એક સામાન્ય ઇવેન્ટમાંથી પેદા થયું ઝનૂન, હવે છે લગ્નસરાની ફોટોગ્રાફીમાં મોટું નામ!

મોનિશા લગ્ન સમારંભો, સંગીતના કાર્યક્રમો અને ફેશન શૂટના ક્ષેત્રમાં હથોટી ધરાવે છે. લગ્ન સંબંધિત ફોટોગ્રાફી ક્ષેત્રમાં ‘ધ ફોટો ડાયરી’ એવી ટોચની ફોટોગ્રાફી કંપનીઓમાંની એક છે, જે એક જ મંચ પર પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ઉપરાંત લગ્નની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં એક્સપર્ટ છે

0

‘ધ ફોટો ડાયરી’નાં સ્થાપક અને નિર્દેશિકા મોનિશા અજગાંવકર કહે છે,

“કૉલેજના દિવસોમાં મારી પાસે નોકિયા 6600 ફોન હતો અને હું એના કેમેરાથી શૂટિંગ કરવા માટે હંમેશાં તત્પર રહેતી હતી. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં વધારે જાણવા અને શીખવાના પ્રયાસ તો મેં જે.જે. કૉલેજમાં પ્રવેશ લીધા બાદ શરૂ કર્યા.”

મોનિશા મુંબઈમાં રહેતી એક વ્યાવસાયિક ફોટોગ્રાફર છે અને તે ફોટોગ્રાફીની લગભગ તમામ શૈલીમાં પોતાનો હાથ અજમાવી ચૂકી છે.

મોનિશા કહે છે કે જે. જે. કૉલેજમાં તે ફોટોગ્રાફી અંગે વધારે શીખી ન શકી, કારણ કે તે એક આંશિક કોર્સ હતો.

મોનિશા કહે છે,

“કંઈ પણ નવું શીખવા માટે શાળા-કૉલેજ સૌથી સારા અને મજબૂત માધ્યમ છે, પરંતુ કેટલાક એવા વ્યાવહારિક અનુભવ પણ હોય છે, જે તમને વધારે કમર્શિયલ બનવાની દિશામાં વિશેષ મદદરૂપ બને છે. તમે કોઈ એક નિશ્ચિત કામ કે પછી વ્યવસાય અંગે ઊંડાણ અને નજીકતાથી ત્યારે જ જાણી શકો છો, જ્યારે તમે વાસ્તવમાં તેનો એક હિસ્સો બનો. પછી ભલે જરૂરી કૌશલ્ય હોય, જરૂરી લોકો હોય કે પછી તમારા દ્વારા બંધાયેલા સંબંધો હોય, તમામ બાબતો તમારા વ્યાવસાયિક અનુભવનો એક મોટો હિસ્સો હોય છે. હું મારા કામમાં રોજેરોજ કંઈક નવું શીખવામાં સફળ રહેતી હોઉં છું.”

મોનિશા સાથે એ વાત પણ જણાવે છે કે તેને હંમેશાં લાગે છે કે તે એક નિશ્ચિત કેમેરા એન્ગલ કે પછી લાઇટ વ્યવસ્થા સાથે કામ કરતી હોત તો પરિણામ વધારે સારાં હોઈ શકત.

જોકે, માર્ગમાં આવતી કોઈ પણ મુશ્કેલી કે પડકાર તેને શૂટિંગ કરતા અને તસવીરો ખેંચતા રોકવામાં સફળ રહી નથી. બ્લૂ ફ્રૉગ એવો પહેલો સંગીત કાર્યક્રમ હતો, જ્યાં તેણે શૂટિંગ કર્યું હતું. મોનિશા કહે છે,

“સંગીત સાથે રૂબરૂ થતાં જ મારામાં કામ કરવા બાબતે વધારે ઝનૂન આવી જાય છે અને તે મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”

મોનિશાનો ઈરાદો ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આવવાનો બિલકુલ નહોતો અને તે માહિમમાં આવેલી ડીજે રૂપારેલ કૉલેજમાં મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સ્નાતકનો કોર્સ કરી રહી હતી. આ દરમિયાન એક દિવસ તેને એ વાતનો અહેસાસ થયો કે તે આ વિષય અંગે ભણવા માગતી નથી અને તેણે એ જ ક્ષણે એ કોર્સ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. ત્યાર પછી એક વર્ષ સુધી તેની પાસે કરવા લાયક કશું જ નહોતું. તે સતત ઘરે ખાલી બેઠી રહી. જોકે, એ દરમિયાન તે જીવન સાથે સંબંધિત નવાં ક્ષેત્રોને શોધતી રહેતી હતી.

અને આ રીતે આખરે મોનિશા ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આવી.

મોનિશા કહે છે,

“મને એક છોકરી બહુ જ ગમતી હતી અને હું તેની સાથે સંગીતના કાર્યક્રમોમાં જવા માટે તત્પર રહેતી હતી. બસ તેને પ્રભાવિત કરવા માટે હું મારો કેમેરો લઈને તેની સાથે એક સંગીત સમારંભમાં તસવીરો લેવા માટે ચાલી ગઈ. જોકે, એ મામલો માત્ર એક ડેટ સાથે જ ખતમ થઈ ગયો, પરંતુ તેના પરિણામે ફોટોગ્રાફી પ્રત્યેના મારા ઝનૂનનો અંદાજ મેળવવામાં સફળ રહી. એ પછી મેં કેમેરા સાથે રમવાનું શરૂ કરી દીધું અને રોલિંગ સ્ટોન્સ, પેજ થ્રી પાર્ટીઓ અને ફેશન શૉ વગેરેની ફોટોગ્રાપી શરૂ કરી દીધી. એ પછી મેં મારી એક મિત્રના લગ્નની તસવીરો મારા કેમેરામાં કેદ કરી અને પછી હું મેરેજ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશી ગઈ.”

