એક સમયે વાસણ સાફ કરનાર વ્યક્તિ આજે કરે છે કરોડોનો કારોબાર

1

આમ તો ઢોંસા એક દક્ષિણ ભારતીય વાનગી છે, પણ આજકાલ ભારતના બીજા રાજ્યોમાં જ નહીં પરંતુ લગભગ દુનિયાભરમાં ઢોંસા બનાવાય છે અને ખવાય છે. ઢોંસાનો સ્વાદ આજે દુનિયાભરમાં વખણાય છે. જોકે મહત્વની વાત તો એ છે કે ઢોંસા સાથે સફળતાની એક એવી વાર્તા જોડાઈ ગઈ છે જેના દ્વારા આવનારા ઘણા વર્ષો સુધી લોકો મહેનત અને સંઘર્ષના મહત્વને સમજતા રહેશે.

આ વાર્તા છે ‘ઢોંસાના ડોક્ટર’ના નામથી ઓળખાતા ‘ઢોંસા પ્લાઝા’ના માલિક અને સ્થાપક પ્રેમ ગણપતિની. ‘ઢોંસા પ્લાઝા’ ચેઈન રેસ્ટોરન્ટ્સનું નામ છે. ભારતભરમાં ‘ઢોંસા પ્લાઝા’ના ઘણાં બધા આઉટલેટસ છે અને આ આઉટલેટમાં રોજના હજારો લોકો ઢોંસા અને બીજી વાનગીઓનો આનંદ અને સ્વાદ માણી રહ્યાં છે. જોકે બહારથી ગ્લેમરસ દેખાતા આ ‘ઢોંસા પ્લાઝા’ સાથે જોડાયેલી છે સંઘર્ષની એક અનોખી સ્ટોરી.

વાત છે પ્રેમ ગણપતિની. ‘ઢોંસા પ્લાઝા’ના આઉટલેટમાં વિવિધ વાનગીઓ વેચીને દરરોજના લાખો રૂપિયા કમાઈ રહેલ માલિક પ્રેમ ગણપતિ એક સમયે મુંબઈની બેકરીમાં વાસણ સાફ કરતા હતા. જે મહાનગરમાં મોટી નોકરી મેળવવાના સપના સાથે પોતાના ગામથી શહેર આવેલ પ્રેમ ગણપતિ સાથે પહેલા દિવસે જ વિશ્વાસઘાત થયો હતો. પણ જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળીને પ્રેમે એક અજાણ્યા શહેરમાં જે સંઘર્ષ કર્યો તેને આજે લોકો એક ઉદાહરણ તરીકે જોવે છે.

વિવિધ વ્યંજનો અને વાનગીઓ દ્વારા કરોડો રૂપિયાનો કારોબાર ચલાવનારા પ્રેમ ગણપતિનો જન્મ તમિલનાડુના ટૂટીકોરિન જીલ્લાના નાગલાપુરમ ગામમાં થયો હતો. પ્રેમનો પરિવાર મોટો છે જેમાં છ ભાઈ અને એક બહેન છે, પિતા લોકોને યોગ અને કસરત શીખવતા. થોડી ઘણી ખેતીવાડી પણ ખરી પણ અચાનક ખેતીમાં નુકસાન થવાના લીધે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઈ અને ઘરમાં ખાવાનાં પણ ફાંફાં પડવા લાગ્યા, અને એજ સમયે પ્રેમ ગણપતિએ નક્કી કરી લીધું કે દસમા ધોરણની પરીક્ષા પછી તે આગળ ભણવાના બદલે ઘર ચલાવવામાં પિતાની મદદ કરશે.

પ્રેમે થોડા દિવસો માટે ગામમાં જ નાની મોટી નોકરી શોધી લીધી, પણ થોડા સમયમાં જ પ્રેમમે ખબર પડી ગઈ કે ગામમાં જરૂરીયાત અને મહેનત પ્રમાણે કમાણી નહીં થઇ શકે. અને એટલે તેમણે ચેન્નઈ જઈને નોકરી કરવાનો નિર્ણય કર્યો. ચેન્નાઈમાં પણ પ્રેમને નાની મોટી નોકરીઓ જ મળી. જેના દ્વારા જરૂરીયાતો પૂરી કરવાનું શક્ય નહોતું. અને એ સમયે પ્રેમને એક સારા પગારવાળી નોકરીની શોધ હતી. તે સમય દરમિયાન જ એક ઓળખીતા દ્વારા પ્રેમને મુંબઈમાં સારી નોકરી આપવાની ઓફર કરવામાં આવી અને વાયદો કરાયો કે તે પ્રેમને 1200 રૂપિયાની નોકરી અપાવશે. અને તે સમયે તો 1200 રૂપિયા પ્રેમ માટે ઘણી મોટી રકમ હતી. પ્રેમને પોતાના ઓળખીતા પર વિશ્વાસ હતો અને તે ચેન્નઈ છોડીને મુંબઈ જવા તૈયાર થઇ ગયો.

