આખરે કેમ રિયા શર્મા બ્રિટનમાં ફેશન ડિઝાઈનિંગનું કરિયર છોડી લાગી ગયાં એસિડ પીડિતોની મદદમાં....

0

એક યુવતી જે ઈંગ્લેન્ડ ગઈ હતી ફેશન ડિઝાઈનર બનવા માટે, પરંતુ જ્યારે તે અભ્યાસ કરીને પરત ફરી ત્યારે તેણે તેના અભ્યાસથી બિલકુલ વિપરીત કામ શરૂ કર્યું, જે આજે ઘણી મહિલાઓ માટે રાહતરૂપ બન્યું છે. દિલ્હીની પાસે આવેલા ગુડગાંવની રહેવાસી રિયા શર્મા આજે એસિડ હુમલાનો શિકાર બનેલી મહિલાઓ માટે લડાઈ લડી રહી છે. તેમનો ઈલાજ કરાવે છે, કાયદાકીય લડાઈમાં તેમને મદદ કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે આવી મહિલાઓ સ્વનિર્ભર થઈ શકે તેના પ્રયત્નમાં પણ લાગેલી રહે છે.

રિયા શર્માએ તેનું શાળાકીય ભણતર ગુડગાંવની જ એક શાળામાંથી કર્યું, ત્યાર બાદ તે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવા માટે બ્રિટન જતી રહી. જો કે 2 વર્ષ વિતવા છતાં પણ તેનું મન તેમાં ન લાગ્યું. ત્રીજા વર્ષે રિયાના પ્રોફેસરે તેને કહ્યું કે, જો આવી રીતે અભ્યાસ કરતી રહી તો તેનું પરિણામ સારું નહીં આવે. વાતવાતમાં પ્રોફેસરે રિયાને પૂછ્યું કે તે શું કરવા માગે છે? જેના જવાબમાં રિયાએ કહ્યું કે તે મહિલાઓના અધિકાર માટે કામ કરવા ઈચ્છે છે. પણ એવું તે શું કામ કરે તે અંગે તે કંઈ જાણતી નહોતી. ત્યારે તેના પ્રોફેસરે તેને કહ્યું કે ઘરે જા, અને આ અંગે રિસર્ચ કર.

રિયાએ ઘરે જઈને મહિલાઓ સંબંધિત દુષ્કર્મ, એસિડ એટેક જેવા વિષયો પર આખી રાત રિસર્ચ કર્યું. રિયાનું મન એ જાણીને ખૂબ દુઃખી થયું કે કેવી રીતે લોકો યુવતીઓ અને મહિલાઓ પર એસિડ ફેંકે છે, આ ભયાનક તકલીફને સહન કર્યા બાદ કેવી રીતે તેમનું જીવન ઘરની ચાર દીવાલ પૂરતું સીમિત થઈ જાય છે. તે બાદ રિયાએ એસિડ એટેક પીડિત મહિલાઓ અને યુવતીઓની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે તેને વધારે જાણકારી ન મળી, કારણ કે ઈન્ટરનેટ પર એક જગ્યાએ એસિડ પીડિતની એક જાણકારી લખી હતી, તો બીજી જગ્યાએ એ જ પીડિત મહિલાની બીજી જાણકારી લખી હતી. બીજા જ દિવસે રિયાએ તેના પ્રોફેસરને એસિડ એટેકની પીડિતના અમુક ફોટો બતાવ્યા અને કહ્યું કે ‘હું આ લોકો માટે કામ કરવા માગું છું.’ રિયાના પ્રોફેસર ખૂબ ખુશ થયા, અને રિયાને વીડિયો કેમેરા દેતાં કહ્યું કે, તું ભારત જઈને આ અંગે ડોક્યુમેન્ટરી બનાવ.

ભારત આવીને રિયાએ અલગઅલગ જગ્યાએ અનેક યુવતીઓના ઈન્ટરવ્યૂ કર્યાં. આ દરમિયાન તેની ઘણી એસિડ એટેક પીડિત યુવતી અને મહિલાઓ સાથે મિત્રતા થઈ ગઈ. રિયા તેમની નાની-નાની જરૂરિયાતને પૂર્ણ કરવા લાગી. આવી રીતે રિયાને એસિડ એટેક પીડિત મહિલાઓ સાથે ભાવનાત્મક લાગણી બંધાઈ ગઈ, જેનાથી રિયાના જીવનમાં સકારાત્મક પરિવર્તન થવા લાગ્યું. ધીરેધીરે આવા લોકોની મદદ કરવી તેનો ધ્યેય બની ગયો. એક વાર તે ડોક્યુમેન્ટરી બનાવવા માટે બેંગલુરુની સરકારી હોસ્પિટલમાં ગઈ, જ્યાનું દૃશ્ય જોઈને તે વિચલિત થઈ ગઈ. રિયાએ જોયું કે હોસ્પિટલની જમીન, દીવાલ અને પથારી બધી જગ્યાએ લોહી અને માંસના ટુકડા પડ્યાં હતાં. રિયા આ જોઈને આઘાતમાં સરી પડી, જ્યાં ડૉક્ટર પણ પૂરતી માત્રામાં નહોતા. જ્યારે કે અન્ય સ્ટાફ જેમ કે વોર્ડબોયને આ બધા મુદ્દા અંગે કંઈ પડી નહોતી. તે માંસના લોચા વચ્ચેથી જ લોકો પસાર થઈ રહ્યા હતા.

