2016 માટે તમે કેટલી ઊર્જા અને ફળદ્રુપતા સાથે તૈયાર છો?

2016 માટે તમે કેટલી ઊર્જા અને ફળદ્રુપતા સાથે તૈયાર છો?

Monday January 11, 2016,

7 min Read

જી હાં, આ એક એવો સવાલ છે જે હંમેશાં મારા મગજમાં ઘૂમ્યા કરે છે. જોકે મારી એકલી માટે નહીં, પણ મારી ઉંમરની અન્ય ઘણી સ્ત્રીઓ સાથે આવું થતું જ હશે. આ એક પ્રશ્ન જે મારો પરિવાર, ખાસ કરીને જ્યારે મારી દાદી અમને મળવા આવે છે ત્યારે મને પૂછે છે અને જોરથી પૂછે છે. એટલું જોરથી કે ત્યાં હાજર દરેક વ્યક્તિ એમનો સવાલ સાંભળી શકે. અને એ સવાલ છે, હું બાળક માટે શું વિચારી રહી છું? હું ક્યારે માં બનવાનું વિચારી રહી છું કે નહીં?

દાદી મને કહે છે કે, આજકાલ તો ઘણાં બધા ટૅસ્ટ્સ ઉપલબ્ધ છે. તેમના આ સવાલ અને આ વાતથી હું ઘણી ચિડાઈ જઉ છું. અમે લડીએ પણ છીએ. અને અમે એકધારું લડીએ છીએ, જેમાં સાચા સ્ત્રીત્વ, આધુનિકતા, કાર્ય, અને લગ્ન જેવા કેટલાક વિષયો તથા તેમની વચ્ચે આવતા તમામ વિષયો પર વાત અને ચર્ચા કરીએ છીએ. અને દર વખતે ચર્ચાના અંતે તેમની વિજયી લાઈન્સ હોય છે: જો તું માં નથી બની શકે એમ,(જો તું ફર્ટાઇલ-પ્રજનનક્ષમ નથી..) તો શરમાઈશ નહીં. આજે એવા ઘણાં ક્લિનિક્સ છે, જેઓ આવી બધી સમસ્યાઓનો ઉકેલ આપે છે. સાચ્ચે જ!

હું તેમને જણાવું છું, કે હું શરમાતી નથી. હું સ્વસ્થ છું અને એકદમ ઠીક છું. અને તેઓ પછી મને દયાળુ નજરે જુએ છે. અમે જ્યારે પણ મળીએ છીએ, ત્યારે આ ડ્રામા ફરીથી શરૂ થઈ જ જાય છે.

તેમનો આ સવાલ, મારા પરિવારનાં તમામ લોકોને એક કરી દે છે. આપણા દેશમાં તો આ સવાલ અને એનો જવાબ જાણે આપણી રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો વિષય ગણાય છે. અને સૌથી મોટી બાબત તો એ જ કે, “પરિવાર જાણવા માગે છે."

image


પણ આજે હું ફળદ્રુપતાનાં એવા સવાલો વિશે વાત નથી કરવાની જે આપણા પરિવાર દ્વારા પૂછવામાં આવે છે, પણ એક તદ્દન અલગ ફળદ્રુપતા વિશે વાત કરવાની છું, જીવનના એક મહત્ત્વપૂર્ણ પાસા વિશે. જેના વિશે આપણે સૌએ દરરોજ વિચારવું જોઈએ.

આ આર્ટિકલ વાંચી રહેલા કેટલાક લોકોને પહેલેથી જ ખબર હશે કે, વર્ષ 2015 યૉરસ્ટોરી માટે એક અભૂતપૂર્વ વર્ષ રહ્યું હતું. અમે શરૂઆતનાં સાત વર્ષ બાદ, સિરીઝ A ફંડિંગ ઊભું કર્યું. અત્યાર સુધી અમે 23,000 ઓરિજીનલ સ્ટોરીઝ લખી છે, અને હવે તો અમે 12 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છીએ. હવે અમે વધીને 65 મેમ્બરની 'રૉક સૉલિડ' ટીમ છીએ, અમે નવી પ્રોડક્ટ્સ પ્રોડક્સ્ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, ઘણી નવી બ્રાન્ડ્સ, સરકારી વિભાગો વગેરે સાથે. એક વર્ષનાં પ્રમાણે અમે ઘણું બધું મેળવ્યું છે. એક સમયે તો એવો અહેસાસ થયો કે, આટલા વર્ષોની મારી મહેનત રંગ લાવી રહી છે.

