વડોદરાનાં 'ખેડૂત આર્કિટેક્ટ' અવની જૈનની સ્વસ્થ પહેલ -'ઉપજ'

0
આર્કીટેક્ચર ભણેલા અવની જૈનને પહેલેથી જ ખેતી તરફ લગાવ હતો જેના કારણે તેમણે વડોદરામાં સજીવ (ઓર્ગેનિક) ખેતી કરવાનું શરૂ કર્યું!
અવની જૈન, ઉપજ ફાર્મની ટીમ સાથે
અવની જૈન, ઉપજ ફાર્મની ટીમ સાથે

સાત વર્ષ બાદ, આજે જોઈએ તો 'ઉપજ'ની આસપાસની જમીન તો શહેરી રંગમાં રંગાઈ ચૂકી છે પરંતુ એ તમામની વચ્ચે ઉપજ તેની મહેક પ્રસરાવી રહ્યું છે. અવની કહે છે,

"આ ઘણી લાંબી સફર રહી પણ ખૂબ મજા આવી. આ સમય દરમિયાન મેં વિવિધ ટેકનિક્સ અપનાવી, મારા ખેતરમાં કામ કરતી બહેનો પાસેથી ઘણું શીખી તો દીપક સચદે જેવા એક્સપર્ટ અને સંસ્થાઓ પાસેથી પણ શીખવા મળ્યું. અને આજે 'ઉપજ ફાર્મ' ઘણી સારી કામગીરી કરી રહ્યું છે."   

અવનીના આ ખેતરમાં નાનકડું તળાવ પણ છે જે ત્યાંની સુંદરતામાં તો વધારો કરે જ છે અને સાથે સાથે વરસાદના પાણીનો પણ સંગ્રહ કરે છે.

'ઉપજ'માં વરસાદના પાણીનો સંગ્રહ
'ઉપજ'માં વરસાદના પાણીનો સંગ્રહ
'ઉપજ'ના તાજા ટામેટા
'ઉપજ'ના તાજા ટામેટા
કોબીજ, પાલક અને અન્ય શાકભાજી
કોબીજ, પાલક અને અન્ય શાકભાજી

આજે 'ઉપજ', વડોદરા શહેરના તેના આઉટલેટ દ્વારા 20 જેટલા ગ્રાહકોના સમૂહને શાકભાજી પૂરા પાડે છે. 'ઉપજ' એક મોડેલ પર કામ કરે છે જેમાં ગ્રાહકે અઠવાડિયાનું 3 કે 5 કિલો શાક ખરીદવાનું રહે છે. દર ગુરૂવારે, 'ઉપજ'માં પાકની લણણી કરવામાં આવે છે અને સવારના સમયે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. 'ઉપજ'ના શાકની કિંમત સામાન્ય રીતે દર કિલોએ રૂ.70 જેટલી આવે છે. જોકે તેમના સ્ટોર પરથી પણ ગ્રાહકો શાકભાજી લઇ શકે છે. 

'ઉપજ' દ્વારા કોર્પોરેટ્સ માટે વિવિધ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યારે કે ઘણી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ 'સજીવ ખેતી' વિશે જાણકારી મેળવવા ઉપજની મુલાકાત લે છે. 

"વડોદરાનાં માર્કેટમાં 'ઉપજ' જેવી પહેલને સફળ અને લોકપ્રિય બનાવવું ઘણું અઘરું છે. લોકો આ પહેલને વખાણે તો છે, પણ જ્યારે શાકભાજીની સામાન્ય કિંમત કરતા થોડી વધુ કિંમત ચૂકવવાની આવે ત્યારે લોકો ખચકાય છે."

તેમ અવનીનું કહેવું છે. 

બેંગલુરુ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં વધુ ને વધુ લોકો હવે ઓર્ગેનિક વસ્તુઓ તરફ વળી રહ્યાં છે. જોકે સમય જતાં ટીઅર I અને II શહેરોમાં પણ ઓર્ગેનિક વસ્તુઓને લોકો ખુલ્લા મને આવકારશે તેમાં કોઈ બેમત નથી.

