તારા પાટકર પત્રકારત્વ છોડીને રોટી બેંક દ્વારા ભુખ્યાને ભોજન કરાવે છે!

તારા પાટકર પત્રકારત્વ છોડીને રોટી બેંક દ્વારા ભુખ્યાને ભોજન કરાવે છે!

Thursday May 19, 2016,

5 min Read

દેશ અને દુનિયામાં ભુખમરાની સમસ્યા પર નોબેલ પારિતોષક વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું હતું કે,

"લોકો દુનિયામાં ભુખમરાથી એટલે નથી મરી રહ્યા કે દુનિયામાં અનાજની અછત છે પણ ભૂખમરાની સમસ્યા એટલા માટે છે કે અનાજનું વિતરણ અયોગ્ય રીતે થાય છે અને તેનાથી વૈશ્વિક સંકટ ઊભું થયું છે. તેને દૂર કરીને ધરતી પરથી ભુખમરાની સમસ્યાને દૂર કરી શકાય છે."

સેનની આ વાત વર્ષો પછી પણ આ સમસ્યાને કાબૂમાં કરી શકાય તેમ નથી. ભુખમરો સામનો કરવાના તમામ સરકારી પ્રયાસો અને યોજનાઓ અયોગ્ય પૂરવાર થઈ રહી છે. દેશ અને દુનિયામાં આજે પણ ઘણા લોકો ભુખમરાથી મૃત્યુ પામે છે. સંયુક્ત રાષ્ટ્રોના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર સંગઠનના વર્ષ 2015ના અહેવાલ પ્રમાણે વિશ્વની કુલ વસતીના 11 ટકા લોકો આજે પણ ભુખમરો વેઠી રહ્યા છે. ભુખ્યાને ભોજન પહોંચાડવું સરકાર માટે મોટી સમસ્યા છે. બીજી તરફ રસપ્રદ અને સંતોષજનક વાત એ છે કે ખાનગી રીતે એક વ્યક્તિ દ્વારા ભુખમરાને દૂર કરવાની પહેલ સમગ્ર દેશમાં આકાર લઈ રહી છે. ભુખથી આઝાદી અપાવવા સામૂહિક જવાબદારીથી બુંદેલખંડના મહોબા જિલ્લામાં શરૂ થયેલી રોટી બેંકની અવધારણા સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. પત્રકાર અને સામાજિક કાર્યકર્તા તારા પાટકર દ્વારા વર્ષ પહેલાં શરૂ કરાયેલી રોટી બેંકથી પ્રેરણા લઈને વર્તમાનમાં દેશભરમાં 100થી વધુ રોટી બેંક ખુલી ગઈ છે. લોકો સામૂહિક રીતે પોતાના ઘરેથી રોટી દાન કરીને ભુખ્યાનું પેટ ભરવા આગળ આવે છે. જે લોકો બે ટંકનું ભોજન નથી મેળવી શકતા તેમના માટે સમાજના સક્ષમ લોકોએ આગળ આવવું પડશે. પાટકરે રોટી બેંકનું અભિયાન ચલાવવા ઉપરાંત ઘણા સફળ આંદોલનોનું સંચાલન પણ કર્યું છે. પર્યાવરણ સંરક્ષણ મુદ્દો હોય કે પછી બુંદેલખંડના ખેડૂતો માટે આગળ આવવાની વાત હોય, તે હંમેશા પ્રજાનો અવાજ બન્યા છે.

image


46 વર્ષીય તારા પાટકર યુપી અને મધ્યપ્રદેશના બુંદેલખંડના મહોબામાં જન્મ્યા હતા. પત્રકારત્વ અને સમાજ સેવાના ધ્યેયને કારણે તેમણે લગ્ન નથી કર્યા. તારા પાટકર જણાવે છે,

"આ દિશામાં વિચારવાનો ક્યારેય અવસર પ્રાપ્ત નથી થયો. લગભગ 20 વર્ષ સુધી સક્રિય રીતે પત્રકારત્વમાં કામ કર્યા પછી તેઓ સમાજસેવાના ક્ષેત્રમાં આવ્યા. 2014ની લોકસભામાં તેમણે સ્વરાજ પાર્ટીની ટિકિટ પર લખનઉ બેઠકેથી ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં તેઓ વિજયથી જોજનો દૂર હતા છતાં તેમને એક વાતનો સંતોષ હતો કે તેઓ 12મા સ્થાને આવ્યા હતા અને તેમના પછી પણ 17 ઉમેદવારો હતા. પાટરકની ભુખ્યા પ્રત્યેની સંવેદના ઉંડી છે."

તેઓ વધુ જણાવે છે,

"હું ઘણી વખત રસ્તા, ચારરસ્તા, બજારમાં ફરનારા અનાથ લોકો અંગે વિચારું છું કે તેઓ ભોજન કેવી રીતે લેતા હશે. રોજ રોજ કોણ તેમને મફતમાં ખાવાનું આપતું હશે. આવા લોકોના ભોજન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ."
image


મહોબામાં શરૂ કરી પહેલી રોટી બેંક

તારા પાટકરે 15 એપ્રિલ 2015ના રોજ મહોબા જિલ્લાના મુખ્યાલય ખાતે પહેલી વખત રોટી બેંકની શરૂઆત કરી. તેના માટે તેમણે 10 લોકોની ટીમ પણ બનાવી. આ લોકો પોતાના ઘરેથી બે-બે રોટલી અને શાક લઈને એક સ્થળે ભેગા થતાં અને ભુખ્યા લોકોને ભોજન આપવામાં આવતું. ત્રણ મહિનામાં શહેરના લગભગ 500 ઘરેથી ભોજન આવવા લાગ્યું. લોકો સ્વેચ્છાએ ખાવાનું દાન કરીને મદદ કરે છે. હવે શહેરમાં અનેક જગ્યાએ તેના કાઉન્ટર છે જ્યાં ભુખ્યાને મફતમાં ભોજન કરાવવામાં આવે છે. અહીંયા બે શિફ્ટમાં ખાવાનું આપવામાં આવે છે, સવારે 7 થી 10 અને સાંજે 7 થી 12. ખાસ વાત એ છે કે અહીંયા કોઈને વાસી ખાવાનું આપવામાં આવતું નથી. સવારે અને રાત્રે જે ભોજન વધે તે ગાયો અને અન્ય પશુઓને ખવડાવી દેવાય છે. રોટી બેંકના સંચાલક તારા પાટકર જણાવે છે,

"મેં હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. તેના પર ફોન કરીને ભુખ્યાને ભોજન પૂરું પાડવામાં આવે છે. ભવિષ્યમાં મારી યોજના આ રોટી બેંકના કોન્સેપ્ટને ગામડાં સુધી પહોંચાડવાનો છે, જેથી ગામડાંમાં પણ લોકો ભુખ્યા ન રહે. રસપ્રદ વાત એ છે કે, મહોબાથી શરૂ થયેલો રોટી બેંકનો વિચાર હવે દેશના ઘણાં ભાગમાં પહોંચી ગયો છે."

મહોબા બાદ ઈન્દોર, છત્તરપુર, લલિતપુર, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ, આગરા, હમરીપુર, ઔરઈ, હજારીબાગ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રોટી બેંક ખોલવામાં આવી છે. તારા પાટકર કહે છે,

"દેશ અને દુનિયાભરના ઘરમાં રોજ એટલું ખાવાનું બરબાદ થાય છે જેનાથી દુનિયાભરના ભુખ્યા લોકોને ભોજન કરાવી શકાય. મહાનગરોમાં મોટી મોટી ફાઈવસ્ટાર હોટેલમાં રોજ હજારો લોકો ખાવાનું ફેંકી દે છે અથવા બગાડ કરે છે જ્યારે બીજી તરફ તે જ શહેરોમાં ગરીબો ભુખ્યા સુઈ જાય છે. આપણે ખોરાકના બગાડ અને ભુખ્યા લોકો વચ્ચેના આ આંતરને ઓછું કરવાની જરૂર છે. સરકારી ગોડાઉનમાં વર્ષે લાખો ટન અનાજ સડી જાય છે જેને આપણે પહેલાં જ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવું પડશે. સામાજિક સ્તરે પ્રયાસ કરવામાં આવશે ત્યારે જ આ બધું શક્ય બનશે."
image


પર્યાવરણના સંરક્ષણ માટે લખનઉમાં બનાવાયો સાઈકલ ટ્રેક

તારા પાટકર આજે પણ સાઈકલ ચલાવેછે અને ચપ્પલ નથી પહેરતા. સાઈકલ પર ફરીને એક તરફ લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવે છે ત્યાં તેમણે અત્યાર સુધી ચપ્પલ નહીં પહેરવાનો સંકલ્પ લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે સરકાર બુંદેલખંડમાં એક એઈમ્સની સ્થાપનાને મંજૂરી નહીં આપે ત્યાં સુધી તેઓ ચંપલ નહીં પહેરે. પાટકર પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંરક્ષણ માટે રોજિંદા જીવનમાં સાઈકલ ચલાવવાને પ્રોત્સાહન આપે છે. લખનઉ પ્રવાસ દરમિયાન તેમણે આ અભિયાન ઉપાડ્યું હતું. તેમના પ્રયાસોના પરિણામે જ લખનઉના મુખ્ય માર્ગો પર સરકારે સાઈકલ ટ્રેકનું નિર્માણ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં પહેલાં સાઈકલ પર વધારે વેટ લાગુ કરવામાં આવ્યો હતો. તેમના આંદોલન અને માગણીના કારણે સરકારે સાઈકલ ખરીદી પરને વેટ ઓછો કરી દીધો હતો.

image


લેખક- હુસૈન તબિશ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો