‘ગુજરાતની સૌ પહેલી ડાર્ક રેસ્ટોરાં’, પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનની સ્થિતિ સમજાવતો અંધજન મંડળનો વિશેષ પ્રોજેક્ટ

‘ગુજરાતની સૌ પહેલી ડાર્ક રેસ્ટોરાં’, પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનની સ્થિતિ સમજાવતો અંધજન મંડળનો વિશેષ પ્રોજેક્ટ

Wednesday March 09, 2016,

6 min Read

સવારથી રાત સુધીની તમારી ધમધમતી જિંદગીમાં તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણી પાસે આંખ ન હોત તો જિંદગી કેવી હોત.. હા, ખરેખર એક વિચાર માત્રથી પણ શરીરના રૂંવાડા ઉભા થઇ જાય છે ને, જ્યારે આપણી આંખમાં નાનકડી કણી કે કચરો જતો રહે તો પણ આપણે અધીરા થઇ જતા હોઇએ છે તો પછી જેની જિંદગીમાં સપ્તરંગ જેવા રંગ નથી અને માત્ર કાળા રંગનો અંધકાર છે જો તેમની જિંદગીનો એક અહેસાસ કરવો હોય તો ક્યારેક અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લેજો. અમદાવાદ અંધજન મંડળ દ્વારા ‘વિઝન ઇન ડાર્ક’ નામનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકો પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) વ્યક્તિની વ્યથા સમજે અને તેમના પ્રત્યે સહાનુભૂતિ નહીં પણ સદભાવના દાખવે અને સમજે તે હેતુસર આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

અંધજન મંડળનો વિશેષ પ્રોજેક્ટ 'વિઝન ઇન ડાર્ક'

અંધજન મંડળનો વિશેષ પ્રોજેક્ટ 'વિઝન ઇન ડાર્ક'


મનુષ્યના શરીરના દરેક અંગનું આગવું મહત્વ છે, જો એક પણ અંગ ઓછું હોય તો જીવન સરળતાથી જીવવું મુશ્કેલ થઇ જાય છે. જ્યારે આપણો અકસ્માત થાય ત્યારે હાથ-પગ ફ્રેક્ચર થાય અથવા આંખ-કાનમાં કોઇ ટેમ્પરરી તકલીફ આવી જાય તો પણ આપણે સાવ પાંગળા થઇ ગયા છે તેવું મહેસૂસ કરતા હોઇએ છે, ક્યારેય આપણે વિચાર્યું છે દિવ્યાંગોની સ્થિતિ શું હશે ? માત્ર દિવ્યાંગ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવાથી આપણી માનવતા ઉજાગર થતી નથી. ત્યારે આપણે માનવતા અને એક સારા નાગરિક હોવાના ખાતર દિવ્યાંગ ભાઇ-બહેનોનેે કંઇક મદદરૂપ થઇ શકીએ તેવા કાર્ય કરવું જોઇએ. જો દિવ્યાંગ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે જો એક વાર તેમના જેવી જિંદગીનો અહેસાસ માત્ર થાય તો તમારો અંતરાત્મા રાતોરાત બદલાઇ જશે..ભગવાન કરે કોઇને આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે..પણ આપણા સમાજમાં અનેક નેત્રહીન લોકો છે જેમની જિંદગી વિશેના વિચાર માત્રથી દુ:ખનો અનુભવ થાય છે. તો તેમની જિંદગીની થોડીક ક્ષણો આપણે માણીએ તો તેમની જિંદગીની કઠિનતા, કરૂણતા સમજી શકીશું.. આ જ વિચારધારાને સાથે રાખીને અમદાવાદ અંધજન મંડળ દ્વારા ‘વિઝન ઇન ડાર્ક’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ટીકીટ કાઉન્ટર અને રજિસ્ટ્રેશન

ટીકીટ કાઉન્ટર અને રજિસ્ટ્રેશન


‘વિઝન ઇન ડાર્ક’ પ્રોજેક્ટ રૂમ

આ પ્રોજેક્ટમાં અંધજન મંડળના પ્રાંગણમાં એક ડાર્ક રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં ન તો કોઇ રંગ છે, ન તો અજવાળું છે, ન કંઇ જોવાનું અવકાશ છે..ત્યાં માત્રને માત્ર અંધકાર છે. તમે એક વાર આ રૂમમાં જાવ એટલે તમે પણ સાવ પાંગળા થઇ જશો. ન કંઇ જોઇ શકશો..માત્ર કાળો રંગ તમને ઘમઘોળતો જાણવા મળશે. આ રૂમની બહાર નીકળતા સુધીમાં તો માથા પરથી પરસેવા નીકળવાના શરૂ થઇ જશે અને જાણે કોઇ મોટો પડકાર ઝીલીને આવ્યા હોય તેવો અહેસાસ થશે. બહાર નીકળતા જ તમને અંધ વ્યક્તિની જિંદગીનો સાક્ષાત્કાર થતો જણાશે, તમારી તેમના પ્રત્યેના આદરમાં પણ વધારો આવશે. આ ડાર્ક રૂમમાં વિઝિટ માટે માત્ર રૂ. 50 ફી તરીકે રાખવામાં આવી છે, જેના કારણે લોકો તેનો દુરુપયોગ ન કરે અને મેઇન્ટેનન્સનો ખર્ચો નીકાળી શકાય.

