એક અનોખી બૅંક જે દર વર્ષે હજારો બાળકોના જીવનમાં કરે છે આનંદની વૃદ્ધિ!

એક અનોખી બૅંક જે દર વર્ષે હજારો બાળકોના જીવનમાં કરે છે આનંદની વૃદ્ધિ!

Wednesday January 06, 2016,

5 min Read

“આ બધું ત્યારથી શરૂ થયું જ્યારે મારા મનમાં મારા બાળપણનો વિચાર આવ્યો. મને થયું કે હું બાળક હતી ત્યારે મારા પેરેન્ટ્સ મને ન જોઈતા કે ન ગમતા રમકડાંનું શું કરતા હશે?”

તેને તેના માતા-પિતાએ શીખવ્યું હતું કે આ રમકડાં એમને આપી દેવા જેની પાસે નવા ખરીદવાની ક્ષમતા ન હોય. તે સમયથી આ કામ તેના મનમાં વસી ગયું હતું.

“મારી પાડોશમાં રહેતા તે બાળકોના ચહેરા પરની ખુશી મને સાત વર્ષની ઉંમરે પણ અત્યંત પ્રસન્ન કરી દેતી. એક વખત મારા પિતાએ એક વિચાર રમતો મૂક્યો કે, તમારા વધારાના કે તૂટેલા અથવા તો ગમતાં ન હોય તેવા રમકડાં ગરીબ બાળકોનો આપો અને ત્યારથી ‘ટૉય બૅંક’ની શરૂઆત થઈ. મારા મગજમાં આ વિચાર ઘર કરી ગયો અને હું આ પ્રોજેક્ટ તરફ ખેંચાતી ગઈ. હું અને મારા મિત્રો તૂટેલા રમકડાંને રિસાઈકલ કરીને આ બાળકોના ચહેરા પરના સ્મિતને રિસાઈકલ કરી પાછું લાવવા મથીએ છીએ. હું 18 વર્ષની હતી ત્યારથી મેં ‘ટૉય બૅંક’ શરૂ કરી હતી.”

વિદ્યુન ગોએલ, આજે 28 વર્ષની છે અને ફુલ ટાઈમ જોબ કરે છે છતાં ‘ટૉય બૅંક’નું સારી રીતે સંચાલન કરે છે.

‘રિસાઈકલ ટૉય્ઝ- રિસાઈકલ સ્માઈલ્સ’ના સૂત્ર સાથે તેઓ પોતાની ‘ટૉય બૅંક’ ચલાવે છે જે બાળકો અને રમકડાં વચ્ચેનું અંતર ઓછું કરે છે. અહીંયા તફાવત એટલો જ છે કે તેઓ બાળકના બુદ્ધિઆંક અને લાગણીઓના આધારે તેને રમકડાં આપે છે.

image


કેમ રમકડાં જ?

તે માત્ર મનોરંજન માટે નથી. જ્યારે રમકડાંની વાત આવે છે ત્યારે તે બાળકની પૃથ્થક્કરણની અને બુદ્ધિમતાની ક્ષિતિજોનો વિસ્તારે છે. તે બાળકના માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસમાં મદદ કરે છે તથા તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરી તેમને શ્રેષ્ઠ વ્યક્તિ બનવામાં મદદ કરે છે. છેલ્લાં એક દાયકાથી આ કામ કરતી વિદ્યુન જણાવે છે કે કેવી રીતે રમકડાં બાળકોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ડેવલપમેન્ટ ઓફ મોટર સ્કિલ્સ, બાળક જ્યારે ક્યાંક જતાં, ગ્રાહ્ય કરતાં, દોડતા, ભાખોડીયા ભરતા અને સંતુલન જાળવતા શીખે છે ત્યારે તેની શારીરિક ક્ષમતા અને કૌશલ્યનો વિકાસ થાય છે. બાળક જ્યારે નાના નાના રમકડાં પકડે છે ત્યારે તેની અન્ય આવડતો વિકસે છે. બાળક જ્યારે કોઈ રમકડું કે અન્ય વસ્તુ પકડતા શીખે છે ત્યારે તેનામાં નિપુણતા આવવાની શરૂઆત થાય છે.

સંજ્ઞાત્મક કૌશલ્ય- રમત દ્વારા સમસ્યાનું નિવારણ (કારણો અને અસર) લાવવું. રમત દ્વારા જ યાદશક્તિ અને એકાગ્રતાનો વિકાસ કરવો.

ભાવનાત્મકતા, એટલે કે, રમત દ્વારા જ બાળક પોતાની ઈચ્છાઓ જાણે તથા ભય અને ખરાબ અનુભવોમાંથી બહાર આવવા પ્રયાસ કરે. રમત દ્વારા જ બાળક પર્યાવરણ બચાવતા અને તેની જાળવણી કરતા શીખશે તથા શીખવશે.

શૈક્ષણિક રમતો દ્વારા જ બાળક પોતાની વસ્તુ બીજાને આપતા શીખે તો તેનામાં સૌથી મોટી સામાજિક ક્ષમતાનો વિકાસ થાય છે. શૈક્ષણિક રમકડાં દ્વારા તે શીખવી શકાય છે.

image


મોડસ ઓપરેન્ડી, કલેક્શન

ઘરે ઘરેથી રમકડાં ભેગા કરવામાં આવે છે. દિલ્હીમાં 20 જેટલા સ્થળોએ જ્યાં સ્વયંસેવકો રહે છે અથવા તો તેમની ઓફિસ છે તેને કલેક્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. આ લોકો સ્વૈચ્છિક રીતે પોતાને ત્યાં થોડી જગ્યા ફાળવીને તેને કલેક્શન સેન્ટર બનાવે છે.

સ્કૂલ અને કોર્પોરેટ ઓફિસમાંથી ઉઘરાણી : સ્કૂલમાંથી ચોક્કસ પદ્ધતિના આધારે રમકડાં ઉઘરાવવામાં આવે છે. ‘ટૉય બૅંક’નો પ્રતિનિધી સ્કૂલમાં જઈને ઈચ્છિત વસ્તુઓની કે રમકડાંની યાદી આપે છે. સ્કૂલમાં રહેલી વ્યક્તિ યાદી પ્રમાણેના રમકડાં ભેગા કરવાની ખાતરી આપે છે.

image


રિસાઈકલિંગ અને વહેંચણી

દરેક રમકડાંને તપાસવામાં આવે છે અને જો તે તૂટેલું જણાય તો તેને સાંધવામાં પણ આવે છે. જ્યારે રમકડાં દરેક તબક્કે તપાસીને યોગ્ય કરવામાં આવે છે ત્યારે તેની સફાઈ કરી તેને ફરીથી પેક કરવામાં આવે છે. આ રમકડાં બાળકોને આપવામાં આવે છે અથવા તો ટૉય લાઈબ્રેરીમાં મૂકવામાં આવે છે જેથી બાળકો તેને રમવા લઈ જઈ શકે અને પરત આપે. આ રીતે બાળકોમાં રમકડાં ફરતા રહે છે.

રમકડાંનું વિતરણ સૌથી મોટો પડકાર હતો. તેમણે પહેલાં દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં, અનાથ આશ્રમો અને આશ્રયગૃહોમાં રમકડાનું વિતરણ શરૂ કર્યું હતું. થોડા સમયમાં તેમને આભાસ થયો કે ભારતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં સામાન્ય સુવિધાઓ પણ નથી તેવા સ્થળોએ આ પહોંચાડવા જોઈએ. વિદ્યુન જણાવે છે કે, અમારા માટે સૌથી મોટી તકલીફ એ હતી કે દિલ્હી બહાર અમારી પાસે સ્વયંસેવકો નહોતા. અમે લોકોએ આ માટે પાયાગત કામ કરતી સંસ્થાઓ જેવી કે ટેક ફોર ઈન્ડિયા, સમાજ પ્રગતિ સહયોગ, સ્વાલંબન, એલ.વી.પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ વગેરે જેવા સાથે જોડાણ કર્યું. તેઓ દિલ્હીથી રમકડાં ભારતીય રેલવે દ્વારા નજીકના સ્ટેશનોએ પહોંચાડતા અને તેમની સાથી સંસ્થાઓ તેનું વિતરણ કરતી.

કેટલાક આશ્ચર્યજનક તથ્યો

‘ટૉય બૅંક’ એ વાતની સાબિતી છે કે દરેક વખતે કોઈ કામ કરવા માટે મોટું ભંડોળ અને મોટી ટીમની જરૂર પડે છે. તેમણે ક્યારેય ભંડોળ એકત્ર કર્યું નથી અને તેમની પાસે કાયમી કર્મચારીઓ પણ નથી. સ્કૂલના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ગૃહિણીઓ અને શિક્ષકો જેવા સ્વયંસેવકો તેમની પાસે છે. તેઓ દર વર્ષે 48,000 બાળકોના જીવનમાં આનંદ ફેલાવે છે.

પડકારો

તેઓ જણાવે છે કે, અમારા માટે સૌથી મોટો પડકાર હતો કે સમગ્ર ભારતમાં રમકડાં પહોંચાડવા માટે લોજિસ્ટિક સેવાઓ ઉભી કરવી. તેમણે દિલ્હી અને તેની આસપાસની લોજિસ્ટિક સેવાઓ આપતી એજન્સીઓ જોડે ગોઠવણ કરીને રમકડાં ભેગા કરતા અને તેને રિસાઈકલ કરીને તેમની જ મદદથી તેનું વિતરણ પણ કરાવતા. ‘ટૉય બૅંક’ વિકેન્દ્રીકરણનું માળખું અપનાવીને મેટ્રો અને મોટા શહરોમાં રમકડાનું કલેક્શન કરવું તથા વિતરણ કરવું જેવી સેવાઓ માટે કલેક્શન સેન્ટર તૈયાર કરવા માગે છે.

image


સમગ્ર ભારતમાં રમકડાંનું વિતરણ કરવાનું તેમનું સ્વપ્ન સામાન્ય નથી. વિસ્તરણનો સીધો સંબંધ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ સાથે છે. તેઓ આ ખર્ચને પહોંચી વળવા માટે લોકો પાસેથી ભંડોળ ભેગું કરી રહ્યા છે.

"એક સમય હતો જ્યારે અમે અમારા કામ અંગે સવાલો કરતા હતા કે ખરેખર તે અસરકાર રહેશે કે કેમ? આજના સમયમાં દરરોજ અમારી સાથે જોડાયેલી સંસ્થાઓનો ફોન આવે છે અને અમારા તરફથી મોકલાવવામાં આવતા રમકડાં અંગે આભાર વ્યક્ત કર છે. આ દ્વારા બાળકોની આવડતમાં વધારો કરવામાં આવે છે, તે ઉપરાંત વર્ગોમાં અને આંગણવાડીઓમાં રમકડાંની મદદથી જ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરરોજ રમકડાંના વિતરણ દ્વારા તે લોકોના ચહેરા પર અને બાળકોના ચહેરા પર જે આનંદ જોવા મળે છે તે હૃદયસ્પર્શી હોય છે. તેના કારણે જ અમે અનેક પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં આ કામ કરતા રહીએ છીએ." 

"અમારું એક જ સ્વપ્ન છે કે દરેક બાળકને રમકડાંના માધ્યમથી રમવાનો, શીખવાનો અને વિકસવાનો અધિકાર મળે."

વેબસાઈટ

ફેસબુક પેજ

લેખક- સ્નિગ્ધા સિહા

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