પણ દરેક માઇલસ્ટોન સાથે, દરેક ઊંચાઇ સાથે, હું અંદરોઅંદર દર્દ અને એકલવાયું મહેસૂસ કરી રહી હતી. ફંડ ઊભા કરવા, જેને અમારી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ઘણી આવકારે છે, તે મારા માટે એક મહેનતભર્યું કામ હતું. એક જ રાતમાં, મેં કેટલાક મિત્રોને બદલાતા જોયાં, સંબંધોને બદલાતા જોયાં, ઘણાં બધાં લોકોનાં વ્યવહાર બદલતા જોયાં. જ્યારે આ વાત મને દુ:ખ પહોંચાડી રહી હતી, તે સમયે રાષ્ટ્રીય ચર્ચા અને યુવા ઉદ્યોગસાહસિકો વિશેનો ગણગણાટ, કે તેઓ એકબીજાની નિંદા કરશે અને આગળ વધી જશે, તે વાત ગડમથલ ઉપજાવી રહી હતી. આ વાતે મને વિચારવા પર મજબૂર કરી દીધી કે, શું મારામાં એ કાબિલિયત છે કે જેનાથી હું આવી નિંદાત્મક તથા ગળા-કાપ દુનિયામાં ટકી શકું? શું હું આના માટે ફિટ છું ખરી?

વર્ષ ૨૦૧૫માં મારા ડેસ્ક પર રહેલાં બિઝનેસ કાર્ડ્સ મુજબ, હું લગભગ 6,000 લોકોને મળી હતી. મેં લગભગ 6,000 જેટલા ઈ-મેઈલ્સનાં જવાબ આપ્યાં છે, અને લગભગ 10,000 જેટલા ઈ-મેઈલ્સના જવાબ નથી આપી શકી. અને મેં જવાબ આપવાના વાયદા કરેલા દરેક ફોન કૉલ્સ તથા ઈ-મેઈલનો જવાબ ન આપી શકવાનાં કારણે, હું વધુ ને વધુ દુ:ખી થઇ રહી હતી. જાણે કે ખરેખર હું એક ઝોમ્બી બની ગઈ હતી. બધાને સગવડ પૂરી પાડવાનાં કામમાં ઘણાં લોકોને ગુસ્સો અપાવ્યો હતો. કેટલાકને નિરાશ અને નારાજ કરી દીધા હતાં.

સાથે જ, હમેંશા આગળ રહેવાની તથા પાછળ નહીં રહેવાની ભાવના સાથે, મેં 2015માં અવિરત કામ કરયું. આ વર્ષમાં મેં 64 ઈવૅન્ટ્સમાં સ્પીચ આપી હતી. મોટાભાગે વીકેન્ડસમાં.

ટૂંકમાં કહું તો, હું લોકોને જેટલું આપી રહી હતી, લોકો એટલા જ અસંતુષ્ટ જણાતા હતાં. તેમણે મને કહ્યું કે હું પહેલાં જેટલી ઝડપથી જવાબ આપતી હતી, વળતો ફોન કરતી હતી એટલી ઝડપથી હવે નથી આપતી. તેઓ જતાં રહ્યાં. મારી અંદર બસ, એક શૂન્યાવકાશ રહી ગયો.

ઘણાં વર્ષો પછી, હું અસહાય હોવાની લાગણી અનુભવી રહી હતી. કેટલાક ટીમ મેમ્બર્સથી લઈને, મોટાભાગનાં પરિવારજનોને એવું લાગતું કે હું, તેમને સમય નથી આપી રહી. અને મારા મનમાં સતત તે સિગ્નલનું અર્થઘટન થઈ રહ્યું હતું: 'તેમના માટે આટલું પૂરતું નથી.'

અને એકવાર, એક સફળ મીટિંગમાં હાજરી આપ્યા બાદ, તથા એક મોટી ડીલ ક્લોઝ કર્યા બાદ, હું હતાશ થઈ ગઈ અને પડી ભાંગવાની તૈયારીમાં હતી.

મારી અંદર મને કંઈક ખાવા દોડી રહ્યું હતું, અને તે દિવસે હું રડી, અને ખૂબ રડી. શું થઈ રહ્યું હતું? શું હું 2015ની મારી સ્ટોરી આવી રીતે લખવા માંગતી હતી? શું હું મારી આસપાસનાં વાતાવરણની પ્રતિક્રિયા આપી રહી હતી, કે પછી હું મારી સ્ટોરીની હિરો હતી? શું 365 દિવસમાં 24X7 કલાકની દોડભાગ, ગર્વ લેવા જેવી હતી કે પછી હું કંઈક વધું સારું કરી શકતી હતી?

વર્ષનાં અંતમાં, નવેમ્બરની શરૂઆતમાં, હું લોકોથી તથા પરિસ્થિતિઓથી દૂર થવા લાગી અને પોતાની નજીક આવવા લાગી; એક રીતે મેં મારી સાથે જ રહેવાનું શરૂ કરી દીધું હતું, મારા મનની અંદરની વાતચીત સાંભળવી અને તે જ જગ્યાએ મને મારા સવાલોના જવાબ તથા શાંતિ મળી.

મને યાદ આવ્યું કે લગભગ ૧૫ વર્ષ પહેલા જ્યારે હું કોલેજમાં હતી ત્યારે એક મનોચિકિત્સકને મળી હતી, મને તેમની વાત યાદ આવી ગઈ. મને યાદ આવ્યું કે, તે સમયે પણ હું આવા જ સમયથી પસાર થઈ હતી, અને તે સમયે તેમણે મને આમાંથી બહાર લાવવા માટે આ ઉદાહરણ આપ્યું હતું:

ઉત્તર ભારતની જમીનમાં ખૂબ સારો પાક થાય છે કારણ કે અહીની જમીન ખૂબ ફળદ્રૂપ એટલે કે ઉપજાઉ છે. કાંપવાળી જમીન ફળદ્રુપ એટલા માટે છે, કેમ કે તે મિનરલ્સથી ભરપૂર છે. અને તે ફળદ્રુપ રહે છે કેમ કે, દરેક ઉપજ પછી, જમીનને પડતર રાખવામાં આવે છે, જેથી તે ફરી તૈયાર થઈ શકે. અગર તમે ફરી તૈયાર નહી થાઓ અને તરત જ વાવણી શરૂ કરી દેશો, તો તેનાથી જમીન ઉજ્જડ થઈ જવાનો ભય છે અથવા તમને અવિકસિત, પાક મળશે. માનવીઓ સાથે પણ આવું જ બને છે. જો તમે તમારી લાગણીઓ અને તમારો પોતાનો પૂરતો ખયાલ રાખશો તો તમે પોતાને જ વધુ સારી રીતે સમજી શકશો. નહીં તો તમે પણ તમે ઉજ્જડ, ખાલી અને દુ:ખી થવા લાગશો. અને તમે તમારી અંદરની જમીન પર લાંબા સમય સુધી ધ્યાન નહીં આપો તો ભગવાન ન કરે, તમે પોતે પણ કડવા બનવા લાગશો. માટે ઉભા રહો, સમય કાઢો, પોતાને સમય આપો. થોજી વાર રોકાઈ જુઓ, મતલબી બનો અને પોતાને પ્રેમ કરો તથા લાડ લડાવો. તમે અન્યોને કેવી રીતે આપશો જ્યારે, તમે પોતાના પ્રત્યે ધ્યાન નથી આપતાં? તમે અન્યોને કેવી રીતે પ્રેમ કરશો જ્યારે તમે પોતાને જ પ્રેમ નથી કરી શકતાં? તમે અન્યોની ખામીઓનો કેવી રીતે સ્વિકાર કરશો જ્યારે તમે તમારી પોતાની ખામીઓને નથી સ્વિકારી શકતાં?

અને હું એ જ કરવાનું ભૂલી ગઈ હતી. માટે જ હું એક ખાલીખમ થઈ ગઈ હતી, મારી જાતને સમેટી લેવાનાં જોખમ પર. તેથી મેં આખો ડિસેમ્બર મહીનો પોતાને જ સાંભળવામાં, અપનાવવામાં, પોતાની સાથે પ્રેમ તથા રોમાન્સ કરવામાં વિતાવ્યો. મારો વિશ્વાસ કરો, આ સહેલું નહોતું, છતાંય, શું એ કરવામાં સરળ નહોતું હોવું જોઈતું?

એક બૌધ મુની Thich Nhat Hanh દ્વારા લખવામાં આવેલા પુસ્તક The Miracle of Mindfulness (Mobi Ho દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરાયેલી) વાંચ્યા બાદ, મારી પાસે એક ચીટ-શીટ છે, જેણે મને પરિસ્થિતિઓ પર વધુ સારી પકડ બનાવતાં શીખવાડ્યું છે. મારા ફોનને બંધ રાખવાથી ઘણો ફાયદો થયો છે. મને એ વાતનો અહેસાસ થયો કે, ઘણી વાર મારા ફોન ન ઉપાડવાના લીધે, દુનિયા ખતમ નથી થઈ ગઈ. મારું FOMO હવે કાબુમાં છે. અને આરામથી કૉફી પણ પીવાની ઘણી મજા આવી, માત્ર મારી સાથે. હવે હું રોજ આવું કરું છું, મારી સવારની ચ્હા, મારી આસપાસ કૂદતા મારા બે કૂતરાઓ સાથે પીવું છું. અને હા, હું સાવચેતીપૂર્વક રોજ નાના પગલાં ભરું છું.

તો હું ઉદ્યોગસાહસિકોને આ જ કહેવા માંગુ છું...આપણે સૌ કોઈ વસ્તુ પાછળ ભાગી રહ્યાં છીએ, અન્યો પર આપણો પ્રભાવ પાડવા વિશે વિચારી રહ્યાં છીએ, લોકોને મદદ કરવા વિશે, મોટી વસ્તુઓ કરવા વિશે- આ બધાની વચ્ચે આપણે પોતાની જાતને પ્રેમ કરવાનું તથા લાડ લડાવવાનું ભૂલી જઈએ છીએ. આપણે પોતાની કાળજી રાખવાનું પણ ભૂલી જઈએ છીએ, આપણી અંદરની ઈચ્છાઓનું પાલન-પોષણ કરવાનું ભૂલી જઈએ છીએ. માટે, આ વર્ષે જ્યારે આપણે કબજે કરવા, વિજય મેળવવા અને સફળતા મેળવવા વિશે વિચાર કરી રહ્યાં હોઈશું ત્યારે, આપણે પોતાને ઉજ્જડ બનાવવાથી બચાવીશું. અગર તમે તમારી કાળજી નહી રાખો, તો ઘણી સરળતાથી અંદરથી ઉજ્જડ બની જશો. જ્યારે તમે પોતાના સાથે જ સમય ફાળવશો ત્યારે તમને અપાર તાકાત મળશે. અને તમારી સ્ટોરીના તમે જ હીરો છો, માટે, કોઈ બીજી વ્યક્તિ આવીને તમારા માટે એ જાદુ કરી દેશે, એવી આશા ન રાખશો, જાઓ અને 2016માં તમારી પોતાની ફળદ્રુપ જમીન બનાવો. તમારી કાળજી રાખજો.


આ આર્ટીકલ મૂળ અંગ્રેજીમાં યોરસ્ટોરીના ફાઉન્ડર અને ચીફ એડિટર શ્રદ્ધા શર્મા દ્વારા લખાયો છે જેનો અહીં ગુજરાતીમાં ભાનુવાદ પ્રસ્તુત છે.


અનુવાદક: નિશિતા ચૌધરી