8 વર્ષ અગાઉ રૂ. 13 હજારમાં સ્પ્લેન્ડર બાઈક વેચી, સંઘર્ષ કરી, BMW સુધી પહોંચેલા શચિન ભારદ્વાજની સફર

0

હજુ આઠ વર્ષ અગાઉ શચિન ભારદ્વાજ નાનકડાં ઘરમાં રહેતાં હતાં. તેમની ઓફિસ પણ સાંકડી હતી. તેમના બેંગલુરુમાં રહેતાં પોતાના માતાપિતાને પોતાની સાથે રાખવા આતુર હતા, પણ પૂણેમાં પોતાના અતિ નાના ઘરમાં તેમને બોલાવવામાં સંકોચ અનુભવતા હતાં. શચિન ભારદ્વાજ તે સમયે સંઘર્ષ કરતાં હતાં. તેમણે ફૂડ-ડિલિવરી સ્ટાર્ટઅપ ‘ટેસ્ટીખાના’ની શરૂઆત કરી હતી અને પૂણેમાં તેમનો વ્યવસાય ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો.

શૂન્યમાંથી સર્જન કરવા કમર કસવી પડે છે અને કોઈ પણ ક્ષેત્રમાં આવા ઉદ્યોગસાહસિકને શરૂઆતમાં આર્થિક તંગીનો સામનો પણ કરવો પડે છે. ‘ટેસ્ટીખાના’ની શરૂઆત થઈ ત્યારે શચિન નાણાકીય તંગીમાંથી પસાર થતા હતા. દર મહિને ભાડું ચૂકવવાની જરૂર હતી. સંઘર્ષના એક ગાળામાં તેમને એક મહિનો ભાડું ચુકવવા પોતાની મનપસંદ બાઇક હીરો હોન્ડા સ્પ્લેન્ડર ફક્ત રૂ.13,000માં વેચવાની ફરજ પડી હતી. પણ શચિન સરળતાથી હાર માને તેવા લોકોમાં સામેલ નથી.

‘હારકર જીતનેવાલે કો બાઝીગર કહેતે હૈ!’ શચિને બાઝીગર ફિલ્મના આ અતિ જાણીતા ડાયલોગને સાર્થક કરી દેખાડ્યો છે. તેઓ સ્પ્લેન્ડર હારી ગયા હતા, પણ અત્યારે ચમકતી બ્રાઉન બીએમડબલ્યુમાં ફરે છે. હજુ મહિના અગાઉ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને સફળતા તેમના કદમ ચૂમી રહી છે.

અત્યારે તેઓ બીજું સાહસ ખેડવા તૈયાર છે, જેનું નામ છે Sminq (See Me In No Queue)!

સમય વહેતી નદી જેવો છે અને તેમના ‘ટેસ્ટીખાના’ના વ્યવસાયને ગયા વર્ષે ફૂડપાન્ડાએ રૂ. 120 કરોડમાં સંપાદિત કર્યો છે.

ફૂડપાન્ડા આકર્ષાયું ‘ટેસ્ટીખાના’ તરફ!

હકીકતમાં ‘ટેસ્ટીખાના’ની ગુણવત્તા, પ્રતિબદ્ધતા અને તેની શાખ જોઈને ફૂડપાન્ડાને રસ પડ્યો હતો. આ માટેની વાટાઘાટો ગયા વર્ષે ઑગસ્ટમાં શરૂ થઈ હતી. બંને કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ઝડપથી આગળ વધી હતી અને બજારમાં કોઈને ગંધ આવે તે અગાઉ બંને પક્ષે સોદો પાર પાડી દીધો હતો.

બર્લિન સ્થિત ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ‘ડિલિવરી હીરો’એ વર્ષ 2011માં ‘ટેસ્ટીખાના’માં 50 લાખ ડોલરનું રોકાણ કરીને તેનો મહત્તમ હિસ્સો મેળવ્યો હતો. તેણે ફૂડપાન્ડા સાથે સોદામાં આગળ વધવા શચિનના નેતૃત્વમાં સ્થાનિક ટીમને લીલી ઝંડી આપી હતી. શચિન અને શેલ્ડન સોદાથી ખુશ હતા, કારણ કે તેઓ તેમના રોકાણકારોને રોકાણ પર 10 ગણું વળતર આપવામાં સફળ રહ્યાં હતાં અને ‘ટેસ્ટીખાના’ના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં ટેકો આપનાર ટીમના સભ્યોને ઊંચું વળતર મળ્યું હતું. સાથે સાથે ફૂડપાન્ડાએ ‘ટેસ્ટીખાના’ની ટીમને યથાવત્ જાળવી હતી. પણ એક્વિઝિશનના થોડા મહિના પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી. ટેસ્ટીખાના અને ફૂડપાન્ડાની મેનેજમેન્ટ ટીમ્સ વચ્ચે મતભેદો ઊભા થયા હતા, જેમાંથી છેવટે સંઘર્ષ થયો હતો.

