Mazkara.com: દુબઈમાં ભારત-પાકિસ્તાનનાં ઉદ્યોગસાહસિકોનું સહિયારું ગ્લૅમ-ટૅક સ્ટાર્ટઅપ

Mazkara.com: દુબઈમાં ભારત-પાકિસ્તાનનાં ઉદ્યોગસાહસિકોનું સહિયારું ગ્લૅમ-ટૅક સ્ટાર્ટઅપ

Thursday November 05, 2015,

6 min Read

વિચાર, વંશ અને ધર્મ દ્વારા ઊભા થયેલાં ભેદભાવને દૂર કરવા, સ્ટાર્ટઅપની દુનિયા ઘણીવાર ચમત્કારિક અસર કરી શકે છે અને તેનું ઉતમ ઉદાહરણ એટલે Mazkara.com.

ભારત-પાકિસ્તાન વચ્ચેનો વાદવિવાદ ભારતીય પ્રસનજીત દેબગુપ્તા રૉય અને પાકિસ્તાની મોહમ્મદ અલી અકમલને સારા મિત્રો બનવાથી રોકી ન શક્યા. તેમણે ભેગાં મળીને માર્ચ, 2015માં દુબઈમાં એક ગ્લૅમ-ટૅક સ્ટાર્ટઅપ Mazkara.com શરૂ કર્યું.

મઝકારા તેનાં ગ્રાહકોને, તેમના વિસ્તારમાં સલૂન તથા સ્પા શોધવામાં મદદ કરે છે. ગ્રાહકોને શ્રેષ્ઠ ઑફર મેળવવામાં તથા તેમની જરૂરીયાત મુજબ ડીલ કરાવવામાં, તેમના બજેટ અને સ્થાન પ્રમાણે ઑનલાઈન અપોઈન્ટમેન્ટ બૂક કરવામાં તથા સ્થળ પર મોબાઈલ દ્વારા પેમેન્ટ કરવામાં મદદ કરે છે.

પ્રસનજીત દેબગુપ્તા રૉય, Mazkara.com નાં કો-ફાઉન્ડર

પ્રસનજીત દેબગુપ્તા રૉય, Mazkara.com નાં કો-ફાઉન્ડર


પ્રસનજીત અને અલી તેમનાં એક કોમન મિત્ર દ્વારા મળ્યાં, જેની દુબઈમાં રેસ્ટરાંની શૃંખલા છે. અલી તેનાં મિત્ર માટે એક ઑનલાઈન બૂકિંગ તથા ટેબલ રિઝર્વેશન ઍન્જીન બનાવી રહ્યાં હતાં, જ્યારે પ્રસનજીત તેમના મિત્રને કાર્યક્ષમતાનો સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યાં હતાં.

પ્રસનજીત જણાવે છે, “અલીની લાયકાત તથા અનુભવ જબરદસ્ત હતાં અને તેમણે એકલા હાથે, જેટલી સરળતાથી અત્યંત મુશ્કેલ પ્રોડક્ટને બનાવી, તે જોઈને હું તો આશ્ચર્યમાં પડી ગયો. ત્યારપછી અમે સંપર્કમાં રહ્યાં, અને મને આનંદ છે કે અમે તેમ કર્યું, કેમ કે મારા મનમાં જ્યારે Mazkara.comનો વિચાર આવ્યો ત્યારે સૌ પ્રથમ મેં તેમને જ આ વાત જણાવી."

ઉદ્યોગસાહસિક બનવાની મહેચ્છા

પૂણેની સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી ઍમ.બી.એ થયેલાં પ્રસનજીત, હંમેશા એક ઉદ્યોગસાહસિક બનવાની ઈચ્છા ધરાવતાં હતાં. તેમણે ઉદ્યોગસાહસિક બનવાની તેમની યાત્રા, બી-સ્કૂલનાં બીજા વર્ષથી જ શરૂ કરી દીધી હતી, જ્યારે તેમણે તેમનું પ્રથમ વેંચર ‘સેન્સાટૅક’ લૉન્ચ કર્યું હતું, જે રેસ્ટરાં, કરિયાણાની દુકાન વગેરે જેવા નાના વ્યાપાર માટે, ડેસ્કટૉપ આધારીત વૈવિધ્યપૂર્ણ POS ઍપ્લિકેશન તૈયાર કરતું હતું.

તેમનું ભણતર પત્યા પછી, ભારતનાં નાના ગ્રામિણ ક્ષેત્રોમાં યાત્રા કરવાની તેમની રૂચિના કારણે, તેમને ‘ઈન્ડિયન જૉઈન્ટ ફેમિલી’ નામક બીજું એક વેંચર શરૂ કરવાનું પ્રોત્સાહન મળ્યું, જ્યાં તેમણે પશ્ચિમ બંગાળનાં ગ્રામિણ હસ્તકલાનાં સમુદાય સાથે કામ કર્યું. તેમના અવાજમાં સ્પષ્ટપણે સંતોષ સાથે, પ્રસનજીત જણાવે છે, "ઈન્ડિયન જૉઈન્ટ ફેમિલીએ, પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટની મદદથી NIFT તથા NIDનાં સમકાલીન ડિઝાઈનર્સ તથા સ્થાનિક કારીગરો સાથે મળીને, ચામડાની વસ્તુઓ બનાવી જેને મુંબઈ, દિલ્હી તથા પૂણેનાં મોંઘા બૂટિક્સમાં વેચવામાં આવતી."

ઉદ્યોગસાહસિકતામાં વિજય મેળવ્યાં પછી, પ્રસનજીતે ઘણાં સ્ટાર્ટઅપ્સ વેંચર્સ સાથે કામ કર્યું, અને બિઝનૅસ ડેવેલોપમેન્ટ તથા ઑપરેશન્સમાં અનુભવી બની ગયાં. તેઓ ઝોમૅટોની કોર આતંરરાષ્ટ્રીય ટીમનો ભાગ રહી ચૂક્યાં છે. તેમણે વર્ષ 2012માં યુ.એ.ઈમાં કંપનીનાં ઑપરેશન્સનાં લૉન્ચમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

ઝોમૅટો સાથે કામ કરતી વખતે પ્રસનજીતને અહેસાસ થયો કે જો જમવાની બાબતને આટલી સરળ બનાવી શકાય, તો પછી શ્રેષ્ઠ સલૂન અને સ્પા શોધવાને પણ સરળ બનાવી જ શકાય છે. જ્યારે સૌંદર્ય તથા સુખાકારીની વાત આવે છે ત્યારે, ગ્રાહકો ઑફર, કિંમત, પેકેજ વગેરે વિશે વિગતવાર માહિતી આપતાં એક વિશ્વાસપાત્ર સ્ત્રોતને શોધવા માટે ઘણી મહેનત કરતા હોય છે.

તેમને એ પણ જાણવા મળ્યું કે, યુ.એ.ઈમાં ઈન્ટરનેટ પ્રવેશ 88% હોવા છતાં, સૌંદર્ય તથા સુખાકારીના ઉદ્યોગની હાજરી લગભગ નહીવત હતી. સલૂન અને સ્પાનાં 90% ગ્રાહકોને ક્યા જવું, કેવી સર્વિસ મળશે, બેસ્ટ ઓફર્સ કોણ આપશે જેવી માહિતી આસપાસના જાણીતાં લોકો પાસેથી મૌખિક રીતે જ મળી શકતી.

પ્રસનજીતે પછી અલી સાથે Mazkara.com નાં વિચાર પર ચર્ચા કરવાનું શરૂ કર્યું. અલી લાહોરનાં રહેવાસી હતાં, અને તેઓ છેલ્લાં 25 વર્ષથી દુબઈમાં રહીને કામ કરતાં હતાં. તેમણે સ્ટેફૉર્ડશાયર યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટિંગમાં બી.એસ.સી (ઑનર્સ) કર્યું છે, તથા તેઓ એક ઝેન્ડ સર્ટિફાઈડ Php5 ડેવેલોપર છે. તેઓ હાઈ-એન્ડ ઍપ્લિકેશન બનાવવામાં એક દાયકાનો ટેક્નિકલ અનુભવ ધરાવે છે.

મોહમ્મદ અલી અકમલ, Mazkara.com નાં કો-ફાઉન્ડર

મોહમ્મદ અલી અકમલ, Mazkara.com નાં કો-ફાઉન્ડર


બન્નેએ વિચારને કાયદેસર બનાવવાં પાછળ કેટલાક મહિનાઓ વિતાવ્યાં અને વસ્તુઓ ત્યારે આકાર લેવાં માંડી જ્યારે તેઓએ દુબઈનાં સલૂન અને સ્પાનાં માલિકોને આ વાત જણાવી, જેઓ આ આઈડિયાથી ઘણાં પ્રભાવિત થયાં.

નવી શરૂઆત

મે મહિનાની પહેલી તારીખે, મઝકારા વૅબને લૉન્ચ કરાયું, જે દુબઈનાં સલૂન અને સ્પા માટેની માર્ગદર્શિકા હતી. ડેટા ભેગો કરવાની વ્યવહારિક નીતિનાં કારણે, મઝકારા, ઉદ્યોગમાં ઝડપથી ધનિક તથા સૌથી વ્યાપક ડેટાબેઝ બની ગયું. પ્રસનજીતનાં જણાવ્યાં અનુસાર, સ્ટાર્ટઅપનાં પહેલેથી જ મહિનાનાં 50,000 અનન્ય ગ્રાહકો છે.

કંપનીએ મઝકારામાં વિશિષ્ઠ ઑફર વિભાગ લૉન્ચ કર્યો, જેનાં દ્વારા આ પ્લેટફોર્મ પર કોઈ પણ ચાર્જ અથવા કમિશન વગર, વ્યવસાયો, તેમની ઑફર્સ તથા ડીલની જાહેરાત કરી શકે છે. પ્રસનજીત કહે છે, “આ વિભાગ દ્વારા સૌંદર્ય તથા સુખાકારીના ક્ષેત્રમાં, મઝકારા તેની ઑફર્સ અને ડીલનાં લીધે વર્ચસ્વ ધરાવતું બની ગયું છે."

સમય આવ્યો ભંડોળ ઊભું કરવાનો

પ્રોડક્ટને ફેબ્રુઆરી 2015નાં શરૂઆતી મૉડલ પ્રમાણે, મઝકારાએ દુબઈ સ્થિત રોકાણકારો પાસેથી $5,00,000નું ભંડોળ ભેગું કરી લીધું. આ ભંડોળનો ઉપયોગ, ટેક્નોલૉજી તથા પ્રોડક્ટની ટીમ ઊભી કરવા માટે વાપરવામાં આવી રહ્યાં છે, અને યુ.એ.ઈ તથા ભારતનાં ટાર્ગેટ માર્કેટમાં સર્વિસ લોન્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ સ્ટાર્ટઅપે, પૂણેમાં ઑફિસ ખોલવાની સાથે, હવે ભારતીય બજારમાં પણ પોતાની પાંખો ફેલાવી દીધી છે. હાલમાં, મઝકારાની ઑફિસ દુબઈ અને પૂણેમાં છે જેમાં ટીમની સંખ્યા 25 છે. વર્ષ 2015 અને 2016 માટે દુબઈ, અબુ ધાબી અને યુ.એ.ઈ તથા ભારતનાં પૂણે, મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ તથા કોલકાતામાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના છે.

મુશ્કેલીનો સામનો કરતાં

જ્યારે પ્રસનજીત અને અલી, શરૂઆતમાં એક કૉફી શોપમાં સાથે કામ કરતાં હતાં ત્યારે, તેમણે તેમના સાથી એન્જિનિયર મિત્રોને, તેમના સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું હતું અને તેમને પોતાના વ્યવસાય સાથે ઓછા પૈસા સાથે જોડાવવા માટે મનાવવાનાં ઘણાં પ્રયાસો કર્યા હતાં. તેમની આ મુશ્કેલ શોધ ત્યારે પૂરી થઈ જ્યારે યુ.એ.ઈમાં ઝોમૅટોનાં કન્ટૅન્ટને સંભાળતાં અપૂર્વ ચોપડાએ મઝકારાનાં લૉન્ચ તથા વિસ્તાર કરવા માટે જોડાયા.

તેમની સામે હવે પૂણેમાં કંપનીના ઑપરેશન્સને લૉન્ચ કરવાનો પડકાર હતો. ભારતીય માર્કેટમાં પ્રવેશ કરવું એ સહેલું કામ નથી, કારણ કે ઘણાં સલૂન તથા સ્પાના માલિકોએ Mazkara.com પર લિસ્ટમાં તેમનું નામ આપવાની ના પાડી દીધી છે.

પ્રસનજીત કહે છે, “અમે તેમની પાસે કંઈ વેચવા નહોતા ગયા, છતાંય તેઓ ‘ઑનલાઈન કંપની’ સાથે કોઈ જોડાણ રાખવા નહોતાં માંગતા. તેઓ અમારાથી ગભરાઈ રહ્યાં હતાં. અમારી સાથે વિગતોની આપ-લે કરતાં પહેલાં, તેમને સમજાવવામાં અમને થોડો સમય લાગ્યો."

ભારતીય માર્કેટમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું?

ભારતીય બજાર દુનિયાનું સૌથી મોટું ગ્રાહક બજાર છે, અને સૌંદર્ય તથા સુખાકારીનો ઉદ્યોગ $4.8 અબજ નો છે, જેમાં રોજનાં 2.5 મિલિયન યૂઝર્સ છે.

તેમણે આવક વિશે પણ ચિંતા દર્શાવી કે, ભારતમાં આવકની અત્યંત લાંબી તથા ધીમી પ્રક્રિયા હશે. તેમણે દુબઈમાં જે ત્રણ મહિનામાં મેળવ્યું હતું, તે ભારતીય વ્યવસાય માલિકોની વિચારસરણી તથા સ્પર્ધાને જોતાં, ભારતીય શહેરમાં ત્યાં સુધી પહોંચવામાં તેમને 6 મહિના લાગશે.

આગામી વિકાસ યોજના

કંપની ઍન્ડ્રૉઈડ તથા iOS પ્લેટફોર્મ્સ માટે તેમની મોબાઈલ ઍપ પ્રસ્તુત કરવાની તૈયારીમાં છે. ઍપમાં GPSની ક્ષમતાઓ સાથે તેમના નજીકનાં વિસ્તારોમાં સારા સલૂન અથવા સ્પા શોધી આપવામાં મદદ કરશે. તેમણે સલૂન તથા સ્પાનાં સંચાલન માટે, એક ડૅશબોર્ડ બહાર પાડ્યું છે, જેથી લિસ્ટિંગને અપડેટ રાખી શકાય, યૂઝર્સનાં સૂચનોનો જવાબ આપી શકાય, પેજ પરનાં વિશ્લેષણોને જોઈ શકાય વગેરે.

વધુમાં, મઝકારા ક્લાઉડ આધારીત એક બિઝનેસ ઍપ્લિકેશન બનાવી રહ્યું છે, જેનાં દ્વારા સ્પા અને સલૂનનાં માલિકો તેમના ગ્રાહકો સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકશે. મેનેજમેન્ટ, મઝકારા પર તેમની સૂચિઓમાં ફેરફાર કરી શકશે, ઑફર્સ તથા ડીલ પ્રકાશિત કરી શકશે, સોશિયલ મીડિયા પેજ પર તેમની સૂચિઓને સંકલિત કરી શકશે, ઑનલાઈન અપોઈન્ટમેન્ટ્સને સ્વીકારી શકશે, ઑનલાઈન બૂકિંગ કૅલેન્ડર જાળવી શકશે, ગ્રાહકો પાસેથી કૅશલેસ પેમેન્ટ સ્વીકારી શકશે તથા અન્ય ઘણું કરી શકશે.

પ્રસનજીત કહે છે, "અમે હજી પણ શરૂઆતી આવકનાં પડાવ પર છીએ. આવકને વધારવા તરફ હાલ કામ કરી રહ્યાં છે જેને હજી 3 મહિના જ થયા છે. અમે હાલમાં જ $ 10,000ની આવક પાર કરી છે અને હવે દર મહિને 30% નાં વધારા તરફ લક્ષ્ય રાખી રહ્યાં છીએ. જો બધું સારું રહ્યું તો, અમેડિસેમ્બર 2016 સુધી $1,00,000 ની આવકની આશા સેવી રહ્યાં છીએ."


લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદ- નિશિતા ચૌધરી