પ્રેમની ઓળખીતી વ્યક્તિ તેને ટ્રેઈન દ્વારા ચેન્નઈથી મુંબઈ લાવ્યા હતા. પહેલા બંને વીટી સ્ટેશન (હાલમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ) પર ઉતર્યા, જ્યાંથી તે વ્યક્તિએ પ્રેમને લોકલ ટ્રેઈનમાં ચઢાવી દીધો અને પ્રેમનો સામાન તેમજ પૈસા લઇ, પ્રેમ સાથે વિશ્વાસઘાત કરી રફુચક્કર થઇ ગયો. એ પરિચિત વ્યક્તિએ પ્રેમ પાસે કશું જ રહેવા ન દીધું. પ્રેમ પાસે જે કંઇ પણ સામાન અને પૈસા હતા તે જતા રહ્યાં હતા. પોતાની જ કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા થયેલા આ વિશ્વાસઘાતે પ્રેમને હચમચાવી મૂક્યો.

અજાણ્યું શહેર અને એ પણ મુંબઈ. પ્રેમ સાવ એકલો પડી ગયો. તેને ખબર નહોતી પડી રહી કે આખરે તે કરે તો શું કરે? પૈસા તો હતા નહીં અને ઉપરથી તમિલ સિવાય તેને બીજી કોઈ ભાષા આવડે નહીં. મુંબઈમાં પ્રેમનું બીજું કોઈ ઓળખીતું પણ નહીં. અને ભાષાની પણ સમસ્યા. પ્રેમ એ સમયે કોઈની સાથે વાત કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતો.

જયારે તે બાંદ્રા સ્ટેશન પર લોકલ ટ્રેઈનમાંથી ઉતર્યો તો જાણે ચારેતરફ નિરાશા વ્યાપી ગઈ. લોકોની ભીડ વચ્ચે તેને ખબર નહોતી કે તે કોની પાસે જાય, મદદ માંગે તો ક્યાં અને કોની જોડે?

પ્રેમની આવી હાલત જોઈ એક ટેક્સીચાલકને તેના પર દયા આવી અને તે પ્રેમને લઈને ધારાવીમાં આવેલ મારીયમ્મન મંદિર આવી ગયો. આ મંદિરમાં મોટા ભાગના લોકો તમિલભાષી જ હતા. ટેક્સીવાળાને લાગ્યું કે ત્યાં કોઈને કોઈ તમિલભાષી પ્રેમની જરૂરથી મદદ કરશે અને પ્રેમ પોતાના ગામડે પરત ફરી શકશે. અને થયું પણ એવું જ. મારીય્મ્માન મંદિરમાં તમિલભાષી લોકો પ્રેમની મદદ માટે તૈયાર થયા અને પ્રેમને ઘરે પાછો મોકલવાની ખાતરી પણ આપી. પણ હવે પ્રેમનો ઈરાદો બદલાઈ ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે તે મુંબઈમાં રહીને જ નોકરી કરશે.

મુબઈમાં પ્રેમને પહેલી નોકરી ચેમ્બુરમાં મળી અને એ નોકરી હતી વાસણ સાફ કરવાની. જી હા, મહીને 150 રૂપિયાના પગાર પર એક નાની બેકરીમાં વાસણ સાફ કરવાની નોકરી પ્રેમને મળી. પ્રેમે ઘણાં સમય સુધી વાસણ સાફ કર્યા પણ પ્રેમને આ પગાર ઓછો પડતો. આટલા પગારમાં પ્રેમ પોતાની જરૂરિયાતો પણ પૂરી નહોતા કરી શકતા તો પછી ઘરે પૈસા મોકલવાનો તો સવાલ જ નહોતો. એ બેકરીના માલિકને પ્રેમે વિનંતી પણ કરી કે તેને વેઈટર બનાવવામાં આવે. પરંતુ બેકરી માલિકે પ્રેમની આ રજૂઆત પણ કંઈ ઝાઝું ધ્યાન ના આપ્યું અને આખરે પ્રેમે વાસણ ધોવાની નોકરી જ ચાલુ રાખવી પડી.

વધુ પૈસા કમાવવા પ્રેમે રાતના સમયે એક નાના ઢાબા પર રસોઈયાનું કામ શરૂ કર્યું. પ્રેમને ઢોંસા બનાવવાનો શોખ હતો અને આજ શોખના કારણે ઢાબામાલિકે પ્રેમને ઢોંસા બનાવવાનું કામ આપ્યું. દિવસ-રાતની મહેનત બાદ પ્રેમ થોડી ઘણી બચત કરવામાં પણ સફળ રહ્યો. અને આજ નાનકડી બચત થકી પ્રેમે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું.

સૌપ્રથમ તો પ્રેમે બચત થકી જમા કરેલ રકમમાંથી ઈડલી-ઢોંસા બનાવવાની રેંકડી ભાડે લીધી, 1000 રૂપિયાના વાસણ લીધા, એક સ્ટવ અને ઈડલી-ઢોંસા બનવવાનો થોડો સમાન પણ. આ વાત છે વર્ષ 1992ની. પોતાની રેંકડી લઇને પ્રેમ વાશી રેલ્વે સ્ટેશન પહોંચ્યો અને ઢોંસા બનાવીને વેચવા લાગ્યો. પ્રેમનો ઢોંસાપ્રેમ કંઇક અજબ હતો. પ્રેમ એટલા તો સ્વાદિષ્ટ ઢોંસા બનાવતો કે થોડા જ સમયમાં તેની ખ્યાતિ ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો પ્રેમે બનાવેલા ઢોંસા ખાવા આવતાં. ખાસ કરીને તો વિદ્યાર્થીઓમાં પ્રેમના ઢોંસા ખૂબ જ લોકપ્રિય બન્યા અને તેઓ રોજ પ્રેમની રેંકડી પર આવતા અને ઢોંસા ખાતા.

આજ દરમિયાન પ્રેમની આ વિદ્યાર્થીઓ સાથે મિત્રતા થઇ ગઈ. અને તેઓ સૌ પ્રેમને તેનો કારોબાર વધારવા માટે સલાહ આપતા. અને એ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનને કારણે જ પ્રેમે વર્ષ 1997માં એક દુકાન ભાડે રાખી અને બે વ્યક્તિઓને નોકરીએ પણ રાખ્યા અને આ રીતે પ્રેમે એ પોતાનું સૌથી પહેલું ‘ઢોંસા રેસ્ટોરન્ટ’ ખોલ્યું અને એ રેસ્ટોરન્ટનું નામ રાખ્યું ‘પ્રેમ સાગર ઢોંસા પ્લાઝા’.

આ નામ રાખવા પાછળ પણ એક કારણ હતું. જે જગ્યાએ પ્રેમે દુકાન ખોલી હતી તે વાશી પ્લાઝા નામે ઓળખાતી. અને પ્રેમને લાગ્યું કે જો તે વાશી અને ઢોંસાને જોડી દેશે તો બહુ જલ્દી ફેમસ બની જવાશે. અને થયું પણ એમ જ. પ્રેમની રેસ્ટોરન્ટ ખૂબ ચાલવા લાગી.

પ્રેમના ઢોંસા ખાવા ઘણાં વિદ્યાર્થીઓ આવતા અને આજ વિદ્યાર્થીઓની મદદથી પ્રેમે કોમ્પ્યુટર ચલાવવાનું પણ શીખી લીધું. અને ઈન્ટરનેટની મદદથી પ્રેમે દુનિયાભ ની વિવિધ વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધુ. અને આ જ સમય દરમિયાન પ્રેમને એક આઈડિયા આવ્યો અને આજ એક વિચારે પ્રેમની જિંદગી બદલી નાખી અને પ્રેમના સપનાને નવી ઉડાન પણ આપી.

પ્રેમે ઢોંસા પર પ્રયોગો કરવાનાં શરૂ કર્યાં. વિવિધ દેશો અને રાજ્યોની વાનગીઓને ઢોંસા સાથે જોડવાનું કામ શરૂ થયું. ચાઇનીઝ ખાવાનું પસંદ કરનારા લોકો માટે ચાઇનીઝ ઢોંસા બનવા લાગ્યા, ઉત્તર ભારતીયો માટે ઢોંસામાં પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો. જોકે ઢોંસા પર પ્રેમ જે પ્રોયોગો કરતા તે સફળ થઇ રહ્યાં છે કે નહીં તે ચકાસવા પ્રેમ પ્રેમ અમુક વિધાર્થીઓને પણ પોતાની સાથે રાખતો અને પોતે બનાવેલ ઢોંસા એમને ચખાડતો. તે લોકોને ઢોંસા સ્વાદિષ્ટ લાગે તો જ ઢોંસાની એ નવી વેરાઈટીને બનાવી લોકોને વેચતો.