ગાર્ડન એરિયા 

ગાર્ડન એરિયા 


ડાર્કરૂમનો માહોલ

- ગાર્ડન

આ ડાર્કરૂમમાં માત્ર અંધકાર તો છે જ સાથે તમારી બાકી ઇન્દ્રિયોની પણ ખરી પરિક્ષા થતી જણાશે. આ ડાર્કરૂમમાં એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખરેખર ગ્રાસ છે, લાકડાનો પુલ છે, ઝાડપાન-વેલ છે..આ ઝાડપાન નકલી છે પણ તેમાં ફૂલની ફોરમની ફ્રેગરન્સ નાખવામાં આવી છે જેના કારણે તમે ખરેખર કોઇ ગાર્ડનમાં ઉભા હશો તેવો અહેસાસ થશે. તેની સાથે જ ગાર્ડનમાં પંખીઓના કલરવનો અવાજ પણ સાઉન્ડ સિસ્ટમ દ્વારા આપવામાં આવ્યો છે. જેના કારણે તમે ભલે જોઇ ન શકતા હોવ પણ ત્યાંના વાતાવરણને કારણે જાણે વહેલી સવારે કોઇ ગાર્ડનમાં આવ્યા હોવ તેવું મહેસૂસ કરી શકશો.

- થિયેટર

સામાન્ય રીતે આપણે ક્યારેય વિચાર્યું છેકે અંધ વ્યક્તિ ફિલ્મ કેવી રીતે જોતા હશે, શું માત્ર ઓડિયોને આધારે ફિલ્મને સમજતા હશે, પણ તેમના માનસપટમાં કોઇ દ્રશ્ય કેવી રીતે ઉભુ થશે તે ક્યારેય વિચાર્યું છે.. તેના માટે જ આ થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં બે ફિલ્મ બતાવવામાં આવે છે. તેમાં ઓડિયોની સાથે કેરેક્ટર કેવા પ્રકારનું કાર્ય કરી રહ્યો છે તેનું આલેખન અવાજમાં ચાલતા ફિલ્મની સાથે કરવામાં આવે છે, જેના કારણે વિડિયો વિના તમે ફિલ્મનું કેરેક્ટર હાલ શું ફિલ્મમાં કરી રહ્યો છે તે તમે સમજી શકો. આ 2 કલાકની ફિલ્મને એડિટ કરીને 20 મિનિટની બનાવવામાં આવી છે. તેમાં તારે જમીન પર ફિલ્મ ખાસ બતાવવામાં આવે છે.

થિયેટર 

થિયેટર 


- ગુફા

મા વૈષ્ણોદેવીની ગુફાની વાત સૌ કોઇએ સાંભળી છે, અનેક ભક્તો દર્શનાર્થે જતા હોય છે.. ત્યારે જ આજ ભાવને અંધકારમાં મહેસૂસ કરવા માટે ડાર્ક ગુફા બનાવવામાં આવી છે. જેમાં તમારે અંધકારમાં ચાલતા અંદર જવાનું, હાથ દિવાલ પર રાખવાનો જેથી તમે ક્યાંય ભટકાવો નહીં અને આગળ વધતા રહો..અને ગુફાની દિવાલ પણ ખાસ પ્રકારના પથ્થર ઇફેક્ટ આપીને બનાવવામાં આવી છે, તેની અંદર થોડે થોડે અંતરે ભગવાન અને માતાજીની મૂર્તિઓ આવે છે જેનો અહેસાસ તમને સ્પર્શ દ્વારા જ થશે, સાથે જ મંદિર પર ઘંટ આપવામાં આવ્યો છે જેથી દર્શન કરીને વગાડવાથી મંદિરમાં હોવાનો અનુભવ થાય. ખાસ કારીગર બોલાવીને ગુફા તેૈયાર કરવામાં આવી છે.

