અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’

0

કોઈપણ મજબૂત સમાજનો આધાર હોય છે તેના બાળકો અને યુવાનો. તેના કારણે જ કહેવાય છે કે બાળકોનો પાયો મજબૂત હશે તો તેમની જિંદગી સુખી પસાર થશે અને દેશ પણ પ્રગતિ કરશે પણ આપણા સમાજનો એક ભાગ એવો પણ છે જેમાં બાળકોને તેમની મૂળભૂત જરૂરિયાતોની સુવિધા પણ યોગ્ય રીતે મળતી નથી. આવા બાળકો મૂળભૂત રીતે ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી આવતા હોય છે અને આખી જિંદગી પરિવારનું ભરણપોષણ કરવામાં જ પસાર કરી દે છે. આવા બાળકોના વિકાસ અને તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરે છે નાગપુરના અભિજીત વાત્સે.

પીએચડી રિસર્ચર અભિજીત વાત્સે યોરસ્ટોરીને જણાવે છે,

"બે વર્ષ અમેરિકામાં રહ્યા બાદ 2015માં હું ભારત આવ્યો, મેં ત્યાં કામ કરવા દરમિયાન અનુભવ્યું કે મારા જીવનનો ઉદ્દેશ માત્ર મારા માટે જ કામ કરવાનો નથી પણ બીજા ગરીબ અને લાચાર બાળકો માટે કામ કરવાનુંય મારું લક્ષ્ય છે."

ભારત પરત આવ્યા બાદ તે એક એનજીઓ સાથે જોડાયા. આ એનજીઓ પહેલેથી જ ઝુંપડાવાસી બાળકોને ફૂટબોલની ટ્રેનિંગ આપવાનું કામ કરતી હતી અને તેનું એકમાત્ર સેન્ટર નાગપુરમાં હતું. અહીંયાથી ફૂટબોલ રમીને આગળ જનારા કેટલાક બાળકોને બાદમાં સરકારી નોકરી પણ મળી હતી.

અભિજીતે આ એનજીઓ સાથે જોડાઈને તેના વિકાસ અંગે વિચાર કર્યો. તેણે નક્કી કર્યું કે તે સ્લમ સોકરને દેશના બીજા ભાગમાં પણ વિકસિત કરશે. તેના માટે તેણે દેશની ઘણી ફૂટબોલ ક્લબ સાથે વાત પણ કરી અને ઘણી ક્લબોએ તેમને પોતાની સાથે જોડીને નાગપુર, અમરાવતી, આકોલા જેવી જગ્યાઓની સાથે સાથે તમિલનાડુ, ચેન્નાઈ, કોઈમ્બતુર, પશ્ચિમ બંગાળ, માલદા, હાવડા અને હરિયાણાના સોનીપતમાં પણ સેન્ટર્સ શરૂ કર્યા. અભિજીત જણાવે છે, 

"હાવડામાં સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને વર્લ્ડ ક્લાસ ફિલ્ડ સાથે આધુનિક સુવિધાઓની મદદથી તાલિમ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સ્ટેડિયમ સ્લમ વિસ્તારમાં જ બનેલું છે."

તેઓ બાળકોને સોકરની સાથે સાથે મૂળભૂત શિક્ષણ અને લાઈફ સ્કિલની પણ તાલિમ આપે છે જેથી આગામી સમયમાં બાળકો તેના આધારે રોજગારનું સર્જન કરી શકે. તેમણે કેટલીક સ્કૂલો સાથે પણ જોડાણ કર્યું છે જેઓ આ બાળકોને રમત રમતમાં જ ગણિત, અંગ્રેજી અને લાઈફ સ્કિલ્સની તાલિમ આપી દે છે. તેનો મુખ્ય આશય એટલો જ છે કે ગણિત જેવા અઘરા વિષયો બાળકો સરળતાથી શીખી શકે. આ કામમાં વિવિધ સ્કૂલ તો મદદ કરે જ છે અને સાથે સાથે બાળકો પણ ધ્યાનથી અભ્યાસ કરે છે. અહીંયા છોકરા છોકરીને સમાન રીતે જ રાખવામાં આવે છે. સ્લમ વિસ્તારોમાં સ્લમ સોકરનો સમય પણ વિસ્તાર મુજબ નક્કી કરવામાં આવે છે. અહીંયાના મોટાભાગના બાળકો કામ પણ કરતા હોવાથી સવારે છ થી સાડા આઠ અને સાંજે ચાર થી છ વાગ્યા સુધી બાળકોને ફૂટબોલની તાલિમ આપવામાં આવે છે. સેન્ટરમાં આવનાર બાળકોની સંખ્યા સરેરાશ 8 વર્ષથી 18 વર્ષ હોય છે. હાલમાં તેમના સેન્ટરમાં 35 ટકા છોકરીઓ છે.

અભિજીત જણાવે છે,

"અત્યાર સુધીમાં લગભગ 80,000 બાળકોએ અમારી પાસેથી તાલિમ લીધી છે. હાલમાં 9,000 બાળકો અમારા સેન્ટરમાં રજિસ્ટર્ડ છે. તેમાં સૌથી વધારે બાળકો નાગપુર અને આસપાસના શહેરોના છે."

અભિજીત માને છે કે, તેમના સેન્ટરમાં તાલિમ લીધેલા બાળકો અલગ અલગ ક્લોબમાંથી રમે છે અને કેટલાક તો રાજ્યકક્ષાએ રમે છે. અમારા કેટલાક બાળકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને દેશને ગૌરવ અપાવ્યું છે. અભિજીત ગર્વ સાથે કહે છે,

"દર વર્ષે અલગ અલગ દેશોમાં થતા હોમલેસ વર્લ્ડકપમાં તેમના સેન્ટરના બાળકો પણ ભાગ લે છે. સમગ્ર ભારતમાં માત્ર અમારી સંસ્થા જ આવા બાળકોને પસંગદી કરે છે."

અભિજીત વધુમાં જણાવે છે, 

"ફૂટબોલ સમગ્ર રીતે રોજગાર આપનાર રમત નથી છતાં અમારે ત્યાંથી તાલિમ લેનારા 20 ટકા બાળકોનું કોઈ ક્લબ અને સ્કૂલમાં કોચ તરીકે સિલેક્શન થઈ જાય છે તો કેટલાક આ રમત સાથે જોડાયેલા બિઝનેસ શરૂ કરે છે." 

તે ઉપરાંત તેઓ ચાર છોકરાઓને કોચ અને બે છોકરીઓને નર્સિંગની તાલીમ પણ આપે છે.

ફંડિંગ અંગે અભિજીત જણાવે છે કે, તેમને ખેલાડીઓને તાલિમ આપવાનો, ખાવા-પીવાનો અને દેશ-વિદેશ મોકલવાનો ખર્ચ જાતે જ ઉપાડવો પડે છે. તેના માટે તેઓ અલગ અલગ જગ્યાઓએથી પૈસા ભેગા કરે છે. સલ્મ સોકરને દર વર્ષે ફીફા દ્વારા ફૂટબોલ ફોર હોપ પ્રોગ્રામ દ્વારા ભંડોળ મળે છે. કેટલાક લોકો તેમને જૂતા અને કપડાં આપે છે. ગત વર્ષે શેવરોલેએ કોલકાતામાં ફૂટબોલ પીચ અને રમતના અન્ય સાધનો સ્પોન્સર કર્યા હતા. તેવી જ રીતે ચેન્નાઈમાં ગણેશા તેમના પ્રોગ્રામ ચલાવવામાં મદદ કરે છે. હવે તેમની યોજના દેશના અન્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવાની છે જેથી બીજા સ્લમ વિસ્તારોના બાળકો પણ પોતાનો વિકાસ કરી શકે.

લેખક- હરીશ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત અન્ય સ્ટોરીઝ વાંચો:

એવા સ્ટેશન માસ્તર કે જે પહેલા પોતાના પગારમાંથી અને હવે પેન્શનમાંથી ગામના બાળકોને ભણાવે છે!

બાળકોની આ વાનરસેનાએ સિટી વગાડીને ઇન્દોરના 4 ગામોને ખુલ્લામાં શૌચક્રિયાની સમસ્યાથી કર્યાં મુક્ત!

એક ડ્રાઈવરનો એન્જિનિયર દીકરો આજે ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે!

Related Stories