સરકારના 'બહેરા કાન' સામે પહેલવાનની 'મૂક ચીસો'

માટી અને કાદવમાં ખરડાયેલું શરીર, આંખોમાં ચમક અને વિરેન્દર સિંઘ કુસ્તીના મેદાનમાં તેના પ્રતિસ્પર્ધીની આસપાસ ગોળ ફરીને તેની સ્થિતિનો તાગ મેળવતો. એકાએક લોકોના આશ્ચર્ય વચ્ચે તે પોતાના કરતા મજબૂત દેખાતા કુસ્તીબાજને ઉંચકતો અને કેટલાક દાવ બાદ વિરેન્દર પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દેતો. આસપાસ ભેગા થયેલા લોકો હર્ષ અને ઉલ્લાસની ચિચિયારીઓથી વિરેન્દરને વધાવી લેતા પણ તેના માટે આ ચિચિયારીઓ મૌનના પડઘા સમાન રહેતી. બીજી તરફ તે પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી શકતો નહીં કારણ કે તેનો ઉત્સાહ પણ મનની દીવાલોથી નીકળીને મોંઢાની દીવાલો વચ્ચે પડઘાયા કરતો પણ બહાર આવી શકતો નહીં. તેનું એકમાત્ર કારણ એ હતું કે 28 વર્ષનો આ કુસ્તીબાજ બોલી કે સાંભળી શકતો નહોતો.

સરકારના 'બહેરા કાન' સામે પહેલવાનની 'મૂક ચીસો'

Monday October 12, 2015,

3 min Read

આ પડકારોએ તેને ક્યારેય ભારત માટે પાંચ આંતરરાષ્ટ્રીય મેડલ જીતવામાં અવરોધ ઉભો કર્યો નથી. તેણે પહેલો ગોલ્ડ મેડલ 2005માં મેલબોર્ન ખાતે યોજાયેલી ડેફલિમ્પિક્સમાં મેળવ્યો હતો અને ત્યારબાદ 2013માં બીજો ગોલ્ડ બલ્ગેરીયા ખાતેના ડેફલિમ્પિક્સમાં મેળવ્યો હતો. તે ભારતના ‘ગુંગા પહેલવાન’ છે.

તેને એ રીતે ટ્રેઈનિંગ આપવામાં આવી છે કે તે સાંભળી અને બોલી શકતા કુસ્તીબાજો વચ્ચે પણ કુસ્તી કરીને તેમને હરાવી શકે છે. છત્તરસાલ સ્ટેડિયમ ખાતે તેણે ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે પ્રબળ દાવેદાર ગાણાતા સુશિલકુમાર સહિતના અનેક કુસ્તિબાજોને હરાવ્યા હતા. તે અને સુશિલ બાળપણમાં પણ સાથે કુસ્તી કરતા હતા અને આજે પણ સાથે જ તૈયારીઓ કરે છે. તેમ છતાં વિરેન્દરને અધિકારીક રીતે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો નથી.

ઈન્ડિયન ઈન્ક્લ્યુઝન સમિટ દરમિયાન બેંગલુરું ખાતે વિરેન્દર અમને મળ્યો ત્યારે તેણે ઈશારાથી અને ચહેરા પર સ્મિત રેલાવતા કહ્યું હતું, “હેલ્લો.. હું ‘ગુંગા પહેલવાન’ છું. તેના ચહેરા પર ગુંગા પહેલવાન હોવાનો અહોભાવ સ્પષ્ટ દેખાય છે.”

મને આઘાત ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે વિરેન્દરે ભારત માટે અનેક મેડલ્સ મેળવ્યા છે છતાં તેને નથી કોઈ વળતર મળતું કે નથી કોઈ એવોર્ડ મળતા. પોતાનું ગુજરાન ચલાવવા તે હરિયાણા પાવર કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી કરે છે. તે ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં દેશી કુસ્તી રમવા જાય છે. તેના કરતા પણ આઘાતજનક એ હતું કે, 2004ના ડેફલિમ્પિક્સમાં રમવા જવા માટે તેણે જાતે તમામ ખર્ચ કરવો પડ્યો હતો. આ ઓલિમ્પિકમાં તેણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમ છતાં 2008માં પણ તેણે પોતાના જ ખર્ચે વર્લ્ડ ડેફ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જવું પડ્યું. આખરે 2013માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેને તમામ ખર્ચ સાથે ડેફલિમ્પિક્સમાં મોકલ્યો.

image


વિરેન્દરનું એક જ સ્વપ્ન છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. જે લોકોએ તેને કુસ્તી રમતો જોયો છે તેઓ તેના ચાહક છે. મહત્વની વાત એ છે કે બધિર એથલિટ પણ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે. 2012ના લંડન ઓલિમ્પિકમાં અમેરિકાના ત્રણ બધિર એથલિટે ભાગ લીધો હતો. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા હજી સુધી વિચારો જ કરી રહ્યું છે.


વિરેન્દ્ર પ્રત્યે સદભાવના જાગતા મિત જાની, પ્રતિક ગુપ્તા અને વિવેક ચૌધરી નામના ત્રણ યુવાનોએ વિરેન્દરની વાત દુનિયા સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. તેમના દ્વારા બનાવવામાં આવેલી એક કલાકની ડોક્યુમેન્ટ્રી ‘ગુંગા પહેલવાન’ તેને રિયો-16માં મોકલવાના અભિયાન સમાન હતી. મિત, પ્રતિક અને વિવેક જણાવે છે કે વિરેન્દરનું સ્વપ્ન છે કે તે 2016ના રિયો ઓલિમ્પિકમાં ભાગ લે અને અમે તેના માટે તેને મદદ કરી રહ્યા છીએ.

વિવેક જણાવે છે કે, એ બાબત ખરેખર આઘાતજનક છે કે વિરેન્દરે આટલા બધા મેડલ્સ મેળવ્યા છે છતાં તેને કોઈ આર્થિક વળતર કે રોકડ ઈનામ આપવામાં આવ્યું નથી. વિરેન્દર દર વર્ષે 20 થી 25 જેટલી દેશી કુસ્તી લડતો હશે જેમાં 5,000 થી 1,00,000 સુધીનું ઈનામ હોય છે. તે અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ હાર્યો હતો અને તે પણ રેફરીની ભૂલના કારણે. આ સિવાય તે તમામ મેચ જીત્યો છે. મહત્વની વાત એ છે કે તે 74 કિલોનો હોવા છતાં 100 કિલોના કુસ્તીબાજ સાથે લડે છે અને તેને પરાજય આપે છે.

‘ગુંગા પહેલવાન’ માટે સમર્થન અને સહાય મેળવવાનું અભિયાન ચાલુ જ છે. આ એક એવું અભિયાન છે જેમાં ગુંગા પહેલવાન ફિલ્મને પણ સાથ સહકાર આપવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે. આ ફિલ્મ દ્વારા જ ગુંગા પહેલવાનની ક્ષમતા, સ્વપ્નો અને જરૂરિયાતને વાચા મળી છે. લોકો આ માટે આગળ આવે અને તેને મદદ કરે જેથી તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે.

નીચેની લીંકથી તમે પણ ગુંગા પહેલવાન માટે ચાલતા અભિયાનને સમર્થન આપી શકો છો.

https://www.wishberry.in/campaign/goonga-pehelwan/