“કંપનીનું વર્ક કલ્ચર ‘આઝાદ’ રાખો, તેના વગર કંપનીને સીરીઝ A, B કે Cમાં લાવવી અશક્ય છે!”- નવીન તિવારી

“કંપનીનું વર્ક કલ્ચર ‘આઝાદ’ રાખો, તેના વગર કંપનીને સીરીઝ A, B કે Cમાં લાવવી અશક્ય છે!”- નવીન તિવારી

Saturday October 31, 2015,

4 min Read

“આપણે અવારનવાર એવું કહીએ તો છીએ કે આપણી કંપનીમાં કામ કરતા લોકો પર આપણે વિશ્વાસ કરીએ છીએ પણ શું સાચે એવું છે ખરું? હકીકત એવી છે ખરી? કદાચ મોટા ભાગનાનો જવાબ હશે ‘ના’. પણ જ્યારથી આપણે આપણા લોકો પર વિશ્વાસ કરવા લાગીશું તે દિવસથી આપણી કંપનીની પરિસ્થિતિ સારી થવા લાગશે. તેનું કારણ પણ સ્પષ્ટ છે કે તે લોકો પણ કંપનીને પોતીકી ગણવા લાગશે.” સાચ્ચે જ, કોઈ પણ કંપનીની સફળતાનો આ સૌથી મોટો મંત્ર છે. અને સફળતાના આ મંત્રને શેર કર્યો ‘ઇનમોબી’ના સ્થાપક અને કંપનીના CEO નવીન તિવારીએ.

image


ટેકસ્પાર્ક 6માં કંપનીઓના સારા કલ્ચર અને દુનિયાભરમાં સફળતાનો ડંકો વગાડવા વિશે વાત કરતી વખતે નવીન તિવારીએ ખૂબ જ મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો. નવીને એ પણ કહ્યું કે જ્યારે ઇનમોબી એક નાની કંપની હતી ત્યારે તેમણે ઘણી ભૂલો કરી હતી.

“ખરેખર કંપનીમાં કરતી દરેક વ્યક્તિ સ્વતંત્ર રહીને કામ કરવા માગે છે. હકીકત તો એ પણ છે કે આપણે સ્કૂલમાં તો નથી. આપણે વયસ્ક લોકોની સાથે કામ કરી રહ્યાં છીએ. જો આપણે અર્થપૂર્ણ કામ કરવા ઇચ્છીએ છીએ તો આપણા લોકો, કર્મચારીઓ પાસેથી પણ અર્થપૂર્ણ કામ કરાવવું રહ્યું. એમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણે આપણા જ લોકો, આપણા જ સ્ટાફનો ઉપયોગ માત્ર એક રિસોર્સ (સંસાધન) તરીકે ન કરીએ.”

આઝાદ વર્ક કલ્ચરના ઘણાં ફાયદા

નવીન તિવારીનું માનવું છે કે જ્યારે તેમણે તેમની કંપનીના વર્ક કલ્ચરમાં બદલાવ લાવ્યો, તેમણે તરત જ તેનો ફાયદો દેખાવા લાગ્યો. અને સૌથી મોટી વાત તો એ જોવા મળી કે આઝાદ વર્ક કલ્ચરનો ગેરફાયદો પણ કોઈ નથી ઉઠાવતું. જ્યારે જે તે પહેલાં લોકો પર તમામ પ્રકારના અંકુશ હતાં ત્યારે લોકોનો વ્યવહાર તદ્દન અલગ જ હતો. નવીને સ્વીકાર્યું કે માત્ર 1% લોકો જ એવા હોય છે કે જેઓ કંપનીના આઝાદ વર્ક કલ્ચરનો ગેરફાયદો ઉઠાવે. સ્વતંત્ર વાતાવરણમાં સારું કામ કરવું એ લોકો પોતાની ફરજ સમજે છે અને એક કંપની માટે તેનાથી વધુ સારું બીજું શું હોઈ શકે! તેનાથી કંપનીને તો ફાયદો થાય છે અને સાથે કંપનીમાં માહોલ પણ સારો રહે છે.

કસ્તુરી તો તમારી પાસે જ છે, બહાર શોધવાની જરૂર જ નથી

નવીન તિવારીએ કહ્યું કે, “કંપનીનું વર્ક કલ્ચર જો સારું હશે તો અહી કામ કરતી વ્યક્તિઓ નોકરી નહીં છોડે. આ બધું જ વિશ્વાસથી જોડાયેલું છે. જો કંપનીમાં કામ કરતા લોકોને કંપની પર વિશ્વાસ જ નહીં હોય તો તે કંપની ક્યારેય પ્રગતિના પંથે આગળ નહીં વધી શકે. એવામાં જરૂરી એ છે કે પહેલાં તો તમારા સ્ટાફ, તમારા કર્મચારીઓમાં કંપની પ્રત્યે પૂર્ણ વિશ્વાસ અપાવો. બીજું એ કે જો કંપનીમાં નવા લોકોની ભરતી કરવાનો વારો આવે તો ‘ઇન્ટરનલ હાયરિંગ’ સિસ્ટમને પ્રોત્સાહન આપો.

નવીન તિવારી આ અંગે કહે છે,

“તેનો સૌથી મોટો ફાયદો એ પણ થાય છે કે જ્યારે તમારી કંપનીમાં કોઈ વ્યક્તિ એક પદ પરથી બીજા પદ પર જાય છે ત્યારે એક તો તે બીજા કામો પણ શીખે છે અને બીજું એ કે તેમનો કંપની પ્રત્યેનો વિશ્વાસ એકદમ અતૂટ બની જાય છે.”

કહેવાય છે કે દરેક મોટા કામોની શરૂઆત એક નાના કદમથી જ થઇ હોય છે. પણ તેના માટે જરૂરી છે ડગ માંડવાની, પગ ઉપાડવાની. જો નિર્ણયો જ નહીં લેવામાં આવે તો ખબર કેવી રીતે પડશે તેનો ફાયદો કેટલો કે અને નુકસાન કેટલું. આ અંગે પોતાનો મત વ્યક્ત કરતા નવીન જણાવે છે, “જ્યારે તમે એક કંપની બનાવો છો, તે જ સમયે તમારે વિચારવું પડશે કે તેનું સર્કલ, તેનો વ્યાપ કેટલો હશે? શું તમે ઓછા માણસોને ધ્યાનમાં રાખીને પોતાનું કામ શરૂ કર્યું છે? કે પછી તમારી નજર અને લક્ષ્ય સમગ્ર દેશ કે તેનાથી પણ વધીને દુનિયા સુધીની છે? જો મોટું કામ કરવું હોય તો યાદ રાખો કે તેના માટે વર્ક કલ્ચર સારું રાખવું પડશે, ત્યારે જ મોટા કામના સપના પૂરા થશે. અને એટલે જ જરૂરી છે કે જ્યારે તમારી કંપની નાની છે ત્યારથી જ તેના વર્ક કલ્ચર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.”

સો વાતની એક વાત, જો કંપનીને વધુ સારી, યોગ્ય બનાવવી હોય તો કંપનીના સંસ્થાપકે સારું વર્ક કલ્ચર બનાવવા માટે થોડો સમય આપવો પડશે. માત્ર ઇન્વેસ્ટર્સને શોધવામાં જ નહીં, પરંતુ તેની સાથે એટલું જ જરૂરી છે કંપનીમાં ભરપૂર સમય આપવો. જો કંપનીને સીરીઝ A, B કે C થી ઉપર લઇ જવી છે તો યાદ રાખો તેના માટે કંપની માટે સારું અને યોગ્ય કલ્ચર બનાવવું જ પડશે. તેના માટે હ્યુમન રિસોર્સ આઉટસોર્સ બિલકુલ ન કરશો. જાતે સમજો અને લોકોને પણ પોતાની સમજનો એક ભાગ બનાવો.”