ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને આગવી 'પહેચાન' અપાવવા દિલ્હીના આ યુવાનો કરે છે દિવસ-રાત એક!

0

'પહેચાન' એક સ્વયંસેવક ગ્રુપ છે જેની શરૂઆત મે, 2015માં થઈ હતી

'પહેચાન' દિલ્હીના એક મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કામ કરી રહ્યું છે

15થી વધારે યુવાનો ભેગા થઈને ગરીબ બાળકોને શિક્ષિત બનાવી રહ્યાં છે

કહેવાયું છે કે કોઈપણ કામ પૂર્ણ કરવા માટે સૌથી વઘારે જરૂરી ધગશ, ઝનૂન અને દ્રઢ ઈચ્છાશક્તિ. કોઈપણ વ્યકિત કે સંસ્થા પાસે આ ત્રણ વસ્તુ છે તો તેને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી અને કોઈપણ મુશ્કેલી એની પ્રગતિ રોકી શકતી નથી. આવી જ ધગશ, ઝનૂન અને દ્રઢ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં ગરીબ બાળકો માટે 'પહેચાન' નામનું એક ગ્રૂપ કામ કરી રહ્યું છે.

મે, 2015માં 'પહેચાન'ની શરૂઆત કૌશિકા સકસેના,માણિક, વિનાયક ત્રિવેદી અને આકાશ ટંડન ચાર મિત્રોએ સાથે મળીને કરી હતી. માત્ર છ મહિના જેટલા ટૂંકાગાળામાં આ ગ્રુપમાં પંદર યુવાન જોડાયા છે. તે યુવાનો ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પાયાનું શિક્ષણ આપે છે. આ ગ્રુપમાં જોડાયેલ યુવાનોની ઉંમર 22 થી 27વર્ષની વચ્ચેની છે. આમાથી કેટલાંક વિદ્યાર્થીઓ અને કેટલાંક નોકરી–ધંધો કરતા લોકો છે.

આકાશ ટંડન જણાવે છે,

"આવું જ એક ગ્રુપ મુંબઈમાં હતું જેનું સંચાલન અફસાના કરતી હતી. તે વિશે જાણ્યા બાદ તેનામાંથી મને ઘણી પ્રેરણા મળી. એ ગ્રુપને જોઈ મને વિચાર આવ્યો કે હું પણ મારા મિત્રો સાથે મળી આવું જ કંઈક સુંદર કામ કરું. આ વિચાર મેં મિત્રો આગળ રજૂ કર્યો તે સૌને ખૂબ જ ગમ્યો પછી અમે સૌ સાથે મળી કામ વહેંચી લીધું અને સંશોધન કાર્ય શરૂ કર્યુ."

ઘણાં સશોધન પછી એમણે નક્કી કર્યુ કે દિલ્લી આઈપી ડેપો પાછળની ઝૂંપડપટ્ટીમાં પોતાનું કામ શરૂ કરીએ. આ જગ્યા પસંદ કરવા પાછળનું કારણ માત્ર ગરીબ બાળકોને ભણાવવાનું ન હતું પરંતુ આના દ્વારા સમજ આપવાની પણ હતીકે આ જગ્યા આઈટીઓથી ઘણી જ નજીક છે.તેની સામે WHO મકાન આવેલું છે. આઈટીઓમાં દેશના મુખ્ય મંત્રાલયો તેમજ ઓફિસો પણ આવેલી છે. છતાં પણ કોઈનું ધ્યાન આ નજીકની ઝૂંપડપટ્ટી પર પડતું નથી. ત્યાં ખૂબ જ ગંદકી છે તેમજ અહીંના બાળકો મૂળભૂત સવલતોથી વંચિત છે. છતાં પણ કોઈનું ધ્યાન અહીં કેમ જતુ નથી!


