દરરોજના માત્ર રૂ.300માં ભારતભ્રમણ કેવી રીતે કરશો?

દરરોજના માત્ર રૂ.300માં ભારતભ્રમણ કેવી રીતે કરશો?

Saturday December 05, 2015,

8 min Read

ઓછા બજેટમાં વિવિધ સ્થળોની મુલાકાત લેવાની રસપ્રદ અને ઉપયોગી ટિપ્સ

image


દરેક વ્યક્તિ પ્રવાસ કરવા ઇચ્છે છે. કેટલાંક રજાના દિવસોમાં પ્રવાસ ખેડે છે, તો કેટલાંક વીકેન્ડમાં. અન્ય કેટલાક લોકો લાંબા સમય સુધી ટ્રાવેલ કરવા માટે નોકરી પણ છોડે છે. ઘણા લોકોને પ્રવાસે જવું છે, પણ તેઓ ક્યારેય બહાર નીકળ્યા નથી. સામાન્ય રીતે જ તેમનું માનવું છે કે ટ્રાવેલિંગમાં ઘણો ખર્ચ થઇ જાય છે.

અહીં હું તમને ઓછા ખર્ચે અને મર્યાદિત બજેટમાં કેવી રીતે પ્રવાસ કરી શકાય તે વિશે જણાવું છું. મેં જુલાઈ મહિનામાં નોકરી છોડી હતી અને ભારતમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે. મારી પાસે જેટલી રકમ હતી તેની મેં ગણતરી કરી અને ત્યારબાદ મને લાગ્યું કે જો મારે દરરોજ વાયા રોડ ટ્રાવેલ કરવું હોય તો દરરોજના રૂ.300ની જરૂર છે. અત્યારે હું 120 દિવસથી વધારે સમયથી પ્રવાસ કરી રહ્યો છું અને ઓછા ખર્ચે કેવી રીતે પ્રવાસ કરી શકાય છે તે માટે ઘણું શીખ્યો પણ છું.

હું મારા બજેટમાં પ્રવાસ કેવી રીતે કરવો તે વિશેના વિચારો અને કેટલીક ટિપ્સ તમને આપું છું. તમે આગળ વધો અને વાંચો તે અગાઉ થોડું સમાધાન કરવા તૈયાર રહો. જ્યારે તમારી પાસે વધારે પૈસા હોતા નથી ત્યારે તમારી પાસે મજબૂત ઇચ્છાશક્તિ અને આંતરિક પ્રેરણા હોય તે ખૂબ જરૂરી છે.

image


લાંબા અંતરની મુસાફરીઃ તમારી પાસે બે વિકલ્પ હોય છેઃ વાહનની મદદથી કે ટ્રેનમાં પર્યટન. હું અહીં સરકારી બસનું સૂચન નહીં કરું.

ભારતીય ટ્રેન્સ: જો તમે ભારતમાં છો, તો તમને વિશ્વની સૌથી મોટી અને સૌથી જટિલ રેલવે સિસ્ટમનો ફાયદો મળશે, જે પ્રમાણમાં ઘણી સસ્તી છે. ચોક્કસ, હું અનરિઝર્વ્ડ જનરલ કોચની વાત કરું છું. આ કોચમાં ટોળાની ચિંતા ન કરો, તેના બદલે વધુ ગૂંગળાવે તેવા વાતાવરણમાં સફર ખેડવા માટે આ અનુભવ ચોક્કસથી લો.

જનરલ કોચમાં તમારે ઓછી જગ્યામાં જ ઊભા ઊભા 6 કલાક સુધી સફર ખેડવી પડશે. તમારે દુર્ગંધ મારતા ટોઇલેટની બહાર ઊભું રહેવું પડશે અને જ્યારે ટ્રેન ધીમી પડે છે ત્યારે ટોઇલેટની દુર્ગંધ વાયુવેગે 100 ગણી વધારે ફેલાય છે! પણ તમારી પાસે કોઈ વિકલ્પ નથી અને યાદ રાખો કે એક સુંદર સ્થળ તમારી રાહ જોઈ રહ્યું છે. આ સ્થિતિમાં હું મારા સાથી પ્રવાસીઓમાંથી પ્રેરણા મેળવું છું. મોટા ભાગના હંમેશા આ કોચમાં સફર ખેડે છે. તેમના માટે આ પ્રકારના સંજોગો સામાન્ય છે. તેમાં નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, પગના દુઃખાવાથી પીડાતા વયોવૃદ્ધ દંપતિઓ પણ સામેલ છે. તેમને નવાઈ લાગશે કે, તેમના ચહેરા પર જરા પણ પીડા જોવા નહીં મળે. એટલે તમને પોતાને થાય છે કે “આ લોકો મુસાફરી કરી શકે તો હું કેમ ન કરી શકું?” પછી તમે ટેવાઈ જાવ છે. અત્યારે હું આ પ્રકારના લોકોમાં સામેલ છું અને જ્યારે મારે લાંબી મુસાફરી કરવી હોય ત્યારે જનરલ ટિકિટ લઈને ટ્રેનમાં ચડી જાઉં છું.

