‘સુખ તમારી અંદર જ છે, તેને બહાર ન શોધો!’ HIV+ જ્યોતિ ધાવલેનો જીવનમંત્ર

 ‘સુખ તમારી અંદર જ છે, તેને બહાર ન શોધો!’ HIV+  જ્યોતિ ધાવલેનો જીવનમંત્ર

Tuesday January 26, 2016,

8 min Read

વર્ષ 2004થી 2006 વચ્ચે જ્યોતિ ધાવલેએ ત્રણ ગર્ભપાત કરાવ્યા હતા. જ્યારે તે વર્ષ 2006માં ચોથી વખત ગર્ભપાત કરાવવા અલગ હોસ્પિટલમાં ગઈ ત્યારે તેને ગર્ભપાત કરાવવાની શરમ સાથે મોટો આંચકો લાગ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે એચઆઇવી પોઝિટિવ છે.

image


જ્યોતિ બાળપણથી જ દુઃખી હતી અને તેના પ્રથમ લગ્ન તેના માટે દુઃસ્વપ્ન પુરવાર થયા હતા. જ્યોતિના પિતા એરફોર્સમાં અધિકારી હતા. બાળપણમાં જ તેમના માતાપિતા છૂટા પડી ગયા હતા. પછી તેમના પિતાએ બીજા લગ્ન કર્યા અને જ્યોતિનો ઉછેર સાવકી માતાએ કર્યો હતો. તેઓ બાળપણમાં સાવકી માતા પાસેથી પ્રેમ અને કરૂણા ઝંખતા હતા, પણ સાવકી માતાએ તેમને ધિક્કાર અને અન્યાય સિવાય કશું જ આપ્યું નહોતું. તેમના પિતા બધું જાણતા હતા, જ્યોતિને ખૂબ પ્રેમ કરતાં હતાં, પણ તેમની બીજી પત્ની પાસે લાચાર હતા. જ્યોતિને સાવકી માતા એક રૂમમાં પૂરી દેતી હતી અને ભૂખી રાખતી હતી.

અધૂરામાં પૂરું જ્યોતિ બાયલેટર સેન્સોન્યૂરલ હિઅરિંગ લોસ (કાનની અંદર નુકસાન થવાથી સાંભળી ન શકવાની બિમારી)થી પીડાતા હતા. તે આ વિશે સમજાવે છે,

"હું ફક્ત 80 ડેસિબલ અને તેનાથી વધારે તીવ્રતાવાળો અવાજ જ સાંભળી શકતી નથી. રેલવે એન્જિન પસાર થાય તેટલો મોટો અવાજ જ મને સંભળતા હતો. મોટા ભાગે હું હોંઠના ફફડાટ પરથી સામેની વ્યક્તિ શું કહેવા માંગે છે તે સમજી જતી. નહીં તો મારે સંપૂર્ણપણે લેખિત શબ્દો પર જ આધાર રાખવો પડે છે. વળી હું સી, એક્સ અને એસ જેવા અક્ષરોનું ઉચ્ચારણ પણ કરી શકતી નથી. મારે તમને કહેવું છે કે જે લોકો સાંભળી શકતા નથી તેમને કેટલાંક અક્ષરો ઉચ્ચારવામાં મુશ્કેલી પડે જ છે."

તેના પિતા જ્યોતિને કહેતા હતા કે, તે ત્રણ વર્ષની હતી ત્યારે તેમના બાઇકનું ટાયર ફાટતા તે પડી ગઈ હતી એટલે કાનને નુકસાન થયું હતું. પણ મેડિકલ સાયન્સ શારીરિક સતામણીના કારણે કાનને નુકસાન થાય છે તેવું માને છે. જ્યોતિ પરોક્ષ રીતે તેની સાવકી માતાના મારને કારણે જ કાનને નુકસાન થયું હોવાનો ઇશારો કરે છે. મોટી થઈને જ્યોતિ તેના પિતાની જેમ ફાઇટર પાયલોટ બનવા ઇચ્છતી હતી. પણ સાંભળી ન શકવાથી તેનું આ સ્વપ્ન પૂર્ણ ન થયું. તેઓ નવમા ધોરણમાં હતાં ત્યારે તેમને જન્મ આપનાર માતાનું તેમના જીવનમાં પુનરાગમન થયું હતું. પણ આ મિલન જ્યોતિને પીડા અને વેદનામાંથી બહાર કાઢી શક્યું નહોતું. તેઓ આ વિશે વધુ કશું કહેવાનો ઇનકાર કરે છે.