મોનિશાએ એ કેથલિક લગ્નની ફોટોગ્રાફી પછી ‘ધ ફોટો ડાયરી’નો પાયો નાખ્યો.

સંગીતથી અત્યંત પ્રભાવિત મોનિશાને પહેલેથી જ સંગીતના કાર્યક્રમોની ફોટોગ્રાફીનું કામ બહુ ગમે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી નિમિત્તે રોજેરોજ એટલા બધા નવા કલાકારોને મળવાની તક અને સંગીત તથા ફોટોગ્રાફી પ્રત્યેના તેના દૃષ્ટિકોણને જાણવાની લાલસા તેને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

અનેક સંગીત કાર્યક્રમોને શૂટ કર્યા પછી આજે પણ એનએચ7 તેનો સૌથી પસંદગીનો કાર્યક્રમ છે. આ ઉપરાંત તેણે તાજેતરમાં જ ટેન હેડ્સ ફેસ્ટિવલને પણ પોતાના કેમેરામાં શૂટ કર્યો છે.

શીખવાનો તબક્કો

એક ફોટોગ્રાફર તરીકે મોનિશાએ એક સારી યાદને સાચવી લેવાનો માત્ર એક જ માર્ગ શીખ્યો છે અને એ છે પૂર્ણપણે એ ક્ષણમાં ડૂબીને તેને પોતાની અંદર અંગીકાર કરવી. આ ઉપરાંત તેના મતે ફોટોગ્રાફીની રીતભાતો રોજેરોજ બદલાઈ રહી છે અને તે ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીના પોતાના કામ દરમિયાન જુદા જુદા લોકો સાથે થનારી વાતચીતમાંથી સતત કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતી રહે છે.

મોનિશા કહે છે,

“ખાસ કરીને લગ્ન સમારંભ દરમિયાન એ ક્ષણોમાં લોકોને એ વાતનો સહેજ પણ અહેસાસ હોતો નથી કે આ વિશેષ ક્ષણો તેમના માટે આવનારા જીવનમાં કેટલી વધારે મહત્ત્વપૂર્ણ રહેશે, એટલે મને એ મારી જવાબદારી લાગે છે કે હું એ ક્ષણોને જેટલી બને એટલી સારી રીતે અને વાસ્તવિક રીતે મારા લેન્સમાં ઢાળી શકું.”

મોનિશા વજીર ફિલ્મ દરમિયાન અમિતાભ બચ્ચન સાથેના શૂટિંગ દરમિયાન થયેલા અનુભવ માટે બહુ રોમાંચિત છે. તે કહે છે,

“મારા માટે આટલી મોટી અને પ્રખ્યાત હસ્તી સાથે શૂટ કરવું ખરેખર એક યાદગાર ક્ષણો હતી. તેમનામાંથી બહુ બધી બાબતો શીખવા મળી, પરંતુ સૌથી સારી બાબત એ શીખવા મળી કે માત્ર અનુભવ જ એકમાત્ર એવી ચીજ છે, જે કોઈ પણ વ્યક્તિને નિપુણ બનાવે છે.”

‘ધ ફોટો ડાયરી’ સાથે વ્યાપ વધારવાની યોજનાઓ

મોનિશા લગ્ન સમારંભો, સંગીતના કાર્યક્રમો અને ફેશન શૂટના ક્ષેત્રમાં હથોટી ધરાવે છે. લગ્ન સંબંધિત ફોટોગ્રાફી ક્ષેત્રમાં ‘ધ ફોટો ડાયરી’ એવી ટોચની ફોટોગ્રાફી કંપનીઓમાંની એક છે, જે એક જ મંચ પર પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ઉપરાંત લગ્નની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં એક્સપર્ટ છે. મોનિશા કહે છે કે તે વધુને વધુ લગ્ન સમારંભોની ફોટોગ્રાફી કરવા માટે ઇચ્છુક છે, કારણે કે આ ક્ષેત્રમાં ક્રિએટિવિટીની અસીમ સંભાવનાઓ છે.

આવનારા સમયમાં તે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારવા માટે જુદા જુદા માર્કેટ અને તકોને શોધવા માગે છે. તેનો ઈરાદો આગામી વર્ષ સુધી અમેરિકા કે પછી કેનેડામાં એકમો સ્થાપિને ‘ધ ફોટો ડાયરી’ને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.

લેખક- સાસ્વતી મુખરજી

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

મહિલા ઉદ્યોગસાહસિકોના સંઘર્ષ અને સફળતાની વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

27 વર્ષની ડેન્ટલ સર્જન કેવી રીતે બની ફેશન એન્ટરપ્રેન્યોર?

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

RJની ગ્લેમરસ જોબ છોડી ડીજીટલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર અદિતિ રાવલ! 

Related Stories