જ્યારે શચિનને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભૂતકાળને ભૂલી જવામાં જ શાણપણ છે તેવું જણાવ્યું હતું. તેમણે આ ફૂડપાન્ડા સાથેના મતભેદો પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો અને એટલું જ જણાવ્યું હતું કે, ટેસ્ટીખાનાએ સાત વર્ષમાં 100 સભ્યોની ટીમ બનાવી હતી, જેની કામ કરવાની શૈલી અને ફૂડપાન્ડાની કાર્યશૈલી વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો.

શચિને ઉમેર્યું હતું કે, ફૂડપાન્ડા કેવી રીતે ધંધો કરે છે કે તેના બિઝનેસનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે તેના વિશે તેઓ ટિપ્પણી કરવા ઇચ્છતાં નથી. તેમણે કહ્યું હતું, “મારી જ કાર્યશૈલી સાચી છે તેવું માનવું કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નથી. જો હું આવુ વિચારું તો બુદ્ધુ ગણાવું.”

તેમણે અને ટેસ્ટીખાનાની મેનેજમેન્ટ ટીમમાંથી મોટા ભાગના સભ્યોએ માર્ચ મહિનાની શરૂઆતમાં ફૂડપાન્ડાને અલિવિદા કહી દીધું હતું. સૂત્રો જણાવે છે કે શચિન અને ટેસ્ટીખાનાના સ્થાપકોએ કરોડો રૂપિયા જતાં કર્યાં છે, જે ફૂડપાન્ડાના શેરમાં ફસાઈ ગયા હતા.

શચિને ઉમેર્યું હતું કે, “અમારા માટે બિઝનેસનો પાયો નૈતિકતા અને સિદ્ધાંતો છે, જેની સાથે અમે જરા પણ સમાધાન કરવા ઇચ્છતાં નહોતાં અને આજે પણ ઇચ્છતાં નથી. હું ઝડપથી પ્રગતિ કરવા અનૈતિક શોર્ટકટ અપનાવવાને બદલે ધીમે ધીમે આગળ વધવાનું વધારે પસંદ કરીશ. મેં ક્યારેય પોલીસને પણ લાંચ આપી નથી. એક વખત મારી નજીવી ભૂલના કારણે છ મહિના સુધી મારું લાઇસન્સ સસ્પેન્ડ થયું હતું, પણ હું લાંચ આપીને છટકી જવા માંગતો નહોતો.”

“જ્યારે અમે ફૂડપાન્ડામાંથી બહાર નીકળી જવા વિશે અને ટેસ્ટીખાનાને વેચી દેવાથી સરવાળે શું મળ્યું તે અંગે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, “મને જે મળ્યું તેનાથી હું ખુશ છું. હું વધારે કશું ઇચ્છતો નહોતો. અમે કેટલાંક કર્મચારીઓ માટે ESOPS પર પેપર વર્ક કર્યું નહોતું એટલે હકીકતમાં અમે [શેલ્ડન અને શચિન] તેમને અમારા ખિસ્સામાંથી ચુકવણી કરી હતી. જે લોકો સાથે ખભેખભો મેળવીને આપણે પ્રગતિ કરી હોય અને જેમણે તમને એક મુકામ પર પહોંચાડ્યાં હોય તેમને કચડીને આગળ વધવું અયોગ્ય નથી.”

ફૂડપાન્ડામાં થોડો સમય કામ કરતા હતા ત્યારે તેઓ પિતા બનવાના છે તે ખુશખબર મળી હતી. તેમને તેમની પત્ની સાથે અલ્ટ્રા સોનોગ્રાફિઝ અને ગાયનેકોલોજિસ્ટની એપોઇન્ટમેન્ટના ચક્કર શરૂ થઈ ગયા હતા, પણ તેમાંથી જ નવો વિચાર આવ્યો હતો.