જ્યોતિએ આ તમામ સ્થિતિ સંજોગો વચ્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાંથી હાઇ સ્કૂલનું શિક્ષણ પૂર્ણ ક્યું હતું. પણ કોલેજમાં અભ્યાસ કરવા જઈ શક્યાં નહોતા. આ દરમિયાન તેમના પહેલા પતિનું તેમના જીવનમાં આગમન થયું હતું. પ્રેમ અને હૂંફ માટે તરસતા જ્યોતિ પહેલી નજરે જ પ્રેમમાં પડી ગયા હતા. આ વિશે તેઓ કહે છે કે, 

"અમે લવ મેરેજ કર્યા હતા. મારું જીવન નરક સમાન હતું અને પહેલી વાર મને પ્રેમ મળ્યો હતો. જેમ નદી દરિયાને મળવા દોટ મૂકે છે, તેમ મેં પણ વર્ષોની નફરત અને યાતનામાંથી છૂટવા મારા ભૂતપૂર્વ પતિ તરફ દોટ મૂકી હતી. મારા જીવનમાં એકાએક વસંત પ્રગટી હતી. થોડા જ સમયમાં હું પ્રેગનન્ટ થઈ. મને આજે પણ યાદ છે કે હું દોડીને હોમ પ્રેગનન્સી ટેસ્ટ કિટ ખરીદવા સ્ટોર પર ગઈ હતી. હું મમ્મી બનીશ, મારું પોતાનું બાળક હશે એ વિચાર જ દુનિયાની કોઈ પણ સ્ત્રીને રોમાંચિત કરી દે છે. પણ મારો એ રોમાંચ, મારા જીવનમાં ખુશીઓની એ વસંત બહુ લાંબું ન ટકી. મારા ભૂતપૂર્વ પતિએ દબાણ કરીને ગર્ભપાત કરાવી દીધું."
image


જ્યોતિ માટે આટલું જ પૂરતું નહોતું. તેના ભૂતપૂર્વ પતિનો અસલી ચહેરો ધીમે ધીમે તેની સામે ખુલતો ગયો. તેનો પતિ જ્યોતિ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો અને ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરતો નહોતો. તે જ્યોતિને ગર્ભનિરોધક ગોળી લેવા આગ્રહ કરતો હતો. આ અનુભવ વિશે તેઓ કહે છે કે, “કોન્ટ્રાસેપ્ટિવ પીલ લીધા પછી 10થી 15 મિનિટ વેઇટિંગ પીરિયડ હોય છે. પણ મારા પતિ રાહ જોવા તૈયાર નહોતા અને બળજબરીપૂર્વક મારી સાથે સંબંધ બાંધતા હતા.”

એટલે જ્યોતિને પછી ફરી બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. જ્યારે તે ચોથી વખત ગર્ભપાત કરાવવા ગયા ત્યારે તેમને જીવનનો વધુ એક મોટો આંચકો લાગ્યો. ડૉક્ટરે બ્લડ ટેસ્ટ કર્યા ત્યારે જ્યોતિને એચઆઇવી પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી. તેમના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હતો અને આ જાણકારી મળતાં જ તેઓ વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. તે સમજી શક્યાં નહોતા કે તેઓ એચઆઇવી પોઝિટિવ કેવી રીતે હોઈ શકે?

ડૉક્ટરે તેમને સમજાવ્યા હતા કે તેમણે અગાઉ ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો, ત્યારે તેમને લોહી ચઢાવવું પડ્યું હતું. આ દરમિયાન કોઈ એક હોસ્પિટલે તેમને અજાણતા એચઆઇવી પોઝિટિવ લોહી આપી દીધું હશે. જ્યોતિએ અગાઉની ત્રણ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટનો નાશ કર્યો હોવાથી કઈ હોસ્પિટલમાં ચઢાવવામાં આવેલું લોહી એચઆઇવી પોઝિટવ હતું તેની જાણકારી મળી નહોતી. અગાઉના ત્રણ ગર્ભપાતની જેમ ચોથી વખત પણ તેમના પતિએ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું. પણ આ વખતે જ્યોતિ મકક્મ હતાં. તેમણે ગર્ભપાત કરાવવાનો ઇનકાર કરી દીધો. એટલે તેમના પતિએ છૂટાછેડા લઈ લીધા. નસીબજોગે તેમણે એચઆઇવી નેગેટિવ પુત્રને જન્મ આપ્યો. તેમના જીવનનો આ સૌથી કપરો કાળ હતો.

આ વિશે તેઓ કહે છે,

"એક તરફ હું એચઆઇવી પોઝિટિવ હોવાના સમાચાર મળતા ચિંતિત હતી. બીજી તરફ મારા પતિએ મારી પાસેથી છૂટાછેડા માગ્યા હતા. તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધો હતા. મારે ઝડપથી પગભર થવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં મેં નોકરી શોધવાની શરૂઆત કરી હતી. હું કોઈ પણ ભોગે લગ્નજીવન ટકાવવા ઇચ્છતી હતી, પણ મારી નોકરાણીએ મને જાણકારી આપી હતી કે મારા પતિ મારી પીઠ પાછળ તેમની ગર્લફ્રેન્ડને ઘરે લાવે છે. પછી મેં સ્વીકાર કરી લીધો હતો કે હવે અમારા સંબંધો સામાન્ય થઈ શકે તેવી કોઈ શક્યતા નથી."

અધૂરામાં પૂરું તેના પતિએ તેમના પુત્રની કસ્ટડી પણ લઈ લીધી છે. આ જ વાતનું જ્યોતિને સૌથી વધુ દુઃખ છે. જ્યોતએ પોતે સાવકી માતાનો ત્રાસ વેઠ્યો છે અને તેને ડર છે કે તેના પુત્રને પણ આવી જ પીડામાંથી પસાર થવું પડશે. તે કહે છે,

"છૂટાછેડાના કરારમાં જે કંઈ લખાણ છે તેમાં મારી કોઈ સંમતિ નથી. હકીકતમાં જજની ફરજ હતી કે પતિ અને પત્ની બંનેને બોલાવે તેમજ બંનેની વાત સાંભળે. પણ મારા કેસમાં એવું બન્યું નથી. મને ક્યારેય કોર્ટમાં બોલાવવામાં આવી નહોતી. મારી પાસેથી બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી હતી. મારે સારા વકીલની જરૂર છે, જે મારા માટે કેસ લડી શકે અને મને આ લડાઈમાં સાથ આપી શકે."

જ્યોતિ તેના હાલના પતિને ઑનલાઇન ચેટરૂમમાં મળી હતી, જે એચઆઇવી નેગેટિવ પાર્ટનર છે. તે જ્યોતિનો ચેટ ફ્રેન્ડ હતો અને તેણે એક નહીં, બે નહીં, પણ પાંચથી છ વખત જ્યોતિને રિક્વેસ્ટ મોકલી હતી. તે એ સમયે આઇટી કંપનીમાં નોકરી કરતી હતી. તેમની વચ્ચે છ મહિના સુધી ઑનલાઇન ચેટિંગ ચાલ્યું હતું. પછી શું બન્યું તે વિશે જ્યોતિ કહે છે, "પછી 28મી જૂન, 2011ના રોજ મારા પિતાનું અવસાન થયું હતું. હું તેમના અંતિમ દર્શન કરવા માંગતી હતી, પણ મારી સાવકી માતાએ મને તેની છૂટ ન આપી. મારા પિતા મારા માટે સર્વસ્વ હતા. હું સાવ ભાંગી ગઈ હતી. તે સમયે મારા નવા મિત્ર વિવેકે મને સહારા આપ્યો હતો."

image


ત્યારબાદ બંને વચ્ચે મુલાકાતો વધતી ગઈ. વિવેકે જ્યોતિ સાથે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી. પણ વિવેકના માતાપિતા તેમનો પુત્ર એચઆઇવી પોઝિટવ પાર્ટનર સાથે લગ્ન કરે તેવું ઇચ્છતાં નહોતા. પણ જ્યારે તેમણે જાણકારી મળી કે એચઆઇવી એક બિમારીથી વિશેષ કશું નથી અને સારવાર દ્વારા તેને નિયંત્રિત કરી શકાશે, ત્યારે તેણે જ્યોતિનો પુત્રવધુ તરીકે સ્વીકાર કરી લીધો હતો. આ લગ્ન પછી જ્યોતિની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જીવનમાં તેને પહેલી વખત પ્રેમ અને સ્વીકાર મળ્યો. જ્યોતિને જીવન પહેલી વખત જીવવા જેવું લાગ્યું.

જ્યોતિ તેમના હાલના પતિ વિવેક સુર્વે સાથે

જ્યોતિ તેમના હાલના પતિ વિવેક સુર્વે સાથે


જ્યોતિ કહે છે કે તેના જીવનમાં પીડા અને દુઃખે બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખતા શીખવ્યું હતું, પણ વિવેક સાથે લગ્ન કરવાથી કરુણાની કિંમત સમજાઈ છે. તે કહે છે કે, “વિવેક મારા જીવનનું સર્વસ્વ છે. તેની સાથે મારા લગ્ન મારા જીવનની સૌથી સારી ઘટના છે. તેની પાસેથી મને શીખવા મળ્યું છે કે – પ્રેમ વ્યક્તિને કશું આપતાં શીખવે છે. વિવેક સાથેના લગ્ન પછી મારામાં પરિપક્વતા આવી છે. મારા બીજા લગ્ન પછી મારા જીવનની દિશા બદલાઈ ગઈ છે અને અત્યારે તમારી સાથે જે જ્યોતિ વાત કરે છે તે વિવેક સાથેના લગ્નની ફળશ્રુતિ છે. મારે એચઆઇવી/એઇડ્સ સાથે જીવતા લોકોના જીવનને વધુ સારું બનાવવું હતું. અત્યારે મારું સ્વપ્ન ખરેખર સાકાર થયું છે.”

જ્યોતિને વ્યાવસાયિક ક્ષેત્રે પણ સફળતા મળી છે. અત્યારે તે બ્લેક સ્વાન એન્ટરટેઇન્મેન્ટમાં ક્રિએટિવ મેનેજર અને સોશિયલમ મીડિયા અને પબ્લિક રિલેશન્સ હેડ છે, જ્યાં તે અને તેમની ટીમ દૂરદર્શન પર પ્રસારિત થતા કાર્યક્રમ ‘સ્ત્રી શક્તિ’ માટે મહિલા સશક્તિકરણની વાસ્તવિક સ્ટોરી બનાવે છે. તે એચઆઇવી અને એઇડ્સ દર્દીઓના અધિકારો માટે સક્રિય છે. તે ઘણા સંસ્થાઓની એમ્બેસેડર છે અને ઘણી સંસ્થાઓ તેને સાથસહકાર આપે છે. તાજેતરમાં પાકિસ્તાનની સંસ્થા બીદારે એચઆઇવીના દર્દીઓનું જીવન સુધારવાના કામમાં સહકાર આપવાની તૈયારી દાખવી છે. તેનું માનવું છે કે તેની સિદ્ધિ કરતાં તે સરળતાથી સારાં કામ માટે સુલભ હોવામાં છે. તે કહે છે,

"મને લોકો સાથે જોડાવાનું પસંદ છે. એક સમયે હું પ્રેમ અને સારસંભાળ ઝંખતી હતી. હું જાણું છું એકલવાયું જીવન જીવતી વ્યક્તિ પીડિત હોય છે. એટલે જ હું આ કામ કરું છું. હું લોકોને મળીને તેમને પ્રેમ અને સહાનુભૂતિ આપું છું. દુનિયામાં ઘણા લોકોને પ્રેમ માટે તરસતાં હોય છે!"
image


જ્યોતિને સુખનો સાચો અર્થ સમજાવતા કહે છે,

"સુખ, ખુશી કે આનંદ તમારી અંદર જ રહેલું છે. તમને બીજા પાસેથી સાચું સુખ, સાચી ખુશી કે આનંદ મળવાનો નથી. જો તમારે સુખી થવું હોય તો તમને જે ગમે તે કરો. સ્થિતિસંજોગોને વશ ન થઈ જાવ, પણ પડકારોને ઝીલો. જો તમે સ્થિતિને વશ થઈ જશો, તો તેની અસર તમારા જીવન પર થશે. બીજું, તમને જે લોકો પ્રેરિત કરતાં હોય તેમના જીવનને અનુસરો."

જ્યોતિ મધર ટેરેસા અને પ્રિન્સ ડાયનાને પોતાનો આદર્શ માને છે. તે કહે છે, "મધર ટેરેસાએ નિઃસ્વાર્થ પ્રેમ કરતાં શીખવે છે અને ડાયનાના જીવનમાંથી નિઃસ્વાર્થપણે દાન કરવાની વૃત્તિ અનુસરવા જેવી છે." જ્યોતિ પોતાની રીતે દુનિયામાં પ્રેમનો દીપ પ્રકટાવી રહ્યાં છે.


લેખક- રાખી ચક્રવતી

અનુવાદક- કેયૂર કોટક