ખૂબ જ ઓછા સમયમાં પ્રેમે પોતાની રેસ્ટોરન્ટમાં 20 જેટલા વિવિધ ઢોંસા બનાવીને વેચવાના શરૂ કર્યાં. નવીન અને સ્વાદિષ્ટ ઢોંસા ખાવા માટે લોકોની ઘણી ભીડ પણ ભેગી થવા લાગી. લોકોની માંગને પહોંચી વળવા પ્રેમે રેસ્ટોરન્ટને મોટી કરવાની ફરજ પડી. લોકોની ચોઈસ અને માંગ પ્રમાણે પ્રેમ વધુ ને વધુ નીતનવા ઢોંસા બનાવવા લાગ્યો અને આ નવા ઢોંસાની ચર્ચા મુંબઈભરમાં એ રીતે થવા લાગી કે રેસ્ટોરન્ટની બહાર લોકોનાં ટોળેટોળા એકઠા થવા લાગ્યા. વર્ષ 2005 સુધીમાં તો પ્રેમે આજ 104 પ્રકારના ઢોંસા તૈયાર કરી નાખ્યા. અને પોતાના ઢોંસા થકી જ પ્રેમ ‘ઢોંસાના ડૉક્ટર’ ના નામથી પણ ઓળખવવા લાગ્યો. પ્રેમને સારા એવા પ્રમાણમાં નફો પણ મળવા લાગ્યો. લોકોની માંગને પહોંચી વળવા પ્રેમે એક નવું રેસ્ટોરન્ટ પણ શરૂ કરી દીધું. લોકોની માંગ વધતી ગઈ અને એક પછી એક રેસ્ટોરન્ટ્સ ખૂલતા ગયા, આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. માંગ વધી તો કામ પણ વધ્યું અને આ કામને પહોંચી વળવા પ્રેમે મદદ માટે પોતાના ભાઈને પણ ગામથી મુંબઈ બોલાવી લીધો.

પ્રેમના ઢોંસા એટલા તો ફેમસ થવા લાગ્યા કે લોકો પ્રેમને મુંબઈની બહાર પણ રેસ્ટોરન્ટ ખોલવા આગ્રહ કરવા લાગ્યા અને પ્રેમે મુંબઈની બહાર પણ ઢોંસા પ્લાઝા ખોલવાના શરૂ કરી દીધા. અને એક પછી એક એમ ઢોંસા પ્લાઝાના આઉટલેટ્સ દેશના અલગ અલગ શહેરોમાં ખૂલવા લાગ્યા. પ્રેમને વધુ એક મોટી સફળતા ત્યારે મળી જયારે ઢોંસા પ્લાઝાનું વિદેશમાં પણ આઉટલેટ ખુલ્યું. અને ત્યારબાદ અન્ય દેશોમાં પણ સફળતાનો આજ સિલસિલો ચાલુ રહ્યો. વિદેશમાં ન્યૂઝીલેન્ડ, મધ્યપૂર્વ અને દુબઈ સહીત 10 દેશોમાં ‘ઢોંસા પ્લાઝા’ના રેસ્ટોરન્ટન્ટ્સ પ્રેમની સફળતાની ગવાહી આપી રહ્યાં છે. આજે પણ દુનિયાભરમાં આ સિલસિલો ચાલુ છે અને પ્રેમના ઢોંસા મશહુર થતા જઈ રહ્યાં છે. ‘ઢોંસા પ્લાઝા’ના 105 જાતના ઢોંસામાંથી 27ના તો પોતાના ટ્રેડમાર્ક છે!

પ્રેમ ગણપતિની આ વાર્તા આપણને શીખવી જાય છે કે સંઘર્ષ અને મજબૂત મનોબળ દ્વારા કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. એક સમયે જે વ્યક્તિ લોકો પાસે નોકરી શોધતો હતો, તે લોકોના ત્યાં વાસણ ઘસવાનું કામ કરતો હતો તે વ્યક્તિ સંઘર્ષ, મહેનત અને ઈચ્છા શક્તિને આધારે આજે બીજા કેટલાંયેને નોકરીએ રાખનાર ‘ઢોંસા પ્લાઝા’નો માલિક છે.


આમ તો 'ઢોંસા' ને 'ડોસા' કે 'દોસા' પણ કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત શબ્દ 'ઢોંસા' છે જેથી અહીં ઢોંસા શબ્દનો ઉપયોગ કરી સ્ટોરી લખવામાં આવી છે.

Related Stories