બિમાર લોકો અને તેમના પરિવારની જિંદગીમાં સાનુકુળતા લાવ્યું પોર્શિઆ

0

જે પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબી કે ગંભીર બિમારીથી પીડાતી હોય ત્યાં પીડા, દુઃખ, વેદના, અવગણના અને અયોગ્ય સારવાર અને સંભાળની સ્થિતિ જોવા મળતી હોય છે.

હાલના સમયમાં ન્યુક્લિયર થઈ રહેલા પરિવારો અને કામકાજી દંપત્તીનું જીવન ખૂબ જ ઝડપી બની ગયું છે, ખાસ કરીને શહેરી લોકોનું. આ લોકો માટે પરિવારના બિમાર સભ્યની સારવારમાં જોડાઈ રહેવું કે સમય આપવો ખૂબ જ કપરું કામ સાબિત થઈ રહ્યું છે. તેમની પાસે વિકલ્પો પણ મર્યાદિત હોય છે, ક્યાં તે પરિવારના સભ્યની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી અથવા તો કોઈ નર્સ અથવા અન્ય વ્યક્તિને સારસંભાળ માટે રાખવી. આવા કામ માટે યોગ્ય અને લાયકાત ધરાવતી વ્યક્તિ મળવી પણ મુશ્કેલ છે.

આવી જ લાગણી કે. ગણેશ અને મીના ગણેશને થઈ જ્યારે તેમના પરિવારના સભ્યને કેન્સર થયું હતું. ઉદ્યોગસાહસિક અને રોકાણકાર તરીકે કામ કરતા બંને માટે ભારતમાં ઘરે રહીને સારવાર કરે તેવી વ્યક્તિની શોધ મુશ્કેલ હતી. આ સમયે પતિ અને પત્નીએ તેમનું પૂર્વ સાહસ ટ્યુટર વિસ્ટા છોડી દીધું અને અન્ય અવસર શોધવા લાગ્યા.

2013માં શરૂ થયેલા પોર્શિઆના સહસ્થાપક મીના જણાવે છે,

"અમે જોયું કે ભારતમાં ગુણવત્તાસભર હોમ હેલ્થકેર મળવું ખૂબ જ મુશ્કેલ કામ હતું અને આ ક્ષેત્રમાં વિશાળ તક રહેલી હતી."

વિકાસ

તેની શરૂઆત બેંગલુરુમાં આવેલી એક નાનકડી ઓફિસથી થઈ હતી. તેમની પાસે ત્યારે બેંગલુરુ અને દિલ્હી એનસીઆરના 50 જેટલા ગ્રાહકો અને એક નાનકડી ટીમ હતી. આજે પોર્શિઆ પાસે ભારત અને મલેશિયામાં 3,500 જેટલા કર્મચારીઓ છે જે દર મહિને 60,000 દર્દીઓના ઘરે સારવાર માટે જાય છે.

ગત વર્ષે પોર્શિઆની આવકમાં 200 ટકાનો વધારો નોંધાયો હતો તથા ઘરે વિઝિટ કરાવનારા ગ્રાહકોની સંખ્યા પણ 151 ટકા વધી હતી. તે ઉપરાંત એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ 91 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમનો દર્દીઓનો ડેટાબેઝ પણ 307 ટકા વિસ્તર્યો હતો. તેમના કર્મચારીઓની સંખ્યા પણ 255 ટકા વધીને 2,300 થઈ હતી. કંપનીએ તેમની આવક અને વર્તમાન ટાર્ગેટ જણાવવાની મનાઈ કરી હતી.

પોર્શિઆને એક્સેલ પાર્ટનર્સ તથા વર્લ્ડ બેંક ગ્રૂપના સભ્ય એવા ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન જેવા બે સભ્યો તરફથી તથા ક્વોલકોમ વેન્ચર્સ અને વેન્ટુરેસ્ટ તરફથી 46.5 મિલિયન ડોલરનું ભંડોળ મળ્યું છે. તેમણે હાલમાં જ મેડીબિઝ ફાર્મા નામના સ્પેશિયાલિટી ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરને ખરીદી લીધું હતું જેથી ભારતમાં ગંભીર બિમારીઓથી પીડાતા લોકોને યોગ્ય સારવાર અને સારી દેખભાળ મળી શકે.

મીના વધુમાં જણાવે છે,

"અમે માનીએ છીએ કે અમારી અસર આંકડાઓથી ક્યાંય દૂર છે અને અમે એક એવા ઉદ્યોગનું સર્જન કર્યું છે જેનું ક્યારેય અસ્તિત્વ જ નહોતું. તેના દ્વારા અમે ભારતના હોમ હેલ્થકેર સેક્ટરમાં કન્ઝયુમર હેલ્થકેરના વિચાર સાથે વિઝન, વિશ્વસનિયતા અને સાતત્યતા લાવ્યા છીએ."

પોર્શિઆની સેવાઓ ઉપલબ્ધ થયા પહેલાં અનેક પરિવારોને વારંવાર ડૉક્ટર પાસે જવું પડતું, વિવિધ વિસ્તારોમાં ફરવું પડતું જેથી તેમની માગ પ્રમાણેની હેલ્થકેર સેવાઓ મળે, સામાન્ય પ્રાથમિક સારવાર મળે, ઓપરેશન પછીની સારવાર અને સંભાળ મળે, રોજિંદા ચેકઅપ મટે તથા નિદાન, મેડિકલના સાધનો અને વિશેષ દવાઓ મળે. દર વખતે આ સેવાઓ મળી જ રહે તેવું પણ શક્ય નહોતું. ઉદાહરણ તરીકે કોઈ એક્સિડન્ટ અથવા તો સ્પોર્ટ્સ ઈન્જરીથી પીડાતું હોય તો તેને ઘરની પાસે જ ફિઝિયોથેરાપીની સારવાર મળે તેવું શક્ય નથી હોતું.

મીના જણાવે છે, "અમે એક એવું ફ્રેમવર્ક તૈયાર કર્યું છે જેનાથી પોર્શિઆ માત્ર સહાયક તરીકે ઉપસીને સમગ્ર પરિવારના હેલ્થકેરની જરૂરિયાત પૂરી કરી આપશે. આ કંપની પરિવારના તમામ સભ્યો માટે હોમકેર, મેડિકલ ઈક્વિપમેન્ટ, લેબોરેટરી ટેસ્ટથી માંડીને ડોક્ટરની તપાસ સુધીની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે."

હેલ્થકેરમાં ટેક્નોલોજીનું આગમન

મીના વધુમાં જણાવે છે કે, અમે રિમોટ ડોયોગ્નોસ્ટિક જેવી ટેક્નોલોજીની મદદથી આ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીને ખેંચી લાવ્યા છીએ. પોર્શિઆ ટેક્નોલોજીની મદદથી ઘણા સાધનોનું સંચાનલ કરે છે તથા દર્દીઓને વિવિધ સેવાઓ આપે છે અને ગુણવત્તાસભર કામગીરી કરીને દરેક બાબતોનું ધ્યાન રાખે છે.

પોર્શિઆ દ્વારા પોઈન્ટ ઓફ કેર ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેઓ દર્દીઓના ઘરે રહેલા સાધનોનું ધ્યાન રાખવા રિમોટ મોનિટરિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે. જ્યારે પોર્શિઆના ડૉક્ટર કે અન્ય કર્મચારીઓ દર્દીના ઘરે તેને જોવા જાય છે ત્યારે તે તમામ માહિતી પોતાના ડેટાબેઝમાં નાખે છે જે સ્માર્ટફોન દ્વારા ઈએમઆર માધ્યમ પર આવી જાય છે. આ માધ્યમ માહિતીને ધ્યાનમાં રાખીને તથા તેનું પૃથ્થકરણ કરીને તે ક્ષેત્રમાં ચાલતા ટ્રેન્ડ, ટ્રિટમેન્ટ વિશે જણાવે છે તથા દર્દીની તબિયત બગડતી જતી હોય તો પણ ડોક્ટરને તેની જાણ કર્યા કરે છે.

તેમાં રાખવામાં આવેલું અલગોરિધમ દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને એલર્ટ આપ્યા કરે છે અને જો અન્ય કોઈ દવા ડોક્ટરની જાણ બહાર કે અન્ય રીતે આપવામાં આવી હોય તો તેના રિએક્શન અંગે પણ માહિતી મેળવી લે છે.

પોર્શિઆના દર્દીઓને તેમની સારવારની સાથે તેમની પોતાની સ્થિતિ અંગે વિહંગાવલોક મળે છે. તે ત્રણ તબક્કામાં હોય છે. દાક્તરી સેવા આપનારા કર્મચારીઓનું કામ અને અન્ય બાબતોનું નિરિક્ષણ પોર્શિઆના મેડિકલ ડાયરેક્ટર કરે છે. પોર્શિઆની ટીમ કન્સલ્ટિંગ સ્પેશિયાલિસ્ટ અને દર્દીના ડૉક્ટર સાથે જોડાણ કરવાનું પણ કામ કરે છે.

પડકારો

પોર્શિઆની સેવાઓ શરૂ થઈ ત્યારે સૌથી મોટો પડકાર હોમ હેલ્થકેર અંગે જાગરૂકતા લાવવાનો જ હતો.

મીના જણાવે છે કે, કોઈપણ ક્ષેત્રમાં કન્ઝ્યુમર બ્રાન્ડ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે અને તેમાંય હેલ્થકેર ક્ષેત્રમાં તો ખાસ. તેનું મુખ્ય કારણ એ છે કે અનુકુળ રીતે અને વ્યાજબી ભાવે ગુણવત્તાને જાળવી રાખવી જ સૌથી મોટો પડકાર છે, કારણ કે આ ખૂબ જ અંગત અને લાગણીઓ સાથે જોડાયેલો વ્યવસાય છે.

તેમની ટીમ દ્વારા પારંપરિક રસ્તાઓ જેમ કે માઉથ પબ્લિસિટી, રેડિયો અને કેમ્પેન તો કરવામાં આવે જ છે પણ તેઓ એપાર્ટમેન્ટ, કોમ્પલેક્સીસ અને કોર્પોરેટ ઓફિસમાં પણ કેમ્પનું આયોજન કરે છે. વિવિધ કાર્યો કરી શકે તેવી મજબૂત ટીમ તૈયાર કરવી તે પણ પોર્શિઆ માટે એટલું જ મહત્વનું છે.

મીના જણાવે છે,

"આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની પ્રોફાઈલમાં ઘણી વિવિધતા છે, કારણ કે અમારા ઘણા કર્મચારીઓ જાણીતી બિઝનેસ સ્કૂલ, એન્જિનિયરિંગમાંથી આવે છે તો બીજી તરફ અમે ગામડાં અને નગરોમાંથી આવતા કર્મચારીઓને પણ યોગ્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ. આ લોકોને નોકરી પર રાખવાની સાથે તાલિમ આપવામાં આવે છે અને તેમને પોર્શિઆમાં નર્સના સાથી કર્મી તરીકે રાખવામાં આવે છે."

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા નર્સના સાથી કર્મચારીઓ પસંદ કરવામાં અને મોકલવામાં આવે છે. સામાન્ય ઈન્ટરવ્યૂ બાદ ઉમેદવારને એટિકેટ, સ્વચ્છતા, વર્તન અને ગ્રાહકની સંભાળ અંગની તાલિમ આપવામાં આવે છે.

પોર્શિઆ જે ક્ષેત્રમાં કામ કરે છે તેમાં ગ્રાહકની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

મીના ખુલાસો કરતા જણાવે છે,

"અમે જરૂરિયાતના સમયે આવતા પોર્શિઆના દર્દીને તથા તેના પરિવારને જાણીએ છીએ અને સમજીએ છીએ. અમારો ધ્યેય દર્દીને અપનાવીને સ્વસ્થ કરવાનો છે નહીં કે માત્ર તેની સારવાર કરવાનો."

પોર્શિઆના ઘણાં ગ્રાહકો માટે તેમની સેવા જરૂરિયાત બની ગઈ છે. પાન્ડુરંગા પાઈ અને તેમની પત્ની આવો જ એક કેસ છે. બેંગલુરુના મલ્લેશ્વરના રહેવાસી 80 વર્ષના પાન્ડુરંગા જણાવે છે, "મારા બંને પુત્ર અમેરિકામાં છે. તે લોકોને અમારી ચિંતા રહે છે, કારણ કે અમે અહીંયા એકલા છીએ, પણ જ્યારથી અમે પોર્શિઆનો સંપર્ક સાધ્યો છે ત્યારેથી સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. પોર્શિઆ તરફથી આવતી નર્સ અમને સાચી સલાહ આપવાની સાથે એ પણ ધ્યાન રાખે છે કે અમે દવા લઈએ છીએ કે નહીં અને અમારી સાથે સમય પણ પસાર કરે છે જેથી અમને તેની સાથે વાતો કરીને સારું લાગે."

અવસર

અમે માત્ર અમારી આસપાસ અને અમારા પરિવારમાં નજર કરીએ છીએ તો પણ અમને હોમ હેલ્થકેર ક્ષેત્રમાં ઘણા અવસર દેખાય છે. ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર હાલમાં સારી હાલતમાં છે. ગ્લોબલ એજ વોચના મતે ભારતમાં મોટી ઉંમરના લોકોમાં 51 ટકા મોત કેન્સર, હાયપર ટેન્શન અને ડાયાબિટિસ જેવા રોગોના કારણે થતી હોય છે.

ગ્લોબલ એજ વોચના મતે 2050 સુધીમાં ભારતના 20 ટકા લોકો 60 વર્ષના થઈ ગયા હશે અને તે સમયે હોમ હેલ્થકેર આવશ્યક બની જશે.

આ તમામ માહિતી તથા બંને લોકો નોકરી કરતા હોવાનો સામાજિક ટ્રેન્ડ સ્પષ્ટ રીતે જણાવે છે કે, હોમ હેલ્થકેર ટૂંક સમયમાં ભારતની મૂળભૂત જરૂરિયાત બની જશે. ઈન્ડિયા હોમ હેલ્થકેર, એપોલોનું યુનિક હોમ કેર, હિલર્સ એન્ડ હોમ તથા નાઈટિંગલ્સ જેવા સ્પર્ધકો સાથે પોર્શિઆ દર્દીઓના એક વિશાળ બજારને સાંકળી રહ્યું છે જેમાં સમયાંતરે વધારો થઈ રહ્યો છે.લેખક- સિંધુ કશ્યપ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

Related Stories