સરાહનીય પહેલ: શૌચાલય બનાવવા પર મળશે કલેકટર સાથે કૉફી પીવાનો મોકો!

0

બૉલિવૂડ ટોક શો 'કૉફી વિથ કરણ'ની જેમ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલેકટરે 'કૉફી વિથ કલેકટર' નામથી એક અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત ગ્રામવાસીઓને ઘરમાં શૌચાલય બનાવવા પ્રેરિત કરવામાં આવે છે!

જે ગ્રામજન પોતાના ઘરમાં શૌચાલય બનાવી તેનો નિયમિત ઉપયોગ કરશે તેમને કલેકટર સાથે કૉફી પીવાનો મોકો મળશે!

આ પહેલાં બાડમેર જિલ્લાના જ તત્કાલીન કલેકટર સુધીર શર્માએ શૌચાલયને લગતી એક સ્કીમ શરૂ કરી હતી જે અંતર્ગત ગામના દરેક પરિવારને શૌચાલયમાં શૌચ કરવા પર દર મહીને 2500 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

બૉલિવૂડ હસ્તીઓના જાણીતાં શો 'કૉફી વિથ કરણ' વિશે તો તમે સાંભળ્યું હશે જેમાં ફિલ્મમેકર કરણ જોહર ફિલ્મી હસ્તીઓના મજેદાર અંદાજમાં ઇન્ટરવ્યૂ કરે છે જેમાં આપણને ઘણી વાર ચોંકાવનારી બાબતો પણ માલૂમ પડે છે. આ શોની જેમ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલેકટરે પણ એક અભિયાન શરૂ કર્યું છે જેમાં ગ્રામજનોને ઘરમાં શૌચાલય બનાવવા પ્રેરિત કરવામાં આવે છે.કલેકટર દ્વારા થયેલી જાહેરાતમાં કહેવાયું છે કે ઘરે શૌચાલય બનાવવા પર તેમજ તેનો નિયમિતપણે ઉપયોગ કરવા પર કલેકટર સાથે કૉફી પીવાનો અને વાત કરવાનો મોકો મળશે.

આ પહેલની શરૂઆત કરનાર કલેકટર શિવ પ્રસાદ નકાતેએ કહ્યું કે તેમણે 17 ડિસેમ્બર સુધી જિલ્લાને સંપૂર્ણ રીતે ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓ ગ્રામજનોને પોતપોતાના ઘરમાં શૌચાલય બનાવવા અપીલ કરી રહ્યાં છે. બાડમેરની 489 ગ્રામપંચાયતોમાંથી માત્ર 173 ગ્રામ પંચાયતો ખુલ્લામાં શૌચ કરવામાંથી મુક્ત છે. શૌચાલય ન હોવાથી જિલ્લાના સરકારી સ્કૂલ્સના બાળકો પણ વચ્ચેથી જ સ્કૂલ છોડી ડે છે. પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ બાડમેર જિલ્લાની છે, જ્યાં 97 હજાર બાળકો દર વર્ષે અભ્યાસ છોડી દે છે.

બાડમેરમાં સ્કૂલ છોડવાના કિસ્સામાં સૌથી વધુ છોકરીઓ છે જેઓ સ્કૂલમાં શૌચાલય ન હોવાના કારણે અભ્યાસ છોડી રહી છે. આ બાળકોની ઉંમર 6 વર્ષથી લઈને 14 વર્ષની વચ્ચે છે. આજ કારણે જિલ્લામાં શૌચાલય બનાવવા પર ઘણો ભાર મૂકાઈ રહ્યો છે. 

રીસર્ચમાં જાણવા મળ્યું છે કે નાની ઉંમરમાં લગ્ન, સ્કૂલમાં અલગ શૌચાલય ન હોવું, મહિલા શિક્ષકોનો અભાવ, ગર્લ્સ સ્કૂલ ન હોવાના કારણે છોકરીઓનો અભ્યાસ વચ્ચેથી જ છૂટી જાય છે. કલેકટરે કહ્યું કે 15 ઓગસ્ટ સુધી બે પંચાયત સમિતિઓ બેતૂ અને ગિદા ખુલ્લામાં શૌચ કરવામાંથી મુક્ત થઇ જશે. 

 કલેકટર શિવપ્રસાદ આ અંગે કહે છે,

"એક પ્રોત્સાહન યોજના તરીકે આ સ્કીમની શરૂઆત કરી છે કે જેઓ પોતાના ઘરમાં શૌચાલય બનાવશે અને નિયમિતપણે તેનો ઉપયોગ કરશે, તેમના ઘરે હું જઈશ અને તેમની સાથે કૉફી પીશ."

એ સિવાય, જિલ્લા મુખ્યાલય પર તેમને સન્માનિત કરવામાં આવશે. આમ કરવાથી લોકોને પણ સારું લાગશે અને અન્ય લોકોને પણ પોતાના ઘરે શૌચાલય બનાવવા પ્રેરણા મળશે. 

આ એક અનોખી યોજના છે. ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યામાંથી દેશને રાહત અપાવવા શરૂ કરાયેલી આ સ્કીમ ખરેખર સરાહનીય છે.  

સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહિત કરતું આ અભિયાન લોકોને જાગરૂક કરી રહ્યું છે. કેયર્ન ઇન્ડિયા ગ્રામીણ વિકાસ સંગઠન તેમજ જિલ્લા પ્રશાસનના સહયોગથી બેતૂ અને ગિદા પંચાયતોમાં આ અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત દાવેદારો પર 2-3 મહિના સુધી નજર રાખવામાં આવે છે અને શૌચાલય બનાવી તેનો નિયમિતપણે ઉપયોગ કરતા ગ્રામજનોને રૂપિયા 2500 સુધીનું ભથ્થું આપવામાં આવે છે. 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories