'સોલર દીદી' વિશે વાંચીને તમને વિશ્વાસ થશે કે સ્ત્રીઓ કંઈ પણ કરી શકે છે!

'સોલર દીદી' વિશે વાંચીને તમને વિશ્વાસ થશે કે સ્ત્રીઓ કંઈ પણ કરી શકે છે!

Wednesday January 27, 2016,

3 min Read

સોલરથી ચાલતી દરેક મુશ્કેલીઓનું સમાધાન એટલે 'સોલર દીદી'!

કાનપુર પાસેના અનેક ગામોમાં સોલર સાથે જોડાયેલી વસ્તુઓ રિપેયર કરે છે 'સોલર દીદી'

પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે બની 'સોલર દીદી'


મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતા લોકોની સંખ્યા દુનિયામાં ઘણી છે. ઘણાં બધા લોકો એવા પણ છે જેમને બે ટંકનું જમવાનું પણ મળતું નથી. આવા સંજોગોમાં ખૂબ જ ઓછા લોકો એવા હોય છે, જેઓ મુશ્કેલીના સમયમાં હિંમત રાખી તનતોડ મહેનત કરવામાં લાગી જતાં હોય છે. એટલે જ તો કહેવાય છે કે સફળતા તેમને જ મળે છે જેમને પાણીમાંથી પણ રસ્તો કાઢતા આવડે છે. કાનપુર પાસે આવેલા એક ગામની વિધવા મહિલાએ કંઇક આવું જ અનોખું કાર્ય કરી બતાવ્યું છે.

ગુડિયા... હા, તેમનું નામ તો ગુડિયા જ છે, પરંતુ આજે આ ગુડિયા કાનપુરના ડઝનો ગામોમાં રહેતા લોકો માટે 'સોલર દીદી' બની ચૂક્યા છે. સાંભળવામાં આશ્ચર્ય ઉત્પન કરે છે પરંતુ હકીકત તો એ જ છે કે સોલર દીદી બનવા માટે ગુડિયાએ ઘણો સંઘર્ષ કર્યો છે. જે ક્ષેત્રમાં હંમેશાં પુરુષોનું જ વર્ચસ્વ રહ્યું છે, તે ક્ષેત્રેમાં ગુડિયાએ પોતાની મહેનત દ્વારા સોલર મિકેનિકનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

image


આજની સોલર દીદી અને કાલની ગુડિયા રાઠોડ કાનપુરના વિધાનુ વિસ્તારના હડહા ગામની રહેવાસી હતી. તેમના લગ્ન ફતેહપુરમાં થયા હતાં. લગ્ન પછી પણ તેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી રહેતી હતી. કહેવાય છે ને મુશ્કેલીઓ હંમેશાં બધી બાજુથી એકસાથે જ આવે છે. આજથી ચાર વર્ષ પહેલા ગુડિયાના પતિનું મૃત્યુ થઇ ગયું. પતિના મૃત્યુ બાદ બે બાળકો સાથે સાસરીમાં રહેવું ગુડિયા માટે ઘણુ મુશ્કેલ બની ગયું હતું. આવા સંજોગોમાં પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે ગુડિયા સાસરી છોડી પોતાના પિયરમાં આવી ગઇ. ત્યારબાદ તેઓએ પગભર બનવાનું નક્કી કર્યું. ગુડિયાએ ઘરની બહાર પગ મુક્યો અને સામાજિક સંસ્થા શ્રમિક ભારતીની સાથે જોડાઇ ગઈ. આ સંસ્થા કેન્દ્ર સરકારની એક યોજના અંગર્તગ ગામડાઓમાં સોલર લાઇટનો કાર્યક્રમ ચલાવતી હતી.

image


પોતાના શરૂઆતના દિવસો યાદ કરતા...

ગુડિયાએ યોરસ્ટોરી સાથે વાત કરતા જણાવ્યું,

"હું પહેલાં શ્રમિક ભારતી સંસ્થામાં જોડાઈ, ત્યારબાદ સોલર લાઇટ લગાવવાના કાર્યક્રમમાં જોડાઇ ગઇ. આજે હું સોલર લાઇટ સાથે સંકળાયેલા દરેક પ્રકારના કામ કરી લઉં છું."

ગુડિયાએ ગામડે ગામડે ફરીને સોલર લાઇટ, સોલર ગેસ, સોલર પંખા લગાવવાનું કામ શરૂ કરી દીધું. ચાર વર્ષની મહેનતના પરિણામે આજે ગામડાના લોકો ગુડિયાને સોલર દીદીના નામે ઓળખે છે, અને તે જ નામે તેને બોલાવે છે. ગુડિયા જણાવે છે,

"શરૂઆતમાં જ્યારે લોકો મને સોલર દીદી કહીને બોલાવતા ત્યારે મને થોડું અજુગતું લાગતું હતું, પરંતુ ધીમે-ધીમે મને પણ આ નામ ગમવા લાગ્યું."

સોલર દીદી મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે. આજ કારણે વિધાનુ વિસ્તારના દરેક ગામડાં જેવા કે બનપુરા, કઠારા, ઉજિયારા, તિવારીપુર જેવા અનેક ગામોમાં સોલર મિકેનિક તરીકે માત્ર અને માત્ર સોલર દીદીનું જ નામ ચાલે છે.

image


ગામડામાં રહેતી મહિલા ભારતી જણાવે છે કે, ગામડામાં સોલર લાઇટ, પંખા કે અન્ય કોઇ પણ સોલરથી ચાલતી વસ્તુ ખરાબ થાય તો સોલર દીદીને જ ફોન કરવામાં આવે છે. સોલર દીદી તેમની બેગમાં સોલર ઉપકરણો લઇને તેમના સ્કૂટી પર દોડતા આવી જાય છે.

કહેવાય છે કે એક એવો સમય આવે જ છે જ્યારે જિંદગી તમને નવો રસ્તો બતાવે. જો સામેવાળી વ્યક્તિ તે સમયના સંકેતને સમજી શકે તો તેની પરિસ્થિતિ બદલી શકે તેમ હોય છે. સોલર દીદી કહે છે,

"મેં જે રસ્તો પસંદ કર્યો છે તે રસ્તા પર મહેનત તો ઘણી છે પરંતુ આત્મનિર્ભર થવાની ખુશી પણ ઘણી છે. એક સમય હતો જ્યારે મને એવું લાગતું હતું કે જિંદગીમાં આગળ હવે શું થશે...પરંતુ દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય છે જ, બસ તમને તેમાંથી નીકળતા આવડવું જોઇએ."

image


ગામોમાં રહેતા લોકો કહે છે કે સોલરથી ચાલતી દરેક મુશ્કેલીઓનું સમાધાન છે સોલર દીદી...

પોતાના બળ પર એક સાથે ડઝન જેટલા ગામડામાં કામ કરવું તે કોઇ મુશ્કેલ પહાડ પાર કરવા જેવું છે. શહેરી વિસ્તારમાં ગમે તેટલી સુવિધાઓ હોય પરંતુ તમે ક્યારેય કોઇ મહિલા ઇલેક્ટ્રિશિયનને નહીં જોઇ હોય, જે લોકોના ઘરે ઘરે જઇને વિજળી અથવા સોલર સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરતી હોય. સોલર દીદીની આ મહેનત અને લગનને યોરસ્ટોરી દિલથી સલામ કરે છે.


લેખક- વિજય પ્રતાપ સિંઘ

અનુવાદક- શેફાલી કે. કલેર