેક ઓપરેશન થયા હતા. તે સમયે મારા માતા-પિતા પાસે 25,000 રૂપિયા નહોતા તેથી ઓપરેશેન દરમિયાન મારો પગ કાપી કાઢવાનું નક્કી થયું. તે લોકો મારો પગ કાપીને લઇ ગયા અને તે સાથે જ મને એવો પણ અનુભવ થયો કે ક્યાંક મારી જિંદગી પણ છીનવાઈ ગઈ."
image


વધુમાં તે જણાવે છે, 

"મને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે લોકો મને જાતભાતના નામથી બોલાવવા લાગ્યા અને ખાસ કરીને મારા પરિવારે પણ મને ઠુકરાવી દીધો હતો. મારા પિતા હંમેશા મારી સામે દયા અને કંટાળાની નજરે જોતા હતા. તે રસ્તા પર કોઈ ભીખારીને જોતા ત્યારે તેમના હૃદયમાં પીડા થતી. તેમને સતત એમ જ થયા કરતું કે મારું ભવિષ્ય પણ આવું જ હશે અને તેમને શરમ આવતી હતી. તેઓ મારી વાત સાંભળતા નહીં અને તેમનો ગુસ્સો મારા પર ઉતરતો. તેઓ મને કૂતરાની જેમ બાંધી રાખતા, માર મારતા. હું તેમને ઘણી વખત કરગરતો કે હું ક્યારેય તેમના પર ભારરૂપ નહીં રહું પણ તેઓ માનતા નહીં. મેં તેમને અનેક વખત સમજાવ્યા કે હું પરિસ્થિતિ સામે લડીશ અને ક્યારેય મારે ભીખ માગવાની સ્થિતિ નહીં આવે."

મારું બાળપણ અનેક પીડા અને સંઘર્ષ સાથે પસાર થયું છે. મારા મિત્રો અને જાણીતા લોકો જ મને લંગડો અને અન્ય નામે બોલાવતા હતા. તેઓ સતત મારા આત્મવિશ્વાસને કચડી નાખવા મથતા હતા. હું મારા જ મિત્રો અને પરિવારના આ ત્રાસથી કંટાળી ગયો હતો અને બહારની દુનિયામાં શાંતિ અને સલામતી શોધી રહ્યો હતો.

તેના કારણે હું સ્થાનિક ગાંડાઓ જોડે ફરતો થઈ ગયો. બોમ્બેમાં આ લોકોને ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. હું તે ભાઈ બની ગયો હતો. મારા મનમાં તો હજી પણ તે જ લઘુતાગ્રંથી બંધાયેલી હયી અને હું તેની સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. હું મારી સ્થિતિ સામે બંડ પોકારી રહ્યો હતો અને તેમાં એટલો ઘાતક થઈ ગયો કે 1994માં પોલીસે મને વોન્ટેડ જાહેર કરીને મારી શોધ આદરી.

જીવનને ત્યારપછી એક નવો જ વળાંક મળ્યો.

હું ત્યારે પણ ભાગતો હતો. તે સમયે પણ જીવનમાં એવો જ ભય હતો. તે દરમિયાન મને રસ્તા પર એક ફરિસ્તા, એક સજ્જનની મુલાકાત થઈ. હું ત્યારે માત્ર 16 વર્ષનો હતો. મારી જિંદગી તે વખતે પણ બદતર હતી. તેમણે મારો હાથ પકડ્યો અને મને કહ્યું, 

"દીકરા તું જે કરી રહ્યો છે તે તારો સાચો રસ્તો નથી, જીસસે તારા માટે બીજું જ કંઈક વિચાર્યું છે."