રિયાએ જણાવ્યું,

"આ જોઈને મેં નિર્ણય કર્યો કે હવે હું મારું આરામદાયક જીવન છોડીને આ લોકોની મદદ કરીશ અને તેમના હક માટેની લડાઈ લડીશ. જો કે શરૂઆતમાં મારા આ નિર્ણયથી મારાં માતા-પિતા થોડા ચિંતિત થયા, પરંતુ ટૂંક સમયમાં જે તેમણે મારા નિર્ણયમાં સહયોગ આપવાનો નિર્ણય કર્યો."

આવી રીતે તેમણે તેમના કામની શરૂઆત એપ્રિલ 2014માં દિલ્હીથી કરી, અને તેમની સંસ્થા ‘મેક લવ નોટ સ્કેર’ અભિયાન દ્વારા એસિડ પીડિતોની મદદ કરવાનું બીડું ઝડપ્યું. રિયા એસિડ પીડિતોની મેડિકલ અને અભ્યાસની જરૂરિયાતને લઈને તેમના કોર્ટ કેસ લડવા અને તેમને વળતર અપાવવામાં મદદ કરે છે. એક એસિડ પીડિતને તેમણે 60 હજાર ડોલરની મદદ કરીને તેને ન્યૂયોર્કની સૌથી સારી ફેશન કોલેજમાં એડમિશન અપાવ્યું છે.

રિયાએ એસિડ એટેક પીડિત મહિલાઓના પુનર્વસન માટે એક સેન્ટર પણ ખોલ્યું છે, જ્યાં રિયા તેમને વોકેશનલ અને સ્કિલ ટ્રેનિંગ આપે છે. સાથેસાથે રિયા તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા કાઉન્સેલિંગ પણ કરાવે છે, જેનાથી જે સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે. યુવતીઓને તે ઈંગ્લિશ અને કોમ્પ્યુટરની બેઝિક ટ્રેનિંગ આપે છે, ત્યારબાદ તે જે ક્ષેત્રમાં જવા માગતી હોય તે પ્રમાણે તેની મદદ કરવામાં આવે છે. રિયા આ લોકો માટે ડાન્સિંગ, સિંગિંગ, મેકઅપની વર્કશોપ પણ ચલાવે છે. મેકઅપ આર્ટિસ્ટની મદદથી એસિડ એટેક પીડિત યુવતીઓને પોતાના ચહેરાને કેવી રીતે કવર કરવો તે શીખવાડે છે.

આ સમયે દેશભરની આશરે 55 એસિડપીડિત તેમની સાથે જોડાયેલી છે, જેની ઉંમર 6 મહિનાથી લઈને 65 વર્ષ વચ્ચે છે. રિયાના સંગઠનની સાથે સૌથી વધારે ઉત્તરપ્રદેશના મેરઠ અને લખનઉથી એસિડ પીડિત જોડાયેલ છે. આ વર્ષના અંતે સુધીમાં રિયાની યોજના દેશના અન્ય ભાગોમાં પણ આવા સેન્ટર્સ ખોલવાની છે. એસિડપીડિતો સાથે જોડાયેલા કામને જોવા માટે રિયાની 5 સભ્યોની બનેલી એક કૉર ટીમ છે, સાથે સાથે દેશના અન્ય ભાગમાં તેમના સ્વયંસેવકો પણ છે, જે તેમના કામમાં મદદ કરે છે.

રિયા અને તેમની ટીમ હ્યુમન રાઈટ લૉ નેટવર્ક સાથે કામ કરે છે, જેના દેશભરમાં પોતાના વકીલ હોય છે. જ્યાં એસિડપીડિતોના પોતાના વકીલ નથી હોતા, ત્યાં રિયા અને તેની ટીમ તેમને વકીલ ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય તેમની પાસે 2-3 વકીલ છે, જે તેમને લીગલ કામમાં સલાહ આપે છે. પોતાની મુશ્કેલીઓ વિશે તેમનું કહેવું છે કે, સૌથી મોટી મુશ્કેલી ન્યાયમાં મળનારો વિલંબ છે, કારણ કે તેનાથી પીડિતને તેનું વળતર અને તેમનો હક સમયસર નથી મળી શકતા. આ કારણથી તેમનામાં નિરાશા જન્મે છે. રિયા કહે છે કે આટલી ઉપલબ્ધિઓ બાદ પણ ઘણા લોકો તેમને ગંભીરતાથી નથી લેતા, અને તેઓ કહે છે કે આ કામ કરવા માટે તેમની અને તેમના સાથીઓની ઉંમર ખૂબ ઓછી છે. આમ છતાં રિયા તેના આ કામને પૂરી રીતે સમર્પિત થઈને કરે છે. રિયા કહે છે,

“જેમ એક માતાને પોતાનું બાળક ખૂબ વહાલું હોય છે, તે જ પ્રમાણે આ કામ મારા માટે મહત્વનું છે... અને હું મારો પૂરો સમય આ કામને જ આપું છું.”

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- બાદલ લખલાણી

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

એસિડ અટૅકનો ભોગ બનેલી 5 બહાદુર મહિલાઓએ શરૂ કર્યું 'cafe', અનેક મહિલાઓને પ્રેરણા આપે છે આ 'SHEroes'

કેટલીયે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની અમદાવાદની 'છાયા' હેઠળ

મહિલાઓ, અનાથ બાળકો, HIVગ્રસ્ત લોકોના ‘ઉત્કર્ષ’ માટે કામ કરતા રેખા અધ્વર્યુRelated Stories

Stories by YS TeamGujarati