મે, 2015માં આ ગ્રૂપે તેમની પાસે જઈને જણાવ્યું કે તમારા બાળકોને ભણાવવા માગીએ છીએ.શરૂઆતમાં તેમને પોતાના કામમાં ઘણી મુશ્કેલી આવતી કારણ કે બાળકો ભણવામાં ઓછુ ધ્યાન આપતાં પણ એ લોકો એ હાર ન માની. બાળકો ભણવામાં ધ્યાન આપે તે માટે ચોકલેટનું ઈનામ આપતા જે વધારે ગુણ લાવે તેને અલગથી ચોકલેટ આપવામાં આવતી. આમ કરી કરીને બાળકોમાં સ્પર્ધા ઊભી કરવામાં તેઓ સફળ રહ્યા. પોતાના કારોબારને ધીરેધીરે આગળ વધાર્યો. શરૂઆતમાં થોડાક બાળકો આવતા હતા પરંતુ ધીમેધીમે આ સંખ્યા વધતી જ ગઈ. વળી,આ કાર્ય જયારે 'પહેચાન' ગ્રુપે ફેસબુકના માધ્યમથી પ્રચાર કરવાનો શરૂ કર્યો ત્યારે બીજા યુવાનો અને જેમને સામાજિક કાર્યમાં રસ હતો તે પણ આમાં જોડાવા લાગ્યા. 

આકાશ કહે છે કે તે બાળકોને સામાન્ય શિક્ષણ આપે છે કોઈ જ પ્રકારનો અભ્યાસક્રમ ભણાવતા નથી. તેઓ જણાવે છે કે કેટલીક વાર 7માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ પણ સાદા ગુણાકાર કરી શકતા નથી કેમકે તેમને 20થી ઉપરની સંખ્યા પણ આવડતી નથી હોતી. તે બાળકો ગોખીને પરીક્ષા આપે છે. આવા સંજોગોમાં બાળકને પ્રાથમિક પાયાનું શિક્ષણ મળે ને તેની મદદથી તેઓ પોતાની જિંદગીમાં આગળ વધે અને જીવન સુધારે.

આકાશ માને છે કે પોતે આ કામ આ ગ્રુપમાં રહીને કરવા માગે છે.તેઓ એનજીઓ સ્થાપિત કરી કરવા નથી માગતા કેમકે તેમ કરવાથી પૈસાનું ચલણ થશે તેઓ આ કાર્ય માત્ર સેવા અર્થે કરવા માગે છે. નહીં કે પૈસા કમાવવા કે ધંધા માટે. એમનો મુખ્ય હેતુ ગરીબ બાળકોને ભણાવવાનો અને દેશને આગળ વધારવાનો છે. જો 'પહેચાન'ને એનજીઓ તરીકે રજિસ્ટર કરવામાં આવે તો તેને ફંડ મળે જેની તેમને જરૂર નથી. આ ગ્રુપના બધાં જ લોકો થોડાઘણાં પૈસા ભેગાં કરી બાળકો માટે સ્ટેશનરી ખરીદી લે છે.

'પહેચાન' ગ્રુપ શનિવાર અને રવિવારે બાળકોના વર્ગો ચલાવે છે.પહેલા જયાં બાળકો ભેગા કરતા મુશ્કેલી થતી હતી ત્યાં હવે બાળકો ભણવા માટે ઉમટી પડે છે. ગ્રૂપના લોકો ત્યાં ભણાવવા પહોંચે તે પહેલાં જ બાળકો ભેગા થઈ જાય છે. તેમના વર્તાવમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. પહેલા જે બાળકો ભણવાથી દૂર ભાગતા હતા તેઓ આજે ઘણી નવી વસ્તુઓ શીખી રહ્યાં છે. આજે તેઓ ભણવા પ્રત્યે જાગરૂક થયા છે. તેઓ ગ્રૂપના શિક્ષકોને સામે ચાલીને કહે છે કે આજે તેમની શું ભણવાની ઇચ્છા છે. આ બધી બાબતો નાની લાગતી હોય પણ આ બાબતો ઘણી મહત્વની છે તે સકારાત્મક પરિવર્તન તરફ આંગળી ચિંધી રહી છે.

આ ગ્રુપ સાથે જોડાયેલ સુરભી કહે છે કે શિક્ષણ કોઈપણ દેશના ઉત્થાન માટે ખૂબ જ જરૂરી છે કોઈપણ દેશના બાળકો શિક્ષિત હશે તો તે દેશ ખૂબ જ પ્રગતિ કરશે અને તે મહાશક્તિ બની વિશ્ર્વમાં વ્યાપી જશે. શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌ કોઈએ કામ કરવું જોઈએ. ઓછામાં ઓછી એક શિક્ષિત વ્યક્તિએ એક બાળકને શિક્ષણ આપી દેશની પ્રગતિ વધારવામાં પોતાનો ફાળો નોંધાવો જોઈએ.

લેખક- આશુતોષ કંટવાલ 

અનુવાદ- અંશુ જોશી