આજે માર્કેટમાં એવી ઘણી મોટી બ્રાન્ડ્સ છે જેઓ ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ખૂબ ઉંચી કિંમત વસૂલે છે જેથી લોકોના મનમાં એ બાબત ઘર કરી ગઈ છે કે ઓર્ગેનિક વસ્તુઓ તો મોંઘી જ મળે. અને તેના કારણે 'ઉપજ' જેવી પહેલને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

'ઉપજ'ને પણ આવા પડકારોનો સામનો કરવો પડે છે. જોકે, અવની ખૂબ સફળતાપૂર્વક આ પડકારનો સામનો કરી રહી છે કારણ કે તેને તેના પરિવારનો ઘણો સાથ-સહકાર મળી રહે છે જ્યારે આસપાસના ગામોથી આવતી 5-6 મહિલાઓ ખૂબ સારી રીતે 'ઉપજ' ફાર્મની દેખરેખ રાખી રહી છે.

જોકે 'ઉપજ'ને ટકાવી રાખવા, તેમણે, એ હરિયાળીની આસપાસ એક નાનકડો કુટીર ઉદ્યોગ પણ શરૂ કર્યો છે. 'ઉપજ' પાસે, બાળકો અને મોટેરાઓ માટે 'ગ્રો-ઈટ-યોરસેલ્ફ' (જાતે છોડને ઉછેરવા)ની કીટ મળી રહે છે જેથી હર કોઈ છોડને ઉછેરવાની મજા માણી શકે. આ કીટ પાછળના આશય અંગે અવની કહે છે,

"શહેરમાં રહેતાં લોકો પાસે એટલી જગ્યા નથી હોતી કે તેઓ શાકભાજી કે ફળોને ઉછેરવાનો અનુભવ કરે. તેનો આનંદ મેળવે."  
અવની જૈન 
અવની જૈન 
બાળકો માટે 'ઉપજ'ની 'ગ્રો ઈટ યોરસેલ્ફ' કીટ
બાળકો માટે 'ઉપજ'ની 'ગ્રો ઈટ યોરસેલ્ફ' કીટ
યોરસ્ટોરીના 'સ્લો ટેક' મેગેઝિન સાથે 'ઉપજ'ની 'ગ્રો ઈટ યોરસેલ્ફ' કીટ
યોરસ્ટોરીના 'સ્લો ટેક' મેગેઝિન સાથે 'ઉપજ'ની 'ગ્રો ઈટ યોરસેલ્ફ' કીટ
આ પોટ્સ પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ પોટ્સ નાળિયેરના છોતરામાંથી બનાવાયા છે જ્યારે કે તેમાં અપાતી માટીમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્વો રહેલા હોય છે. તેની સાથે બીજ (મરચા, ટામેટા, સૂર્યમુખી અને અન્ય ઘણાં બધાં) પણ આપવામાં આવે છે જેમાં છોડને કેવી રીતે ઉછેરવા તેની સૂચનાઓ આપેલી હોય છે. વધુમાં અવની જણાવે છે,


"અમે આ કીટ્સ સિઝન પ્રમાણે બનાવીએ છીએ. દરેક છોડને કળી બેસે એ માટે અમે દરેક બેચનો ટેસ્ટ પણ કરીએ છીએ." 

ઉપજ મસમોટો નફો કરવાના લક્ષ્યાંક સાથે કામ નથી કરતું, પણ લાંબા ગાળે ઓછામાં ઓછું 'ઉપજ' પોતાના ખર્ચા કાઢી શકે તેમજ વધુ વિકાસ કરી શકે તેટલી કમાણી કરે તે ધ્યેય સાથે કામ કરે છે. 'ઉપજ'ની 'ગ્રો ઈટ યોરસેલ્ફ' કીટ ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ખાસ્સી લોકપ્રિય બની રહી છે. અવનીના કહેવા પ્રમાણે તેમની બીજી જમીનમાં તેઓ વધુ શાકભાજી ઉગાડવા માગે છે જેથી વધુ ને વધુ લોકો હેલ્ધી શાકભાજી ખાઈ શકે.  

ભારતમાં, આધુનિક ખેતીની પહેલમાં ઘણો વધારો થઇ રહ્યો છે. જોકે 'સજીવ ખેતી' તેમજ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો ફેલાવો થાય એ માટે મોટા કોર્પોરેટ્સ તેમજ સરકારે સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવવાની જરૂર છે તે વાત ચોક્કસ છે.

લેખક- જુબિન મહેતા

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories