‘હે નેબર’ દ્વારા જોડાઓ અજાણ્યા પાડોશી જોડે અને એકબીજાના બનો મદદગાર!

0

કહેવાય છે કે મુશ્કેલીના સમયે જે કામમાં આવે તેને જ પોતાના ગણાય છે. મોટાભાગે આપણે જોયું છે કે જ્યારે કોઈ મોટું કામ કે જરૂર હોય તો જ આપણા સંબંધીઓ આવતા હોય છે, બાકી તો રોજિંદા જીવનમાં આવતા નાના-મોટા પડકારો વખતે આપણા પાડોશીઓ જ સાથે હોય છે. તેના કારણે જરૂરી છે કે આપણે પાડોશીઓ સાથે સારા સંબંધો રાખીએ અને એકબીજાને મદદ કરીએ. એક સારો પાડોશી માત્ર કામ પડ્યે જ આપણી મદદ નથી કરતો પણ દરેક તબક્કે આપણી પડખે રહીને જીવનને સરળ બનાવવામાં સાથ આપે છે. સારો પાડોશી જ સાચા અર્થમાં આપણો પહેલો સંબંધી છે.

કશ્મીરા ચ્હવાક, ગૌરવ શ્રીવાસ્તવ, અરવિંદ રવિ, હરીશ વી અને સત્યજીત સાહૂ વગેરે મિત્રો પણ સાથે મળીને કંઈક નવું કરવાનું વિચારતા હતા. તેઓ લોકોને એકબીજા સાથે જોડવાનું અને એકબીજા સાથે જોડાઈને કંઈક નવું કરવા માગતા હતા. આ દરમિયાન ગૌરવના દીકરાની તબિયત ખરાબ થઈ અને તેને પોતાના ઘરની આસપાસ 24 કલાક ચાલુ રહેતી દવાની દુકાન ન મળી. તેવા સમયે દવાની દુકાન શોધવામાં પણ ઘણી મુશ્કેલી પડી તથા સંબંધીઓ અને મિત્રોને દવા લાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ કડવા અનુભવે બધાને વિચારવા માટે મજબૂર કરી દીધા કે એવી કોઈ એપ બનાવવામાં આવે જે આસપાસના લોકોને જોડે તથા સમય આવ્યે દરેક એકબીજાના કામમાં મદદ કરી શકે. આ દિશામાં કામ કરતા તેમણે સપ્ટેમ્બર 2015માં ‘હે નેબર’ નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી.

'હે નેબર' એપ સ્થાનિક લોકોને એક જ મંચ પર લાવે છે જ્યાં લોકો એકબીજા સાથે જોડાઈ શકે અને એકબીજાનો સંપર્ક સાધી શકે. આ એપની મદદથી તમે કાર પુલિંગ માટે પણ સાથી શોધી શકો છો. તમારે જીમમાં જવા પણ કોઈ સાથીની જરૂર છે તો આ એપ દ્વારા મળી શકે છે. તમારે તમારા ઘરની આસપાસ કોઈપણ સેવાની જરૂર હયો પછી તે ડૉક્ટર શોધવા હોય કે, મેડિકલ સ્ટોરની જાણકારી હોય કે પછી તે સિવાય ગમે તે માહિતી લેવી હોય તમે સ્થાનિક લોકોનો સંપર્ક કરીને તે માહિતી અને તેમની સલાહ મેળવી શકો છો.

સરળ ભાષામાં કહીએ તો આ એપ ઘરની આસપાસ રહેતા લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે જેથી લોકો એકબીજાની મદદ કરી શકે.

આટલા ઓછા સમયમાં આ એપને 25 હજાર કરતા વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. સૌથી સારી વાત એ છે કે લગભગ 40 ટકા લોકો આ એપ દ્વારા રોજિંદા જીવનમાં જોડાયેલા રહે છે. આ એપ હાલમાં બેંગલુરુ, મુંબઈ અને પુણેમાં સક્રિય છે.

હે નેબરની સ્થાપક, 30 વર્ષીય કશ્મીરા જણાવે છે કે,

"આ એપ પહેલી એવી એપ છે જે લોકોને ખૂબ જ સારી રીતે એકબીજા સાથે જોડે છે અને લોકોને લાગે છે કે દર વખતે તેમની પડખે કોઈ છે. તમે અહીંયા કોઈ કોફી પાર્ટનર શોધી શકો છો અને તમારી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો જે તમને પડકાર લાગતી હોય."

કશ્મીરા આ પહેલાં ટેલીવિઝનમાં પત્રકાર તરીકે કામ કરી ચૂકી છે. તે વધુમાં જણાવે છે કે, અમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને તેના માર્કેટિંગનું ખાસ ધ્યાન રાખ્યું છે અને તેનું પરિણામ આજે બધાની સામે છે.

"આ એપ હાઈપરલોકલ એપ્રોચ સાથે કામ કરી રહી હોવાથી ઘણી સ્થાનિક કંપનીઓ તેના તરફ આકર્ષાઈ છે અને આ માધ્યમથી પોતાના બિઝનેસને પ્રમોટ કરવા માગે છે. તેનાથી અમારી કંપની માટે આવક ઊભી થશે."

કશ્મીરા જણાવે છે, "અમે લોકો ઘણા સંશોધન બાદ આગળ વધી રહ્યા છીએ. અમે પહેલાં ગ્રાહકની જરૂરીયાત અને તેનો પ્રતિભાવ જોઈ રહ્યા છીએ અને તેનું પૃથ્થકરણ કર્યા પછી અમારો આગળનો પ્લાન નક્કી કરીએ છીએ. દર મહિને ‘હે નેબર’ને પસંદ અને ડાઉનલોડ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીની સારી સફળતા મળી રહી છે."

કશ્મીરા વધુમાં જણાવે છે કે, બજારમાં ઘણી કંપનીઓ છે જેની સાથે તેમની સ્પર્ધા છે પણ તેમને પોતાની પ્રોડક્ટ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જે રીતે તેમની પ્રોડક્ટને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.


લેખક- તૌસીફ આલમ

અનુવાદક- મેઘા નિલય શાહ

\

Related Stories