હું હિન્દુ હતો છતાં મને ક્યારેય કોઈએ એવું નહોતું કહ્યું કે, મારો ભગવાન મને શોધે છે કે એવા ભાવથી ક્યારેય કોઈએ એમ પણ નહોતું ક્યું કે મારા ભગવાને મારા માટે કોઈ આયોજન કર્યા છે. હું માનતો હતો કે ખરેખર ભગવાન હશે તો તે મને આ દોજખમાંથી બહાર કાઢશે. તેમણે મને તેમના એનજીઓ સાથે જોડાવા કહ્યું. હું સમયાંતરે તેમને ત્યાં જવા લાગ્યો. હું તેમના પ્રવચનો સાંભળતો. ભગવાને કહ્યું છે કે, લોકોને માફ કરવા, તેમની સાથે માનતવાપૂર્ણ વ્યવહાર કરવો અને લોકોને કંઈક આપીને આનંદ કરવો. તમે પૈસા જ આપો તે જરૂરી નથી. તમે લોકોને પ્રેમ, ખુશી આપીને પણ સુખી કરી શકો છે. તમારા એક હાસ્ય દ્વારા પણ વ્યક્તિ ખુશ રહી શકે છે. મને આ ફિલોસોફી પાછળની વાસ્તવિકતા સમજાઈ ગઈ.

image


હું મારી જિંદગી બદલવા તૈયાર થયો હતો છતાં કેટલાક કપરાં અનુભવો મારા જુસ્સાને તોડી પાડતા હતા. તેમ છતાં હું શીખતો ગયો કે કેવી રીતે મજબૂત બનવું અને મજબૂત રહેવું.

એક વખત હું હોટેલ તાજ પાસે ફરતો હતો. ત્યાં એક વિદેશી યુગલ તેમના નાનકડા સંતાન સાથે ફરતું હતું. હું તેમને જણાવવા માગતો હતો કે તેમનું સંતાન ખૂબ જ સુંદર છે પણ તેમણે મને ભીખારી સમજીને ધુત્કાર્યો. આ ઘટના બાદ મેં નક્કી કર્યું કે, હું તેમની ભાષા શીખીશ અને તેમને સમાંતર ઉભો રહીશ.

ત્યારબાદ મેં સ્થિતિ બદલવાના પ્રયાસ શરૂ કર્યા. મેં જાણ્યું કે, પ્રોસ્થેટિક અંગો આપતા કંપનીઓ ઘણી છે પણ તેઓ મફતમાં સારવાર નથી કરતી. આ સાધનોની કિંમત પણ ઉંચી હોય છે.

આ માટે મેં મહેનત કરવાનું નક્કી કર્યું. મેં ‘આઈ એમ પોસિબલ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું. તેના માધ્યમથી હું જાદુના ખેલ કરતો અને લોકોને મનોરંજનની સાથે સાથે સંદેશ પણ આપતો. મને લોકોને આનંદ આપવામાં મજા પડતી. મને ત્યારે સમજાયું કે આપવું એટલે માત્ર પૈસા આપવા તેમ નહીં, તમે લોકોને હુંફ, પ્રેમ અને આનંદ પણ આપી શકો છો. તમારી પાસે ઘણું હોય અને તમે તેમાંથી કંઈક આપો તેવું પણ નથી. તમારી પાસે કંઈ જ ન હોય અને છતાં તમે તમારું સંપૂર્ણ આપો ત્યારે 'જોય ઓફ ગિવિંગ' કહેવાય છે.

દુનિયામાં ઘણી પીડા છે, દરેક વ્યક્તિને તેમાંથી બહાર આવવા માટે જીવનમાં એક વખત આવી જ શુભેચ્છા અને અવસરની જરૂર હોય છે.

તેમ છતાં હું કંઈક અલગ કરવા માગતો હતો. હું પ્રેમ કરવા માગતો હતો. સદનસીબે મારી આ ખુશી ખાસ દૂર નહોતી. મને સુંદર દેવદૂત જેવી પત્ની મારા એનજીઓમાં જ મળી ગઈ. લોકોને પણ એમ જ લાગતું હતું કે, મારી પત્ની પણ એબનોર્મલ છે. મને તે બાબતોને સૌથી વધારે ગુસ્સો આવતો હતો. અપંગતા માત્ર મારી બાહ્ય સપાટી પર હતી, હું અંદરથી કંઈક અલગ જ હતો. મારી પત્ની સામાન્ય છે અને તમને ખ્યાલ છે કે હું પણ તેવો જ છું.

અત્યારે અમે સાથે જ છીએ અને બે સંતાનો સાથે સુંદર જિંદગી પસાર કરી રહ્યા છીએ. જેમ જેમ હું જીવન સાથે સંકળાતો ગયો તેમ તેમ જીવન મને વધારે જીવંત લાગવા લાગ્યું.

2004માં પહેલી વખત મને કોઈએ મુંબઈ મેરેથોન અંગે વાત કરી અને હું તેમાં જોડાવા માટે આકર્ષાયો. હું વર્લી સી ફેસ પાસે દિવસ રાત તૈયારી કરતો હતો. મારા પાડોશીઓ મારી મજાક ઉડાવતા કહેતા હતા કે, ‘એવી રીતે દોડે છે જાણે કે આવતી કાલે અખબારમાં તારું નામ આવવાનું હોય.’ બીજા દિવસે તમામ પડકારો વચ્ચે કંઈક આવું થયું.

હું ધીમે ધીમે મારી ક્ષમતા જાણતો ગયો અને મારી જાતને વધુ સારા પ્રદર્શન માટે તૈયાર કરતો ગયો. હું કોઈપણ પીડા રાખ્યા વગર મારી જાતને વધુ સ્વસ્થ કરતો ગયો. મારી સખત મહેનતના અંતે હું મારા સ્વપ્નના સાહસમાં જોડાયો અને હિમાલયના 20,000 ફૂટ ઉંચા શિખરને અને પછી મહારાષ્ટ્રના કલસુબાઈને સર કરી આવ્યો.

સાઈકલિંગ અને બાઈકિંગ મારા માટે પ્રાણવાયુ સમાન છે.

image


તે ઉપરાંત જ્યારે મને જાણવા મળ્યું કે, રોડિસ અમારા શહેરમાં આવી રહ્યું છે તો હું રાતથી જ ત્યાં પહોંચી ગયો અને મારું નસીબ અજમાવવા સજ્જ થઈ ગયો. આમ તો ઓડિશન અને ગેટ બંધ થઈ ગયા હતા પણ આયોજકોએ મને કેટલાક બાઈક સ્ટંટ કરતા જોયો. તે મારા માટે અવસર હતો. રઘુ અને રણવિજયે મારી નોંધ લીધી. મેં તેમને મારા પગ વિશે કશું જ જણાવ્યું નહોતું. હું ઈચ્છતો હતો કે તે મને અલગ રીતે જ જૂએ. જો કે તેમને જાણ થઈ ગઈ અને છતાં તેઓ માનવા તૈયાર નહોતા કે હું શું કરી રહ્યો છું. હું ફાઈનલ સુધી પહોંચી ગયો અને મને વોટ આઉટ ન કરાયો ત્યાં સુધી મેં ટક્કર આપી. હું દુઃખી હૃદયે પાછો ફર્યો પણ થોડા દિવસમાં રઘુએ મને અંગત ભેટ તરીકે કરિઝ્મા બાઈક મોકલાવી.

ત્યારબાદ પણ હું હાર્યો નહીં. મેં લદાખ જતા બાઈકર ગ્રૂપમાં નામ નોંધાવ્યું અને તેમની સાથે સફર શરૂ કરી. ત્યાં કેમ્પફાયર દરમિયાન તેમને મારા કપાયેલા પગ વિશે માહિતી મળી અને તેમણે મને કાઢી મૂક્યો. તેમણે જણાવ્યું કે, તેઓ આવા અભિયાનોમાં શારીરિક રીતે અપંગ લોકોને જવાબદારી સ્વીકારી શકે નહીં. મેં માત્ર તેમનો આભાર માન્યો અને કહ્યું કે, નુકસાન મને નહીં તમને થઈ રહ્યું છે.

મેં મારી પોતાની ક્લબ શરૂ કરી. દેશમાં એવા ઘણા વિનોદ છે જેમની સાથે આવા બહાના હેઠળ ભેદભાવ રાખામાં આવે છે, પણ જ્યારે તેમને તક આપવામાં આવે તો તેઓ સામાન્ય વ્યક્તિ કરતા પણ વધુ સારી ક્ષમતા સિદ્ધ કરી શકે છે. મેં તેમને ભેગા કર્યા અને કંઈક નવું કરવાનું નક્કી કર્યું. મેં મારી બાઈક કરતા વધુ ભારે બાઈક પસંદ કરી. મેં ઈન્ડિયન હાર્લે તરીકે ઓળખાતી રોયલ એન્ફિલ્ડ ખરીદી. મેં ચોક્કસ આશય સાથે તેને ચલાવવાનું શરૂ કર્યું.

અમે કરી બતાવ્યું. 2010માં લદાખમાં આભ ફાટ્યું હતું. હેબિટેટ ફોર હ્યુમનિટી નામની એનજીઓ ત્યાં રાહત કાર્ય કરતી હતી. ત્યાં લોકોના પુનઃવસવાટ માટે બે લાખ રૂપિયા પ્રતિ મકાનની જરૂર હતી. ત્યારે મેં આ કામ માટે પૈસા ભેગા કરવા મુંબઈથી લદાખ અને પરત મુંબઈ સુધીની બાઈક રાઈડનું આયોજન કર્યું. અમે પિટ સ્ટોપ નક્કી કર્યાં જ્યાં હું લોકોની સાથે જોડાઈને તેમને આ આયોજન અંગે સમજાવતો અને વધુમાં વધુ લોકો જાગ્રત થઈને અમારી સાથે જોડાય તેવા પ્રયાસ કરતો. ‘બિયોન્ડ ધ ઓડ’ બેનર હેઠળ અમે 18 લાખ ભેગા કર્યા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ મને એવોર્ડ આપ્યો હતો અને તે મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી.

મેં જ્યારે મારી પત્નીને આ માટે ફોન કર્યોતે તેણે મને કહ્યું કે, બધું પૂરું થયું હોય તો પરત આવો. આપણે બે મહિનાથી ઘરનું ભાડું નથી ભર્યું અને તેઓ આપણને ઘર ખાલી કરવાનું કહે છે. હું દુનિયાને મદદ કરવામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે મારી પ્રિય વ્યક્તિ કઈ સમસ્યાઓમાંથી પસાર થયા છે તેના તરફ મારું ધ્યાન જ નહોતું. તેના કારણે અમારી વચ્ચે મતભેદ થયા અને તેને એમ લાગતું હતું કે, મને મારી જવાબદારીઓનું ભાન નથી, હું માત્ર સમાજસેવામાં જ વ્યસ્ત રહું છું. આખરે તેણે મારાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો.

હું તેને પ્રેમ કરતો હતો, કરું છું અને મને હૃદયના ઊંડાણથી વિશ્વાસ છે કે હું તેને પાછી મેળવીને રહીશ.

થોડા વર્ષો પહેલાં હું કશું જ નહોતો, માત્ર એક ખોટો સિક્કો. આજે મને જીવનમાં પ્રેમ, સુખ, સફળતા અને વિશ્વાસ મળ્યાછે. હું સુટબુટમાં સજ્જ 900 અમેરિકનોની સામે આંખમાં આંખ પરોવી સ્ટેજ પર ઉભો રહી બોલી શકું છું. મારી પાસે માર્કેટિંગની નોકરી છે અને હું એક એથલિટ પણ છું. મારી પત્ની દુનિયાની સુંદરતમ સ્રી છે. લોકો જ્યારે મને મળે છે અને સમસ્યાઓ વિશે વાત કરે છે ત્યારે હું તેમને એક જ જવાબ આપું છું કે, ઈશ્વરે તમારા માટે કંઈક મોટું આયોજન કર્યું હશે. ખુશીઓ ક્યાં સપાટીની નીચે હશે બસ તમારે ત્યાં સુધી નજર દોડાવાની છે.

લેખક- બિંજલ શાહ

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