image


હિચહાઇકિંગઃ હાઇવે પર ઊભા રહીને તમારો અંગૂઠો બતાવો અને પસાર થઈ રહેલા વાહન સામે તેને ઉપર અને નીચે કરો (જો તમે તમારો અંગૂઠો બતાવી રાખશો અને હલાવશો નહીં, તો તમે તેમના વાહનની ડિઝાઇનની પ્રશંસા કરો છો કે તેમની ડ્રાઇવિંગ સ્ટાઇલના વખાણ કરો છો કે ફ્રી રાઇડ માટે પૂછો છે તે સમજશે નહીં!). ફ્રી રાઇડ મેળવવામાં થોડી મિનિટથી લઈને આખો દિવસ નીકળી જાય છે. પણ મારું માનો તો, જ્યારે તમને ફ્રી રાઇડ મળે છે ત્યારે તેનો અનુભવ શ્રેષ્ઠ હોય છે અને ટ્રેનમાં મુસાફરી કરવા કરતા ઘણો સારો અનુભવ મળે છે.

હિચહાઇકિંગ મેળવવા શરમ છોડો. જો તમે મારી જેમ નસીબદાર હશો તો તમને સી-ક્લાસ મર્સીડીઝ બેન્ઝમાં સવારી કરવાની તક મળી શકે છે. તમે ટ્રકના ડ્રાઇવરને મિત્ર બનાવશો અને તેમના જીવન વિશે જાણકારી મેળવશો. તમને ફરવાનો શોખ હોય અને બજેટ ઓછું હોય તો હિચહાઇકિંગ પ્રવાસ કરવાનું સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે.

ટૂંકા ગાળાની મુસાફરીઃ તમારે તમારા વિસ્તારમાં ટૂંકા ગાળાની મુસાફરી કરવી હોય તો થોડા દિવસ કાઢો. કોઈ સ્ટોપ પર ઊભા રહો અને લિફ્ટ માંગો. ભારતમાં મોટા ભાગના બાઇકર્સ તમારા માટે ઊભા રહેશે. કાર બહુ ઊભી નહીં રહે, પણ તમે તેમાં લિફ્ટ મેળવવા પ્રયાસ કરી શકો છો. ચાલતા રહો. ચાલવાથી બે ફાયદા થાય છે – એક, તમે ફિટ રહો છો અને બે, નાણાંની બચત થાય છે. થોડા મહિના ચાલવાની પ્રેક્ટિસ કર્યા પછી તમને ચાલવાનું પસંદ પડશે અને ટૂંકા ગાળાની મુસાફરી માટે તમે કોઈની પાસે લિફ્ટ પણ નહીં માંગો.

રહેણાંક: તમારે સંબંધની તાકાત સમજવી પડશે. તમારે અતિ સામાજિક, થોડા આનંદી, ચોક્કસપણે પ્રમાણિક અને બેશરમ થવું પડશે. તમારે અહંકાર, પૂર્વગ્રહ, મજબૂત અભિપ્રાયો કે ક્રાંતિકારી વિચારો રાખવાની કોઈ જરૂર નથી. થોડા મહિના પછી તમે આ રીતે ખરેખર વધુ સારું અનુભવશો અને તમે પોતાને વધુ શાંત વ્યક્તિ તરીકે જોશો. તમારે તમારા સંબંધીઓ, તમારા ભૂલાયેલા મિત્રો, તમને જેમને નાપસંદ કરતા હોય તેવા લોકો અને મૂલ્યો અને નૈતિકતા ન ધરાવતા લોકો સાથે વાત કરવાનું શરૂ કરવાની જરૂર છે. તેઓ પણ તમારા કિંમતી સ્ત્રોત બની શકે છે. પછીનું પગલું આ પ્રકારના તમામ લોકો સાથે સંપર્ક જાળવવાનું છે. તમે તેમના ઘરે એક-બે રાત પસાર કરી શકશો કે કેમ તે તમારે પૂછવું જોઈએ. તમને નવાઈ લાગશે કે જે મોટા ભાગના લોકોને તમે ફાલતું લોકો માનતા હતા તે બધા તમારી મદદ કરવા આગળ આવશે અને તમે જેને પોતાના ગણતા હતા તે મોં મચકોડશે.

તે ઉપરાંત આશ્રમ, મંદિર, બસ ટર્મિનલ, રેલવે સ્ટેશન, રોડ ડિવાઇડર્સ, પાર્ક અને અન્ય કોઈ પણ સ્થળે રહો, જ્યાં તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. મારી વાત થોડી ગાંડા જેવી અને ડરામણી લાગે છે, પણ હકીકતમાં તેમાં ડરવા જવું કશું નથી. કોઈ પણ કામની શરૂઆત જ મુશ્કેલ લાગે છે. એક વખત તમે પગલું ભરો છો પછી અન્ય લોકો તમારા નકશે કદમ પર ચાલશે જ.

પાણીઃ જો તમે 30 વર્ષ અગાઉ પ્રવાસની યોજના બનાવી હોત તો દરેક જગ્યાએ પાણી મફત મળતું હોત. પણ કમનસીબે તમે એવા સમયમાં રહો છો જ્યારે માનવતાનું કોઈ મૂલ્ય નથી અને મનુષ્ય રૂપિયા કમાવવાનું સાધન બની ગયો છે. અગાઉ જીવન ટકાવવા મૂળભૂત સ્ત્રોતો પૂરાં પાડવા સેવા ગણાતી હતી, જ્યારે અત્યારે મૂળભૂત સ્ત્રોતોને જ કમાવવાનું સાધન ગણવામાં આવે છે. પણ ચિંતા ન કરો, તમે હજુ પણ પાણી પર રૂપિયા બચાવી શકો છો. તમારી સાથે પાણીની બોટલ રાખો અને તમે જ્યાં ભોજન કરો ત્યાંથી પાણી ભરો. રોડ પરના ધાબામાંથી નળ ખોલો, તમને પીવાનું પાણી મળી જશે. ફક્ત તમારે બોટલ અને આંખ ખુલ્લી રાખવાના છે. દરેક જગ્યાએ આજે પણ પુષ્કળ પ્રમાણમાં પીવાનું પાણી મફતમાં ઉપલબ્ધ છે. જો તમે ગામડામાં પ્રવાસ કરતાં હશો, તો કોઈ પણ ઘરે જઈને પાણી માગશો, તો હજુ પણ ત્યાં માનવતાની મહેંક અનુભવાશે અને હોંશે હોંશે લોકો પાણી ભરે દેશે.

ભોજનઃ ભારતમાં તમને અનેક લોકલ ફૂડ સ્ટોલ જોવા મળશે, જે વાજબી કિંમતે ભોજન આપે છે. ભારત લાખો ગરીબોનું ઘર છે અને તેઓ બધા રૂ. 100 કરતાં ઓછી કમાણી પર જીવે છે તે યાદ રાખો. તેઓ તમારી પ્રેરણાનું ઝરણું છે. લોકલ ઢાબામાં જાવ અને જમો. તમારા પેટની ચિંતા ન કરો, તેને ભગવાન ભરોસે છોડી દો. આપણું મન જ સર્વસ્વ છે. તેને ફિટ રાખો એટલે બાકી બધું ઓટોમેટિક થાળે પડશે. તમારા યજમાનના ઘરમાં ભોજન કરો, પણ તેમને રાંધવામાં મદદ કરો. મંદિર, ગુરુદ્વારા અને આશ્રમોમાં પણ ભોજન કરો.

પુષ્કળ પાણી પાવો અને નિયમિત ધ્યાન ધરો. તમે ક્યારેય બિમાર નહીં પડો.

image


નાણાં બચાવવા દેસી દારૂ ન પીવો. તમારું મૃત્યુ પણ થઈ શકે છે. તેવા ઘણાં કિસ્સાઓ પણ આપણે જાણીએ છીએ. રાહ જુઓ. તમારે ઓફરની રાહ જોવી પડશે, તમારા યજમાન કે ટ્રકર પાસેથી ઓફર મળી શકે છે (મને પંજાબમાં ટ્રકમાં આ રીતે ઘણો દારૂ પીધો છે.) ડ્રીંક કરતા લોકોને મિત્રો બનાવવા જોઈએ. લોકો ભિખારીને એક પૈસો નહીં આપે કે જરૂરિયાતમંદને રૂ. 10 નહીં આપે, પણ તેઓ હરખમાં તમને દારૂ પીવડાવશે. તમને હાઇવે અને ઢાબા પર આ પ્રકારના લોકો સરળતાથી મળી જશે.

મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો ખર્ચઃ સારું, તમે ફ્રી મેળવવા નસીબદાર હોવા જોઈએ. મને આવી મદદ કરનાર મિત્રો મળ્યાં છે. આ પ્રકારની મદદ મળવી સરળ નથી. જ્યારે તમે કમાણી શરૂ કરો, ત્યારે આવા મિત્રોની સારસંભાળ રાખવી જોઈએ.

જ્યારે આપણી પાસે ઓછી રકમ હોય છે ત્યારે આપણને સૌથી વધુ અન્ય લોકોની મદદની જરૂર હોય છે. આપણે અલગ-અલગ લોકો વિશે એક વાત શીખીશું: તેઓ બધા લગભગ સરખા હોય છે. જ્યારે તમે તેમને પ્રેમ આપો છો ત્યારે તેમના ચહેરા ચમકે છે અને જ્યારે તેઓ ગભરાય છે ત્યારે તેમના શરીર ધ્રુજે છે. બાકી બધું કૃત્રિમ છે. પ્રવાસ તમને ઘણું બધું શીખવે છે. તે તમને તમારી સ્વાભાવિકતાનો પરિચય કરાવશે. આપણે આપણી જાતને ફરીથી ઓળખવાની જરૂર છે, આપણે પોતાની જાતને સમજવાની જરૂર છે, નહીં કે આપણી પાસે શું છે તે જોવાની. જ્યારે આપણે ઓછા બજેટમાં પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણી આપણને આ તમામ બાબતોનો પરિચય થશે અને આપણમાં જીવનમાં ફેરફાર લાવશે.

image


આ પોસ્ટમાં કાઉચસર્ફિંગ વગેરેના ઉપયોગ જેવા સ્પોન્સરશિપનો વિકલ્પ જાણીજોઈને બાકાત રાખવામાં આવ્યો છે.

image


જ્યારે તમે તમારા પ્રવાસમાંથી કે તમારા પ્રવાસ પછી કમાણી કરવાનું શરૂ કરો છો ત્યારે તમે સફરમાં મેળવેલા મહત્ત્વપૂર્ણ બોધપાઠો ભૂલી ન જતા. તમને જે લોકોએ મદદ કરી હોય તેમને યાદ રાખજો. સાથે સાથે એ પણ યાદ રાખજો કે તમે તેમની મદદનો બદલો ક્યારેય વાળી નહીં શકો, કારણ કે તેમણે તમને મદદ કરવા માટે તેમનો કિંમતી સમય ફાળવ્યો હતો, જે ક્યારેય પાછો મળવાનો નથી. એટલે તમે પણ જીવનમાં શક્ય હોય તેટલાં લોકોની મદદ કરો. તમારા મૂળિયા ક્યારેય ભૂલશો નહીં અને મજાનું જીવન જીવો.

લેખક- હિતેશ ભટ્ટ

લેખક પરિચય:

હિતેશ ભટ્ટ પ્રવાસના શોખીન અને વાતો કહેવા-સાંભળવાનું પસંદ કરે છે. તેમણે લોકોને મળવા, વિવિધ સ્થળો જોવા, ભાતભાતની વાર્તાઓ અને જીવનના અનુભવોને વહેંચવા રૂ. 300ના રોજિંદા બજેટ સાથે પ્રવાસ કર્યો છે. તેમને ઓછા જાણીતા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ છે. તેમના વિશે વધુ જાણકારી મેળવવા તેમના બ્લોગ Project Go Native અને FB pageની મુલાકાત લો.

અનુવાદકઃ કેયૂર કોટક