શચિને આ વિશે કહ્યું હતું કે, “અમે કલાકો સુધી ડૉક્ટરની કેબિનની બહાર અને સોનોગ્રાફિઝ માટે લેબોરેટરીમાં રાહ જોઈને બેસી રહતા હતા. તે સમયે મને વિચાર આવ્યો હતો કે આ લોકો તેમની લાઇનને વધારે સારી રીતે મેનેજ કેમ ન કરી શકે? ટેકનોલોજી આ સમસ્યાનું સમાધાન ચોક્કસ કરી શકે.”

શચિને ટેસ્ટીખાનામાં તેના સહસ્થાપક રહેલા શેલ્ડન અને ટેસ્ટીખાનાના જ ચીફ સેલ્સ ઓફિસર સંતોષ સાથે Sminq લૉન્ચ કર્યું. અને પૂણેમાં આઠ ક્લિનિક સાથે જોડાણ કર્યું.

Sminq કેવી રીતે કામ કરે છે?

Sminq મોબાઇલ એપ છે, જે કંપનીઓને તેમના ગ્રાહકોને મેનેજ કરવામાં મદદ કરે છે. તે ‘ક્યૂ’ (કતાર-લાઈન)નું મેનેજમેન્ટ કરે છે અને જેમનો વાર આવવાનો હોય કે જેના ઉત્પાદનો તૈયાર હોય તેમને SMS નોટિફિકેશન મોકલવામાં આવે છે.

એપ ગ્રાહકોની લાઇનનું લાઇવ સ્ટેટસ દર્શાવે છે અને લોકોને દૂરના વિસ્તારોમાંથી આ લાઇનમાં જોડાવાની છૂટ આપે છે.

એપની કામગીરીઃ ‘કતાર ઘટાડો, સમય બચાવો’

આ એપ સાથે ઘણા ડૉક્ટર્સ જોડાયેલા છે. હવે દર્દીઓ આ ડૉક્ટર્સના ક્લિનિક પર પોતાની એપોઇન્ટમેન્ટને કેટલો સમય બાકી છે તેનું લાઇવ સ્ટેટસ આ એપ પર જુએ છે. શચિન અને તેમની ટીમ એક એચઆર કંપની સાથે પણ કામ કરી રહી છે અને તેમને વૉક-ઇન-ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને મેનેજ કરવામાં મદદ કરે છે.

શચિનના જણાવ્યા મુજબ, સ્મિન્કનો ઉપયોગ ક્લિનિક્સ અને વોક-ઇન ઇન્ટરવ્યૂથી લઈને આરટીઓ અને પાસપોર્ટ સેવા કેન્દ્રો, કાર કે બાઇક સર્વિસ સ્ટેશનો જેવા વિવિધ ક્ષેત્રોમાં થઈ શકશે.

વિક્રેતાઓ માટે એપ સીઆરએમ તરીકે કામ કરી શકે છે, જે બેક એન્ડમાં તમામ કસ્ટમર મેનેજમેન્ટ પ્રોસેસનું સંચાલન કરી શકે છે. આ ઉત્પાદનનો ખર્ચ ગ્રાહકની સંખ્યાના આધારે દર મહિને રૂ. 2,000ની આસપાસ આવે છે.

અત્યારે ફક્ત બે જ કંપનીઓ માયટાઇમ અને ક્યૂલેસ વિવિધ વર્ટિકલ્સ માટે ક્યૂ મેનેજમેન્ટમાં સંકળાયેલી છે.

ભવિષ્ય શું છે?

શચિને ઉમેરે છે, “અમે ઘણો સંઘર્ષ કર્યો છે અને તેમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે. મેં અને મારી ટીમે ‘ટેસ્ટીખાના’ જેવું સફળ સ્ટાર્ટઅપ શરૂ કર્યો તેનો આનંદ છે. હવે મેં અને મારી ટીમે ‘સ્મિન્ક’ માટે ટેસ્ટીખાના જેવી જ મહેનત કરવા અને તેના જેવી જ સફળતા મેળવવા કમર કસી છે.”

ચોક્કસ, શચિનને સંઘર્ષ અને સફળતાના મીઠા ફળ ચાખવા મળ્યાં છે. તેમને અત્યાર નાના રૂમમાં સૂવાની જરૂર નથી, કે કશું નવું સાહસ કરવા પોતાનું બાઇક વેચવાની જરૂર નથી. તેમ છતાં તેનો અર્થ એ નથી કે તેમની અંદર ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો ઓગળી ગયો છે. હકીકતમાં તેઓ બમણા જોશથી તેમના નવા સાહસને સાકાર કરવા લાગી ગયા છે.

વેબસાઇટ

લેખક- અપર્ણા ઘોષ

અનુવાદક- કેયુર કોટક

Related Stories