'વિઝન ઇન ડાર્ક' અંતર્ગત તૈયાર કરાયેલું ગામડું 

'વિઝન ઇન ડાર્ક' અંતર્ગત તૈયાર કરાયેલું ગામડું 


- એક અેવું અંધારિયુ ગામ જ્યાં ન તો સૂર્ય ઉગે છે ન તો આથમે છે

ડાર્ક રૂમમાં નાનકડા ગામને જ જાણે ઉભું કરી દેવાયું છે. જેમાં ગામમાં હોય તેવી દરેક વસ્તુ જેવી કે ચબૂતરો, બળદ ગાડા, કૂવો, પનિહારી, ગામડાના ઘરના વાસણો- હાથથી દરવાની ઘંટી, પાણિયારું, વરંડો, તોરણ, તુલસી ક્યારો ખાસ ગામડાઓ ફરી ફરીને જ સાચા લાવવામાં આવ્યા છે, તેની સાથે ગાય, બળદ, ડોબુ જેવા પ્રાણીના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છેે. આ ગામડાનો અંધકારમાં અહેસાસ કરાવવા ગામના વાતાવરણનો ખરો અવાજ રેકોર્ડ કરી સંભળાવવામાં આવે છે, જેના કારણે તમે ગામમાં હોવ અને કોઇ કૂવા પરથી પાણી કાઢી રહ્યું છે, કોઇ બળદગાડુ હાંકી રહ્યું છે, કોઇ પક્ષીને દાણા નાંખી રહ્યું છે, કોઇ હાથ ઘંટી ચલાવી રહ્યું છે તેના અવાજથી મહેસૂસ કરી શકો.

- ગુજરાતની સૌ પહેલી ડાર્ક રેસ્ટોરન્ટ

હોઇ શકે કે પહેલા ક્યાંય ડાર્ક લાઇટનો અહેસાસ કરાવતી હોટલ કે રેસ્ટોરાં ખુલી હોય પણ સાવ અંધકાર અને એ પણ પ્રજ્ઞાચક્ષુ જેવો અહેસાસ કરાવતી રેસ્ટોરાં ગુજરાતમાં પહેલીવાર ખુલી છે. જેમાં તમને બેસવા માટે પથ્થરના બાંકડાની વ્યવસ્થા કરવામાં આવી છે, કેમકે જો રોલિંગ ચેર કે ટેબલ રાખે તો પડી જઇને વાગવાની સંભાવના છે જેના કારણે પથ્થરના ટેબલ અને બાંકડાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમને કોલ્ડ્રીંક્સ, હળવો નાસ્તો, દાળવડા, વાદપાઉં જેવી વાનગીઓ તો ઓર્ડર સાથે જ મળી રહેશે, જે તમામ સુવિધા પ્રજ્ઞાચક્ષુ મિત્રો ત્યાં તમને સર્વિસ આપશે અને ગાઇડ કરશે. જો તમને લંચ કે ડિનરમાં કંઇ જોઇએ છે તો અંધજન મંડળ દ્વારા એક કાફે સાથે ટાઇ્અપ કરવામાં આવ્યું છે, જે પેકિંગ સાથે તૈયાર રેહેશે તે તમને આપવામાં આવશે..જો કોઇ પોતાની બર્થડે સેલિબ્રેશન કરવા માંગતુ હોય તો કેક અને સાથે ઇચ્છા મુજબનું ફૂડ તમને તમારી પસંદની રેસ્ટોરાંમાંથી લાવી સર્વ કરવામાં આવશે. આ રેસ્ટોરન્ટમાં બીજી રેસ્ટોરન્ટની જેમ જ એરકન્ડિશ્ડ હશે. આ રેસ્ટોરાંના ભાવ સામાન્ય રેસ્ટોરાં જેવા જ હશે, જેના કારણે પ્રજ્ઞાચક્ષુ સ્વયંસેવકોને આવક પણ મળી શકે અને ખર્ચો પણ નીકાળી શકાય.

ડાર્ક રેસ્ટોરન્ટ

ડાર્ક રેસ્ટોરન્ટ


જોકે 11મી માર્ચના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસો. ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર થવાનો છે, જેમાં આવનારા મહેમાન આ રેસ્ટોરામાં નાસ્તો અને લંચ કરશે..તે દિવસે આ રેસ્ટોરાંનું ઓપનિંગ કરવામાં આવશે.

- બોટ સર્વિસ - રિક્ષા સવારી

આ સાથે જ સાચી બોટ અને રિક્ષા પણ ગોઠવવામાં આવી છે, જેની અંદર ફિલ્મની જેમ રિક્ષા હલશે અન શહેરના અવાજ સાથે જાણે તમે રિક્ષામાં ફરતા હોવાનો અહેસાસ થશે. આવનારા સમયમાં બોટ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં ઠંડા શીત લહેરની માફક બોટમાં હોવાનો અનુભવ કરાવશે.

image


- કોર્પોરેટ સેક્ટર્સની મીટીંગ્સ અને પ્રેઝન્ટેશન રાખી શકાશે

સામાન્ય રીતે જો કોઇ પણ વ્યક્તિને અંધકારમાં કોઇ વાત કહેવામાં આવે કે સમજાવવામાં આવે તો તે તરત જ સમજી શકે છે, કારણકે અંધકારમાં આમતેમ જોવાતું નથી કે જોઇ શકાતુ નથી જેના કારણે ધ્યાનભંગ ન થવાના કારણે ધ્યાનથી વાતને સમજી અને જાણી શકે છે. જેના કારણે આવનારા સમયમાં કોર્પોરેટ કંપની સાથે વાત કરીને તેમને આ ડાર્કરૂમમાં મિટિંગ અને પ્રેઝન્ટેશન કરવા માટે આમંત્રિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આવી જ અન્ય સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો