“કબીર માનસપટ ઉપર ‘અંકિત’ થતાં ગયાં અને હું વાર્તા સંભળાવતો ગયો”

“કબીર માનસપટ ઉપર ‘અંકિત’ થતાં ગયાં અને હું વાર્તા સંભળાવતો ગયો”

Tuesday October 20, 2015,

7 min Read

વાર્તા સંભળાવવાનો રિવાજ ખૂબ જ જૂનો છે. પછી ભલે તે જાતક કથા હોય, પંચતંત્રની કથા કે દક્ષિણ ભારતની બુર્રા કે બિલ્લુ પાતુની હોય. અથવા તો પછી તે ઇન્ટરનેટ કે ડિજિટલ મીડિયા મારફતે જાણવા મળતી આપણા જમાનાની આપણી પોતાની ‘YourStory’ની હોય.

આવી રીતે વાર્તા સંભળાવવાની એક પારંપરિક કલાનું નામ ‘દાસ્તાનગોઈ’ છે જેનો જન્મ આરબ દેશમાં થયો હતો. સોળથી માંડીને સત્તરમી સદીની વચ્ચે ભારતમાં દાસ્તાનગોઈનો વિકાસ ભારતમાં અને ખાસ કરીને દિલ્હી તેમજ ઉત્તરપ્રદેશના નવાબી પ્રાંતોમાં થયો. સામાન્ય લોકો પણ આખો દિવસનો થાક ઉતારવા માટે દાસ્તાનગો (વાર્તા સંભળાવનારા)ની મહેફિલોમાં હાજરી આપતા હતા. દાસ્તાનગોનું લક્ષ્ય રહેતું હતું કે વાર્તાને જેટલી લાંબી સંભળાવવામાં આવે તે રીતે લાંબી ખેંચીને સંભળાવવી. અફીણ ખાનામાં પણ દાસ્તાનગોને દાદ મળતી હતી અને વાર્તાને કારણે અફીણનો નશો વધી જતો હતો.

આવી જ એક વાર્તા દાસ્તાન-એ-અમીર હમ્ઝા તે સમયે ખૂબ જ પ્રચલિત હતી. તેના નાયક અમીર હમ્ઝા હઝરત મોહંમ્મદના કાકા હતા. તેની પરાક્રમ કથાઓ દાસ્તાનગો સંભળાવતા હતા. અમીર હમ્ઝાનો ઉલ્લેખ બાદશાહ અકબરે રચેલા હમ્ઝાનામામાં પણ મળે છે. અકબરને પણ આ વાર્તાઓ પસંદ હતી અને તે પોતાની બેગમોને તે સંભળાવતા હતા.

વર્ષ 1857નો બળવો તોડી પાડ્યા પછી અંગ્રેજ સરકાર લખનઉ અને દિલ્હીના નવાબો ઉપર તૂટી પડી. તેમને મળતી સગવડો આંચકી લેવામાં આવી. તેની સીધી અસર દાસ્તાનગોઈની કલા ઉપર પડી. દાસ્તાનગોની સંખ્યા ઘટવા લાગી. વીસમી સદીની શરૂઆતમાં આ કલા લગભગ મૃત:પ્રાય થઈ ગઈ. છેલ્લા દાસ્તાનગો તરીકે જાણીતા મીર બાકર અલીનું 1928માં મૃત્યુ થયું હતું.

image


માયા મરી પણ મન ન મર્યું!

ઉર્દૂના મોટા સાહિત્યકાર, વિવેચક શમ્સુર રહેમાન ફારુકી અને તેમના ભત્રીજા લેખક તેમજ રંગકર્મી મહેમુદ ફારુકીએ મળીને છેલ્લા કેટલાક સમયથી આ મૃત કલાને જીવંત કરી અને તેનું પુનરુત્થાન કરતા ગયા. તેમના શિષ્યો અને યુવાનોની મદદથી દાસ્તાનગોઈનું નવીનીકરણ શક્ય બન્યું. આજે દાસ્તાનગોઈ એક સજીવ કલા બની ગઈ છે. વર્ષ 2005માં દાસ્તાનગોઈનાં પુનરુત્થાનની શરૂઆત થઈ. આજે નવી પેઢીના કલાકારો પોતાની જૂની વાર્તાઓ લઈને દુનિયાનાં ખૂણેખૂણે પહોંચી ગયા છે.

દાસ્તાનગોઈ એવી કલા છે કે જેમાં વધારે આયોજનની જરૂર નથી પડતી. આજે તે દાસ્તાનોના પરંપરાગત નિયમોથી આઝાદ થઈને શાળા, કોલેજ, ડિનર થિયેટર, અલ્હાબાદના માઘ મેળાઓમાં, સાહિત્યિક મહોત્સવોમાં યોજાઈ રહી છે.

આ કથા એવા જ એક દાસ્તાનગો અંકિત ચઢ્ઢાની છે. જેઓ એક વાર્તાકાર, લેખક, વેપારી અને સંશોધનકાર છે. ઇતિહાસની જાણકારી અને શક્તિ તેમજ માર્કેટિંગમાં નિપુણ હોવાને કારણે તેઓ પોતાની કલાને જ પોતાનો વેપાર માને છે. તેના કેન્દ્રમાં નવીનતા છે. મેં મધ્યપ્રદેશમાં પહેલી વાર એક નાનાં શહેરમાં તેમને કબીર ઉપર વાર્તા સંભળાવતા જોયા ત્યારથી હું તેમનો ચાહક બની ગયો છું.

‘તિનકા કબહું ના નિંદયે’

દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં સ્નાતકનો અભ્યાસ કરતાં અંકિતનો પરિચય શેરી નાટકો સાથે થયો. થોડાં વર્ષો સુધી તેમણે પોતાની કોલેજની નાટ્ય સંસ્થા ઇબ્તિદા પણ ચલાવી હતી. આ દરમિયાન તેમણે પોતાનું ક્ષેત્ર શોધી લીધું. તેમના શરૂઆતના નાટકો તેમજ લેખનકાર્ય બેરોજગારી, વિસ્થાપન અને ગ્રાહકોને જાગરૂક કરવા જેવા સામાજિક વિષયો ઉપર આધારિત છે.

ભણતર પૂરૂં કર્યા બાદ અંકિતે કોર્પોરેટ માર્કેટિંગમાં નોકરી કરી. અહીં પણ તેઓ લખતા હતા પરંતુ તે લેખન જાહેરખબર આધારિત હતું. તે વખતનાં લેખન અને કોપીરાઇટિંગનાં કામને તેઓ કંટાળાજનક ગણાવતા પણ નોકરીને તેઓ સફળતાનો ઉચિત શ્રેય ગણાવે છે. તેઓ જણાવે છે કે મારી નોકરીએ મારી અંદર રહેલા માર્કેટિંગના કૌશલ્યને બહાર કાઢ્યું. અને મને કામની નૈતિકતા શીખવી. આ કામ કરતાં મેં જાણ્યું કે લેખનમાં પણ એક પ્રકારની શિસ્તની જરૂર હોય છે.

‘ગુરુ ગોવિંદ દોનો ખડે’

માર્કેટિંગમાં બે વર્ષની નોકરી કર્યા બાદ તેમણે ફેસબૂક ઉપર મહેમુદ ફારુકી દ્વારા આયોજિત દાસ્તાનગોઈના વર્કશોપ અંગે વાંચ્યું. તે મહેમુદ ફારુકીને દાનિશ હુસૈન સાથે મળીને યોજી હતી. વર્કશોપને યાદ કરતાં અંકિત કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક દાસ્તાનગો બનીશ. જીવનના સારા પ્રસંગોની જેમ આ તક પણ અચાનક આવી હતી કે જેવી રીતે પ્રેમનો આપણાં જીવનમાં પ્રવેશ થાય છે. શેરી નાટકોની જેમ હું એક એવી કલાના પરિચયમાં આવ્યો કે જેના માટે લાઇટ કે સ્ટેજની જરૂર નહોતી. વાર્તા સાંભળનાર અને સંભળાવનાર વચ્ચે સીધો સંબંધ સાધવાની કલા હતી. તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો. આ કલાનું રૂપ લઈને તમે તમારી પોતાની વાર્તા પણ સંભળાવી શકો છો. ઉસ્તાદે મારી જિંદગી બદલી નાખી.”

image


દાસ્તાનગોઈને અંકિત વેપારનું જ એક સ્વરૂપ ગણે છે. જેમાં શમ્સુર રહેમાન ફારુકીનું અનુસંધાન, મહેમુદ ફારુકીનું નિર્દેશન, અનુષા રિઝવી (જે પિપલી લાઇવનાં દિગ્દર્શિકા હતાં)ની ડિઝાઇન અને દાનિશ હુસૈનનો અભિનય સાથે મળીને આ કલાને નવા શિખરો સુધી પહોંચાડે છે. તેમાં અંકિતનું માર્કેટિંગનું જ્ઞાન પણ મદદ કરે છે.

“ઉસ્તાદ (મહેમુદ ફારુકી) સાથે મારો સંબંધ મારી આ સફરનું સૌથી શ્રેષ્ઠત્તમ પાસું છે. અમારાં તમામ રિહર્સલ અને બેઠકો તેમનાં ઘરે યોજાય છે. હું તેમની પાસેથી ઉર્દૂ શીખ્યો અને તેમની સંગતમાં રહીને જ ગુરુ-શિષ્યની પરંપરાને સમજી શક્યો. હું જ્યાં પણ અટકું ત્યાં ઉસ્તાદનો એક મંત્ર મને રસ્તો શોધવામાં મદદ કરે છે. એવા પિતાની જેમ કે જે બાળકનાં માથે જબરદસ્તી પુસ્તકો નથી ઠોકી બેસાડતા. પણ એવાં સ્થાને મૂકી દે છે કે જ્યાંથી બાળક પોતાનો રસ્તો જાતે શોધી શકે.”

‘માટી કહે કુમ્હાર સે...’

બે વર્ષ સુધી અંકિત અમિર હમ્ઝાની પરંપરાગત કથાઓ સાંભળતા રહ્યા. આ કામ કરતાં તેઓ દાસ્તાનગોઈનાં તત્વજ્ઞાન સાથે પણ જોડાયા. અને તેમનાંમાં કંઈક નવું કરવાની ભાવનાએ પણ જન્મ લીધો.

અંકિતની ઇચ્છા હતી કે દાસ્તાનગોઈની પરંપરામાં નવાં રૂપ અને વિષયોને ઉમેરવા. તે જ વખતે મહેમુદ ફારુકીએ ડો.બિનાયક સેન ઉપર ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં દાસ્તાન-એ-સેડિશન રાખ્યું હતું. આ દાસ્તાનને જોતાં અંકિતની નવા વિષયવસ્તુ તરફની આંખો ખૂલી. તેમણે ઝડપથી દાસ્તાનની કલાનો ઉપયોગ કરીને દાસ્તાનગોઈ ઉપર એક સ્પૂફ (મજાકભરેલી નકલ)ની રચના કરી. જેને ખૂબ વખાણવામાં આવી.

“જ્યાં એક તરફ હું આધુનિકતાને અપનાવી રહ્યો હતો ત્યાં બીજી તરફ દાસ્તાનની પરંપરાએ પણ મારો સાથ ન છોડ્યો. હું, કબીર અને ખુસરોથી પ્રભાવિત હતો. સૂફી વિચારોથી પ્રેરિત હતો. આ દરમિયાન મેં એ પણ જાણ્યું કે દાસ્તાનગોઈનો ઉપયોગ કરીને શિક્ષણનો પ્રચાર કેવી રીતે કરી શકાય છે.”

ત્યાર બાદ અંકિતે ‘દાસ્તાન-એ-મોબાઇલ’ ફોન લખ્યું જેને ખૂબ વખાણવામાં આવ્યું. અંકિતે નક્કી કર્યું કે તેઓ દાસ્તાનગોઈ કલાને નવા કન્ટેન્ટ તેમજ ફોર્મમાં ઢાળશે. અને તેને જ પોતાની જિંદગી બનાવશે. તેમણે નોકરી છોડી દીધી અને પૂરો સમય દાસ્તાનગોઈને આપવા લાગ્યા.

‘કહેત કબીર સુનો ભાઇ સાધો...’

અંકિતનાં માતા-પિતાને નોકરી છોડી તે નહોતું ગમ્યું. તેઓ ઇચ્છતા હતા કે અંકિત આઈએએસ બને. તેઓ અંકિતનાં જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલથી આશંકિત હતા. નોકરી છોડ્યા બાદ અંકિત બાળકો માટે દાસ્તાન લખીને તેને શાળાઓ અને સભાઓમાં સંભળાવવા લાગ્યા હતા. તે દરમિયાન અંકિતનાં માતાએ તેમની સૌથી પ્રખ્યાત દાસ્તાન ‘ઢાઈ આખર કી’ જોઈ જે કબીર ઉપર આધારિત હતી. તે જ ક્ષણે તેમનું મન બદલાઈ ગયું.

કબીર અંગેની દાસ્તાન પૂર્વનિયોજિત નહોતી. કબીર મહોત્સવના આયોજકોની એવી ઇચ્છા હતી કે તેમનાં જીવનદર્શન ઉપર દાસ્તાન યોજવામાં આવે. મહેમુદ ફારુકીએ તે કામ પોતાના શિષ્ય અંકિતને સોંપ્યું. અંકિતે લાંબા સમયની શોધ બાદ કબીર ઉપર દાસ્તાન લખવાનું કામ પૂરૂં કર્યું.

“અમારી કળા એટલા માટે પણ અલગ પડે છે કારણ કે તેમાં ઇતિહાસ, સાહિત્ય અને અભિનયનો સંગમ છે. કબીરમાં તે તમામ ગુણો હતા. અને એટલે જ તેઓ દાસ્તાનગોઈ માટે એક આદર્શ વ્યક્તિ હતી. કબીરે પોતાનો કોઈ દોહો લખ્યો નહોતો તે પણ દાસ્તાનગોઈની જેમ એક મૌખિક પરંપરાની જ કવિતાઓ લખતા હતા. કબીર મને વણતા ચાલ્યા ગયા, મારા વિચારોમાં આવ્યા અને કહ્યું, ‘સુનો ભાઈ સાધો’ અને મેં સાંભળવાનું શરૂ કર્યું.”

‘સાઈ ઇતના દીજિયે...’

સમયની સાથે અંકિતની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. હવે તેઓ મોટાભાગનો સમય લખવા-વાંચવામાં વીતાવે છે. એક સાચા વેપારી તરીકે તેઓ જાણે છે કે તેમનું કામ એક લાંબાગાળાનું રોકાણ છે. છલાંગ લગાવવા કરતાં તરતાં રહેવું વધારે જરૂરી છે.

અંકિત આધુનિકતાને કલામાં ઢાળે છે અને માને છે કે વર્તમાનનું કામ ઇતિહાસ અને ભવિષ્ય વચ્ચે સેતુ બનાવવાનું છે. દાસ્તાનગોઈનાં મૂળિયાં હંમેશા પરંપરા સાથે જોડાયેલાં રહેશે તેમ છતાં પણ જો નવી વાર્તાને કારણે દાસ્તાનગોઈની પરંપરા આગળ વધતી હોય અને તેના કારણે દાસ્તાનગોનું પેટ ભરાતું હોય તેમજ પરિવારનું પોષણ થતું હોય તો તેમાં દાસ્તાનગો અને દાસ્તાનગોઈ બંનેની જીત થયેલી ગણાશે. પોતાની શોધ માટે તેઓ શિક્ષક, અધ્યાપકો, રંગકર્મીઓ, સંગીતકાર, નગરપાલિકા, વગેરે સાથે મળીને કામ કરે છે અને તેમની સાથે કામ કરવામાં તેમને ખૂબ જ આનંદ આવે છે.

image


‘ધીરે-ધીરે રે મના...’

આટલી સફળતા અને નામ મેળવ્યા છતાં દાસ્તાનગોઈના રિવાજ અને પોતાના શ્રોતાઓ તરફથી મળતા પ્રેમે અંકિતને વિનમ્ર બનાવી રાખ્યા છે.

તમે કોર્પોરેટમાં સારી નોકરી કરો તો તમને બોનસ મળે છે. અમારું બોનસ અમારા શ્રોતાઓ છે. આ કામમાં જે શાંતિ મળે છે તે કોઈ અન્ય ક્ષેત્રમાં શક્ય નથી. ઘણા શ્રોતાઓ મને કહે છે કે અમારું કામ દેશનો ઇતિહાસ, આપણી સભ્યતા, ભાષા અને આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરે છે. ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે.

અંકિત અને તેના જેવા કેટલાંયે યુવાનો આજે દાસ્તાનગોઈની કલાને સંપન્ન કરવામાં જોડાયેલા છે. તેમનું એક મોટું યોગદાન બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ માટે દાસ્તાન લખવામાં છે. ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’થી પ્રેરણા લઇને તેમણે તાજેતરમાં જ ‘દાસ્તાન એલિસ કી’ પૂરી કરી છે.

અંકિત અબ્દુર રહીમ ખાન-એ-ખાનાં ઉપર પણ સંશોધન કરી રહ્યા છે. તે અકબરનાં દરબારનાં નવરત્નો પૈકીના એક હતા. થોડા સમય પહેલાં તેમણે ‘દાસ્તાન દારા સિકોહ કી’નું કામ પૂરૂં કર્યું છે. જ્યારે નવા કલાકારોને સલાહ આપવાની વાત આવે છે ત્યારે અંકિત કહે છે,

“આપણે પોતાની વાર્તા લખવી જોઇએ. પોતાની પ્રતિભાને સમજવી અને અંદરનાં અવાજને શોધવો જરૂરી છે. તે જ તમારી શ્રેષ્ઠ વાર્તા હશે. અને બજારમાં વેચાતી ફિલ્મી તેમજ ક્રિકેટરોની વાર્તા કરતાં ઘણી શ્રેષ્ઠ હશે.”